Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડની નાની ખત્રીવાડમાં કમર સુધી પાણી ભરાયા:દુકાનોમાં પાણી ઘૂસતા લાખોનું નુકસાન, સ્લેબ હટાવવા રજૂઆત

    3 days ago

    વલસાડ શહેરમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. નાની ખત્રીવાડ વિસ્તારમાં દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. વેપારીઓએ ગંગલી ખાડી પરના સ્લેબને તાત્કાલિક હટાવવાની નગરપાલિકા સમક્ષ માંગ કરી છે. સ્થાનિક વેપારી પ્રિયંક ખત્રીએ જણાવ્યું કે, સવારે પાણીનું સ્તર કમર સુધી પહોંચી ગયું હતું. માર્કેટની દુકાનોમાં પાણી ઘૂસી જતાં કાપડ સહિતનો કિંમતી માલસામાન પલળી ગયો અને લાખોનું નુકસાન થયું. વેપારીઓના મતે, દર વર્ષે ચોમાસામાં આવી જ સ્થિતિ સર્જાય છે, પરંતુ તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. નગરપાલિકા દ્વારા લાખોના ખર્ચે પ્રી-મોન્સૂન સફાઈના દાવા કરાય છે, પરંતુ 6 થી 8 ઇંચ વરસાદમાં જ તેની વાસ્તવિકતા સામે આવી છે. આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી હોવાથી વેપારીઓમાં ચિંતા છે. ગટરો અને ખાડીઓ બ્લોક હોવાને કારણે સ્થિતિ વધુ વણસવાની ભીતિ છે. વેપારીઓનો આરોપ છે કે, ગંગલી ખાડી પર ગેરકાયદેસર રીતે સ્લેબ નાખવામાં આવ્યો છે, જેના કારણે પાણીનો યોગ્ય નિકાલ થતો નથી. આ ખાડીના પ્રશ્ન અંગે વડીલોના સમયથી ગાંધીનગર સુધી રજૂઆતો કરાઈ છે, છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. વેપારીઓએ તંત્રને બે દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે જણાવ્યું કે જો બે દિવસમાં ગંગલી ખાડી પરનો સ્લેબ હટાવવામાં નહીં આવે, તો વેપારીઓ આર્થિક ફાળો ઉઘરાવીને જાતે જ સ્લેબ તોડી નાખશે અને તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની રહેશે. આ અંગે સ્થાનિક કાઉન્સિલર હિતેશ ભંડારીએ જણાવ્યું કે, અગાઉ નગરપાલિકા દ્વારા આ સ્લેબ તોડી પાડવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં હાઈકોર્ટના આદેશ મુજબ તે કામગીરી કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું કે વલસાડમાં ટૂંકા સમયમાં ભારે વરસાદ પડવાને કારણે પાણી ભરાયા છે. ભંડારીએ વધુમાં જણાવ્યું કે ઘણી જગ્યાએ ગટરોના નિકાલના હોલ બંધ હોવાને કારણે પણ પાણી ભરાવવાની સમસ્યા સર્જાય છે. નગરપાલિકાની ટીમ આવતીકાલે સમગ્ર વિસ્તારનો સર્વે કરશે અને પાણી ભરાવવાના મુખ્ય કારણો શોધીને તેનો કાયમી નિકાલ કરવાનો પ્રયાસ કરશે. બીજી તરફ વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને આ પરિસ્થિતિનો તાગ મેળવી મીડિયાને વિગતવાર માહિતી આપી હતી. કલેક્ટરના જણાવ્યા અનુસાર, વલસાડ તાલુકામાં સવારે 6થી 8 વાગ્યાના અરસામાં જ આ ભારે વરસાદ નોંધાયો હતો. આટલા ટૂંકા ગાળામાં થયેલા વરસાદને કારણે પાણીના કુદરતી વહેણ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, વરસાદનું જોર ઘટતાં પાણી ધીમે-ધીમે ઓસરવા લાગ્યા છે અને હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. વહીવટી તંત્ર દ્વારા કોઈપણ માર્ગ બંધ કરવાની કે લોકોને સ્થળાંતર કરવાની જરૂર પડી નથી. જિલ્લાના અન્ય તાલુકાઓમાં વરસાદની સ્થિતિ સામાન્ય રહી હતી. વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. કલેક્ટર નીતિન સાંગવાને નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરતાં જણાવ્યું છે કે, હવામાન વિભાગ (IMD) દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું. માછીમારો અને સામાન્ય નાગરિકોએ દરિયા કિનારે જવાનું ટાળવું અને કોઈપણ રસ્તા પર પાણી ભરાયેલા હોય તો તેને ઓળંગવાનું જોખમ ન લેવું. આપત્તિજનક સ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લામાં તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાના 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ (હેલ્પલાઇન) શરૂ કરી દેવામાં આવ્યા છે. નાગરિકોને કોઈપણ પ્રકારની સહાય કે માહિતી માટે તુરંત જ આ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    કૃભકો ગોધરા દ્વારા સહકારી સપ્તાહની ઉજવણી:અમરેશ્વર, એરાલ ગામે સશક્તિકરણ, આવક સર્જન, વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા
    Next Article
    સરકારની જાહેરાત બાદ પણ જેતપર ખેડૂત આંદોલન યથાવત્:વીજપોલ-કોરિડોર વળતર મુદ્દે સરકાર તરફથી પરિપત્ર ન મળે ત્યાં સુધી પ્રતિક્રિયા આપવાનો આંદોલનકારીઓનો ઇનકાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment