Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોંડલ જેટકો સામે કિસાન આક્રોશની મહારેલી:ડેપ્યુટી કલેક્ટરને અલ્ટીમેટમ આપવા સાથે આપ નેતા અને કિસાન અગ્રણી વચ્ચે શાબ્દિક ટક્કર

    1 day ago

    ગોંડલ પંથકના વિવિધ ગામોના ખેતરોમાંથી પસાર થતી જેટકો (JETCO) કંપનીની હાઈટેન્શન વીજ લાઈનો અને વીજપોલના વિરોધમાં સ્થાનિક ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. ત્રણ દિવસ પહેલાં એક દિવસના પ્રતીક ઉપવાસ કર્યા બાદ, આજે ગોંડલ તાલુકા કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવા માટે એક વિશાળ પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. હાથમાં સૂત્રો લખેલા બેનરો સાથે સવારે 08:30 વાગ્યે ગોંડલ પાંજરાપોળ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા, જેમાં મોરબીના જેતપર ગામના આયોજનને સમર્થન આપવા જામજોધપુર, જસદણ, મોરબી અને જેતપુર તાલુકાના અંદાજે 16,000 જેટલા ખેડૂતો આ લડતમાં જોડાયા છે. રેલીનો રૂટ અને ગગનભેદી નારા આ વિશાળ રેલી પાંજરાપોળથી પ્રસ્થાન થઈને જેલચોક, ગુંદાળા દરવાજા, શ્યામવાડી ચોક અને કોલેજ ચોક જેવા મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈને મામલતદાર તેમજ નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી હતી. માર્ગમાં આવતી તમામ મહાનુભાવોની પ્રતિમાઓને હારતોરા કરી ખેડૂતોએ "ખેડૂત બચાવો, દેશ બચાવો" અને "ખેડૂતો પર અત્યાચાર બંધ કરો" ના ગગનભેદી નારાઓ લગાવ્યા હતા. જેલચોક પાસે રાજકીય ગરમાવો ખેડૂતોની આ રેલી જ્યારે જેલચોક જન સેવા કેન્દ્ર પાસે પહોંચી, ત્યારે વાતાવરણમાં અચાનક રાજકીય ગરમાવો આવી ગયો હતો. કિસાન અગ્રણી રાજુભાઈ સખીયા અને આમ આદમી પાર્ટીના નેતા જીગીષાબેન પટેલ વચ્ચે ઉગ્ર શાબ્દિક ટક્કર જોવા મળી હતી. રાજુભાઈ સખીયાએ સ્પષ્ટ કર્યું હતું કે આ આંદોલન સંપૂર્ણપણે બિનરાજકીય છે અને તેમાં કોઈ રાજકીય અગ્રણી આગળ ન ચાલી શકે. જેની સામે જીગીષાબેન પટેલે વળતો પ્રહાર કરતા કહ્યું કે, તમે પોતે પણ ગત ચૂંટણી કોંગ્રેસ પક્ષમાંથી લડ્યા હતા, અને હું અહીં 'આપ' ના નેતા તરીકે નહીં પરંતુ ખેડૂતની દીકરી તરીકે આવી છું. જોકે, વિવાદ વકરતા અને ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી જીગીષાબેન પટેલ રેલીને અધવચ્ચે જ છોડીને ત્યાંથી રવાના થઈ ગયા હતા. આપ નેતા જીગીષાબેન પટેલની પ્રતિક્રિયા સમગ્ર વિવાદ અંગે આમ આદમી પાર્ટીના નેતા જીગીષાબેન પટેલે જણાવ્યું હતું કે, "રાજુભાઈ સખીયા નથી ઈચ્છતા કે હું આ રેલીમાં આવું છતાં પણ ખેડૂતોએ મને ફોન કરીને બોલાવી હતી એટલે હું અહીં આવી છું. હું નથી ઈચ્છતી કે અહીંયા કોઈ રાજકારણ થાય. ખેડૂતોની જે પીડા છે એ કલેક્ટર સુધી પહોંચે એટલા માટે હું આ રેલીને અધવચ્ચેથી છોડીને જાઉં છું. આ પીડા સામાન્ય ખેડૂતોની છે, કોઈ રાજકીય પક્ષની નથી. જો કોઈને વાંધો હોય તો અમે શાંતિથી હટી જવા તૈયાર છીએ." ગુજરાતના 18,000 ગામડાં બેઠા થવાની ચીમકી શ્રીનાથગઢના ખેડૂત અગ્રણી પ્રવીણભાઈ હરિભાઈ ખાખરિયાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ સરકાર ગામડાંને સ્વર્ગ બનાવવાને બદલે શ્મશાન બનાવવા માંગે છે. ગાંધીજીએ કહ્યું હતું કે 'Nothing is impossible in the world' એટલે કે કોઈ કામ અશક્ય નથી, ખેડૂત ધારે તે કરી શકે છે. જો આ વીજપોલ અંગે તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય નહીં આવે, તો ગુજરાતના તમામ 18,000 ગામડાંના ખેડૂતોને એકઠા કરીને આગામી સમયમાં ઉગ્ર નિર્ણય લેવામાં આવશે. હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારી કિસાન અગ્રણી રાજુભાઈ સખીયાએ ટેકનિકલ બાબતો સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, જેટકો કંપની દ્વારા કાલાવડ ખંઢેરાથી ઘેલા સોમનાથ (400 KV / 765 KV) અને ચોરાણી-હડાળા એમ બે મોટી લાઈનો ખેડૂતોના કિંમતી ખેતરોમાંથી નાખવામાં આવી રહી છે. વરસાદી વાતાવરણની શરૂઆતમાં જ વીજ કંપનીઓ ખેતરોમાં ઘૂસી જાય છે. અમે અગાઉ વાંધા અરજીઓ આપી હતી પણ તંત્ર તરફથી કોઈ નિરાકરણ આવ્યું નથી. યોગ્ય વળતર અને કાયદેસરના એગ્રીમેન્ટ વગર જો થાંભલા નાખવામાં આવશે તો અમને ક્યારેય મંજૂર નથી. અમે આ અન્યાય સામે ગુજરાત હાઈકોર્ટમાં સામૂહિક રીટ પીટીશન દાખલ કરવા જઈ રહ્યા છીએ. આ કાર્યક્રમ બિલકુલ બિનરાજકીય હતો, રાજકીય પક્ષો પોતાના સંગઠન દ્વારા અલગથી અમને સમર્થન જાહેર કરી શકે છે. તંત્રને અલ્ટીમેટમ અને આગામી રણનીતિ ચોમાસાની આડમાં ખેતરોમાં ઊભા કરાતા વીજપોલ સામે ગોંડલ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો હવે આરપારની લડાઈના મૂડમાં છે. નાયબ કલેક્ટરના માધ્યમથી જિલ્લા કલેક્ટરને અલ્ટીમેટમ આપતું આવેદનપત્ર સુપ્રત કરી દેવાયું છે. જો આગામી દિવસોમાં કામગીરી તાત્કાલિક ધોરણે સ્થગિત કરી યોગ્ય વળતરની જાહેરાત કરવામાં નહીં આવે, તો આ કાનૂની વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચશે અને ત્યારબાદ વધુ ઉગ્ર આંદોલન તરફ ફંટાય તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. આ પણ વાંચો કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ દ્વારા હાઈવે પર ચક્કાજામ:ઉપલેટામાં વીજ લાઈન, બિયારણ-ખાતરની અછત મુદ્દે ઉગ્ર વિરોધ રાજકોટના ઉપલેટામાં કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. કોલકી રોડ માર્કેટિંગ યાર્ડના ગેટ પાસે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને રસ્તા રોકો આંદોલન કર્યું હતું. (સંપૂર્ણ અહેવાલ વાંચવા અહીં ક્લીક કરો) આ પણ વાંચો મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બન્યું:અશ્વપાલકોનું સમર્થન, ‘આંદોલન પાર્ટ-3’ અને વીજપોલ કાપી નાખવાની ચીમકી; ખેડૂતો આરપારની લડાઈ લડવાના મૂડમાં મોરબીના જેતપર ગામે પોતાની જમીનમાં ખાનગી વીજ કંપનીઓ દ્વારા ઊભા કરાયેલા વીજપોલના યોગ્ય વળતર મુદ્દે ખેડૂતોનું આંદોલન હવે ચરમસીમાએ પહોંચ્યું છે. છેલ્લા 13 દિવસથી ચાલી રહેલા આ આમરણાંત ઉપવાસ આંદોલનને હવે ગ્રામ્ય વિસ્તારો અને સમાજના વિવિધ વર્ગોનું વ્યાપક સમર્થન મળી રહ્યું છે. મંગળવારે સાંજે આ આંદોલનમાં એક નવો અને અનોખો વળાંક આવ્યો હતો, જ્યારે મોરબી અને માળિયા તાલુકાના જુદા-જુદા ગામોમાંથી અશ્વપાલકો પોતાના અશ્વો સાથે ઉપવાસી છાવણી ખાતે આવી પહોંચ્યા હતા. (સંપૂર્ણ અહેવાલ વાંચવા અહીં ક્લીક કરો)
    Click here to Read More
    Previous Article
    રાજસ્થાનના દર્દીનું 45 લાખનું લીવર ટ્રાન્સપ્લાન્ટ ટળ્યું:સેક્ટર-22ના વૈદ્યે 7 વર્ષ જૂની સિરોસિસની બીમારીનું નિદાન કરીને વૃદ્ધને નવજીવન આપ્યું
    Next Article
    Gujarat High court News: હિન્દુ લગ્નને લઈને ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો | Hindu Marriage Rules

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment