Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સહકારી મંડળી કૌભાંડ વચ્ચે ફરિયાદની રાહ જોઈ બેઠું તંત્ર:રજિસ્ટ્રારે કહ્યું - 'લેખિત ફરિયાદ મળશે તો ઊંડાણપૂર્વક તપાસ કરાશે', માર્કેટિંગ યાર્ડની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો

    10 घंटे पहले

    ​જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં સહકારી મંડળીઓના કૌભાંડને લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મોટી મોણપરી, ખાંભા, મોટા કોટડા, ભલગામ, છેલાણા, હરીપુરા, રતાંગ અને લીમધ્રા સહિતના 19 જેટલા ગામોમાં ખેડૂતોની જાણ બહાર બોગસ મંડળીઓ રચાઈ હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. વહીવટી સ્તરે સરકારી ભ્રષ્ટ અધિકારીઓ અને રાજકીય આકાઓની મિલીભગતથી એક મોટું નેટવર્ક કાર્યરત હોવાની વ્યાપક ચર્ચાઓ જાગી છે. આ કૌભાંડના કારણે સરપંચ યુનિયન, કોંગ્રેસ પક્ષ અને સ્થાનિક ખેડૂત આલમમાં ભારે આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે.વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને સરપંચ યુનિયનના પ્રમુખ હવે આ મામલે ખેડૂતોના સમર્થનમાં મેદાને આવ્યા છે અને સમગ્ર પ્રકરણની યોગ્ય દિશામાં ઊંડાણપૂર્વક તપાસ થાય તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે. 'ભૂતડી' ગામનું જીવંત ઉદાહરણ આપતા કૌભાંડની પોલ ખોલી હતી ​વિસાવદર સરપંચ યુનિયનના પ્રમુખ લાલજીભાઈ કોટડિયાએ આ સમગ્ર મામલે તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે, વર્તમાન શાસનમાં ખૂબ મોટા કૌભાંડો આચરવામાં આવી રહ્યા છે, જેમાં વિસાવદર તાલુકો કાયમ મોખરે રહ્યો છે. સરકારી સંસ્થાઓનો દુરુપયોગ કરીને અહીં એટલું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે કે સામાન્ય નાગરિકો આશ્ચર્યચકિત છે. તેમણે તાલુકાના 'ભૂતડી' ગામનું જીવંત ઉદાહરણ આપતા કૌભાંડની પોલ ખોલી હતી. લાલજીભાઈના જણાવ્યા મુજબ, ભૂતડી ગામમાં આવી 6 જેટલી સહકારી મંડળીઓ આવેલી છે અને આ છએ છ મંડળીઓમાં પ્રમુખ તરીકે માત્ર એક જ વ્યક્તિ કાર્યરત છે. અમુક તત્વો દ્વારા ખેડૂતોના નામે ખોટી અને બોગસ સહીઓ કરવામાં આવી ​સરકારી નિયમો અનુસાર કોઈપણ એક વ્યક્તિ પાસે સહકારી ક્ષેત્રમાં એક જ હોદ્દો હોવો જોઈએ, જ્યારે અહીં એક જ માણસને 6-6 મંડળીઓનું પ્રમુખપદ સોંપી દેવામાં આવ્યું છે. આનાથી પણ વધુ આશ્ચર્યજનક બાબત એ છે કે જે ભૂતડી ગામના ભાઈને પ્રમુખ બનાવવામાં આવ્યા છે, તેમને પોતાને પણ ખબર નથી કે તેઓ આ 6 મંડળીઓના પ્રમુખપદ પર છે. આ ઘટના પરથી સ્પષ્ટ સાબિત થાય છે કે, અમુક તત્વો દ્વારા ખેડૂતોના નામે ખોટી અને બોગસ સહીઓ કરવામાં આવી છે, સરકારી ચોપડે બોગસ સાત-બારની નકલો અને આધાર કાર્ડ રજૂ કરી દેવામાં આવ્યા છે. આટલી ગંભીર બાબત હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા આની કોઈ તપાસ કરવામાં આવતી નથી તે ખેદજનક છે. અધિકારીઓ અને નેતાઓની સંપૂર્ણ મિલીભગત ચાલી રહી છે ​સરપંચ યુનિયનના પ્રમુખે વધુમાં આક્ષેપ કર્યો છે કે , જ્યારે પણ જાગૃત નાગરિકો કે વિપક્ષ દ્વારા વહીવટી તંત્ર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવે કે બૂમો પાડવામાં આવે, ત્યારે સામાન્ય પબ્લિકમાં એવો ભ્રમ ફેલાવવામાં આવે છે કે આ વાતો તદ્દન ખોટી છે. પરંતુ વહીવટી ચોપડે સાબિત થાય છે કે 6 મંડળીઓમાં એક જ વ્યક્તિ પ્રમુખ છે. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં જ્યારે ખેડૂતોની જણસીની ખરીદી થતી હોય, ત્યારે પણ સત્તાધારી પક્ષના માણસો જ વહીવટ સંભાળે છે અને તેમાં મોટા પાયે આર્થિક ગેરરીતિઓ થાય છે. આ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં સત્તાધીશો કે અધિકારીઓ તરફથી કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવતા નથી, જે સાબિત કરે છે કે અહીં અધિકારીઓ અને નેતાઓની સંપૂર્ણ મિલીભગત ચાલી રહી છે.​જ્યારે પણ કોઈ સંઘ, માર્કેટિંગ યાર્ડ કે જિલ્લા ડિરેક્ટરની ચૂંટણીઓ યોજાય છે ત્યારે બીજા જ દિવસે અખબારોમાં એવી પ્રેસ નોટો પ્રસિદ્ધ થાય છે કે ત્યાં અમુક ચોક્કસ પક્ષની જ પેનલ વિજેતા બની છે. આ પેનલ વિજેતા બને તે સ્વાભાવિક છે, કારણ કે વિસાવદર તાલુકામાં વાસ્તવિક રીતે કાર્યરત અને કાયદેસરની મંડળીઓ માત્ર 22 જ છે. આ 22 કાયદેસરની મંડળીઓની સામે સત્તાનો દુરુપયોગ કરીને બીજી 50 થી 55 જેટલી બોગસ મંડળીઓ ઊભી કરી દેવામાં આવી છે. આ બધી મંડળીઓમાં સભાસદો તરીકે પોતાના જ મામા, માસી, ફોઈ અને ફુવાના દીકરાઓ જેવા સગા-વહાલાઓની ગોઠવણી કરી દેવાઈ છે. આથી ચૂંટણી વખતે બધું જ મતદાન તેમના પક્ષમાં જ થાય છે અને સત્તાધારી પક્ષની આખી પેનલ બિનહરીફ કે બહુમતીથી જીતી જાય છે. તેમણે સરકાર સમક્ષ માંગણી કરી છે કે જો ખરેખર આ સરકાર 'ખેડૂત હિતૈષી' હોવાનો દાવો કરતી હોય, તો આ બાબતે તટસ્થ તપાસ કરાવવી જોઈએ અને જે લોકોએ પણ આવી ખોટી મંડળીઓ ઊભી કરી છે તેમના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. ​​બોગસ મંડળીઓમાં સ્થાનિક ખેડૂતોના બદલે કાગળ પર માત્ર 10થી 15 સભ્યોની જ નોંધણી વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરસનભાઈ વાડોદરીયાએ આ કૌભાંડ અંગે આક્રોશ ઠાલવતા જણાવ્યું છે કે જૂનાગઢ જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં અત્યારે બોગસ સહકારી મંડળીઓનો મુદ્દો ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો છે. સહકારી ક્ષેત્ર એ ખેડૂતોની જીવાદોરી સમાન છે, પરંતુ શાસક પક્ષના નેતાઓ દ્વારા આ ક્ષેત્ર પર પોતાનો એકહથ્થુ કબજો જમાવવા માટે એક બહુ મોટું પદ્ધતિસરનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. વર્ષ 2010 સુધી વિસાવદર તાલુકામાં લગભગ 22 જેટલી જ કાયદેસરની સહકારી મંડળીઓ અસ્તિત્વમાં હતી. આ મંડળીઓ સંપૂર્ણપણે કાયદેસર રીતે અને પારદર્શક વહીવટ દ્વારા સ્થાનિક ખેડૂતોને પાક ધિરાણ આપવાનું તેમજ સહકારી ક્ષેત્રને મજબૂત રાખવાનું પાયાનું કામ કરતી હતી. આ 22 કાયદેસરની મંડળીઓ માર્કેટિંગ યાર્ડ, તાલુકા સંઘ, જિલ્લા સહકારી બેંક અને જિલ્લા સંઘમાં ખેડૂતોના સાચા પ્રતિનિધિ તરીકે ભાગ લેતી હતી અને આ સંસ્થાઓમાં કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિઓ લોકશાહી ઢબે ચૂંટાતા હતા. ​શાસક પક્ષનું વર્ચસ્વ વધતા જ નેતાઓની ખરાબ નજર સહકારી ક્ષેત્ર પર પડી છે. ગ્રામીણ સ્તરે સત્તા હસ્તગત કરવા માટે વિસાવદર તાલુકાના જુદા-જુદા ગામોમાં મોટા પાયે બોગસ મંડળીઓ ઊભી કરવાનો કારસો રચાયો છે. આ દરેક બોગસ મંડળીઓમાં સ્થાનિક ખેડૂતોના બદલે કાગળ પર માત્ર 10થી 15 સભ્યોની જ નોંધણી કરવામાં આવી છે અને તેમની જ વ્યવસ્થાપક કમિટીઓ બનાવી દેવાઈ છે. આશ્ચર્યની વાત એ છે કે એક જ વ્યક્તિ પોતાના ગામની અંદર પાંચ-પાંચ અલગ-અલગ મંડળીઓનો સભ્ય બનેલો જોવા મળે છે. ગેરકાયદેસર મંડળીઓ રદ થાય તે માટે વર્ષ 2010માં હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવવામાં આવ્યા હતા ​આવા બોગસ સભાસદો અને મંડળીઓ ઊભી કરવાનો મુખ્ય રાજકીય હેતુ એ જ છે કે ચૂંટણીના મતદાન સમયે આ બોગસ મતોનો ઉપયોગ કરી શકાય, કોંગ્રેસના સાચા પ્રતિનિધિઓને હરાવી શકાય અને સહકારી ક્ષેત્રની કરોડો રૂપિયાની મિલકતો પર પોતાનો કબ્જો જમાવી શકાય. ભાજપ આ મંડળીઓ હસ્તગત કરીને મોટું આર્થિક કૌભાંડ કરવા માંગે છે જે ખેડૂત વિરોધી નીતિ છે. આ બોગસ લાઇસન્સ ધારકો અને ગેરકાયદેસર મંડળીઓ રદ થાય તે માટે વર્ષ 2010માં હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવવામાં આવ્યા હતા. પરંતુ હાલ વહીવટી તંત્ર પર શાસકોનો પ્રભાવ હોવાથી તેમની મનમાની ચાલી રહી છે, જેના કારણે અંતે મહેનતકશ ખેડૂતોને જ મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ​હાલના સમયમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીઓ નજીક આવી રહી છે અને તેના માટે સત્તાવાર રીતે મતદાર યાદી પણ તૈયાર કરી દેવામાં આવી છે. આ સંજોગોમાં ખેડૂતોની અંદર એક મોટો ડર અને ચિંતા વ્યાપેલી છે કે જો આ મતદાર યાદીમાં કાગળ પર બનેલી બોગસ મંડળીઓના પ્રતિનિધિઓનો સમાવેશ કરી દેવામાં આવશે, તો ચૂંટણીના પરિણામો પર તેની વિપરીત અસર પડશે. બોગસ મતદાનના આધારે જે પરિણામો આવશે તેનાથી સાચા અને અસલી ખેડૂતોનું પ્રતિનિધિત્વ છીનવાઈ જશે. આનાથી ખેડૂતોને આર્થિક રીતે મોટો ફટકો પડશે કે વહીવટી તંત્ર કાર્યવાહી કરશે, તે તો આવનારો સમય જ નક્કી કરશે. એક વર્ષમાં ​88 જેટલી શંકાસ્પદ મંડળીઓ વિરુદ્ધ વિભાગ દ્વારા સુઓ મોટો આ સમગ્ર વિવાદ અને આક્ષેપો અંગે જૂનાગઢ જિલ્લા રજિસ્ટ્રાર નિર્મલસિંહ ગોહેલે જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી અહેવાલો મળ્યા છે કે અમુક મંડળીઓમાં સત્તાવાર મંજૂરી વગર સભાસદો બનાવી દેવામાં આવ્યા છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે આજ દિન સુધી કૌભાંડ અંગે વિભાગને કોઈ લેખિત રજૂઆત કે સત્તાવાર ફરિયાદ મળેલી નથી. જો આગામી દિવસોમાં આ મામલે ખેડૂતો કે પ્રતિનિધિઓ તરફથી કોઈ લેખિત રજૂઆત કરવામાં આવશે, તો ગુજરાત સહકારી અધિનિયમ 1961 ની વિવિધ કાનૂની જોગવાઈઓ મુજબ જે તે મંડળીઓ વિરુદ્ધ ઊંડાણપૂર્વક તપાસ કરી અને કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. ​અગાઉ જૂનાગઢ જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાંથી અંદાજે 24 જેટલી સહકારી મંડળીઓમાં મૃત સભાસદોના નામે વહીવટ થતો હોવાની બાબતો સામે આવી હતી અને તે અંગે અગાઉ ફરિયાદો પણ મળેલી હતી. તે ફરિયાદોના આધારે વિભાગ દ્વારા સહકારી કાયદાની જોગવાઈઓ મુજબ સુઓ મોટો અપીલ અરજીઓ દાખલ કરીને કાનૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે. આ પ્રકારે છેલ્લા એક વર્ષના સમયગાળા દરમિયાન જિલ્લાની કુલ 88 જેટલી શંકાસ્પદ મંડળીઓ વિરુદ્ધ વિભાગ દ્વારા સુઓ મોટો અરજીઓ દાખલ કરીને તપાસની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે. ઓનલાઇન સિસ્ટમ દ્વારા મંડળીની નોંધણી માત્ર એક કે બે દિવસમાં પણ થઈ શકે ​​જિલ્લા રજિસ્ટ્રારના જણાવ્યા મુજબ, અલગ-અલગ પ્રકારની સહકારી મંડળીઓ માટે નિયમ અનુસાર અલગ-અલગ પ્રકારના દસ્તાવેજો જરૂરી હોય છે. ઉદાહરણ તરીકે, જો ખેતીવાડી વિષયક સેવા સહકારી મંડળી હોય તો તેમાં માત્ર જમીન ધારણ કરતા અસલી ખેડૂતો જ સભાસદ બની શકે છે; જો દૂધ ઉત્પાદક મંડળી હોય તો તેમાં પશુપાલન અને દૂધના વ્યવસાય સાથે જોડાયેલા લોકો જ સભ્ય બની શકે અને જો ફિશરીઝ મંડળી હોય તો માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો જ સભાસદ બની શકે છે. વર્તમાન સમયમાં મંડળીના રજિસ્ટ્રેશન માટેની દરખાસ્ત ઓનલાઇન પોર્ટલ મારફતે સ્વીકારવામાં આવે છે. જો અરજી સાથે જોડવામાં આવેલા તમામ દસ્તાવેજો અને સાત-બારના પુરાવાઓ કાયદાકીય જોગવાઈઓ અને નિયમો મુજબ સંપૂર્ણપણે સાચા હોય, તો ઓનલાઇન સિસ્ટમ દ્વારા મંડળીની નોંધણી માત્ર એક કે બે દિવસમાં પણ થઈ શકે છે. પાંચ વર્ષના રેકોર્ડ મુજબ જિલ્લામાં અંદાજે 700 જેટલી નવી મંડળીઓ નોંધાઈ ​એક જ ગામમાં એકથી વધુ મંડળીઓની સંખ્યા અંગે તેમણે જણાવ્યું કે, ગામનું ભૌગોલિક માળખું મોટું હોય, પરા વિસ્તાર, વાડી વિસ્તાર આવેલા હોય કે ગામની વચ્ચે નદી-નાળા જેવા અંતરાય હોય, તો સભાસદોની વહીવટી સગવડતા માટે એક જ ગામની અંદર એકથી વધુ મંડળીઓને મંજૂરી આપી શકાય છે. છેલ્લા પાંચ વર્ષના રેકોર્ડ મુજબ જિલ્લામાં અંદાજે 700 જેટલી નવી મંડળીઓ નોંધાઈ છે. આથી, માત્ર ટેલિફોનિક આક્ષેપોના આધારે તમામ મંડળીઓને ગેરકાયદેસર જાહેર કરવી વ્યાજબી નથી. ખેડૂતોને કઈ મંડળી સામે વાંધો છે તેની ચોક્કસ લેખિત માહિતી વિભાગ પાસે આવશે એટલે તુરંત જ નાણાકીય ગેરરીતિઓ માટે કલમ-84 અને કલમ-93 હેઠળ તપાસ કરવામાં આવશે, તેમજ વહીવટી ક્ષતિઓ માટે કલમ 147 મુજબ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરાશે.
    Click here to Read More
    Previous Article
    4 વર્ષીય બાળકને સિકલ સેલ એનિમિયા, મહેસાણા સિવિલ હોસ્પિટલમાં નિદાન:ટેસ્ટ પોઝિટિવ આવતા રક્તરોગ હોવાની પુષ્ટિ થઈ, આ લક્ષણો હોય તો તપાસ કરાવી લેજો
    Next Article
    7 जून को चंपत राय ने क्यों बोला झूठ, सवाल करने वाले राम विरोधी कैसे हो गए?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment