Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુનિયા માટે જે બિનવારસી, તેના માટે પોતાના છે આ દાદા:એક રૂપિયાની પણ મદદ નહીં લેવાની, ખિસ્સાનાં ખર્ચે એકલા હાથે કરે છે અજાણ્યા લોકોની અંતિમ વિધિ

    4 days ago

    અમદાવાદના સાયન્સ સિટીમાં રહેતાં રોહિત પટેલે બિનવારસી લાશની અંતિમવિધિનો અનોખો યજ્ઞ શરૂ કર્યો છે. છેલ્લાં એક વર્ષમાં સોલા સિવિલ હોસ્પિટલમાં આવતી બિનવારસી લાશના અંતિમ સંસ્કાર હોય કે પછી ભ્રુણ હત્યા હોય તેની દફનવિધિ તે એકલા હાથે કરે છે. રોહિત પટેલ કોઇ સંસ્થા ચલાવતાં નથી કે કોઇની પાસેથી દાન પણ લેતાં નથી. માત્ર પોતાના ખર્ચે આ સેવાનું કાર્ય કરી રહ્યાં છે. 17 જૂન સુધીમાં તેમણે 46 બિનવારસી લાશનો નિકાલ કર્યો છે. હજુ તેમની પાસે 8 બોડી વેઇટિંગ લીસ્ટમાં છે. કાંધ આપવા ચાર માણસ જોઇએ તેવી કહેવત છે ત્યારે રોહિત પટેલ કેવી રીતે એકલા હાથે બિનવારસી લાશની અંતિમ વિધિ કરે છે અને તેના માટે શું-શું પ્રક્રિયા કરવી પડે છે તે જાણવા માટે દિવ્ય ભાસ્કરની ટીમ શરૂઆતથી લઇને અંતિમ વિધિ સુધી સતત તેમની સાથે રહી હતી. પી.આઇ.એ પૂછ્યું- બિનવારસી લાશની અંતિમ વિધિ કરશો? 72 વર્ષના રોહિત પટેલને અનોખી સેવા કરવાનો જાણે કે શોખ છે. એક વખત તેમણે સોલા હાઇકોર્ટ પોલીસ મથકની મુલાકાત લીધી હતી. તે વખતે પી.આઇ. કે. એન. ભૂંકણને મળીને કોઇ સેવા હોય તો જણાવવાનું કહ્યું હતું. એક દિવસ તેમના પર પી.આઇ. ભૂંકણનો ફોન આવ્યો કે રોહિતભાઇ તમે બિનવારસી લાશની અંતિમ વિધિ કરશો? 1 વર્ષ પહેલાં શરૂઆત કરી બસ પી.આઇ.ની વાતને લઇને તેમણે જૂન, 2025માં પહેલી બિનવારસી લાશની અંતિમવિધિ કરી હતી. આજે પણ તે સિલસિલો ચાલુ છે. અત્યારસુધીમાં તેમણે 46 બિનવારસી લાશની અંતિમ વિધિ કરી છે. જેમાં 5 તો ભ્રુણની દફનવિધિ પણ છે. બિનવારસી લાશની અંતિમવિધિ કરવા અંગે રોહિત પટેલે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, આ વિચાર 30 વર્ષ પહેલાં આવ્યો હતો. હું નારણપુરા રહેતો હતો ત્યારે વાડજ સ્મશાન ગૃહમાં લોકો સ્વજનની અંતિમવિધિ કરવા જતાં ત્યારે CNG નહોતા અને એક માત્ર લાકડાંમાં જ અંતિમવિધિ કરવી પડતી. તે સમયે મેં આસપાસ ગરીબ લોકોને જોયાં તો થયું કે ઘણાં લોકો પાસે પૈસા ન હોય. જેથી મેં સ્મશાન ગૃહના માણસને મારું સોશિયલ વર્કર તરીકેનું કાર્ડ આપ્યું અને કહ્યું કે કોઇ ગરીબ આવે અને તેમની પાસે લાકડાંના પૈસા ન હોય તો મને ફોન કરજો. હું 15 મિનિટમાં આવીને લાકડાંના પૈસા ચુકવી દઇશ. ખિસ્સાંના પૈસા વાપરીને મદદ લે છે એકલા હાથે આ કામ કેવી રીતે શક્ય થાય છે તેના જવાબમાં તેમણે કહ્યું કે, જે એમ્બ્યુલન્સવાળા આવે છે તેમને મેં કહી રાખ્યું છે કે હું તમને પૈસા આપીશ. તમે એક વ્યક્તિને લેતાં આવજો એટલે એમ્બ્યુલન્સના ડ્રાઇવર, તેમની સાથેની વ્યક્તિ અને હું એમ અમે ત્રણેય જણાં લાશને લઇને એમ્બ્યુલન્સમાં મૂકીએ છીએ. સ્મશાન જઇએ ત્યાં પણ ત્યાંના માણસ અમને હેલ્પ કરાવે છે. આ લોકોને પૈસા આપીને હું તેમની મદદ લઉં છું. આ કામને લગભગ 11 મહિના થયા. એક વખત તો એવો સમય આવ્યો હતો કે એક કલાકમાં તેમણે 4 બિનવારસી લાશના અંતિમ સંસ્કાર કર્યા હતા. તેઓ કહે છે કે ભ્રુણ હત્યા કરી હોય તેવા 5 કેસોમાં મેં દફનવિધિ કરી છે. કોઇએ ભ્રુણની હત્યા કરીને કચરા પેટીમાં કે અન્ય સ્થળે નાંખી દીધાં હોય તેવા પોલીસ કેસો આવે છે. જેમાં પોલીસ તે ભ્રુણ કબજે લઇને મને સોંપતી હતી. આ રીતે ભ્રુણની અંતિમવિધિ કરે છે ભ્રુણની અંતિમવિધિની વાત કરતાં તેઓ કહે છે કે, ગોતા સ્મશાન ગૃહમાં જઇને જમીનમાં ખાડો ખોદીને તેમાં મીઠું નાખું છું. ત્યારબાદ ભૃણ દફનાવીને તેના પર ફરીવાર મીઠું ભભરાવું છું પછી તેના પર માટી નાંખીને દફનાવવાની વિધિ કરૂં છું. મને પાંચેય વખત ઉલ્ટી થઇ છે. તેમાં ભયંકર વાસ મારતી હોય છે. કેમ કે તે ભ્રુણ કપડાંમાં લપેટેલી હાલતમાં હોય છે. કપડાં સાથે તેની દફનવિધિ ન કરાય એટલે કપડું કાઢીને બાળકનું ભ્રુણ ખાડામાં દાટવું પડે છે. તે સમયે જે વાસ મારે છે તેનાથી માથું ફાટી જાય, ચક્કર આવી જાય. બિનવારસી લાશના વારસદારોની 7 દિવસ રાહ જોવાય છે બિનવારસી લાશની અંતિમવિધિ કરતાં પહેલાંની પ્રોસિઝર અંગે તેમણે કહ્યું કે, બિનવારસી લાશ મળે એટલે પોલીસ તે લઇને હોસ્પિટલમાં આવે અને ત્યાં ચોપડાંમાં નોંધ કરાવીને લાશનું પોસ્ટમોર્ટમ કરાવે છે. ત્યારપછી લાશને કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દે છે. સરકારી નિયમ પ્રમાણે 7 દિવસ સુધી તેને કોલ્ડ સ્ટોરેજમાં રખાય છે. આ 7 દિવસમાં કોઇ વારસદાર ન આવે તો તેના અંતિમ સંસ્કાર કરી દેવાય છે. હું 7 દિવસની જગ્યાએ 12 દિવસ કે 14 દિવસ રાહ જોઉં છું. દરેક કફન પર એક ચિઠ્ઠી વધુમાં તેઓ કહે છે કે, કોલ્ડ સ્ટોરેજમાં દરેક કફન પર કાગળની એક ચબરખી મારી હોય છે. જેમાં પોલીસ સ્ટેશનનું નામ, જે વ્યક્તિ મૂકી ગઇ હોય તેનું નામ અને ફોન નંબર લખેલા હોય છે. 14 કે 15 દિવસ થાય એટલે પોલીસવાળા જણાવે કે તમે અંતિમ સંસ્કાર કરવા આવો. ત્યારે તેઓ મારા નામની 3 નકલ બનાવે છે. જેમાં અંતિમ સંસ્કાર કરવા બાબતનો વિષય લખેલો હોય છે. એક કોપી પોલીસ રાખે અને 2 કોપી મને આપે. તેમાંથી એક કોપી હું સ્મશાનગૃહમાં આપું અને એક કોપી મારી પાસે રાખીને તેને ફાઇલ કરું છું. 'બીજી તરફ પોલીસ ત્યાં આવીને હોસ્પિટલના રેકર્ડમાં સહી કરીને સી.એમ.ઓ.ને અરજી કરે કે લાશ અમને પરત સોંપવામાં આવે. ત્યારબાદ લાશનો કબજો મને આપવામાં આવે છે. જેના પછી હું એમ્બ્યુલન્સમાં લાશને લઇને સ્મશાનગૃહમાં જઉં ત્યારે પોલીસે આપેલી નકલ તેમજ પોસ્ટ મોર્ટમની નકલ તથા મારા આધાર કાર્ડની નકલ એમ 3 કાગળ હું સ્મશાન ગૃહમાં આપું છું.' દરેક લાશની અંતિમવિધિ પછી દસ્તાવેજો સાચવી રાખ્યા રોહિત પટેલે અત્યાર સુધીમાં જે પણ અંતિમ સંસ્કાર કર્યા તેમાંથી અડધી લાશો થલતેજ સ્મશાન ગૃહ અને અડધી ગોતા સ્મશાન ગૃહમાં લઇ ગયા છે. તેઓ કહે છે કે, CNGમાં અંતિમ સંસ્કાર થાય એટલે કોઇ ચાર્જ લેવાતો નથી. મારે એમ્બ્યુલન્સનો ચાર્જ, તેની સાથે મદદમાં આવનારા પૈસા આપવાના હોય છે. લાશ કોલ્ડ સ્ટોરેજમાં પડી રહી હોવાથી ઘણી વાસ મારતી હોય છે. જેથી તેને પેક કરવા માટે એક બહેનને પૈસા આપું છું. સ્મશાન ગૃહમાં અંતિમવિધિ કર્યા પછી ત્યાંથી મને 2 પહોંચ આપે છે. એક CNGમાં અંતિમ સંસ્કાર કર્યાની અને બીજી કોર્પોરેશનની ઓફિસમાંથી પહોંચ આપે છે. મેં તેની ફાઇલ બનાવી છે અને તેની ઝેરોક્ષ પોલીસને આપી દઉં છું. બહેનની અંતિમ વિધિ માટે મહિલાને મદદ કરી કદી એવું બન્યું છે કે તમે અંતિમ સંસ્કાર કરી નાંખ્યા પછી કોઇના વાલી વારસ આવ્યા હોય તેવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, આવી કોઇ ઘટના બની નથી પરંતુ એક મહિલાનો ફોન આવ્યો હતો કે મારી બહેનના અંતિમ સંસ્કાર કરવાના છે. મેં કહ્યું હું બિનવારસી લાશના જ અંતિમ સંસ્કાર કરું છું. મહિલાએ કહ્યું કે ઘરમાં હું એકલી જ છું. મારા પતિ કે મા-બાપ, ભાઇ નથી. હવે તો મારી બહેન પણ નથી. હું એકલી છું એટલે તમે અંતિમ સંસ્કાર કરવામાં મને મદદ કરો. 'જેના પછી હું 15 મિનિટમાં પહોંચ્યો હતો અને મહિલા સાથે અંતિમ ધામ જઇને અંતિમ સંસ્કાર કરાવ્યા હતા. 2 દિવસ પછી અંતિમ ધામમાંથી અસ્થિ લઇને સદ્દવિચાર પરિવારમાં તે મહિલા સાથે જઇને આપી આવ્યો પછી તેમને સિવિક સેન્ટરમાંથી ડેથ સર્ટિફિકેટ અપાવવામાં મદદ કરી હતી.' 'તે બહેન દુબઇ રહેતાં હતા. અહીંયા તેમનું કોઇ નથી. મહિલા અમદાવાદના વિસ્તારોથી અજાણ હતા એટલે મેં તેમને મદદ કરી હતી. મહિલાને ગુજરાતી લખતાં-વાંચતા પણ આવડતું ન હતું. આ તેની નાની બહેન હતી. જેણે અન્ય કોમમાં લગ્ન કર્યા હતા. તેમનો પતિ મૃત્યુ પામતાં તેના પરિવારજનોએ કાઢી મૂક્યાં હતા એટલે તે આ મહિલાને ત્યાં આવીને રહેતાં હતા જ્યાં મૃત્યુ પામ્યા.' તેઓ આગળ કહે છે કે, બિનવારસી લાશને ભઠ્ઠી પર મૂકીને તેની પાસે અડધી મિનિટ ઊભો રહી પગે લાગીને ભગવાન મૃતકના આત્માને શાંતિ આપજો, મારી કોઇ ભૂલચૂક થઇ હોય તો માફ કરજો તેવી પ્રાર્થના કરું છું. 101 બિનવારસી લાશના અંતિમ સંસ્કાર કરવાની મારી ઇચ્છા છે. મારા હાથ-પગ ચાલશે અને પૈસાની સગવડ હશે તો હું વધારે કરીશ. મને ઘણાં લોકો પૈસા આપવાનું કહે છે પણ હું ના પાડું છું કે પૈસા તો હું મારા પોતાના જ વાપરીશ અને સેવા પણ હું જાતે જ કરીશ. હું કોઇના પૈસા લઇને સેવા કરું તેનો કોઇ અર્થ નથી. 75-80 વર્ષના વૃદ્ધ પગે પડી ગયા તેમણે એક કિસ્સો પણ યાદ કર્યો અને કહ્યું કે, એક વખત એવું બન્યું કે, એક બિનવારસી લાશની અંતિમ વિધિ માટે મને પોલીસનો ફોન આવ્યો હતો. અમે બીજા દિવસે અંતિમ વિધિ કરવાનું નક્કી કર્યું હતું અને તે દિવસે હું બીજી બિનવારસી લાશ લઇને પોસ્ટમોર્ટમ રૂમ પાસે કાગળની કાર્યવાહી કરવા બેઠો હતો. ત્યારે જ જે પોલીસકર્મી સાથે મારે ફોન પર વાત થઇ હતી તે પોલીસકર્મી અમે જે લાશની બીજા દિવસે અંતિમવિધિ કરવાનું નક્કી કર્યું હતું તેના સગાં-વ્હાલાને લઇને ત્યાં આવ્યા હતા. મને કહ્યું કે આપણે જે બિનવારસી લાશની અંતિમવિધિ બીજા દિવસે કરવાના હતા તેમના સગાં-વ્હાલાં મળી ગયા છે. પોલીસે તેમના સગાંને કહ્યું કે તમે 24 કલાક મોડાં આવ્યા હોત તો આ રોહિત પટેલ તમારા સગાંની અંતિમવિધિ કરવાના હતા. આ સાંભળીને 75-80 વર્ષના કાકા રીતસરના મને પગે લાગવા માંડ્યા. મારી આંખમાંથી આસું આવી ગયા કે આટલી મોટી વ્યક્તિ મને પગે લાગે છે. રોહિત પટેલે એક મહિલાને મદદ કરી હતી તેનો પણ દિવ્ય ભાસ્કરે સંપર્ક કર્યો અને તેમની પાસેથી માહિતી મેળવી હતી. તેમણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, હું મૂળ નાગપુરની છું. 8-10 વર્ષોથી હું ગુજરાત અવરજવર કરું છું. મારું સાસરું કેરાલાનું છે. મારી બહેન ગુજરી ગઇ. મારા મમ્મી-પપ્પા નથી, કોઇ સગાસંબંધી પણ નહોતા. મારી બહેનના અંતિમ સંસ્કાર કરવાના હતા. ચાર માણસો જોઇતાં હતા. અમદાવાદમાં હું નવી છું, મારે કોઇની ઓળખાણ નહોતી. હોસ્પિટલમાં રોહિત પટેલનો નંબર લખ્યો હતો એટલે મેં તેમને ફોન કર્યો હતો. રોહિત પટેલે પરિવારભાવનાથી આખી પ્રોસેસ કરાવી હતી. પોસ્ટ મોર્ટમ પતી ગયા પછીની કાર્યવાહી, અંતિમ સંસ્કાર તેમજ તેની આગળની વિધિ એટલે કે હરિદ્વારમાં અસ્થિ વિસર્જન માટે બહુ મદદ કરી હતી. પોળમાં રહેતા ત્યારે લોકો સરનામાં પૂછતાં મૂળ અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલાં ગોમતીપુર ગામના વતની રોહિત પટેલ જ્યારે પોળમાં રહેતાં હતા ત્યારે લોકો સરનામાં પૂછતા હતા. રોહિત પટેલ લોકોને સરનામું બતાવતાં હતા. ભૂલા પડેલા અને દિશા ભટકેલા લોકોને રસ્તો બતાવવામાં તેમને આનંદ મળતો હતો. આ સેવા તેમણે ગોમતીપુર છોડીને સાયન્સ સિટી વિસ્તારમાં રહેવા આવ્યા પછી પણ ચાલુ રાખી છે. આ અંગે રોહિત પટેલે જણાવ્યું હતું કે, હું છેલ્લા 14 વર્ષથી સરનામાં બતાવું છું. હું નાનો હતો ત્યારે ગોમતીપુર પોળમાં રહેતાં હતા. અમે પોળમાં બેઠાં હોઇએ ત્યારે પણ એડ્રેસ બતાવતાં હતા એટલે એડ્રેસ બતાવવાની ભાવના પહેલેથી છે. 14 વર્ષમાં મેં 16 હજાર લોકોને એડ્રેસ બતાવ્યાં છે. હાઇકોર્ટમાં ગુજરાતી ભાષા માટે લડત ચલાવી તેમણે ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાતીના ઉપયોગ અંગે ઝુંબેશ ચલાવી હતી. તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પોસ્ટ કાર્ડ લખવાનું કામ કર્યું હતું. તેઓ કહે છે કે, ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાતીમાં કામ થાય તેના માટે મેં ઝુંબેશ શરૂ કરી હતી. છેલ્લાં 15 વર્ષમાં મેં અનેક જગ્યાએ કાગળો લખ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક વર્ષ સુધી રોજ સ્પીડ પોસ્ટથી કાગળ લખ્યાં હતા. રોજ 51 રૂપિયાનો ખર્ચો થતો હતો પછી મને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરફથી ખાતરી મળી હતી કે હવે તમે કાગળ ના લખતાં આની કાર્યવાહી ગુજરાતીમાં થાય તેવું અમે 1-2 વર્ષમાં કરીશું.
    Click here to Read More
    Previous Article
    પીએમ મોદી ઓડિશાની મુલાકાતે, રાષ્ટ્રપતિનું સાસરિયું પહાડપુર ગયા:₹47600 કરોડના પ્રોજેક્ટ્સ લોન્ચ કરશે; દ્રૌપદી મુર્મુનો આજે 67મો જન્મદિવસ
    Next Article
    અરવલ્લીમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન-ફરિયાદ સમિતિની બેઠક:જિલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે ચર્ચા કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment