Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બિસ્માર રસ્તાથી લોકો ત્રાહિમામ:રાજકોટના બેડી અને હડમતીયા વચ્ચે ગ્રામજનોએ કર્યો ચક્કાજામ, જુદા-જુદા અકસ્માતોમાં બે વ્યક્તિનાં મોત થયાનો આરોપ

    1 day ago

    રાજકોટ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગોની બિસ્માર હાલતને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટના બેડી અને હડમતીયા ગામ વચ્ચેનો મુખ્ય રસ્તો લાંબા સમયથી અત્યંત ખરાબ અને બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે, જે અહીંથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક ગ્રામજનો માટે મોટો માથાનો દુખાવો બન્યો છે. રસ્તા પર ઠેર-ઠેર પડેલા મોટા ખાડાઓ અને ઉડતી ધૂળના કારણે રોજિંદા અવરજવરમાં લોકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. આ મામલે સ્થાનિક લોકો દ્વારા વારંવાર વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. વારંવારની રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા આખરે ગ્રામજનોનો ધીરજનો બંધ તૂટ્યો હતો અને રોષે ભરાયેલા સ્થાનિકોએ રાજકોટ-મોરબી હાઇવે પર બેડી ગામ નજીક એકત્રિત થઈને ભારે વિરોધ પ્રદર્શન સાથે ચક્કાજામ કર્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ બેડી અને હડમતીયા ગામને જોડતો આ માર્ગ લાંબા સમયથી રિપેરિંગની રાહ જોઈ રહ્યો છે. રસ્તાની ખરાબ હાલત અંગે જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના સદસ્યો અને MLA જીતુ સોમાણી સહિતના જવાબદાર પદાધિકારીઓ, જનપ્રતિનિધિઓ સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે ચૂંટણી સમયે મોટા-મોટા વાયદાઓ કરનારા રાજકીય નેતાઓ અને લોકપ્રતિનિધિ જીત્યા પછી ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક સુવિધાઓ તરફ ધ્યાન આપતા નથી. કોઈ પણ પદાધિકારી કે ધારાસભ્ય હજુ સુધી આ રસ્તાની મુલાકાત લેવા કે સ્થાનિકોની સમસ્યા સાંભળવા આવ્યા નથી. તંત્રની આ પ્રકારની ઘોર ઉદાસીનતા અને નબળી કામગીરીના કારણે લોકોમાં ભારે આક્રોશ વ્યાપેલો જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી પડતર આ સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં આવતા ગ્રામજનોએ આજે ગાંધીચીંધ્યા માર્ગે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું હતું. મોટી સંખ્યામાં બેડી અને હડમતીયા ગામના લોકો રાજકોટ-મોરબી હાઇવે પર ઉતરી આવ્યા હતા અને રસ્તાની વચ્ચે બેસી ચક્કાજામ કરી દીધો હતો. હાઇવે પર ચક્કાજામ થવાના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને કુવાડવા રોડ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે ગ્રામજનો અને સ્થાનિકો સાથે ચર્ચા-વિચારણા કરી હતી અને તેમને રસ્તાના પ્રશ્ને યોગ્ય કક્ષાએ રજૂઆત કરી વહેલી તકે ઉકેલ લાવવાની ખાતરી આપી શાંત પાડ્યા હતા. પોલીસની મધ્યસ્થતા અને સમજાવટ બાદ ગ્રામજનોએ વિરોધ સમેટ્યો હતો, જેના પગલે પોલીસે હાઇવે પર વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાવી ટ્રાફિક હળવો કર્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થાનિક લોકોએ તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. અને જણાવ્યું હતું કે, આ રસ્તા પર મોટા ખાડાઓ હોવાના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે. રાત્રિના સમયે વાહનચાલકોને ખાડાઓ નહીં દેખાતા હોવાથી વાહનો સ્લિપ થવાની ઘટનાઓ રોજબરોજ બને છે. વિરોધ કરી રહેલા ગ્રામજનોએ ભારે હૈયે આક્ષેપ કર્યો હતો કે, આ બિસ્માર રસ્તાના કારણે અગાઉ સર્જાયેલા ગમખ્વાર અકસ્માતોમાં 2 સ્થાનિકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ અકસ્માતો માટે સીધી રીતે ખરાબ રસ્તાઓ અને તંત્રની બેદરકારી જ જવાબદાર હોવાનું લોકો જણાવી રહ્યા છે. જો સમયસર રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું હોત તો કદાચ આ નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો ન આવ્યો હોત. સ્થાનિક નાગરિકની આપવીતી અને રોષ (બાઈટ) હડમતીયા ગામના ડાભી અર્જુનભાઈએ પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, અમારા હડમતીયા ગામના આ રોડ ઉપર વારંવાર અકસ્માતો સર્જાય છે, જેમાં વડીલો અને નાના બાળકો જ્યારે પણ અહીંથી નીકળે છે ત્યારે તેમના માટે અકસ્માતનું ભારે જોખમ રહેલું છે. આ રોડ અત્યંત ભયંકર સ્થિતિમાં છે. અંદાજે 6 મહિના પહેલાં મારા પિતાજીનો અકસ્માત પણ આ જ રસ્તાના કારણે થયો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે, જો આ રસ્તા પર વહેલી તકે ધ્યાન આપવામાં આવે તો ગ્રામજનોને બહુ સારી સુવિધા મળી શકે તેમ છે. કોઈ પણ રાજકારણી કે નેતા આવે, પણ અમારી પહેલી માંગણી આ રસ્તાની જ છે. આ પૂર્વે પણ અમે ઘણી વાર રજૂઆતો કરેલી છે પરંતુ હજી સુધી કોઈ પણ સ્તરેથી ધ્યાન આપવામાં આવ્યું નથી. આ રસ્તાના કારણે હજુ પણ ઘણા વડીલોના જીવ જઈ શકે તેમ છે. અત્યાર સુધી કોઈ પણ ધારાસભ્ય કે અધિકારી અહીં ધ્યાન આપવા આવ્યા નથી. 6 મહિના પહેલાં મારા ફાધરનું એક્સિડન્ટ થયું ત્યારે પણ રોડ-રસ્તાની ખરાબ હાલત જ જવાબદાર હતી. ઉલ્લેખનીય છે કે, ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે જો આ રસ્તાનું યોગ્ય સમારકામ કે નવેસરથી ડામરકામ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સ્થિતિ વધુ બદતર બનશે. વરસાદી પાણી ભરાવવાના કારણે ખાડા જીવલેણ સાબિત થઈ શકે છે. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર દ્વારા આગામી દિવસોમાં આ માર્ગનું કાયમી નિરાકરણ લાવવામાં નહીં આવે તો તેઓ ભવિષ્યમાં આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરવા અને આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે મજબૂર બનશે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે માર્ગ અને મકાન વિભાગ તેમજ સ્થાનિક વહીવટી તંત્ર લોકરોષને જોઈને સફાળું જાગે છે કે પછી હજુ કોઈ મોટા અકસ્માતની રાહ જુએ છે.
    Click here to Read More
    Previous Article
    ડુંગરા ગેરકાયદે કોલ સેન્ટર: 12 આરોપીઓની જામીન અરજી નામંજૂર:મુખ્ય સૂત્રધાર સહિત તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા
    Next Article
    પટ્ટણી દેવીપૂજક યુવાનોની પ્રથમ ચારધામ યાત્રા શરૂ:અંબિકા શાકમાર્કેટમાં સન્માન, 'આપણું ઘર' સંસ્થાને દાન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment