Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૈતર વસાવાને સજા પછી હવે શું?:ઇસુદાને કહ્યું, અમે મોદી-શાહ સામે બાથ ભીડી, રાજકીય વિશ્લેષક બોલ્યા- કોઇ માટે દાવો ન કરાય કે તે પાર્ટી નહીં બદલે

    19 hours ago

    ગુજરાતના રાજકારણમાં એવું વાવાઝોડું આવ્યું છે જે કદાચ 2027ની વિધાનસભા ચૂંટણી સુધી શાંત થવાનું નામ નહીં લે. આમ આદમી પાર્ટીના લડાયક મિજાજના ધારાસભ્ય ચૈતર વસાવાને વનકર્મીઓ પર હુમલાના કેસમાં 7 વર્ષની સજા થઇ છે. જેથી તેમના ધારાસભ્યપદ પર તલવાર લટકી રહી છે. આપ આ ચુકાદાને હાઇકોર્ટમાં પડકારવાની તૈયારી કરી રહી છે. બીજીતરફ ભરૂચ કોર્ટે પણ ચૈતર વસાવાને એક કેસમાં 29મી જુલાઇએ હાજર થવાનો આદેશ આપ્યો છે. જેથી ચૈતરની મુશ્કેલી વધશે. તેવામાં રાજકીય નિષ્ણાતો આખા મામલાને મધ્ય ગુજરાતનું મોટું ઓપરેશન માની રહ્યાં છે. દિવ્ય ભાસ્કરે આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર અને ચૈતર વસાવાને જે કેસમાં સજા થઇ તેના સરકારી વકીલ વંદના ભટ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી. ચૈતર વસાવાને આ સજા પર સ્ટે મળે ત્યાં સુધી વચ્ચેનો જે સમય છે તેમાં તેમના ધારાસભ્યપદ અંગેનો નિર્ણય લેવાની સત્તા વિધાનસભા અધ્યક્ષના હાથમાં છે. આ પહેલા ભગા બારડના કેસમાં પણ આવું જ થયું હતું. 2019માં સુત્રાપાડા કોર્ટે ભગા બારડને ગેરકાયદે ખનીજ ચોરીના કેસમાં દોષિત જાહેર કરી 2 વર્ષ 9 મહિનાની જેલની સજા ફટકારી હતી. એ સમયે ભગા બારડ કોંગ્રેસના ધારાસભ્ય હતા. તત્કાલીન વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તેમને ધારાસભ્યપદે અયોગ્ય જાહેર કર્યા હતા. જો કે ભગા બારડને આ ચુકાદા સામે સ્ટે મળ્યો હતો અને તેમનું ધારાસભ્યપદ બચી ગયું હતું. 2022ની ચૂંટણી પહેલાં ભગા બારડે વાજતે ગાજતે કેસરિયા કર્યા હતા અને ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડીને જીત મેળવી હતી. સ્ટે ન મળે ત્યાં સુધી ધારાસભ્યપદ ગયું રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકરે દિવ્ય ભાસ્કરને કહ્યું, ચૈતર વસાવાને સજા થતાં પ્રથમ દ્રષ્ટિએ તેમનું ધારાસભ્ય પદ લોક પ્રતિનિધિત્વ ધારો 1951-8 (3)ની કલમ મુજબ જતું રહે છે. આવા સંજોગોમાં તેઓ ઉપલી કોર્ટમાં જઇને ચુકાદા પર સ્ટે લાવે તો જ તેમનું ધારાસભ્યપદ પાછું મળે તેમ છે. જ્યાં સુધી આ પ્રક્રિયા નથી થતી ત્યાં સુધી તેમનું ધારાસભ્યપદ જાય છે. સુપ્રીમ કોર્ટ સુધી લડવાની આપની તૈયારી આમ આદમી પાર્ટી ચૈતર વસાવાનું ધારાસભ્યપદ બચાવવા માટે આકાશ પાતાળ એક કરી રહી છે. આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ દિવ્ય ભાસ્કરને કહ્યું, ભાજપના ધારાસભ્યોને નિર્દોષ છોડી દેવામાં આવે છે. જ્યારે કોઇ આદિવાસીઓ માટે અવાજ ઉઠાવે છે ત્યારે તેને આ રીતે ફસાવી દેવાય છે. આ મામલે અમે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જઇશું. હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વકીલોની પણ ટીમ બનાવી છે. જે લીગલ બાબતોને જોશે. 'લાંબા ગાળાની અસર છોડનારો ચુકાદો' રાજકીય વિશ્લેષકે કહ્યું, આમ આદમી પાર્ટી મધ્ય ગુજરાતમાં ચૈતર વસાવાના કારણે જ ઓળખાતી હતી. પાર્ટીનું પોતાનું અસ્તિત્વ છે તેના કરતાં અહીં વ્યક્તિનું વધારે છે. આ જ કારણોસર મધ્ય ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને મુશ્કેલીઓ પડે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે તાલુકા અને જિલ્લા પંચાયત ગુમાવવાનો વારો આવ્યો. આ ઉપરાંત આપણે ભાજપના આંતરિક અસંતોષ દર્શનાબેન અને મનસુખ વસવાના માધ્યમથી જોયા છે. આવી પરિસ્થિતિમાં ચૈતર વસાવાનો જે ચુકાદો આવ્યો છે તે આદિવાસી બેલ્ટના રાજકારણ માટે બહુ લાંબા ગાળાની અસરો છોડનારો છે. ચૈતરને ખોટા કેસમાં ફસાવાનો આરોપ ઇસુદાને આ કેસની વાત કરતાં કહ્યું, આમાં વન ખાતાની જમીન આદિવાસી ખેડૂતને મળી હતી. તેમણે નાણાં ચૂકવવાના હતા એ ચૂકવ્યાં નહીં. જેના કારણે રાત્રે 2 વાગ્યે આવીને ઊભો પાક વાઢી નાખવામાં આવ્યો. ધારાસભ્ય તરીકે ચૈતર વસાવા પાસે આ મામલો આવ્યો એટલે તેમણે સમાધાન કરાવ્યું. આમાં ક્યાં કોઇ પ્રશ્ન હતો? ભાજપે પાછળથી કેસ કરાવડાવ્યો. ચૈતરના બદલે કોણ? જો ચૈતર વસાવાને સ્ટે ન મળે તો શું થઇ શકે તેના વિશે વાત કરતા રાજેશ ઠાકરે કહ્યું, ચૈતર વસાવાએ ધારાસભ્યપદ ખોયું છે. બીજી તરફ જો તે ઉપલી અદાલતમાંથી સ્ટે નથી લાવી શકતા તો આ બેઠક ખાલી ગણાશે અને અહીં ફરી ચૂંટણી થશે. આવા સંજોગોમાં આ બેઠકનો વારસદાર ચૈતર વસાવા જ નક્કી કરશે. પાર્ટીમાં ગોપાલ ઇટાલિયા કે ઇસુદાન ગઢવી નિર્ણય કરે એના બદલે તે ચૈતર વસાવા પર છોડશે કે તમે તમારી જગ્યાએ કોને જુઓ છો. બીજું કે ચૈતર વસાવાને જે જેલવાસ થયો છે એના કારણે સિમ્પથી જેની સાથે જાય તેવી વ્યક્તિને ઉમેદવાર તરીકે ઊભો રાખી શકે છે. જો ચૈતર વસાવાને હાઇકોર્ટમાંથી સ્ટે મળે અને તેઓ ધારાસભ્ય તરીકે યથાવત રહે એ પછી ચૈતરનો રાજકીય નિર્ણય શું હોઇ શકે તેના વિશે રાજેશ ઠાકરે કહ્યું કે, હાલની પરિસ્થિતિ જોતાં કોઇપણ રાજકીય પંડિત કે રાજકારણ સાથે જોડાયેલી વ્યક્તિ કોઇપણ નેતા માટે દાવો કરી શકે તેમ નથી કે આ વ્યક્તિ ફાંસીના માંચડે ચઢી જશે પણ પાર્ટી નહીં બદલે. આપના નેતાઓ જે પણ પોલિટિકલ સ્ટેટમેન્ટ આપતાં હોય પણ અંદરનો કોન્ફિડન્સ હલી ગયો છે. 9 વર્ષ સુધી રાજકારણમાં બહાર રહેવું તેના કરતાં પાછલાં બારણેથી પ્રવેશના સંજોગો ઊભા થતાં હોય તો આજની પરિસ્થિતિમાં વ્યક્તિગત નિર્ણયો લોકો કરતાં હોય છે. ચૈતરને ડરાવવાના પ્રયાસઃ ઇસુદાન ઇસુદાને કહ્યું, અમે લડતાં રહીએ છીએ. અમે 5 કે 10 લોકો ગુજરાતની જનતા માટે મોદી અને અમિત શાહની સામે બાથ ભીડીને બેઠા છીએ. અમારા પર અત્યાચારો થાય છે. ચૈતર વસાવા જેવા વ્યકિતને દર 3 મહિને જેલમાં પૂરી દેવાય છે છતાં તે આદિવાસી માટે લડતો રહે છે. અમને ન્યાય તંત્ર પર વિશ્વાસ છે. ભાજપ આખા ગુજરાતમાં વિપક્ષ મુક્ત પાર્ટી બની જવા માંગે છે. તેમની સામે કોઇ લડવાવાળું જ ન હોય તેવું ઇચ્છે છે પણ અમારી પાર્ટી જનતા અને ચૈતર વસાવા માટે લડે છે એટલા માટે આંખના કણાની જેમ ખૂંચે છે. એ દિવસે કોર્ટમાં શું થયું હતું? કોર્ટના ચુકાદા અંગે વાત કરતાં સરકારી વકીલ વંદના ભટ્ટે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, એ દિવસે કોર્ટે પ્રથમ તબક્કામાં જાહેર કર્યું કે આપ સૌને સજા કરવાના મત પર આવું છું એ બાબતે તમારે શું કહેવું છે. સજાની સુનાવણી દરમિયાન દરેક આરોપીઓને સાંભળવામાં આવ્યા હતા. તેઓના એડવોકેટ અને અમારા સ્પેશિયલ પીપીને પણ સાંભળવામાં આવ્યાં હતા. સ્પેશિયલ પીપીએ કહ્યું હતું કે આરોપીએ 20થી વધુ ગુનાઓ કર્યા છે. તેની સામે આરોપીના એડવોકેટે કહ્યું હતું કે તેમની સામે એક જ ગુન્હો છે. રેકોર્ડ જોયું તો એક વર્ષના પ્રોબેશન સમય પૂર્ણ થયાના તુરંત જ બાદ તેમના વિરુદ્ધ ઘણાં ગુન્હાઓ નોંધાયા હતા જે સ્પષ્ટ હતું. કોર્ટ સમક્ષ ફેક્ટસ અને ગુનાહિત કૃત્યો અમિત નાયરે રજૂ કર્યા હતા. રાહુલ ગાંધી અને ચૈતર વસાવાનો કેસ આ રીતે જુદો રાજેશ ઠાકરે રાહુલ ગાંધીના સાંસદપદ જવાના કિસ્સાને પણ યાદ કર્યો. તેમણે કહ્યું, આવી જ ઘટના રાહુલ ગાંધીના કેસમાં પણ બની હતી. રાહુલ ગાંધી વિરુદ્ધ ચુકાદો આવ્યો તેમનું સાંસદપદ જવાથી બંગલો ખાલી કરવો પડ્યો હતો. જેના પછી સુપ્રીમ કોર્ટે તેના પર રોક લગાવી હતી પણ રાહુલ ગાંધી અને ચૈતર વસાવાના કેસમાં મહત્વનો ફેર એ છે કે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં મહત્તમ સજા અપાઇ હતી ત્યારે સુપ્રીમ કોર્ટે એવું અવલોકન કર્યું હતું કે તેમને 2 વર્ષની મેક્સિમમ સજામાં 2 દિવસની ઓછી સજા આપી હોત તો તેમનું સાંસદપદ ન જાત. જેથી તેમના વિસ્તારની જનતા પ્રતિનિધિ વગરની ન રહેત પણ ચૈતર વસાવાના કેસમાં મહત્તમ સજા 8 વર્ષની છે સાથે જ આ કેસ ચાલતો હતો. એ ઉપરાંત તેમના ઉપર જે બીજા કેસ હતા તેમાં એવું અવલોકન આવ્યું કે તેમનું વર્તન સારું રહ્યું નથી એટલે સજા અપાઇ હતી. આપણે હાર્દિક પટેલ અને ધાર્મિક માલવિયાના કેસો જોઇએ તો તેમના પરથી હટાવી લેવામાં આવ્યાં છે પણ જ્યારે તેઓ વિપક્ષમાં હતા ત્યારે આ જ બાબતે કાર્યવાહી કરવામાં આવતી હતી એટલે દબાણની રાજનીતિ સત્તા પક્ષ દ્વારા કરવામાં આવતી હોય છે તેમાં કોઇ બેમત નથી. આપ આદિવાસીઓ સાથે ઊભી છેઃ ઇસુદાન ભાજપ તરફથી થતાં દબાણની વાત કરતાં ઇસુદાને કહ્યું, ચૈતર વસાવાએ અનેકવાર જાહેર મંચ પરથી કહ્યું છે કે ભાજપે તેમને ઓફરો કરી છે કે અમારી પાર્ટીમાં જોડાઇ જાઓ, ડરાવ્યાં પણ છે પણ આ ભાજપની જૂની સ્ટાઇલ છે. ચૈતર વસાવાએ સમાજ સાથે કોઇ સોદો નથી કર્યો.સમાજ માટે જેલ જવાનું પસંદ કર્યું છે પણ સરેન્ડર નથી કર્યું. આ સાચો આદિવાસી છે. જો ચૈતર વસાવા અમારી પાર્ટીમાંથી નીકળી જાય અથવા ભાજપમાં આવી જાય કે જેલમાં જાય તો તેઓ ત્યાંના જંગલોમાં કંપનીઓ નાંખવા પણ માંગે છે આવું મેં સાંભળ્યું છે પણ એવું થવા નહીં દઇએ. અમારી પાર્ટી આદિવાસી સમાજ સાથે ઊભી છે. સત્તાપક્ષમાં જાઓ એટલે ક્લિનચીટ! જોડતોડના રાજકારણની વાત કરતાં રાજેશ ઠાકરે વધુમાં કહ્યું, માત્ર ગુજરાતમાં નહીં પણ આખા દેશમાં આવું જોવા મળી રહ્યું છે. અસંખ્ય ઉદાહરણો છે કે જેમને ત્યાં ઇન્કમટેક્સની રેડ પડી હોય. ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો હોય એ વ્યક્તિ પક્ષ બદલીને સત્તા પક્ષ સાથે ભળી જતો હોય છે. આવા સંજોગોમાં તે વ્યક્તિને ક્લીનચીટ મળી જતી હોય છે, પદ અને હોદ્દા પણ મળે છે. આદિવાસીઓ ચૈતરનો વિકલ્પ સ્વીકારશે? આમ આદમી પાર્ટી આ મુદ્દાને વધુ આક્રમક રીતે ઉઠાવશે તેવા અનુમાન સાથે રાજેશ ઠાકરે જણાવ્યું કે, ગોપાલ ઇટાલિયા આ મામલે નિવેદન આપી ચૂક્યાં છે કે અમે ઘરે ઘરે ચૈતર ઊભા કરીશું. આનો અર્થ એ છે કે આમ આદમી પાર્ટી ચૈતર વસાવાના જેલવાસને પોલિટિકલી એન્કેશ કરવાની પૂરી કોશિશ કરશે. આવામાં ચૈતર વસાવાનો વિકલ્પ ઊભો કરીને તેઓ કેટલા સફળ બને છે તે જોવાનું છે. બીજું કે એ વિકલ્પને ત્યાંના લોકો સ્વીકારશે કે કેમ? આદિવાસી વિસ્તારમાં જ્યારે તેમની માટે લડતો વ્યક્તિ હોય અને તેને જ્યારે સજા થાય ત્યારે આદિવાસીઓ તેને પોતાના પરનો પ્રહાર ગણી લેતાં હોય છે. રસ્તા પર ઉતરવાની તૈયારી ઇસુદાને તો ચૈતર વસાવાને હીરલો ગણાવ્યા. તેમણે જણાવ્યું કે, એક બાજુ ચૈતર વસાવાની સભા થાય બીજી બાજું નરેન્દ્ર મોદીની સભા થાય છે. તેમાં ચૈતર વસાવાની સભામાં સ્વયંભૂ પબ્લિક ઉમટી પડે છે. ભગવાન બિરસા મુંડા પછી આદિવાસી સમાજને ચૈતર વસાવા સ્વરૂપે હીરલો મળ્યો છે. ચૈતર વસાવા મામલે પાર્ટી સડક ઉપર ઉતરશે. આઇ સપોર્ટ ચૈતર વસાવા ઝુંબેશ સાથે રેલી કરીશું. એક હજાર જેટલી રેલી કરી તેમના સમર્થનમાં લોકોને જાગૃત કરીશું. આમ આદમી પાર્ટીને ફટકો અમે પૂછ્યું કે શું આ મિશન 2027 પહેલાં ભાજપનો કોઇ નવો પ્રયોગ છે જેના જવાબમાં રાજકીય વિશ્લેષકે કહ્યું, હું આને નાનો નહીં પણ મધ્ય ગુજરાતનું બહું જ મોટું ઓપરેશન માનું છું. જો રાજકીય રીતે જોઇએ ચૈતર વસાવા વિપક્ષનો સતત લડતો અને ઉભરતો ચહેરો છે. જો આ ચહેરાને રાજકારણમાંથી સાઇડ લાઇન કરી દો અને ત્યાં શૂન્યાઅવકાશ કરી દો તો મધ્ય ગુજરાતમાં ભાજપની આંતરિક અને બાહ્ય ચેલેન્જને હાલમાં ન્યૂટ્રલ કરી નાંખી છે. એવું કહી શકાય કે ચૈતર વસાવાએ પોતાનું ધારાસભ્યપદ ખોયું છે જ્યારે આમ આદમી પાર્ટીએ તેમનો એક મોટો નેતા કે જેના આધારે જનાધાર હતો તે ખોયો છે. રાજકીય પંડિતો લોકોને ભરમાવાનું રહેવા દેઃ ઇસુદાન ઇસુદાન ગઢવી રાજકીય પંડિતો પર રોષે ભરાયા. તેમણે કહ્યું કે, મારે રાજકીય પંડિતોને પણ કહેવું છે કે,અમે 5,7,10 લોકો લડીએ છીએ. સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ અને નાની પાર્ટી છીએ એટલે મરજી પડે તેવી કોમેન્ટસ કરો છો. તમારા દિલ પર હાથ રાખીને કહો કે અમે નહીં હોઇએ તો ગુજરાત માટે કોણ લડશે? ભાજપે વિપક્ષમુક્ત ગુજરાત બનાવ્યું છે. પોલિટિકલ પંડિતો તમે સપોર્ટ ન કરો તો કંઇ નહીં પણ એવું એનાલિસિસ કરીને લોકોને ભરમાવાનું રહેવા દો. તમારા જ્ઞાનને અમે રોકી નહીં શકીએ. તમે એવું કહ્યું કે આપ ભાજપ અને કોંગ્રેસ બી ટીમ છે. ડિબેટમાં આપને બેસવા નથી દેતાં તો શું સવાલ કર્યો. અમે લડીએ છીએ સપોર્ટ ન કરો તો કંઇ નહીં, મોરલ ન તોડશો. સરકારી વકીલ વંદના ભટ્ટે કહ્યું, આ કેસમાં પુરાવાને આધિન દલીલો થઇ હતી. પુરાવાઓ યોગ્ય હતા જેના કારણે નામદાર કોર્ટે સજા કરી છે. જ્યારે 2 વર્ષથી વધારાની સજા થાય તો પ્રતિનિધિ ધારા અંતર્ગત સભ્યપદ દૂર થાય છે. હાલ તો આ મામલે કાયદાકીય અને રાજકીય એમ બન્ને મોરચે લડાઇ ચાલી રહી છે. જે આગામી દિવસોમાં કેવું સ્વરૂપ લે છે તે જોવું રસપ્રદ બની રહેશે. સ્ટોરી ઇનપુટ: પ્રવીણ પટવારી, રાજપીપળા
    Click here to Read More
    Previous Article
    ઉત્તર પ્રદેશના MLA સામે સુરતીલાલાના સીનસપાટા:IPS બનીને રોફ જમાવતા જોનને પોલીસે વાંકો વાળી દીધો; ‘જંગલેશ્વરની કાજુકતરી’ RMCને પચી નહીં
    Next Article
    વગર વરસાદે જ ગટરો ઉભરાવા લાગી:નિકોલમાં ગટરના પાણી રોડ પર ફરી વળ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment