Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિને ઘેનની દવાથી બેભાન કર્યો, કુહાડીથી માથું કાપ્યું:લાશ અડધી સળગાવીને કટકા જુદાંજુદાં ઠેકાણે ફેંકી દીધાં, કામાંધ પત્નીની શેતાની કરતૂત

    8 घंटे पहले

    ‘સાહેબ, નદીના પટમાં કોઇનું બળેલું અને કપાયેલું માથું પડ્યું છે’ 28 એપ્રિલ 2003. સાંજના પાંચ વાગીને પંદર મિનિટ થઈ હતી. રાજસ્થાનના અજમેર જિલ્લાના સેવર પોલીસ સ્ટેશનમાં બેઠેલા તત્કાલીન SHO (સ્ટેશન હાઉસ ઓફિસર) સુરેન્દ્ર સિંહ જોધા એક રૂટિન સાંજની અપેક્ષા રાખી રહ્યા હતા. ત્યારે ફોનની ઘંટડી વાગી. બીજી તરફથી એવો અવાજ આવ્યો જે તેમણે જીવનમાં પહેલા ક્યારેય સાંભળ્યો ન હતો. 'હેલો સર! જસવંતપુરા ગામના બહારના વિસ્તારમાં બનાસ નદીના સૂકાભઠ્ઠ પટમાં કોઈ માણસનું બળેલું અને કપાયેલું માથું પડ્યું છે. ગામની બહાર બજરંગ નામના માણસના કૂવામાં એક પોટલી તરી રહી છે. કૂવામાંથી દુર્ગંધ આવી રહી છે. આરાની નીમડી તરફ પુલ પાસે લોહીથી લથપથ કપડાં પણ પડ્યા છે.' SHO એ ફોન કરનારનું નામ-સરનામું પૂછવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે કંઈ પૂછી શકે તે પહેલાં જ લાઇન કપાઈ ગઈ. પાછો ફોન કર્યો તો ફોન ઉપાડવામાં આવ્યો જ નહીં. એક અજાણ્યો કોલ, ત્રણ ઠેકાણાં, અને ત્રણ અલગ-અલગ ગુનાના પુરાવા. આટલી સચોટ માહિતી કાં તો કોઈ પાગલ આપી રહ્યું હતું અથવા તો કોઈ એવું જે હત્યાનો પોતે સાક્ષી હતો. કૂવાના પાણીમાં ગાંસડીમાં માથું કપાયેલું ધડ તરતું હતું SHO જોધાએ ટીમ લીધી અને ઘટનાસ્થળ તરફ નીકળી પડ્યા. બનાસ નદીના સૂકા પટમાં પહોંચતા જ તેમની આંખો પહોળી થઈ ગઈ. પૂલના પિલર નંબર 11 પાસે ખરેખર એક માણસનું બળેલું માથું પડ્યું હતું. સાથે એક શણનો થેલો અને લોહીથી લથપથ પ્લાસ્ટિકની બેગ. પછી બે કિલોમીટર દૂર સેવર તરફ 'આરાની નીમડી' નામની જગ્યાએ પોલીસને એક આખી બાંયનો શર્ટ, ઓશીકાનું કવર, ટેબલ કવર અને બે પ્લાસ્ટિકના કોથળા મળ્યા. બધાં લોહીથી લથપથ. પછી જસવંતપુરા ગામમાં બજરંગના કૂવા પર પહોંચ્યા. કૂવામાં પાણીમાં અડધું બહાર તરી રહેલું એક ગાંસડી જેવું કંઈક હતું. ગ્રામજનોની મદદથી દોરડા અને લોખંડના હૂકથી તેને બહાર કાઢવામાં આવ્યું. આ બદનસીબ વ્યક્તિ હતો કોણ? તે ગાંસડી એક્ચ્યુઅલી બે ચાદરો એકબીજા સાથે બાંધીને બનાવવામાં આવેલી હતી. જ્યારે તે ગાંસડી ખોલવામાં આવી તો એક નગ્ન શબ નીકળ્યું. માથું કપાયેલું ધડ. શરીર ઠેર ઠેરથી બળેલું. આંતરડાં બહાર નીકળી ગયેલાં. દુર્ગંધ એટલી કે પોલીસવાળા પણ પાછળ હટી ગયા. ફોન કરનાર માણસની દરેક વાત સાચી નીકળી હતી. ધડ કૂવામાં. માથું નદીના પટમાં. કપડાં પુલ પાસે. પરંતુ સૌથી મોટો સવાલ હજુ પણ બાકી હતોઃ આ વ્યક્તિ કોણ હતો? *** આજના ‘ખાખી કવર’માં વાત કરીએ આજથી 23 વર્ષ પહેલાં રાજસ્થાનના કિશનગઢના એક પરિવારમાં ખેલાયેલા એક ખૂની ખેલની, જેમાં એક પત્નીએ માત્ર સંપત્તિ પામવા અને શંકાના આધારે પોતાના પતિની એવી ક્રૂર હત્યા કરાવી કે ભલભલા શેતાનો પણ કાંપી ઊઠે. એશિયાના સૌથી મોટા માર્બલ માર્કેટની કંકાસકથા રાજસ્થાનનું કિશનગઢ એશિયાનું સૌથી મોટું માર્બલ બજાર છે. અહીં આરસપહાણનો વ્યવસાય માત્ર પથ્થરનો જ નહીં, સપનાં અને ખ્યાતિનો પણ છે. આ જ શહેરમાં ભવાની શંકર શર્મા રહેતા હતા. એક મોટા અને સફળ માર્બલ વેપારી. તેમનું ગોડાઉન કિશનગઢમાં હતું. શહેરમાં તેમની ઓળખ હતી. પરંતુ તેમના ઘરની અંદરની દુનિયા તેમની બહારની ઇમેજ કરતાં સાવ અલગ હતી, જેમાં પારાવાર સ્ટ્રેસ, શંકા અને લગ્નજીવનની તિરાડો હતી. ભવાની શંકર પોતાની પત્ની નિધિ શર્મા અને બે પુત્રો ચિન્મય (કેપ્ટન) અને સંસ્કાર (પંછી) સાથે અલગ ઘરમાં રહેતા હતા. પત્નીના દબાણમાં આવીને તેઓ પોતાનાં માતા-પિતાથી અલગ રહેવા લાગ્યા હતા. પરંતુ તેઓ અવારનવાર માતા-પિતાને મળવા જતા. જ્યારે પણ પાછા ફરતા, નિધિ સાથે ઝઘડો નક્કી હતો. ‘સાસરિયાં અમારી બધી મિલ્કત હડપી લેશે તો?’ નિધિને હંમેશાં શંકા હતી કે તેનો પતિ ભવાની મુંબઈ અને દિલ્હી જઈને અન્ય સ્ત્રીઓ સાથે જલસા કરે છે. તેના મનમાં સતત શંકાનો કીડો સળવળતો રહેતો કે તેનાં સાસરિયાં તેની મિલકત હડપી લેશે, ભવાનીનો બિઝનેસ તેના હાથમાંથી સરકી જશે. આ શંકા ધીમે ધીમે ઝેર બની ગઈ. આ ઝેરે એક દિવસ હત્યાના ષડ્યંત્રને જન્મ આપ્યો. ભવાની શંકર એક સંવેદનશીલ વ્યક્તિ હતા. તેઓ ડાયરી લખતા હતા. તેમના દરેક દર્દની સાક્ષી તે ડાયરી હતી. ‘મને ડર છે કે મને ખાવામાં ઝેર અપાઈ રહ્યું છે’ 15 મે 2002 ના રોજ પાના નંબર 134 પર તેમણે લખ્યું હતું: ‘સવારથી જ નિધિ છૂટાછેડા માટે દબાણ કરી રહી છે. મેં ના પાડી તો તે ઘરેથી ભાગી જવાની તૈયારી કરવા લાગી. મેં તેને રોકવાનો પ્રયાસ કર્યો તો તેણે મારા પર પલટવાર કર્યો...' 20 મે 2002, પાના નંબર 139 પર લખ્યું હતુંઃ 'નિધિએ મને ધમકી આપી કે કાં તો કંપની બંધ કરી દો અને સ્ટાફને કાઢી નાખો, નહીં તો ખોટો પોલીસ કેસ દાખલ કરાવશે.' અને 4 જૂન 2002, પાના નંબર 154 પર એક ભયાનક લાઇન હતીઃ ‘મને ડર છે કે મને ખાવામાં ઝેર આપવામાં આવી રહ્યું છે. આજકાલ મારી જીભ લથડવા લાગી છે. મેં શંકાનું સમાધાન કરવા એ જ દાળ નિધિને ચાખવા માટે કહ્યું તો તેણે તે દાળ પોતે ન ખાધી, અને બહાર ફેંકી દીધી. આનાથી મારી શંકા વધુ ઘેરી બની ગઈ છે.' ભવાની શંકરને પોતાના મૃત્યુનો અહેસાસ થઈ રહ્યો હતો. પરંતુ બાળકો માટે તેઓ ત્યાં જ રહ્યા. ચૂપ રહ્યા. અને એક દિવસ તે ચૂપકીદી તેમનો જીવ લઈ ગઈ. ‘મારો પતિ તો વેશ્યાઓ સાથે જલસા કરતો હશે’ 25 એપ્રિલ 2003 ના રોજ ભવાની શંકર છેલ્લી વાર પોતાનાં માતા-પિતા દુર્ગા પ્રસાદ અને ભંવરી દેવીને મળવા ગયા. ઘરે પાછા ફરીને તેમણે પિતાને ફોન કર્યો, 'પિતાજી, હું સુરક્ષિત પહોંચી ગયો છું.' આ તેમનો છેલ્લો અવાજ હતો. તે પછી ભવાની શંકર ન તો ફોન પર આવ્યા, ન તો ગોડાઉન પર. તેમની જગ્યાએ નિધિ રોજ માર્બલ ગોડાઉન પર આવવા લાગી હતી અને વેચાણનું પેમેન્ટ પણ પોતે જ હાથોહાથ લેવા લાગી. ભવાનીના પિતા દુર્ગા પ્રસાદ ગભરાઈ ગયા. તેમણે દીકરાને શોધવાની કોશિશ કરી. જ્યારે નિધિને પૂછ્યું તો તેણે જાણે કશું બન્યું જ ન હોય તેમ ઠંડા કલેજે કહ્યું, 'લાગે છે કે તમારો દીકરો કોઈ બીજી સ્ત્રી સાથે મજા કરી રહ્યો છે.' મિત્રો, સંબંધીઓ, બધાએ ભવાની શંકરને શોધવા માંડ્યું, પણ ભવાનીનો કોઈ પત્તો મળ્યો નહીં. આ બધા વચ્ચે નિધિને જાણે કશી પરવા જ ન હોય તેમ ચૂપ રહી. તેની આ ચૂપકીદી આગળ જઈને સૌથી મોટો પુરાવો બની. ‘કપાયેલું માથું મળ્યું છે, ખોપરીમાં એક સ્ટીલનો તાર બેસાડેલો છે’ 4 મે 2003ની સવાર. ભવાની શંકરના પિતા દુર્ગા પ્રસાદ અખબાર વાંચી રહ્યા હતા. ત્યારે જ એક સમાચાર પર તેમની નજર અટકી ગઈ. સમાચાર હતાઃ ‘સેવર પોલીસને એક વ્યક્તિનું બળેલું માથું મળ્યું છે. જેની ડાબી આંખ નીચે સ્ટીલનો તાર લગાવેલો હતો. મૃતકના જમણા કાંડા પર નાડાછડીનો દોરો પણ બાંધેલો હતો.’ આ વાંચીને દુર્ગા પ્રસાદના હાથ-પગ સુન્ન થઈ ગયા. ચાનો કપ હાથમાંથી છૂટી ગયો. તેઓ ધ્રુજવા લાગ્યા. કારણ કે તેમના પુત્ર ભવાની શંકરની પણ ડાબી આંખ નીચે આવો જ સ્ટીલનો તાર લગાવેલો હતો. એક એક્સિડન્ટ પછી દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં ડોક્ટર શિવ શંકર સાહાએ સર્જરી દરમિયાન ગાલનાં હાડકાં અને કપાળનાં હાડકાંને જોડવા માટે આ તાર ફિટ કર્યો હતો. દુર્ગા પ્રસાદે તરત જ ત્રણ પુત્રો, જમાઈ અરુણ કુમાર બોહરા અને પુત્રવધૂ નિધિને ફોન કર્યો. બધા ભેગા થયા. નિધિને તેના ઘરેથી પિકઅપ કરવામાં આવી. જતાં પહેલાં તેણે ઘરના બધા રૂમ લોક કર્યા અને ચાવીઓ પોતાની પાસે રાખી લીધી. ડેડબોડી સળગેલી હતી અને ગંદી રીતે સડી ગયેલી આખો પરિવાર સેવર પોલીસ સ્ટેશન પહોંચ્યો. પોલીસે જણાવ્યું કે મૃતદેહ સડી ગયો હતો, તેને બિનવારસી ગણીને તેના અંતિમ સંસ્કાર કરી નાખવામાં આવ્યા છે. પરંતુ કપડાં અને સામાન બતાવી શકાય છે. જેવી પોલીસે લોહીથી લથપથ કપડાંની થેલી સામે રાખી અને ખોલી કે તરત જ નિધિ જોર જોરથી પોક મૂકીને રડવા લાગી, 'આ કપડાં ભવાની શંકરના જ છે!' SHO જોધાને આ હરકત વિચિત્ર લાગી. તેઓ હજુ કંઈક વિચારી જ રહ્યા હતા કે દુર્ગા પ્રસાદે લાશના ફોટોગ્રાફ્સમાં ચહેરાની અંદર સ્ટીલનો તાર જોયો અને તરત જ બોલી ઊઠ્યા, 'આ મારા દીકરાની જ તસવીર છે. એના ચહેરા પર પણ એક્સિડન્ટ પછી આવો જ તાર બેસાડવામાં આવ્યો હતો.’ એ મૃતદેહ ભવાની શંકરનો જ હતો પોલીસે આ વાતની ખરાઈ કરવા માટે દિલ્હીના ડોક્ટર શિવ શંકર સાહાનો સંપર્ક કર્યો. ડોક્ટર સાહાએ જણાવ્યું કે તેઓ આ પ્રકારની સર્જરી કરનારા દેશના એકમાત્ર નિષ્ણાત છે અને તેમણે રાજસ્થાનમાં અત્યાર સુધી ફક્ત ત્રણ આવી સર્જરી કરી છે. જ્યારે ત્રણેય દર્દીઓની તપાસ કરવામાં આવી તો સ્પષ્ટ થઈ ગયુંઃ તે માથું કપાયેલી, બળેલી લાશ ભવાની શંકર શર્માની જ હતી. ‘હા, મેં જ મારા પતિને મારી નાખ્યો હતો’ લાશની ઓળખ થઈ ગઈ હતી. હવે સવાલ હતો હત્યારો કોણ હતો? અને દેખીતી રીતે કોઈ દુશ્મન ન હોય તેવા આ માણસની હત્યા કોઈ શા માટે કરે? પોલીસે પરિવારના દરેક સભ્યની પૂછપરછ શરૂ કરી. પરિવારના સભ્યો એકબીજા પર શંકાની આંગળી ચીંધવા લાગ્યા. નિધિએ તો ખુદ સાસરિયાંઓ પર આરોપ લગાવ્યો કે તેઓ ભવાની શંકરની પ્રોપર્ટી હડપવા માગે છે. પરંતુ પોલીસને નિધિ અને તેનાં પિયરિયાં પર શંકા હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે નિધિનો ભાઈ ભવાનીના જીવનમાં ખૂબ જ દખલ દેતો હતો. પહેલાં મનોવૈજ્ઞાનિક રીતે પૂછપરછ કરવામાં આવી. જ્યારે કંઈ ન મળ્યું, ત્યારે પોલીસે નિધિની સામે જ તેના ભાઈને સખ્તાઈથી સવાલ-જવાબ કર્યા. ભાઈ પર સખ્તાઈ થતી જોઈને નિધિ ભાંગી પડી. તેણે પોલીસ સામે કબૂલાત કરીઃ ‘મેં જ મારા પતિની હત્યાનું કાવતરું રચ્યું અને તેની હત્યા કરી નાખી.’ રાતના અંધારામાં ઘડાયેલું મોતનું કાવતરું નિધિનું મહોરું હતો તેમનો ડ્રાઈવર અને ભવાની શંકરનો જૂનો પરિચિત, અશોક વૈષ્ણવ. ભવાની શંકરે અશોકને એક સુમો ગાડી ફાઇનાન્સ કરીને આપી હતી. નિધિએ આનો ફાયદો ઉઠાવ્યો. તે અશોક પાસે ગઈ અને બોલી, ‘ગાડીના ફાઇનાન્સના પૈસા ભરવા નહીં પડે. ઉપરથી રૂપિયાથી માલામાલ કરી દઈશ. બસ એક કામ કર, મારા પતિને મારવામાં મારો સાથ આપ.' અશોક લાલચમાં આવી ગયો. કાવતરું પાકું થઈ ગયું. ઘેનની દવા ખવડાવી, કુહાડીથી માથું કાપી નાખ્યું નિધિએ ભવાની શંકરના જ્યુસમાં ઊંઘની ગોળીઓ ભેળવી દીધી. ભવાનીએ જ્યુસ પીધો. તે ધીમે ધીમે સુસ્ત થયા અને બેહોશ થઈ ગયા. નિધિએ અશોકને બોલાવ્યો. બંનેએ બેહોશ ભવાની પર કુહાડીથી વાર કર્યો. પરંતુ ભવાની વારંવાર ભાનમાં આવવા લાગ્યા. અશોક ડરી ગયો. ત્યારે નિધિએ પોતે રસોડામાંથી એક મોટું ચાકુ ઉઠાવ્યું અને એક ઝટકામાં ભવાની શંકરનું ગળું કાપી નાખ્યું. લોહી વહેવા લાગ્યું. જે પત્ની હતી, તેણે જ હત્યારાનું કામ કર્યું. આ પછી બંનેએ કુહાડીથી માથું અને ધડ અલગ કર્યાં. લોહીને એક કેનમાં ભરી લીધું. બોડીને બેઝમેન્ટમાં લઈ ગયા. ગેસ બર્નર પર શરીરના ટુકડા બાળવાનો પ્રયાસ કર્યો બાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ શરીર ન બળ્યું. ત્યારે માથાને છત પર લઈ ગયા અને ગેસ બર્નર પર રાખીને બાળી નાખ્યું જેથી ઓળખ મટી જાય. માથું બાળ્યા પછી તેમને ખાતરી થઈ ગઈ, હવે કોઈ તેમને પકડી નહીં શકે. રાતના લગભગ બે વાગ્યે બંને માથું, ધડ અને કપડાં કારમાં લાવ્યાં અને સેવરનાં જંગલો તરફ નીકળી ગયાં. મર્ડર વેપન કુહાડીને એક બાવળની ઝાડીમાં ફેંકી દીધી. પ્લાનિંગ તો બધું બનાસ નદીમાં વહાવી દેવાનું હતું, પરંતુ ત્યારે જ તેમને સામેથી પેટ્રોલિંગ કરી રહેલી પોલીસની ગાડી દેખાઈ. એટલે બંને ગભરાઈ ગયાં. તેમણે પોતાનો પ્લાન બદલીને એક સુમસામ કૂવામાં ધડ ફેંક્યું. માથું અને કપડાં નદી કિનારે ફેંકી દીધાં. લોહીથી ભરેલા કેનને હટૂંડી પાસે જમીનમાં દાટી દીધું. કિશનગઢ પાછા ફરીને નિધિએ ઘરમાં કામ કરતી એક મહિલા પાસે આખા ઘરની સફાઈ કરાવી. તે મહિલાએ ફ્લોર પર લોહીના ડાઘ જોઈને પૂછ્યું, 'આ લોહીના ડાઘા જેવું શું છે?' નિધિનો જવાબ હતો, 'અરે આ તો લોહી નથી, કલર ઢોળાયો હતો, તે છે.’ ખોપરીમાં લાગેલા તારથી ખૂનનો ભેદ ખૂલ્યો નિધિ અને અશોકને ખાતરી હતી કે માથું બાળી નાખ્યું છે તો ઓળખ થશે જ નહીં. પણ તેઓ ભૂલી ગયા કે આગથી માંસ બળી શકે છે, પરંતુ હાડકાંમાં લાગેલો સ્ટીલનો તાર નહીં. પોસ્ટમોર્ટમ દરમિયાન ડોકટરોએ પોલીસને જણાવ્યું મૃતકની ડાબી આંખ નીચે એક સ્ટીલનો સર્જિકલ તાર હતો. કોઈ મોટી સર્જરી પછી લગાવવામાં આવ્યો હતો. આ જ તારની ડિટેલ અખબારમાં છપાઈ. આ જ તાર દુર્ગા પ્રસાદે જોયો. અને આ જ તાર જેને કાઢવાની કોઈએ કોશિશ ન કરી કારણ કે તેમને ખબર જ ન હતી કે તે હત્યારાને સળિયા પાછળ લઈ જશે. એક મૃત વ્યક્તિની એક આંખે ન્યાય માગ્યો અને પોલીસ સમક્ષ આખું કાવતરું તથા હત્યારાની ઓળખ ખુલ્લી પડી ગઈ. લોભ, શંકા અને સેક્સનું કાતિલ કોકટેલ પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું કે નિધિના મનમાં બે મોટાં કારણો હતા. પહેલું, તે ભવાની શંકરની મિલકત અને માર્બલ બિઝનેસ પર એકહથ્થુ રાજ કરવા માગતી હતી. તેને ડર હતો કે તેનાં સાસરિયાં બધું છીનવી લેશે. ભવાની બાળકો માટે છૂટાછેડા આપવા તૈયાર નહોતા. તેથી નિધિએ એકમાત્ર રસ્તો પસંદ કર્યોઃ ભવાનીને જ રસ્તામાંથી હટાવી દેવા. બીજું કારણ, પોલીસ તપાસમાં નિધિ અને ડ્રાઈવર અશોક વૈષ્ણવ વચ્ચેના ગાઢ સંબંધોની શંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, પોલીસ આ સંબંધ કોર્ટમાં સાબિત કરી શકી નહોતી. પરંતુ તે શક્ય હતું કે બંને સાથે રહેવા માગતાં હતાં અને ભવાની તેની વચ્ચેની સૌથી મોટી અડચણ હતા. હત્યારી પત્નીને આજીવન કેદની સજા થઈ 30 જુલાઈ 2004 ના રોજ કેકડી (અજમેર)ની એડિશનલ સેશન્સ કોર્ટે નિધિ શર્મા અને અશોક વૈષ્ણવને ભવાની શંકર શર્માની હત્યા માટે દોષિત ઠેરવ્યાં. બંનેને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી. IPC ની કલમ 302 (હત્યા), 120B (ગુનાહિત ષડયંત્ર) અને 201 (પુરાવા નષ્ટ કરવા) હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા. બંનેએ રાજસ્થાન હાઈકોર્ટમાં અપીલ કરી. બચાવ પક્ષે દલીલ કરી કે મૃતદેહની ઓળખ કન્ફર્મ્ડ નહોતી, ષડ્યંત્ર સાબિત થયું નહોતું. પરંતુ હાઈકોર્ટે પણ સજા યથાવત રાખી. ભવાની શંકરના બંને પુત્રો ચિન્મય અને સંસ્કારની કસ્ટડી તેમનાં દાદા-દાદીને મળી. કોર્ટે નિર્ણય કર્યો કે મોટા થયા પછી બાળકો પોતે જ બિઝનેસ સંભાળશે. મિલકત પણ તેમના નામે થઈ. જેના માટે હત્યા કરી તે સંપત્તિ પણ ગઈ, સંતાનો પણ ગયાં 2018માં રાજસ્થાન હાઈકોર્ટના એક આદેશમાં નોંધાયેલું છેઃ ‘નિધિ શર્માએ આજીવન કેદની સજા પૂરી કરી લીધી છે અને માફી મળ્યા પછી તે એક સ્વતંત્ર નાગરિક છે.' જેલમાંથી મુક્ત થયા પછી નિધિ બીજી જગ્યાએ પરણી ગઈ. પરંતુ તેની લડાઈ પૂરી થઈ નહોતી. તેણે પુત્રો ચિન્મય અને સંસ્કાર સાથે પ્રોપર્ટી વિવાદમાં કોર્ટનો દરવાજો ખટખટાવ્યો. દાવો કર્યો કે તેનાં બાળકો સગીર છે, પ્રોપર્ટી તેને આપવામાં આવે. કોર્ટે આ અરજી ફગાવી દીધી. 2018 સુધીમાં તેના બંને દીકરા પુખ્ત થઈ ચૂક્યા હતા. આજે બંને પુત્રો પોતાની માતાને મળતા નથી. જે સંપત્તિ માટે નિધિએ પોતાના પતિનો જીવ લીધો, તે સંપત્તિ તેને ક્યારેય મળી નહીં. ઉપરથી પોતાના સગા દીકરાઓ સાથેના સંબંધો પણ હંમેશ માટે તૂટી ગયા. આજે પણ આ લાલચુ સ્ત્રી સંપત્તિ માટે લડી રહી છે! અશોક વૈષ્ણવ, જે લોભમાં આ ષડયંત્રનો ભાગ બન્યો, તેને પણ આજીવન કેદની સજા થઈ. જેલમાં તેણે ન્યાયની માગ કરી, પરંતુ અદાલતે તેની અપીલ ફગાવી દીધી. તેનું પણ એ જ પરિણામ આવ્યું જે લોભનું હંમેશ થાય છે. કિશનગઢના ઇતિહાસમાં ધરબાઈ ગયેલી આ હત્યા ભારતના સૌથી ચર્ચિત આપરાધિક કેસોમાં ગણાય છે. 2022માં જ્યારે દિલ્હીમાં શ્રદ્ધા વાલકર હત્યાકાંડ સામે આવ્યો, ત્યારે રાજસ્થાનના પત્રકારોએ આ કેસની સરખામણી કિશનગઢના આ જ માર્બલ મર્ડર સાથે કરી હતી. ભવાની શંકર શર્માની સ્ટોરી જણાવે છે કે ક્યારેક-ક્યારેક સૌથી મોટો ખતરો બહારથી નહીં, ઘરની અંદરથી આવે છે. તેમણે પોતાની ડાયરીમાં મોતના ડર વિશે લખ્યું હતું. જીભ લથડવાનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ જે તેમનો જીવ લેવાની હતી, તેની સાથે જ રહ્યા, બાળકો માટે. અને જેણે સાત જન્મ સુધી સાથે રહેવાનું વચન આપેલું તેણે જ તેમનો જીવ લઈ લીધો. આ કેસે પોલીસ તપાસનો એક મહત્ત્વપૂર્ણ એન્ગલ આપ્યો. જ્યારે ટેક્નોલોજી પાંખી હતી, DNA ટેસ્ટિંગ આટલું પ્રચલિત નહોતું, ત્યારે એક સ્ટીલનો તાર, એક ડોક્ટરના રેકોર્ડ્સ, અને એક પિતાની આંખે ન્યાય અપાવ્યો. સાવર SHO સુરેન્દ્ર સિંહ જોધાની ટીમે જે તપાસ કરી, તે આજે પણ રાજસ્થાન પોલીસના ઇતિહાસમાં એક ઉદાહરણ છે.
    Click here to Read More
    Previous Article
    ફૂડ શાખાએ ખંભાળિયા હાઈવે પરની હોટલને 10 હજારનો દંડ-નોટિસ‎:જામનગરમાં ઓનલાઈન વેજ પાસ્તાના ઓર્ડરમાં નોનવેજ પાસ્તા નિકળતા હોબાળો
    Next Article
    सांसद चंद्रशेखर से लड़के ने की अजीबोगरीब डिमांड

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment