Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ભૂમાફિયાએ ખોટા દસ્તાવેજ બનાવી સરકારી જમીન વેચી નાખી':માંગરોળના ભાજપના ધારાસભ્યની રજૂઆતથી ખળભળાટ, કલેકટર તંત્ર હવે માપણી કરી નોટિસ આપશે

    15 hours ago

    જૂનાગઢના ​માંગરોળ પંથકમાં સરકારી જમીનો પર ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે કબજો જમાવી લેવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. આ વિસ્તારમાં નકલી પ્રોપર્ટી કાર્ડ બનાવીને કિંમતી સરકારી જમીન પચાવી પાડવાના અને તેને કરોડો રૂપિયાની કિંમતમાં બારોબાર વેચી દેવાના ચોંકાવનારા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. આ ગંભીર પરિસ્થિતિને જોઈ રાખીને જ્યારે વાસ્તવિક સ્થિતિની તપાસ કરવામાં આવી ત્યારે વહીવટી તંત્રની આંખ ઉઘાડી નાખે તેવી વિગતો સપાટી પર આવી છે. આ સમગ્ર મામલે અન્ય કોઈએ નહીં પણ ભાજપના ધારાસભ્ય દ્વારા જ રજૂઆત કરાતા તંત્ર દોડતું થયું છે. ખોટું પ્રોપર્ટી કાર્ડ બનાવી સરકારી જમીન વેચી નખાઈ હોવાની ધારાસભ્યની રજૂઆત ​આ બાબતે માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠીયાએ જણાવ્યું હતું કે માંગરોળ શહેરમાં સ્થાનિક યુવાનો અને બાળકોના રમત-ગમત માટે માત્ર આ એક જ મેદાન આવેલું છે. આ મેદાન વર્ષો પહેલા કોરોનેશન હાઈસ્કૂલને સરકાર દ્વારા આપવામાં આવ્યું હતું, પરંતુ સમય જતાં કોરોનેશન હાઈસ્કૂલે એ આખી જગ્યા કલેક્ટરને પરત સોંપી દીધેલી છે. હાલની પરિસ્થિતિ જોતા ત્યાં મોટાભાગના ગ્રાઉન્ડ ઉપર ગેરકાયદેસર પેશકદમી થઈ ગયેલી જોવા મળે છે અને એક ઈસમે ત્યાં ખોટું પ્રોપર્ટી કાર્ડ ઊભું કરી દીધું છે. આ ખોટા દસ્તાવેજોના આધારે કરોડો રૂપિયામાં એ સરકારી જમીન બારોબાર વેચી દેવામાં આવી છે. આ ગંભીર બાબતની અમે ઉચ્ચ સ્તરે સત્તાવાર રજૂઆત કરી હતી અને આજે પ્રશ્ન સંકલનની મહત્વની બેઠકમાં પણ આ પ્રશ્ન ચર્ચામાં આવ્યો હતો. આ રજૂઆતના પગલે સરકારે અને કલેક્ટરે એ જમીનની તાત્કાલિક માપણી કરવાના અને જે પણ લોકોએ ત્યાં પેશકદમી કે દબાણ કર્યું છે તે તમામ દબાણોને સત્વરે દૂર કરવા માટેની કડક સૂચનાઓ આપી દીધી છે. દબાણવાળી જગ્યા વહેલીતકે ખાલી કરાવવામાં આવે- માંગરોળ શહેર ભાજપ પ્રમુખ ​માંગરોળ શહેર ભાજપ પ્રમુખ નિલેશ સોનૈયાએ પણ આ જમીન વિવાદ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે માંગરોળમાં આવેલ દાદાર મંઝિલ પાસે જૂની સીપીએડ કોલેજની જે સરકારી જગ્યા આવેલી હતી, તે જગ્યા પર છેલ્લા ઘણા વર્ષોથી મોટા પાયે પેશકદમી થયેલી છે. આ ગંભીર બાબતની અમે પોતે પણ મામલતદારે રૂબરૂ મળીને રજૂઆત કરેલી છે. સાથોસાથ અમારા ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ પણ આ છેલ્લી મહત્વની મીટિંગમાં જિલ્લા સંકલન સમિતિ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે અને સરકારને ભારપૂર્વક રજૂઆત કરી છે કે વહેલી તકે એ પેશકદમીવાળી જગ્યા ખાલી કરાવવામાં આવે અને તે જગ્યાનો સ્થાનિક લોકોના હિતમાં લોકઉપયોગી કાર્યો માટે ઉપયોગ થાય એટલે કે ત્યાં કોઈ સંસ્થાકીય અથવા સામાજિક આયોજન કરી શકાય. આ જગ્યાઓનો ગેરકાયદે કબ્જો લીધા પછી તેને ઊંચી કિંમતે બજારોમાં વેચી પણ દેવામાં આવી છે. આ સમગ્ર બાબતમાં પણ અમે સરકારને કડક પગલાં લેવા રજૂઆત કરી છે જેથી આ જગ્યા સત્વરે ખાલી થાય અને ત્યાં જનતા માટે કંઈક સારું કાર્ય થાય. આ ઉપરાંત માંગરોળમાં આવેલ ઐતિહાસિક ટાવર ગ્રાઉન્ડ બાબતની પણ અમારા ધારાસભ્યએ કલેક્ટર સાહેબને લેખિત રજૂઆત કરી છે કે જે રેવન્યુની જગ્યા છે તે તાત્કાલિક ધોરણે નગરપાલિકાને સોંપવામાં આવે. આ વર્ષો જૂનું ટાવર ગ્રાઉન્ડ મૂળ ક્રિકેટનું મેદાન છે, જેથી કરીને સ્થાનિક ક્રિકેટરો અને અન્ય રમતવીરો સારી રીતે અને કોઈ પણ અડચણ વગર એ જગ્યાનો રમત માટે ઉપયોગ કરી શકે. જો રેવન્યુ વિભાગની આ જગ્યા સરકાર દ્વારા નગરપાલિકાને હસ્તક કરવામાં આવે, તો નગરપાલિકા દ્વારા ત્યાં સારું ડેવલપમેન્ટ અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી શકાય, જેનાથી ક્રિકેટરો અને ખેલાડીઓ માટે ભવિષ્યની ઉજ્જવળ તકો ખુલશે અને કોઈને કોઈ સારી એથ્લેટિક્સ રમતો પણ ત્યાં યોજી શકાશે. આ પ્રયાસો માટે અમે અને અમારા ધારાસભ્ય સરકારમાં અવારનવાર રજૂઆત કરીએ છીએ અને છેલ્લી જિલ્લા સંકલનની બેઠકમાં પણ આ વિષય લેવાયો હોવાથી અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે સરકાર દ્વારા પ્રોપર કામગીરી થશે અને સત્વરે સકારાત્મક નિકાલ આવશે. ઐતિહાસિક ટાવર ગ્રાઉન્ડની જમીન પર ભૂમાફિયાઓની મેલી નજર માંગરોળનું ઐતિહાસિક ટાવર ગ્રાઉન્ડ અત્યારે ભૂમાફિયાઓની લુચ્ચી દાનત અને સરકારી તંત્રની ઘોર બેદરકારીનો ભોગ બન્યું છે, જેના કારણે સ્થાનિક રમતવીરો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ​આ ટાવર ગ્રાઉન્ડ માંગરોળના રજવાડાના પ્રિન્સ અને ગુજરાત રણજી ટ્રોફીના પ્રથમ કેપ્ટન ઝાહિદ મિયા શેખની ભવ્ય વિરાસત સમાન ગણાય છે. પરંતુ આજે આ પવિત્ર રમતભૂમિ પર ચારેય બાજુ ગેરકાયદેસર દબાણો અને પેશકદમીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે. સ્પોર્ટ્સ ગ્રાઉન્ડના નામે અહીં વિકાસના કાર્યો સદંતર શૂન્ય જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં, આજુબાજુની સોસાયટીઓમાં રહેતા લોકોએ આ સરકારી મેદાનને પોતાના ખાનગી રસ્તા તરીકે વાપરવાનું શરૂ કરી દીધું છે. મેદાનની વચ્ચેથી બેરોકટોક વાહનો દોડાવવામાં આવી રહ્યા છે, જેના કારણે વહેલી સવારે ચાર વાગ્યાથી દોડવા માટે અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે આવતી દીકરીઓ તેમજ યુવાનોની સુરક્ષા અત્યારે ભારે જોખમમાં મુકાઈ ગઈ છે. ખેલાડીઓ પથરાળ અને ખુલ્લા મેદાનમાં પ્રેક્ટિસ કરતી વખતે અવારનવાર ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે, તેમ છતાં સ્થાનિક તંત્ર આ બાબતે લાંબા સમયથી આંખ આડા કાન કરીને બેઠું હતું. ​આ સમગ્ર મામલો માત્ર ગેરકાયદેસર દબાણ કે રસ્તા પૂરતો સીમિત નથી, પરંતુ તેની પાછળ એક બહુ મોટું સંગઠિત જમીન કૌભાંડ આકાર લઈ ચૂક્યું છે. આ ગ્રાઉન્ડની જમીન બાબતે યોગ્ય તપાસ થવી જોઈએ- રમતવીર ​આ સમગ્ર વિવાદ અંગે સ્થાનિક રમતવીર આસિમ અમારે જણાવ્યું હતું કે આ મેદાન અમારું વર્ષો જૂનું ગ્રાઉન્ડ છે અને છેલ્લા 100 વર્ષથી આ ગ્રાઉન્ડ રણજી ટ્રોફીના કેપ્ટન રહી ચૂકેલા ઝાહીદ શેખ દ્વારા રમત-ગમત માટે આપેલું છે. તેમણે વધુમાં એક મહત્વની વાત ઉમેરતા કહ્યું હતું કે આ ગ્રાઉન્ડની જમીનનું કુલ ક્ષેત્રફળ કેટલું છે, આ જમીન ક્યાં સુધી ફેલાયેલી છે અને આ જમીનમાંથી અમુક જગ્યાઓ કોના દ્વારા અને કોને ભાડે આપવામાં આવી છે, તે તમામ બાબતોની ખાસ એક ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. આ મેદાનને તમામ દબાણોમાંથી મુક્ત કરીને સામાન્ય લોકો અને ખેલાડીઓ વચ્ચે ખુલ્લું મૂકવામાં આવે તે જરૂરી છે. અહીંથી જેમ અગાઉ ઝાહીદ શેખ રણજીના કેપ્ટન બન્યા હતા, તેમ અત્યારે પણ અમારા ઘણા બધા સ્થાનિક રમતવીર છે જેઓ ખૂબ સારું રમીને વિદેશમાં પણ રમવા માટે ગયા છે. તેથી માંગરોળની 60,000 થી વધુની વસ્તીને ધ્યાનમાં રાખીને આ ગ્રાઉન્ડ રમતવીરોને સોંપવામાં આવે જેથી કરીને અહીં યુવાનો પ્રેક્ટિસ કરી શકે અને સ્કૂલ કક્ષાની જેવી કેટલીક રમત-ગમત સ્પર્ધા થાય છે તેની યોગ્ય તૈયારીઓ અહીં થઈ શકે તેવી અમારી મુખ્ય માંગણી છે. ધારાસભ્યની રજૂઆત બાદ તપાસ શરૂ કરી દેવામાં આવી છે- નાયબ મામલતદાર ​આ સમગ્ર કાયદાકીય અને વહીવટી કાર્યવાહી અંગે માંગરોળના નાયબ મામલતદાર મખ્દુમ નૂરમહમ્મદ છોટીયારાએ જણાવ્યું હતું કે દાતાર મંઝિલ સરકારી જમીન અંગે ધારાસભ્ય દ્વારા જે પ્રશ્નની રજૂઆત કરવામાં આવેલી છે, તે પ્રશ્ન અન્વયે આજુબાજુના વિસ્તારમાં જે કોઈ પણ દબાણદારો છે તેને સત્તાવાર રીતે ઓળખવા માટેની વહીવટી કામગીરી હાલ ચાલુ કરી દેવામાં આવી છે. આ ઓળખ કરવાની પ્રાથમિક કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ થયા બાદ, એ તમામ ગેરકાયદેસર દબાણદારોને નોટિસ આપીને ત્યાંથી દબાણ દૂર કરવાની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ટાવર ગ્રાઉન્ડ અને અન્ય સરકારી જમીનો અંગે ધારાસભ્ય દ્વારા જે પણ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે, તે બાબતે અમોને વરિષ્ઠ કચેરી તરફથી જે કાંઈ પણ પત્રવ્યવહાર કે આદેશો થશે, તે તમામ કાગળોની ઊંડાણપૂર્વક ખરાઈ કરાવવામાં આવશે અને તાત્કાલિક ધોરણે આ કામગીરી પૂર્ણ કરી તમામ ગેરકાયદેસર દબાણો વહેલામાં વહેલી તકે દૂર કરવામાં આવશે. માંગરોળમાં જે પ્રોપર્ટી કાર્ડ ખોટા અને નકલી બનાવવાની ગંભીર બાબતો સામે આવી છે, તેની ચકાસણી સરકારી રેકોર્ડ અને દસ્તાવેજોના આધારે સંપૂર્ણપણે કરવામાં આવશે. જે પણ હકીકતલક્ષી અને સાચા પુરાવા હશે, તેનો વિગતવાર અહેવાલ બનાવીને સંબંધિત વિભાગ અને સિટી સર્વે મારફત તેની સંપૂર્ણ તપાસ કરાશે. આ તપાસની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કાયદાના દાયરામાં રહીને કડક કાર્યવાહી કરવામાં આવશે અને તમામ સરકારી જમીનો પરથી ગેરકાયદેસર દબાણો સત્વરે દૂર કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    India News LIVE Updates, 25 June 2026: PM Modi assures ‘all possible assistance’ to Venezuela after monster earthquakes, deaths expected to rise
    Next Article
    ગીર સોમનાથમાં આશા વર્કર બહેનોનો હલ્લાબોલ:પડતર માંગણીઓ માટે જિલ્લા સેવા સદન ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment