Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસે બોલાવીને કહ્યું- તમારો લાડકવાયો હવે આ દુનિયામાં નથી:નદીના પટમાં રહી ગયેલા માથાએ હત્યારાનો પાપનો ઘડો ફોડ્યો, આરોપી બોલતો રહ્યો ને ક્રાઇમ બ્રાન્ચ સાંભળતી રહી

    2 days ago

    ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા એપિસોડમાં તમે જાણ્યું કે વર્ષ 2018માં રાજકોટની આજી નદીના પટમાંથી એક બાળકનું કપાયેલું માથું મળી આવ્યું હતું. આ કેસને ઉકેલવા પોલીસે આકાશ પાતાળ એક કર્યા હતા. 50 હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હતું તેમ છતાં કોઇ સફળતા મળી નહોતી. છેવટે કેસની ફાઇલ અભેરાઇએ ચડી ગઇ હતી. આખા ગુજરાતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ સામે 2025માં ખાસ ડ્રાઇવ હાથ ધરાઇ હતી. રાજકોટ પોલીસે પણ શહેરમાં આ ઓપરેશન શરૂ કર્યું હતું. જે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલને બાતમી મળી હતી કે એક મકાનમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓને રાખેલા હોઇ શકે છે. જેના પછી પોલીસે રેડ પાડી હતી. રેડમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ તો ન મળ્યાં પણ બાળમજૂરો મળી આવ્યા હતા. આ બાળમજૂરોને પશ્વિમ બંગાળનો લેબર કોન્ટ્રાક્ટર અજીત મૌલા રાજકોટ લાવ્યો હતો. પોલીસે અજીત મૌલાને પકડ્યો અને તેની પૂછપરછ કરી. જેમાં તેણે કહ્યું કે 'સાહબ, કોરોના મેં એક બચ્ચે કો એસે મારા તો વો મર ગયા થા.' એક આરોપી પોલીસ સમક્ષ બેસીને હત્યાની કબૂલાત કરી રહ્યો હતો. હવે આગળ વાંચો.... અજીત મૌલાના અમુક સગા રાજકોટમાં ઇમિટેશન જ્વેલરી ક્ષેત્રે અલગ અલગ જગ્યાએ કામ કરતાં હતા. 2016માં પશ્વિમ બંગાળથી ફરીવાર રાજકોટ આવીને અજીતે રાજનગરમાં ઘર ભાડે રાખ્યું હતું. તેનો પ્લાન બંગાળથી બાળકોને લાવીને તેની પાસે મજૂરી કરાવવાનો હતો એટલે તે ફરીથી બંગાળ ગયો અને ત્યાં સગીર વયના બાળકોના મા-બાપ સાથે વાત કરી હતી. બાળકોને નોકરી માટે રાજકોટ લઇ જશે અને ત્યાં 8 હજાર રૂપિયા પગાર મળશે તેવું કહ્યું હતું. અજીતની વાતોમાં આવી જઇને કેટલાક માતા-પિતાએ પોતાના દીકરાને તેની સાથે મોકલ્યા હતા. અજીતે આ બાળકોને ભાડાના ઘરમાં પોતાની સાથે રાખ્યા હતા અને તેમની પાસે કામ કરાવતો હતો. જ્યારે કોઇ બાળક એની સામે બોલે, પગાર માંગે અથવા કામ કરવાની ના પાડે તો તેને સોટી કે અન્ય વસ્તુથી માર મારતો. જેથી બધા બાળકો ડરેલા રહેતા હતા. આટલું જ નહીં અજીત તે બાળકોના ઘરે પણ અઠવાડિયે કે પંદર દિવસે વાત કરાવતો. વર્ષ 2017માં તે આ જ રીતે પશ્વિમ બંગાળના વર્ધમાન જિલ્લામાં બાળકોને શોધવા ગયો હતો. ત્યાં તેણે કેટલાક બાળકોના માતા-પિતા સાથે વાત કરી. આ માતા-પિતા બાળકોને મોકલવા તૈયાર થઇ ગયા. આમાં બિનોદ અને પૂર્ણિમા હાંસદા નામના માતા-પિતા પણ હતા. જે પોતાના દીકરા શુભમને અજીત સાથે મોકલવાની અસમંજસમાં હતા. બિનોદ અને પૂર્ણિમાએ અજીતને કહ્યું કે શુભમને તમારી સાથે મોકલવા અંગે અમે થોડો સમય વિચારી લઇશું. એના પછી તમને જવાબ આપીશું. દંપતીના આ જવાબ બાદ અજીત ત્યાંથી નીકળી ગયો હતો. શુભમ જે વિસ્તારમાં રહેતો હતો તેની આસપાસના બાળકો તેના મિત્રો હતા. એ મિત્રો અજીત સાથે રાજકોટ જવા તૈયાર થઇ ગયા હતા. શુભમને જ્યારે આ વાતની જાણ થઇ ત્યારે તેનું મન પણ અજીત સાથે જવા લલચાયું. તે માતા-પિતાને જાણ કર્યા વગર જ પોતાના મિત્રો અને અજીત સાથે રાજકોટ આવવા નીકળી ગયો. રાજકોટ આવીને બધા બાળકો રોજ સવારે ઊઠીને મજૂરી કામ કરતાં. 2 માળના મકાનમાં નીચે મજૂરી કામ ચાલતું અને ઉપર સૂવાનું હતું. બાળકોને અહીં લાવીને અજીતે પોત પ્રકાશ્યું હતું. તે બાળકોને માર મારતો, ક્યારેક જમવાનું પણ ન આપતો. ઇમિટેશન માર્કેટમાંથી દાગીના લઇ આવીને પોતાના ઘરે જ કામ કરવાનું હોય છે. જેમાં બુટ્ટી ફિટ કરવી વગેરે જેવું ગૃહ ઉદ્યોગ ટાઇપનું કામ હોય. અજીત મૌલા આવું કામ મળે તે લઇ આવે અને બાળકો પાસે કરાવે. બાળકો જ્યારે ઘરે મોકલવા પગાર માંગે, તેમનાથી કોઇ કામ બગડે અથવા તોફાન કરે ત્યારે અજીત તેમને બેફામપણે માર મારતો હતો. એક દિવસ અજીત ઉપરના માળે ગયો. તેની નજર ત્યાં સૂતેલા શુભમ પર પડી. તે ત્રાડુક્યો.... 'એ ઊભો થા, કામ કર. કામ કેમ નથી કરતો?' અચાનક આવી ચડેલા અજીતને જોઇ શુભમની ઊંઘ ઊડી ગઇ. તેણે અજીતને વળતો જવાબ આપ્યો. જેના કારણે અજીત ગુસ્સે ભરાયો અને શુભમને મારવા લાગ્યો. પહેલા અજીતે શુભમને પાટા માર્યા બાદમાં દીવાલ સાથે તેનું માથું અથડાવ્યું. આ દરમિયાન શુભમ અને અજીતની બૂમાબૂમ સાંભળીને નીચેથી 2 સગીર બાળકો ઉપર આવ્યા. 'શું છે? ભાગો નીચે. નહીં તો તમારા પણ આ જ હાલ થશે.' અજીત ભડક્યો. આ સાંભળીને બાળકો પાછા નીચે ભાગી ગયા. અજીતનો ગુસ્સો હજુ પણ શાંત નહોતો થયો. તેણે શુભમને ફરી મારવાનો પ્રયત્ન કર્યો પણ શુભમના શરીરમાં કોઇ હલન ચલન નહોતું. શરીર ઠંડુ પડી ગયું હતું. અજીતનો ગુસ્સો હવે ગભરાટમાં ફેરવાઇ ગયો. તેણે શુભમના શ્વાસ ચેક કર્યાં તો હોંશ ઊડી ગયા કેમકે શુભમના શ્વાસ થંભી ગયા હતા. અજીતને ખ્યાલ આવી ગયો કે ગુસ્સામાં તેણે શુભમનું માથું દીવાલ સાથે એટલા જોરથી અથડાવ્યું હતું કે હેમરેજ થઇ જતાં શુભમ ત્યાં ને ત્યાં જ મરી ગયો હતો. ગભરાયેલા અજીતે શુભમની લાશને ઠંડા કલેજે બાથરૂમમાં રાખી દીધી. પોતે પકડાય નહીં એ માટે શું કરવું એ વિચારતો હતો. જેમાં એક દિવસ નીકળી ગયો. બીજે દિવસે તે ગુજરી બજાર ગયો અને ત્યાંથી બે છરા લઇ આવ્યો. ઘરમાં રહેતા બાળકોને તેણે આદેશ આપ્યો કે જ્યાં સુધી હું ના કહું ત્યાં સુધી તમારે કોઇએ ઉપર નથી આવવાનું. બાળકો તો તેનાથી ડરતા હતા એટલે તેનો આદેશ માનવા સિવાય કોઇ છૂટકો નહોતો. સાંજ પડતાં જ અજીતે શુભમની લાશ પર છરો ફેરવવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં તેણે ધડથી માથું અલગ કરી નાખ્યું. તેનો પ્લાન હતો કે પહેલા પ્લાસ્ટિકની થેલીમાં ધડ પેક કરવું અને તેને નદીમાં નાખી દેવું. જો 4-5 દિવસ સુધી કોઇને ખબર ન પડે, કોઇ ઉહાપોહ ન થાય અને સમાચારમાં પણ કંઇ ન આવે તો પછી માથું પણ આવી જ રીતે નદીમાં ફેંકી દેવું. જેથી પકડાવાની શક્યતા ન રહે. બીજા દિવસે ધર્મેન્દ્રસિંહ રોડ પર ગયો અને ત્યાંથી પ્લાસ્ટિકની બેગ પણ લઇ આવ્યો હતો. જેમાં તેણે ધડ ભર્યું. રાત્રે 9 વાગ્યે બેડી ચોકડી પાસે મોટા પર પર જઇને ત્યાંથી ધડ નીચે નાખી દીધું અને ફટાફટ ઘરે આવતો રહ્યો. આ દરમિયાન તેણે માથું બાથરૂમમાં જ મૂકી રાખ્યું હતું. 2 દિવસ સુધી માથું બાથરૂમમાં પડ્યું હોવાના કારણે તેમાંથી મોટાભાગનું લોહી ગટરમાં વહી ગયું હતું. પછીના દિવસે છાપામાં કે અન્ય કોઇ જગ્યાએથી કોઇ સમાચાર ન આવ્યા, કોઇ હલચલ ન થઇ, કોઇને ધડ વિશે જાણ ન થઇ એટલે અજીતની હિંમત વધુ ખૂલી ગઇ. હવે તેણે આ જ રીતે માથાનો પણ નિકાલ કરવાનું નક્કી કરી લીધું. તે ફરીથી નદી પાસે ગયો અને નીચે ઉતરીને માથું નાખી આવ્યો. એ દિવસે નદીમાં પાણી ઓછું હતું. જેના કારણે માથું પાણીની સાથે વહી જવાના બદલે વચ્ચે ટેકરામાં રહી ગયું. સવારે મહિલાઓએ તે જોઇ લીધું. અજીત મૌલાના નસીબે તેની સાથે સારો અને ખરાબ એમ ડબલ ખેલ ખેલ્યો. તેના નસીબ એટલા ખરાબ હતા કે માથું મળી ગયું અને એટલા સારા હતા કે ધડ ક્યારેય મળ્યું જ નહીં. બીજી કોઇ રીતે પણ પોલીસ ધડ સુધી ન પહોંચી શકી. આજની તારીખે પણ ધડનો કોઇ પત્તો નથી. અજીત મૌલાની આ કથની સાંભળી પોલીસ દિગ્મૂઢ બનીને તેની સામે જોતી રહી. પોલીસે અજીતને પૂછ્યું- શુભમના ઘરેથી ફોન આવે તો? અજીતે જવાબ આપ્યો- તો હું કહેતો કે શુભમ મારે ત્યાંથી બીજે જતો રહ્યો છે. ક્યાં જતો રહ્યો છે તેની મને ખબર નથી. આમ અજીતે શુભમની હત્યાનો ગુનો તો કબૂલી લીધો હતો પણ હવે પોલીસે તેને સાબિત કરવાનો હતો. પોલીસે વર્ષ તમામ અનઆઇડેન્ટિફાઇડ બોડી ચેક કરવા માટે ટીમ બનાવી. એ સમય દરમિયાન બંગાળ પોલીસ રાજકોટ આવી કેમ કે અજીત મૌલાના ત્રાસથી એક બાળક થોડા સમય પહેલાં રાજકોટથી ભાગીને બંગાળમાં પોતાના ઘરે જતો રહ્યો હતો. તેના મા-બાપે લોકલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી બંગાળ પોલીસ રાજકોટ આવીને અજીત મૌલાને પોતાની સાથે લઇ ગઇ હતી. રાજકોટ પોલીસની ટીમ અનઆઇડેન્ટિફાઇડ બોડીની શોધમાં લાગેલી હતી. પોલીસ સ્ટેશનમાં કંઇક આવો સંવાદ થઇ રહ્યો હતો. 'રાજકોટમાં અનડિટેક્ટેડ મર્ડર કેટલા છે?' 'સાહેબ, 3 મર્ડર અનડિટેક્ટ છે.' 'એમનો ડેટા કાઢો.' 'સાહેબ, 2018માં એક છોકરાનું માથું મળ્યું હતું.' આના પછી પોલીસે તેનું ફેસિયલ રેકગ્નાઇઝ કરાવતા ખબર પડી કે આ માથું 14-15 વર્ષના બાળકનું છે. જેથી પોલીસને શંકા ગઇ કે અજીત મૌલા ભલે કોરોના કાળમાં મર્ડર કર્યાનું કહે છે પણ બની શકે કે તેણે એ પહેલાં હત્યા કરી હોય. પોલીસને અજીત પાસેથી મૃતક બાળકનું નામ અને એડ્રેસ તો મળી જ ગયું હતું એટલે બંગાળના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરીને સંપર્ક કરીને શુભમના માતા-પિતાનો કોન્ટેક્ટ કર્યો હતો. શુભમના માતા-પિતા અત્યંત ગરીબ હતા. તેમની પાસે રાજકોટ સુધી આવવાના રૂપિયા પણ નહોતા. એટલે ક્રાઇમ બ્રાન્ચે તેમને ટિકિટ મોકલી અને તેના માતા પિતા 2025ના ઓગસ્ટ મહિનાના અંતે રાજકોટ આવ્યા હતા. જ્યારે ક્રાઇમ બ્રાન્ચે તેના માતા-પિતાને કહ્યું કે હવે શુભમ આ દુનિયામાં નથી ત્યારે તેના માતા-પિતાના પગ નીચેથી ધરતી સરકી ગઇ. 7 વર્ષ પછી તેમને ખબર પડી કે તેમના લાડકવાયાની હત્યા થઇ ગઇ છે પણ હવે આ કડવી વાસ્તવિક્તાનો સ્વીકાર કર્યા વગર તેમની પાસે કોઇ છૂટકો નહોતો. પોલીસે માતા-પિતાનું DNA લેવડાવ્યું અને 2018માં શુભમ પ્રિઝર્વ કરી રાખેલા DNA સાથે મેચ કરવા માટે FSLમાં મોકલી આપ્યા. આના પછી પોલીસે કપાયેલા માથા સાથે ચહેરો સરખાવવાનું નક્કી કર્યું. જેથી શુભમના માતા પિતા પાસેથી તેનો ફોટો મગાવ્યો. ચહેરો ચેક કરવાની નવી પદ્ધતિના કારણે શુભમનો ફોટો કપાયેલા માથાની તસવીર સાથે મેચ થયો. જેને 1 વર્ષ વિતી ગયું. આખરે 10 જૂન, 2026ના રોજ FSLનો રિપોર્ટ આવ્યો. જેમાં DNA મેચ થયા હોવાનો ઉલ્લેખ હતો. આના પછી પોલીસે જાહેરાત કરી કે 8 વર્ષ પહેલાં થયેલા બાળકના મર્ડરનો ભેદ ઉકેલાઇ ગયો છે. નિયતિનો ખેલ પણ કેવો અજીબ હોય છે. અજીત મૌલાએ પુરાવાનો નાશ કરવા માટે માથું અને ધડ અલગ કર્યા પણ એ જ કપાયેલા માથાએ આખરે તેના પાપનો પર્દાફાશ કરી દીધો. આ ચોંકાવનારા કિસ્સાએ સાબિત કર્યું છે કે સત્ય ક્યારેય છુપાવી શકાતું નથી તે ગમે ત્યારે સામે આવે જ છે. આ પણ વાંચો શરીરના બે કટકા કર્યા, માથું મળ્યું ધડ આજે પણ ગુમ, પાર્ટ-1
    Click here to Read More
    Previous Article
    મુંબઈમાં વરસાદનું રેડ એલર્ટ, અંધેરી સબ-વે બંધ:રાજસ્થાનમાં પ્રી-મોન્સૂનમાં સામાન્ય કરતાં 41% વધુ વરસાદ; આગામી 3 દિવસમાં MP-UP માં ચોમાસું પહોંચશે
    Next Article
    ચૈતર વસાવા સામે વધુ એક કાનૂની પડકાર:પોલીસની છબી ખરડવાના કેસમાં 29 જુલાઈએ ભરુચ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ; 2024નો વિવાદાસ્પદ નિવેદનનો મામલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment