Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાંભા ગામે બોગસ સરકારી મંડળીઓનું કરોડોનું મોટું કૌભાંડ:મૃતકો અને સુરત રહેતા લોકોના નામે બોગસ મંડળીઓ ઊભી કરાતા ખેડૂતો આક્રમક, આજે જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

    6 days ago

    ​જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ખાંભાગીર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહીવટી સ્તરે ખેડૂતોની જાણ બહાર ગેરકાયદેસર રીતે બોગસ મંડળીઓ ઊભી કરી દેવામાં આવી હોવાનો એક ખૂબ જ ગંભીર અને ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ સમગ્ર કૌભાંડની વિગતો બહાર આવતા જ સમગ્ર પંથકના સ્થાનિક ખેડૂત આલમમાં ભારે આઘાત, ચિંતા અને ભયનો માહોલ વ્યાપી ગયો છે. સરકારી બાબુઓ અને ભ્રષ્ટ તત્વોની મિલીભગતથી આચરવામાં આવેલા આ કૌભાંડના વિરોધમાં અને ન્યાય મેળવવા માટે આજે ખાંભા ગામના આશરે 100 જેટલા પીડિત ખેડૂતો એકત્રિત થઈને જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આ મામલે તાકીદે કડક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. 7 જેટલી બોગસ મંડળીઓ મંજૂર કરાવી દેવાઈ હતી ​આ વિવાદાસ્પદ કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે જાગૃત નાગરિકો દ્વારા વર્ષ 2026માં આર.ટી.આઈ. એટલે કે માહિતી અધિકાર કાયદા અંતર્ગત સરકારી કચેરીમાંથી માહિતી માંગવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સામે આવ્યું કે વર્ષ 2023માં સ્થાનિક ખેડૂતોના કોઈ પણ પ્રકારના પાયાના સરકારી પુરાવાઓ, ઓળખપત્રો કે તેમની લેખિત સહમતિ લીધા વિના જ અંદાજે 100 જેટલા નિર્દોષ અને અભણ ખેડૂતોના નામોનો મોટો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. વહીવટી તંત્રના ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતથી આવી અંદાજે 7 જેટલી બોગસ મંડળીઓ મંજૂર કરાવી દેવાઈ હતી. છેલ્લા 2 વર્ષથી આ ખોટી મંડળીઓના નામે મોટા પાયે ખરીદી અને શંકાસ્પદ નાણાકીય વ્યવહારો બેરોકટોક ચલાવવામાં આવી રહ્યા હતા, જેની મૂળ ખેડૂતોને કાનોકાન ખબર પણ નહોતી. ​2023માં બનેલી મંડળીઓમાં ચોપડે ખોટી સહીઓ અને અંગૂઠા મારીને સભ્યો બતાવી દેવાયા ખેડૂતો દ્વારા ભૂતકાળના કૌભાંડો મામલે જણાવાયું હતું કે, અગાઉ પણ આવા જ એક કાવતરાના કારણે અનેક ખેડૂતોની જમીનો વેચાઈ ગઈ હતી. આ આર્થિક અને કાનૂની સંકટના ટેન્શનના કારણે ગ્રામજનોની માનસિક સ્થિતિ બગડી રહી છે અને ચિંતાના માર્યા ખેડૂતો બીમાર પડી રહ્યા છે. કેટલાક ખેડૂતોને આ આઘાત સહન ન થતાં હોસ્પિટલમાં આઈ.સી.યુ.માં દાખલ કરવા પડ્યા હોવાની ગંભીર સ્થિતિ પણ ઊભી થઈ છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે મંડળીઓમાં એવા લોકોના નામ પણ સભાસદ તરીકે જોડી દેવાયા છે જેઓ વર્ષોથી ધંધાર્થે સુરત સ્થિત છે, એટલું જ નહીં પરંતુ જે ખેડૂતો વર્ષ 2017માં મૃત્યુ પામ્યા છે તેમના નામે પણ વર્ષ 2023માં બનેલી મંડળીઓમાં વહીવટી ચોપડે ખોટી સહીઓ અને અંગૂઠા મારીને સભ્યો બતાવી દેવાયા છે. જો આ મંડળીઓ તાકીદે રદ નહીં થાય તો ખેડૂતો સામૂહિક ઉપવાસ અને ઉગ્ર આંદોલન પર ઉતરશે. જો મંડળીઓ બોગસ જણાશે તો તેને તાકીદે રદ કરાવી દેશે ​ખાંભા ગામના ખેડૂત અશ્વિનભાઇ ઝાલાવાડિયાએ જણાવ્યું હતું કે, આજે અમે કલેક્ટર પાસે રજૂઆત કરવા માટે આવ્યા હતા કે તેમની મંડળીઓ બોગસ છે અને તેમાં કરવામાં આવેલી ખેડૂતોની સહીઓ પણ તદ્દન ખોટી છે. ખેડૂતો એ માહિતી મેળવવા માંગે છે કે આ બધું બોગસ સહીઓનું કારસ્તાન કોણે કર્યું છે. હાલમાં 3 મંડળીઓ બોગસ હોવાનું સત્તાવાર રીતે સામે આવ્યું છે, જ્યારે વિસ્તારમાં કુલ 19 મંડળીઓ આવેલી છે. તેમાંથી કેટલી બોગસ છે અને શું પરિસ્થિતિ છે, તે તમામ બાબતો ખેડૂતોએ તપાસ કરવા માટે સોંપી છે. ખેડૂતોની મુખ્ય માંગણી એ છે કે, આ બોગસ મંડળીઓમાંથી તેમના નામ તાત્કાલિક રદ કરવામાં આવે જેથી ભવિષ્યમાં તેમની માથે કોઈ પણ જાતનો ખોટો કરજો કે કાનૂની આફત ન આવે. 2 વર્ષ સુધી ખરીદી ચાલ્યા પછી ખેડૂતોને આ કૌભાંડની ખબર પડી છે. કલેક્ટરે ખેડૂતોને ખાતરી આપી છે કે, તેઓ આની સંપૂર્ણ તપાસ કરાવશે અને જો મંડળીઓ બોગસ જણાશે તો તેને તાકીદે રદ કરાવી દેશે. મંડળીઓમાં કોઈ પણ સાચા ખેડૂતે સહી કરી જ નથી ​ખેડૂત હરજીભાઈ ડોબરિયાએ પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, અમારા ગામમાં તેમજ આજુબાજુના ગામોમાં ખેડૂતોની ખોટી સહીઓ કરીને આવી બોગસ મંડળીઓ ઊભી કરી દેવામાં આવી છે. ખેડૂતોના નામે ભૂતકાળમાં જે કૌભાંડ થયું છે તેવું ભવિષ્યમાં ફરી ક્યારેય ન થાય તે માટે કલેક્ટરને લેખિતમાં રજૂઆત આપવામાં આવી છે. કલેક્ટરે ખેડૂતોને વિશ્વાસ અપાવ્યો છે કે આ બધી બાબતોની ઊંડાણપૂર્વક તપાસ કરીને બોગસ મંડળીઓ રદ કરવામાં આવશે અને જરૂર પડશે તો ગુનેગારો સામે કાયદેસરના પોલીસ પગલાં પણ ભરવામાં આવશે. આજે 100 જેટલા લોકો કલેક્ટર ઓફિસે આવ્યા છે. હાલમાં એક મંડળીમાં 100 ખેડૂતો અને બીજીમાં 77 ખેડૂતોના નામ હોવાનું બહાર આવ્યું છે, જ્યારે 3જી મંડળીની ચોક્કસ સંખ્યા હજી જાણી શકાઈ નથી. આ મંડળીઓમાં કોઈ પણ સાચા ખેડૂતે સહી કરી જ નથી, તેથી આ સહીઓની કાયદેસર તપાસ થવી જોઈએ. કુલ 19 મંડળીઓમાંથી કેટલી બોગસ છે. કલેક્ટરે તપાસના આદેશ આપ્યા હોવાથી ન્યાયની આશા છે. ખેડૂતોની માંગ છે કે કોઈ ખેડૂત પર ખોટા લેણાં કે દેવું ન આવે અને આ બોગસ નામો તાકીદે રદ થાય.
    Click here to Read More
    Previous Article
    દીકરીના મોઢામાં ડૂચો મારી દુષ્કર્મ આચરનાર પિતાની ધરપકડ:વડોદરાના ડેસરમાં નરાધમ પિતાએ દીકરીએ દુષ્કર્મ ગુજારતા માતાએ ફરિયાદ નોંધાવી હતી, આરોપી પિતા 2 દિવસના રિમાન્ડ પર
    Next Article
    ​જંગલમાં ચોમાસાની રંગત વચ્ચે સિંહ પરિવારનો મોજીલો અંદાજ:​ચોમાસાની જમાવટ વચ્ચે ગીરમાં સિંહોનો અદભુત નજારો, એકસાથે 4થી 5 સિંહોનું ટોળું કેમેરામાં કેદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment