Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપાની સંકલન બેઠકમાં ભારે ગરમાવો:ગેરકાયદે બાંધકામ મુદ્દે કુમાર કાનાણીનો વોકઆઉટ, અધિકારીઓ સામે ધારાસભ્યો લાલઘૂમ

    12 hours ago

    સુરત મહાનગરપાલિકાની ધારાસભ્યો સાથે યોજાતી માસિક સંકલન બેઠક આજે ભારે તોફાની સાબિત થઈ હતી. સામાન્ય રીતે શાંત વાતાવરણમાં પૂર્ણ થતી આ બેઠકમાં આજે સત્તાધારી પક્ષના જ જનપ્રતિનિધિઓએ અધિકારીઓની કાર્યશૈલી અને નિષ્ક્રિયતા સામે બંડ પોકાર્યો હતો. ખાસ કરીને ગેરકાયદે બાંધકામ, ચોમાસા બાદ ધોવાઈ ગયેલા રસ્તાઓ અને તાજેતરમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલિશનના મુદ્દે બેઠકમાં ભારે ગરમાગરમી જોવા મળી હતી. વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ અધિકારીઓ પર ભ્રષ્ટાચાર અને બેદરકારીના આકરા પ્રહારો કરી બેઠકમાંથી વોકઆઉટ કરી જતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. બપોરે યોજાયેલી આ મહત્વની બેઠકમાં સુરતના એક સાંસદ અને આઠ જેટલા ધારાસભ્યો હાજર રહ્યા હતા. બેઠકની શરૂઆતથી જ જનપ્રતિનિધિઓએ જનતાની મુશ્કેલીઓને લઈને આક્રમક વલણ અપનાવ્યું હતું. 'વરાછા સહિત સમગ્ર સુરત શહેરમાં ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટ્યો છે' બેઠકમાં સૌથી મોટો હંગામો ગેરકાયદે બાંધકામોના મુદ્દે થયો હતો. વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, વરાછા સહિત સમગ્ર સુરત શહેરમાં ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટ્યો છે. રહેણાંક વિસ્તારોમાં કોઈ પણ જાતની પરવાનગી વગર બેફામ કોમર્શિયલ પ્રવૃત્તિઓ ધમધમી રહી છે. આના કારણે સ્થાનિક રહીશોનું જીવવું મુશ્કેલ બની ગયું છે. ટ્રાફિક અને પાર્કિંગની ગંભીર સમસ્યાઓ ઊભી થઈ રહી છે, છતાં મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. 'જનપ્રતિનિધિઓની રજૂઆતોને કચરાપેટીમાં નાખી દેવામાં આવે છે' કાનાણીએ આક્રોશપૂર્વક આક્ષેપ કર્યો હતો કે, વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પાલિકાના અધિકારીઓ પેટનું પાણી હલાવતા નથી. જનપ્રતિનિધિઓની રજૂઆતોને કચરાપેટીમાં નાખી દેવામાં આવે છે. અધિકારીઓની આવી ઉદાસીનતાથી નારાજ થઈને તેમણે જાહેરાત કરી હતી કે જો આ અંગે તાત્કાલિક કડક પગલાં લેવામાં નહીં આવે તો તેઓ મહાનગરપાલિકાની કચેરી સામે જ ઉપવાસ પર બેસી જશે. આટલું કહીને તેઓ ગુસ્સામાં બેઠક છોડીને બહાર નીકળી ગયા હતા. ડેપ્યુટી કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ કાનાણીને મનાવવા દોડ્યા ધારાસભ્યના વોકઆઉટથી બેઠકમાં સન્નાટો વ્યાપી ગયો હતો. સ્થિતિ વણસે તે પહેલાં મનપાના ડેપ્યુટી કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ કાનાણીને મનાવવા પાછળ દોડ્યા હતા. લગભગ 15 મિનિટ સુધી મનામણાંની પ્રક્રિયા ચાલી હતી, જેમાં અધિકારીઓએ ખાતરી આપી હતી કે તેમની તમામ ફરિયાદો પર તાત્કાલિક કડક એકશન લેવાશે. આ ખાતરી બાદ જ કાનાણી શાંત પડ્યા હતા અને ફરીથી બેઠકમાં જોડાયા હતા. 'બાંગ્લાદેશ કોલોની નામની ગેરકાયદે વસાહત ઊભી કરી દેવામાં આવી' બેઠકમાં પરત ફર્યા બાદ પણ કુમાર કાનાણીનું વલણ નરમ પડ્યું ન હતું. તેમણે પુરાવા સાથે ચોક્કસ વિસ્તારોની યાદી કમિશનર સમક્ષ રજૂ કરી હતી. તેમણે માંગ કરી હતી કે, નાના વરાછા ગામતળની સરકારી કિંમતી જમીન પર ભૂમાફિયાઓ દ્વારા આખેઆખી 'બાંગ્લાદેશ કોલોની' નામની ગેરકાયદે વસાહત ઊભી કરી દેવામાં આવી છે. આ સરકારી જમીન પર થયેલા દબાણો તાત્કાલિક તોડી પાડવામાં આવે. તાત્કાલિક બુલડોઝર ફેરવવાની માંગ કરી આ ઉપરાંત તેમણે સણિયા હેમાદ વિસ્તારમાં આવેલા કૃષ્ણા પાર્ક ઇન્ડસ્ટ્રીયલ તેમજ કોટેજ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. આ ઔદ્યોગિક વિસ્તારોમાં મોટા પાયે ગેરકાયદે બાંધકામો કરીને માર્જિનની જગ્યાઓ પચાવી પાડવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. આ તમામ દબાણો સામે તાત્કાલિક બુલડોઝર ફેરવવાની માંગ તેમણે કરી હતી. નાસીરનગર ડિમોલિશન મુદ્દે પણ બેઠકમાં અધિકારીઓ બરાબરના ઘેરાયા તાજેતરમાં ચર્ચાસ્પદ બનેલા નાસીરનગર ડિમોલિશન મુદ્દે પણ બેઠકમાં અધિકારીઓ બરાબરના ઘેરાયા હતા. કુમાર કાનાણીએ સીધા મ્યુનિસિપલ કમિશનરને સવાલ કર્યો હતો કે, શહેરમાં આટલું મોટું ડિમોલિશન ઓપરેશન થઈ જાય અને મ્યુનિસિપલ કમિશનરને તેની આગોતરી જાણ ન હોય તે વાત ગળે ઉતરે તેવી નથી. કાનાણીની આ વાતને પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિનુ મોરડીયાએ જોરદાર સમર્થન આપ્યું હતું. 'પાલિકા માત્ર નાના અધિકારીઓને સસ્પેન્ડ કરીને જવાબદારીમાંથી મુક્ત થઈ શકે નહીં' વિનુ મોરડીયાએ વહીવટી તંત્રની મેલીભગત પર સવાલો ઉઠાવતા કહ્યું કે, આ ડિમોલિશનના કારણે અનેક ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો રસ્તા પર આવી ગયા છે, તેઓ ઘરવિહોણા બન્યા છે. પાલિકા માત્ર નાના અધિકારીઓને સસ્પેન્ડ કરીને પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકે નહીં. આ કૌભાંડ પાછળ જે મોટા માથાઓ જવાબદાર છે, તેમની સામે હજુ સુધી પોલીસ ફરિયાદ (FIR) કેમ દાખલ કરવામાં આવી નથી? મોરડીયાના આ ધારદાર સવાલ સામે અધિકારીઓ પાસે કોઈ નક્કર જવાબ ન હતો. MLA સંદીપ દેસાઈએ વહીવટી તંત્રને બરાબરનું લપેટામાં લીધું બીજી તરફ, ચોમાસા દરમિયાન અને તે પછી પણ સુરતના રસ્તાઓની જે દુર્દશા થઈ છે, તેને લઈને ધારાસભ્ય સંદીપ દેસાઈએ વહીવટી તંત્રને બરાબરનું લપેટામાં લીધું હતું. તેમણે વોર્ડ નંબર 10, 29 અને 30 ના વિસ્તારોના અત્યંત બિસ્માર અને ખાડાવાળા રસ્તાઓના ફોટોગ્રાફ્સ સીધા કમિશનરના ટેબલ પર મૂકી દીધા હતા. 'ડ્રેનેજ-રોડ પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ થયા બાદ તરત જ બેસી ગયા' સંદીપ દેસાઈએ આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, મોટાભાગના રસ્તાઓ DRP (ડ્રેનેજ-રોડ પ્રોજેક્ટ)ની કામગીરી પૂર્ણ થયા બાદ તરત જ બેસી ગયા છે. આનું મુખ્ય કારણ એ છે કે મહાનગરપાલિકાના એન્જિનિયરો અને જવાબદાર અધિકારીઓ ક્યારેય ફિલ્ડમાં એટલે કે સાઇટ પર જતા જ નથી. તેઓ પોતાની એરકન્ડિશન્ડ ઓફિસોમાં બેસી રહે છે, જેના કારણે ઇજારદારો મનફાવે તેમ હલકી ગુણવત્તાનું કામ કરીને કરોડો રૂપિયાના બિલ પાસ કરાવી લે છે. તેમણે ઉમેર્યું કે, કોન્ટ્રાક્ટરોની આ મનમાનીના કારણે જનતા હેરાન થાય છે અને લોકોની ગાળો ખાવાનો વારો જનપ્રતિનિધિઓનો આવે છે. દેસાઈએ આ નુકસાની માટે જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરી તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવાની ઉગ્ર માંગ કરી હતી. 'સુરતને 'ગ્રીન સિટી' બનાવવાની વાતો વચ્ચે ગાર્ડનોની હાલત જર્જરિત' રસ્તાઓ ઉપરાંત સંદીપ દેસાઈએ સુરત શહેરના જાહેર બગીચાઓની કથળેલી સ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે સુરતને 'ગ્રીન સિટી' બનાવવાની વાતો વચ્ચે અત્યારે ગાર્ડનોની હાલત જર્જરિત છે. બગીચાઓમાં જંગલી જાડી-ઝાંખરા ઊગી નીકળ્યા છે, બાળકોના રમવાના સાધનો તૂટી ગયા છે અને ટોયલેટ બ્લોકની સ્થિતિ અત્યંત ગંદી અને બિસ્માર છે. તેમણે કમિશનરને રજૂઆત કરી હતી કે બગીચાઓના માત્ર ને માત્ર મેઇન્ટેનન્સ અને રિપેરિંગ કામ માટે જ આગામી બજેટમાં અલગથી રૂપિયા 10થી 15 કરોડની ખાસ જોગવાઈ કરવામાં આવે, જેથી નાગરિકોને શુદ્ધ વાતાવરણ મળી શકે. 'મુખ્ય અને આંતરિક રસ્તાઓ સંપૂર્ણપણે તૂટી ગયા' બેઠકમાં લિંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતા પાટીલે પણ તેમના વિસ્તારનો પક્ષ રાખ્યો હતો. તેમણે કહ્યું કે ચોમાસાના વરસાદ બાદ તેમના વિસ્તારના મુખ્ય અને આંતરિક રસ્તાઓ સંપૂર્ણપણે તૂટી ગયા છે. વાહનચાલકો અને રાહદારીઓ રોજ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. તેમણે પાલિકા તંત્રને યુદ્ધના ધોરણે રસ્તાઓની મરામત કામગીરી (પેચવર્ક) હાથ ધરી નાગરિકોની મુશ્કેલીઓનો અંત લાવવા તાકીદ કરી હતી. પૂર્ણા વિસ્તારનો એક અત્યંત સંવેદનશીલ મુદ્દો ઉઠાવ્યો આ જ સૂર પુરાવતા સાંસદ પ્રભુ વસાવાએ પણ જણાવ્યું હતું કે. જે ઇજારદારોએ ગેરંટી પિરિયડમાં હોવા છતાં રસ્તાઓ ખરાબ બનાવ્યા છે, તેમની સામે બ્લેકલિસ્ટ કરવા સુધીની કડક કાર્યવાહી થવી જોઈએ. આ ઉપરાંત તેમણે પૂર્ણા વિસ્તારનો એક અત્યંત સંવેદનશીલ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે પૂર્ણા વિસ્તારની કેટલીક સરકારી શાળાઓમાં બાળકો માટે પીવાના શુદ્ધ પાણીની કોઈ સુવિધા નથી અને અન્ય પ્રાથમિક સુવિધાઓનો પણ ઘોર અભાવ છે. વસાવાએ આ બાબતને ગંભીર ગણાવી બાળકોના ભવિષ્ય અને સ્વાસ્થ્ય સાથે ચેડાં અટકાવવા તાત્કાલિક ઉકેલ લાવવા આદેશ આપ્યો હતો. એન્જિનિયરો સામે તપાસ કરીને કડક પગલાં ભરવામાં આવશે તમામ સાંસદ અને ધારાસભ્યોની ઉગ્ર રજૂઆતો અને આક્રોશને સાંભળ્યા બાદ મ્યુનિસિપલ કમિશનરે આશ્વાસન આપ્યું હતું કે, જનપ્રતિનિધિઓ દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ મુદ્દાઓ ગંભીર છે. ગેરકાયદે બાંધકામો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે અને બિસ્માર રસ્તાઓ માટે જવાબદાર કોન્ટ્રાક્ટરો તેમજ જે-તે વિસ્તારના એન્જિનિયરો સામે તપાસ કરીને કડક પગલાં ભરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢ મનપાના સત્તાધીશોના ફોટો સેશન સામે જનતાનો ભારે આક્રોશ:પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલતા જનતાએ સો.મીડિયા પર આડે હાથ લીધા, ચેરમેને કોમેન્ટ સેક્શન જ લોક કર્યું
    Next Article
    Rohit Lamba Gang Member Arrested For Attacking Rival's Aide In Delhi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment