Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપાની નોટિસ બિલ્ડર ઘોળીને પી ગયો:નોટિસ છતાં અંધારામાં ગેરકાયદે બાંધકામ પૂરજોશમાં, સાયકલવાલાએ કહ્યું-કોઈનું મોત થશે તો પાલિકા અને બિલ્ડર બંને સરખા જ જવાબદાર

    4 days ago

    સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન આવેલા નાસીરનગર ખાતે ગત 30 મેના રોજ કરવામાં આવેલું ડિમોલિશન ગુજરાતભરમાં ગાજી રહ્યું છે. ભૂતિયા ડિમોલિશન તરીકે કૂખ્યાત થયેલી આ કામીગરી સામે હજુ પણ સવાલો ઉભાને ઉભા જ છે. સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન દ્વારા 16 જૂન, 2026ના રોજ બાઈ જાઈજી નવરોજજી ખરશેદજી પાલીયા અને અન્ય ભાગીદારોને વેડ દરવાજા, સુરત ખાતે આવેલી વોર્ડ નં. 07, નોંધ નં. 1267, 1267/3, 1268 (નવો 1267/3/1) વાળી મિલકત સંદર્ભે કડક મનાઈહુકમની નોટિસ પાઠવવામાં આવી છે. આ નોટિસમાં જણાવ્યા મુજબ, અગાઉ 30 મે, 2026ના પત્રથી પાલિકાની પરવાનગી વિના બેઝમેન્ટમાં કરાયેલા ખોદાણવાળા ભાગમાં માટીપુરાણ કરી જમીન લેવલે લાવવા સુચના અપાઈ હોવા છતાં, તેનું ઉલ્લંઘન કરીને ત્યાં મનસ્વીપણે બાંધકામ ચાલુ રાખી આર.સી.સી.પડદી તેમજ ફુટીંગ સહિતનું નવું અનઅધિકૃત બાંધકામ શરૂ કરાયું હોવાનું તંત્રના ધ્યાને આવ્યું છે. આથી, 1949ના બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની કલમ-267 ના સબ સેક્શન નં.(1) મુજબ આ ગેરકાયદેસર બાંધકામ તાત્કાલિક બંધ કરવાનો ફરમાન કરવામાં આવ્યો છે, અને જો આ હુકમનો અમલ નહીં કરવામાં આવે તો પેટા કલમ નં. (2) મુજબ કામ કરનાર તથા કરાવનાર સઘળા ઇસમોને સ્થળ પરથી પોલીસ મારફત દૂર કરાવીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સ્થાનિકોનો આક્ષેપ છે કે જો તંત્રને ડિમોલિશન જ કરવું હતું, તો કાયદેસરની પ્રક્રિયા મુજબ પૂરતો સમય આપવો જોઈતો હતો. પોતાના જ ઘરમાંથી માલસામાન કાઢવાની પણ તક ન મળતા અનેક પરિવારો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. ગરીબો પ્રત્યે પાલિકાનું આ વલણ અત્યંત નિર્દયી સાબિત થયું છે. નિયમોને નેવે મૂકીને બિલ્ડરોનું ગેરકાયદેસર બાંધકામ આ આખી ઘટનાના મૂળમાં સર્વે/નોંધ નંબર 1267/3/1 વાળી વિવાદાસ્પદ જમીન છે. આ જમીન પર કોઈ પણ પ્રકારનું પ્લોટ વેલિડેશન સર્ટિફિકેટ (PVC) મેળવવામાં આવ્યું નથી. એટલું જ નહીં, સુરત મહાનગરપાલિકા પાસેથી બાંધકામ શરૂ કરવા માટેની જરૂરી વહીવટી મંજૂરી પણ લેવામાં આવી નથી. આમ છતાં, પાલિકાના જ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ વતી બિલ્ડરોએ આ વિવાદાસ્પદ સાઇટ પર બેઝમેન્ટ સહિતનું મોટું બાંધકામ ધમધમતું કરી દીધું હતું. પાલિકાની કડક ગાઈડલાઈન્સ હોવા છતાં આટલું મોટું કૌભાંડ તંત્રની નાક નીચે ચાલતું રહ્યું તે બાબત જ શંકા ઉપજાવે તેવી છે. વિરોધ વચ્ચે પણ પડદા પાછળ કામગીરી ચાલુ રહી નાસીરનગરમાં ડિમોલિશનને લઈને ભારે હોબાળો મચ્યો હતો અને સ્થાનિક લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારે પણ પડદા પાછળ બિલ્ડરોની બાંધકામની કામગીરી અવિરત ચાલુ જ હતી. કાયદાનો કોઈ જ ડર ન હોય તેમ બિલ્ડરોએ પોતાની સાઇટનું કામ ચાલુ રાખ્યું હતું. રાજકારણીઓ અને ઉચ્ચ અધિકારીઓને પોતાના ખિસ્સામાં રાખીને ફરતા આ બિલ્ડરોએ જાણે આખી સરકારી વ્યવસ્થાને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેવો ઘાટ સર્જાયો હતો. જોકે સેન્ટ્રલ ઝોનની ટીમે 30 મેએ જ આ ગેરકાયદેસર ખોદકામ અટકાવી ખાડા પૂરી દેવા માટે બિલ્ડરને કડક નોટિસ પાઠવવી પડી હતી. BPMC એક્ટની નોટિસ છતાં બિલ્ડર બેખોફ અગાઉ 30 મેના સામાન્ય નોટિસ આપવા છતાં પણ બિલ્ડરો ટસના મસ થયા ન હતા અને બાંધકામ ચાલુ રાખ્યું હતું. બિલ્ડરોના આ અક્કડ વલણને પગલે હવે સેન્ટ્રલ ઝોન દ્વારા BPMC એક્ટની કલમ-260 (1/અ) હેઠળ આખરી કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસમાં પાલિકાએ બિલ્ડરને સીધો સવાલ પૂછ્યો છે કે, "આ ગેરકાયદેસર રીતે કરવામાં આવેલું બાંધકામ શા માટે તોડી ન પાડવું?" તંત્રે બિલ્ડરને આ બાબતે 7 દિવસનો કડક અલ્ટીમેટમ આપ્યું છે અને 7 દિવસમાં લેખિત જવાબ માંગ્યો છે. પરંતુ, આ કડક નોટિસ આપવા છતાં પણ બિલ્ડર જાણે કાયદાથી ઉપર હોય તેમ પોતાનું કામ બેધડક ચાલુ રાખ્યું છે. ગઈકાલે રાત્રે પણ બિલ્ડર દ્વારા સાઇટ પર પૂર ઝડપે બાંધકામ ચાલુ રાખવામાં આવ્યું હતું. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કોઈના ધ્યાનમાં ન આવે તે માટે સાઇટ પરની તમામ લાઈટો બંધ કરી દેવામાં આવી હતી અને અંધારામાં જ માત્ર બેટરી તથા મોબાઈલની ફ્લેશલાઇટના સહારે મજૂરો પાસે જોખમી રીતે કામ કરાવવામાં આવતું જોવા મળ્યું હતું. પકડાઈ ન જવાય તે માટે ફિલ્મી સ્ટાઈલથી ગોઠવણ કરી આ ગેરકાયદેસર બાંધકામમાં કામ ચાલુ છે તેની બહાર કોઈને ખબર ના પડે તે માટે બિલ્ડરે અત્યંત શાતિર અને ફિલ્મી કહી શકાય તેવી તરકીબ અપનાવી હતી. બિલ્ડર દ્વારા તેની બાજુમાં જ જે એક અન્ય કાયદેસર બિલ્ડિંગ બની રહી છે, ત્યાં સિમેન્ટ/કોંક્રિટનો મોટો ટ્રક ઊભો રાખી દેવામાં આવ્યો હતો. રાતોરાત કામ પૂરું કરી દેવાની પેરવી રચાઈ ત્યારબાદ, એ કાયદેસરની સાઇટ પરથી મોટા પાઇપો લાંબા કરીને આડકતરી રીતે બધો જ માલસામાન (સિમેન્ટ-કોંક્રિટ) એ ગેરકાયદેસર બિલ્ડિંગ જ્યાં બની રહી છે ત્યાં પહોંચાડવામાં આવી રહ્યો હતો. આ આખી ગોઠવણ પાછળનો હેતુ એ જ હતો કે રસ્તા પરથી પસાર થતા લોકોને કે મીડિયાને એમ જ લાગે કે કામ કાયદેસરની સાઇટ પર ચાલે છે, જ્યારે અંદરખાને પાછળના ભાગે ગેરકાયદેસર બાંધકામને રાતોરાત પૂરું કરી દેવાની પેરવી રચાઈ હતી. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાનું જે તંત્ર છે હાલનું, એ બે નીતિએ કામ કરે છે. શહેરના સામાન્ય પ્રજાજનો જ્યારે કોઈક ગેરકાયદેસર બાંધકામ કરતા હોય, તો એના માટે ખૂબ ચુસ્તપણે નિયમોનું પાલન થાય છે. પરંતુ કોઈ ભારતીય જનતા પાર્ટીના ધનદાની વ્યક્તિ જ્યારે ગેરકાયદેસર બાંધકામ કરતા હોય, તો એના માટે સતત આંખ આડા કાન કરીને છાવરવાના પ્રયાસો થતા હોય છે. નાસીરનગર પ્રકરણમાં જે પ્લોટ નંબર 7 અને સર્વે નંબર છે, જ્યાં 12 ચોરસ મીટરનું બાંધકામ થયું છે, એમાં ઘણા હિસ્સા પર હજુ પીવીસી (PVC) એટલે પ્લોટ વેલિડેશન સર્ટિફિકેટ મળ્યું નથી, એ નામંજૂર કરવામાં આવ્યું છે. મારી જાણ મુજબ, અને બાંધકામ માટે 30-5-2026 ના રોજ સેન્ટ્રલ ઝોન દ્વારા એક નોટિસ આપવામાં આવી હતી. એ નોટિસનું બિલ્ડર દ્વારા કોઈ પાલન કરવામાં નથી આવ્યું. અત્યારે 5-6 દિવસ પહેલા પણ 260ની નોટિસ ફટકારવામાં આવી છે, પરંતુ સ્થળ પર આજે પણ કામગીરી ચાલુ છે. ગઈકાલે રાત્રે પણ રાતોરાત અંધારામાં પણ ચાલુ હતું. એટલે એની નોટિસોને એ બિલ્ડર ઘોળીને પી જાય, એટલા માટે કે એની પર ભારતીય જનતા પાર્ટીની પૂરી છત્રછાયા છે, એટલા માટે. મહાનગરપાલિકાના તંત્ર પાસે એટલી જ અપેક્ષા રાખીએ કે તમે તમારી ભ્રષ્ટાચારી છાપને, જે દિન-પ્રતિદિન ખરડાઈ રહી છે, એને થોડી ઝાંખી કરવા માટે પણ સ્થળ પર કાર્યવાહી કરવી જોઈએ. અને સામે ચોમાસાનો વરસાદ છે, તમે ખાડા પુરાણ માટેની નોટિસમાં સ્પષ્ટપણે લખેલું છે, ત્યાં કોઈ પ્રકારનું ખાડા પુરાણ થયું નથી, ડિમોલિશન થયું નથી. અને વરસતા વરસાદમાં જો માટી ધસી જાય, કોઈ શ્રમિક મજૂરનું કે સ્થાનિકનું કોઈનું મૃત્યુ થાય, તો એની જવાબદારી સ્થાનિક બિલ્ડરની તો રહેશે જ, સાથે સાથે સુરત મહાનગરપાલિકાના તંત્રની પણ એટલી જ રહેશે, એ મહાનગરપાલિકાના તંત્રે ભૂલવું ન જોઈએ.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથ SP જાડેજા શાળા પ્રવેશોત્સવમાં જોડાયા:વેરાવળની સરકારી શાળામાં ધોરણ 1 થી 8ના બાળકોને પ્રવેશ અપાવ્યો
    Next Article
    મેઘાણીવાડી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી:વોર્ડ 9ના કોર્પોરેટરોની હાજરીમાં નવા વિદ્યાર્થીઓનું સ્વાગત, વૃક્ષારોપણ પણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment