Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાર્કિંગ વિવાદમાં વકીલ અને તેના ભાઈ પર ભૂ-માફિયાઓનો જીવલેણ હુમલો:આરોપીઓ નેતાઓ અને લિંબાયત પોલીસમાં ધાક ધરાવે છે, પીડિત પરિવારનો ગંભીર આક્ષેપ

    9 hours ago

    શહેરના લિંબાયત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સવાલ ઉભા કરતો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં સ્થાનિક ભૂ-માફિયાઓ દ્વારા એક વકીલ અને તેમના ભાઈ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ મામલો સામાન્ય ગાડી પાર્કિંગના વિવાદથી શરૂ થયો હોવાનું જણાય છે, પરંતુ હોસ્પિટલના બિછાનેથી પીડિત વકીલના ભાઈએ કરેલા આક્ષેપો અત્યંત ગંભીર છે. પીડિત વકીલ અને તેમના ભાઈએ ખુલ્લો આક્ષેપ કર્યો છે કે, હુમલો કરનારા તત્વો સ્થાનિક લિંબાયત પોલીસ મથકના કેટલાક પોલીસ કર્મચારીઓ તેમજ મોટા રાજકીય નેતાઓના સીધા સંપર્કમાં છે. આ મજબૂત પોલીસ અને નેતા કનેક્શનના કારણે જ આ ગુનાહિત તત્વોની હિંમત એટલી વધી ગઈ છે કે તેમણે ધોળા દિવસે કાયદાના રક્ષક ગણાતા એડવોકેટ પર હુમલો કરતા પણ અચકાયા નથી. સમગ્ર કેસમાં લિંબાયત પોલીસે ફરિયાદ દાખલ કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, લિંબાયત વિસ્તારમાં રહેતા એડવોકેટ અલ્તાફ ભરૂચી અને તેમના ભાઈ પટેલ મકસુદ યાકુબભાઈ પર પાડોશમાં જ રહેતા ગુનાહિત માનસ ધરાવતા ઈમરાન મન્સૂરી, અફઝલ, અનવર અને તેમની સાથે આવેલી 3 મહિલાઓ સહિતના ટોળાએ ઘાતક હુમલો કર્યો હતો. ગાડી પાર્કિંગ જેવી સામાન્ય બાબતને લઈને શરૂ થયેલી બોલાચાલી જોતજોતામાં હિંસક સ્વરૂપમાં ફેરવાઈ ગઈ હતી. હુમલાખોરોએ વકીલ અને તેમના ભાઈને ટાર્ગેટ કરીને માથા તેમજ આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હુમલામાં એડવોકેટ અલ્તાફ ભરૂચીની આંખ ઉપર અત્યંત ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે તેમના ભાઈ મકસુદભાઈના માથામાં ઈંટનો કટકો મારીને ગંભીર ઈજા પહોંચાડવામાં આવી છે. હાલમાં બંને ભાઈઓ સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે લોહીલુહાણ હાલતમાં સારવાર હેઠળ છે. 72 વર્ષના વૃદ્ધાને ઘરમાં ઘૂસીને અપાયેલી ધમકી આ હિંસક ઘટનાની શરૂઆત કઈ રીતે થઈ તે અંગે પીડિત મકસુદભાઈએ હોસ્પિટલમાંથી જણાવ્યું હતું કે, "ગઈકાલે બપોરે આશરે 12 વાગ્યાની આસપાસ હું મારા કામ અર્થે બહાર ગયો હતો અને મારો ભાઈ અલ્તાફ પણ તેની એડવોકેટની ઓફિસે હાજર હતો. તે સમયે અમારા ઘરના આંગણે આરોપીઓ અફઝલ, ઈમરાન અને અનવર તેમના ઘરની 3 મહિલાઓ સાથે ધસી આવ્યા હતા. ઘરમાં માત્ર મારી 72 વર્ષની મોટી ઉંમરના માતા એકલા જ હાજર હતા. આ ટોળાએ ઘરમાં ઘૂસીને મારી માતા સાથે અત્યંત અભદ્ર ભાષામાં રાડાગારોડ અને ગાળાગાળી કરવાનું શરૂ કર્યું હતું. તેમણે મારી માતા પર દબાણ લાવતા ધમકી આપી હતી કે, તમારા છોકરાની જે ગાડી બહાર પાર્ક કરેલી છે, તેને હમણાં ને હમણાં અહીંથી હટાવી લો, નહિતર અમે તમારું બહુ જ મોટું આર્થિક અને શારીરિક નુકસાન કરીશું." પાર્કિંગ પાછળનું સાચું કારણ અને મજૂરોની વાત ગાડી હટાવવા પાછળના રહસ્ય અંગે વાત કરતા મકસૂદભાઈએ ઉમેર્યું કે, "વાસ્તવમાં ત્યાં એક દીવાલ તોડવાનું કામ ચાલતું હોવાથી ત્યાં કામ કરતા મજૂરોએ જ મારી માતાને કીધું હતું કે, માજી અહીં દીવાલ પડવાની હોવાથી ગાડી થોડી વાર હટાવી લો નહિતર ગાડીને નુકસાન થશે. મજૂરોના કહેવાથી જ મારા ભાઈએ ગાડી ત્યાંથી હટાવીને બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં મૂકી હતી, જ્યાં મોહલ્લાના તમામ પ્લોટ હોલ્ડરો અને ભાડૂતો વર્ષોથી પોતાના વાહનો પાર્ક કરે છે. પરંતુ આરોપીઓ કોઈ પણ બહાને અમારી સાથે ઝઘડો કરવા માંગતા હોવાથી તેઓ પાર્કિંગનો મુદ્દો ઉછાળીને મારી માતાને ધમકાવવા આવ્યા હતા અને સંદેશો આપ્યો હતો કે તમારા દીકરાને કહી દો કે અહીંથી કાયમ માટે ગાડી હટાવી લે." વકીલ ભાઈ પર જીવલેણ હુમલાની આપવીતી જ્યારે મકસુદભાઈ કામ પતાવીને પોતાના ઘરે પરત ફર્યા, ત્યારે તેમણે જોયું કે આરોપીઓ તેમની માતા સાથે ઉગ્ર ઝઘડો કરી રહ્યા હતા. મકસુદભાઈએ વચ્ચે પડીને ઈમરાન, અફઝલ અને અનવરને માત્ર એટલો જ સવાલ પૂછ્યો કે, "ભાઈ, શું થયું છે? કેમ ઝઘડો કરો છો?" આટલું સાંભળતા જ આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે કોઈ પણ પ્રકારની વાતચીત કર્યા વિના અથવા શબ્દો બોલ્યા વિના, ત્યાં જમીન પર પડેલી ઈંટોમાંથી એક મોટો ઈંટનો ટુકડો ઉપાડીને સીધો મકસુદભાઈના માથાના ભાગે જીવલેણ ફટકો મારી દીધો હતો. આ હુમલાના કારણે મકસુદભાઈના માથામાંથી લોહીની ધારાઓ વહેવા લાગી હતી. ત્યારબાદ વકીલ ભાઈ અલ્તાફ વચ્ચે પડતા તેમના પર પણ તૂટી પડ્યા હતા અને તેમની આંખ પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જમીનનો વિવાદ, કેસ અને વકીલાત છોડવા દબાણ આ હુમલો માત્ર પાર્કિંગનો વિવાદ નથી પરંતુ તેની પાછળ લાંબા સમયથી ચાલતું કાનૂની વૈમનસ્ય જવાબદાર હોવાનો વકીલ પરિવારે આક્ષેપ કર્યો છે. મકસુદભાઈના જણાવ્યા મુજબ, "અમારા મોહલ્લામાં આવેલી રોડ-રસ્તાની સરકારી અને ખુલ્લી જમીન પર આ ભૂ-માફિયાઓ ગેરકાયદેસર કબ્જો જમાવવાની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. આ સરકારી જમીન પચાવી પાડવાના વિરોધમાં અમારો કોર્ટમાં કાનૂની દાવો ચાલી રહ્યો છે, અને મારો ભાઈ અલ્તાફ પોતે આ કેસમાં વકીલ તરીકે લડી રહ્યો છે. આ ભૂ-માફિયાઓ અમને કેસમાંથી પાછા હટાવવા માટે લાંબા સમયથી પ્રયત્નશીલ હતા. તેમણે અગાઉ મારા ભાઈને ઘણીવાર મોટી રકમની અને પાર્કિંગની જગ્યા તેમજ ફ્લેટ આપવાની લાલચો આપી હતી. મને પણ રૂ. 500,000 રોકડા આપવાની ઓફર કરીને કીધું હતું કે તમે બધી અરજીઓ પાછી ખેંચી લો અને તારો ભાઈ વકીલાત છોડી દે. અમે લાલચમાં ન આવતા તેમણે આ હુમલો કર્યો છે." આરોપીઓનું પોલીસ અને નેતાઓ સાથેનું મજબૂત નેટવર્ક સૌથી ગંભીર આક્ષેપ આરોપીઓના બેકગ્રાઉન્ડ અને તેમના પોલીસ-રાજકીય કનેક્શનને લઈને કરવામાં આવ્યો છે. પીડિતોના જણાવ્યા અનુસાર, હુમલો કરનાર તમામ આરોપીઓ કુખ્યાત ભૂ-માફિયા છે. તેમનું લિંબાયત પોલીસ સ્ટેશનમાં અવારનવાર આવવા-જવાનું હોવાના કારણે પોલીસ તંત્રમાં તેમની એક અલગ જ પ્રકારની ધાક અને સાંઠગાંઠ છે. એટલું જ નહીં, આ આરોપીઓ સ્થાનિક રાજકારણીઓ અને નેતાઓ સાથે 24 કલાક ઉઠક-બેઠક ધરાવે છે અને તેમની સાથે જ ફરે છે. રાજકીય નેતાઓ અને પોલીસના આશીર્વાદ માથા પર હોવાના કારણે જ આ ભૂ-માફિયાઓ કાયદાને ખિસ્સામાં લઈને ફરે છે અને વકીલ જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિ પર પણ હુમલો કરતા ડરતા નથી. રાજકીય ઓથના જોરે જ તેઓ હવામાં કૂદી રહ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. પોલીસ ફરિયાદ અને કાનૂની તપાસની માંગ સમગ્ર મામલો અત્યંત ગંભીર બનતા લિંબાયત પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધ સત્તાવાર રીતે ગુનો નોંધીને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જોકે, હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એડવોકેટ અલ્તાફ ભરૂચી અને તેમના પરિવારે માંગ કરી છે કે આ કેસની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, કારણ કે સ્થાનિક પોલીસ સ્તરે આરોપીઓને બચાવવાના પ્રયાસો થઈ શકે છે. સુરત વકીલ મંડળમાં પણ આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કાયદાના રક્ષક પર થયેલા આ હુમલાખોરો સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે. હાલમાં લિંબાયત પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે, પરંતુ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ ઉચ્ચ અધિકારીઓની તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
    Click here to Read More
    Previous Article
    ભાજપના નેતાઓની ગોલમાલ જુઓ:કેમેરા સામે કલર કર્યો, પટેલ સાહેબને એક પોસ્ટરે ભેરવી દીધા, બાપુના હાથમાં બેટ આવતા ફટકાબાજી કરી
    Next Article
    ભાડું વસૂલવા ગયેલા માલિકે ભાડુઆતને રૂમમાં પૂરી તાળું મારી દીધું:અંદર ફસાયેલા યુવકે ફાયર બ્રિગેડને ફોન કર્યો, ટીમે તાળું તોડી સલામત બહાર કાઢ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment