Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માથું ધડથી અલગ કર્યું, આખું શરીર ખાઈ ગયો:અમરેલીમાં સિંહે યુવકનો શિકાર કર્યો; સ્થળેથી પાંસળીના ટુકડા-અડધું ખાધેલું માથું મળ્યું

    4 days ago

    ગુજરાતના સિંહોના વસવાટ ધરાવતા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીકથી એક અત્યંત હૃદયદ્રાવક અને કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે. અહીં એક સિંહે પરપ્રાંતીય યુવક પર ઘાતકી હુમલો કરી તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ હિંસક આક્રમણમાં સિંહ યુવકનું આખું શરીર ખાઈ ગયો હતો અને ઘટનાસ્થળેથી માત્ર અડધું ખાધેલું માથું અને પાંસળીના ટુકડા જ મળી આવ્યા હતા. જેને લઈ સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે ભય અને રોષનો માહોલ વ્યાપી ગયો છે. વતન જવા નીકળેલો યુવક કાળનો કોળિયો બન્યો મળતી માહિતી મુજબ, મૃતક યુવકની ઓળખ પ્રકાશ ચંદ્ર તરીકે થઈ છે, જે મૂળ ઉત્તરાખંડનો વતની હતો અને સ્થાનિક હોટલ-રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. મોડી રાત્રે પ્રકાશ ચંદ્ર પોતાના વતન જવા માટે હોટલેથી નીકળ્યો હતો, તે દરમિયાન કોવાયા ગામ નજીક અંધારામાં ટાંપ લગાવીને બેઠેલી સિંહે તેના પર ઓચિંતો અને જીવલેણ હુમલો કર્યો હતો. સિંહ યુવકને ઢસડીને ઝાડીઓમાં લઈ ગયો હતો, જ્યાં તેણે યુવકનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું અને આખું શરીર ફાડી ખાધું હતું. સવારે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જ્યાં માત્ર ખોપરી અને હાડકાના અવશેષો જોઈને લોકોના કાળજા કંપાવા લાગ્યા હતા. ‘અહીં કુતરાની જેમ સિંહ રખડે છે, હાલમાં પણ ગેટ પાસે 8 સિંહ બેઠા છે' ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં વનવિભાગ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાનગી કંપનીના કર્મચારી અમરુભાઈ વાઘે પોતાની વ્યથા ઠાલવતાં જણાવ્યું હતું કે, અહીં આસપાસ પાંચ-સાત કંપની આવેલી છે, જ્યાં લોકો દિવસ-રાત શિફ્ટમાં નોકરી કરે છે. અહીં અવારનવાર સિંહો કુતરાની જેમ આંટા મારતા હોય છે, જેના કારણે અવરજવર કરવામાં ભારે તકલીફ પડે છે. જો કોઈની પાસે ફોર-વ્હીલર ગાડી હોય તો જ તે સુરક્ષિત છે, બાકી ટુ-વ્હીલર પર કે પગપાળા જતાં લોકો માટે કોઈ સેફ્ટી નથી. વનવિભાગ આ બાબતે તાત્કાલિક એક્શન લે અને લોકોની સુરક્ષા માટે વનકર્મીઓ તહેનાત કરે તે જરૂરી છે. વિસ્તારમાં વન્યજીવોની અવરજવર અંગે પૂછતાં તેમણે ઉમેર્યું કે, અહીં સિંહોની અવરજવર સતત ચાલુ જ રહે છે. દિવસે કે રાતે ગમે ત્યારે સિંહો જોવા મળે છે. અત્યારની જ વાત કરીએ તો, કંપનીના ગેટની બિલકુલ આગળ જ આઠ સિંહ બેઠા છે. ‘વનવિભાગ ટ્રેકર્સની ભરતી કરે, પીડિત પરિવારને વળતર આપે, નહીંતર ગામલોકો આંદોલન કરશે’ : સરપંચ આ કાળજું કંપાવી દેનારી ઘટના અંગે કોવાયા ગામના સરપંચ ઝીણાભાઈ લાખણોત્રાએ રોષે ભરાઈને જણાવ્યું હતું કે, ભોગ બનનાર યુવક પરપ્રાંતીય હતો અને અહીં સ્થાનિક રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. સાંજના સમયે જ્યારે તે બેઠો હતો, ત્યારે ત્રણથી ચાર વન્ય પ્રાણી ત્યાં આવ્યા અને તેને ઢસડીને દૂર લઈ ગયા હતા. આ હિંસક જનાવરોએ યુવકને આખો ફાડી ખાધો છે. અગાઉ નજીકના ભાકોદર ગામમાં પણ આવી જ દુર્ઘટના ઘટી ચૂકી છે. સરપંચે વન મંત્રીને સીધી અપીલ કરતાં જણાવ્યું કે, મારી સરકાર અને વન મંત્રીને રજૂઆત છે કે, આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે સ્થાનિક લેવલે લોકલ ટ્રેકર્સની વધુમાં વધુ ભરતી કરવામાં આવે. આ સાથે જ, મૃતક યુવકના પરિવારને તેમજ અગાઉ બનેલી ઘટનાના ભોગ બનનાર પરિવારોને સરકાર તરફથી તાત્કાલિક આર્થિક સહાય મળવી જ જોઈએ. જો આગામી સમયમાં વનવિભાગ દ્વારા ટ્રેકર્સની ભરતી અને સુરક્ષાના યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો અમે ગામ સ્તરે લોકોને એકઠા કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા મજબૂર થઈશું. ઘટનાની જાણ થતાં જ વન વિભાગ એક્શન મોડમાં આ ભયાનક ઘટનાની જાણ થતાં જ રાજુલા રેન્જ વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા પાલીતાણા શેત્રુંજી ડિવિઝનના ACF વિરલ સિંહ ચાવડા અને RFO સહિતનો વન વિભાગનો મોટો કાફલો ઘટનાસ્થળે તહેનાત કરી દેવામાં આવ્યો છે. સ્થાનિક લોકોમાં ફેલાયેલા રોષ અને ભયને શાંત કરવા તેમજ નરભક્ષી બનેલા સિંહને ઝડપી લેવા માટે વનતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે આયોજન કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં સિંહોની અવરજવર સામાન્ય હોવા છતાં, આ પ્રકારનો ઘાતકી હુમલો થતાં વન વિભાગની ચિંતામાં પણ મોટો વધારો થયો છે. નરભક્ષી સિંહને પકડવા માટે શરૂ કરાયું મેગા ઓપરેશન વનવિભાગ દ્વારા આ નરભક્ષી સિંહને પકડવા માટે એક મેગા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ઘટનાસ્થળની આસપાસ આવેલા ગાંડા બાવળની ગીચ ઝાડીઓમાં સિંહણ સહિત અન્ય સિંહો પણ છુપાયેલા હોવાની આશંકાને પગલે વનવિભાગે સમગ્ર વિસ્તારને ચારેય તરફથી કોર્ડન કરી લીધો છે, જેથી સિંહ અન્ય કોઈ રહેણાક વિસ્તાર તરફ ભાગી ન શકે. વન્યજીવ ડૉક્ટરોની વિશેષ ટીમો પણ બચાવ સામગ્રી સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સિંહને પાંજરે પૂરવા અથવા ટ્રેન્ક્યુલાઈઝ કરીને બેભાન કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઘાતકી ઘટનાને પગલે વન વિભાગે સ્થાનિક ગ્રામજનોને રાત્રિના સમયે સીમ વિસ્તારમાં એકલા બહાર ન નીકળવા અને પૂરતી સાવચેતી રાખવા માટે કડક સૂચના આપી છે. ----- આ પણ વાંચો જાફરાબાદના ભાકોદર નજીક સિંહે યુવાનને ફાડી ખાધો 21 દિવસ પહેલાં અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાંથી પણ એક અત્યંત આઘાતજનક અને અરેરાટીભરી ઘટના સામે આવી હતી. જાફરાબાદના ભાકોદર ગામ નજીક આવેલી બાવળની ઝાડીઓમાંથી એક યુવાનનો ક્ષત-વિક્ષત મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક દૃષ્ટિએ આ યુવાન પર સિંહે હુમલો કરી તેને ફાડી ખાધો હોવાની આશંકા વનવિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. સંપૂર્ણ અહેવાલ વાંચો…
    Click here to Read More
    Previous Article
    એક જ દિવસે રશિયા-અમેરિકામાં બોમ્બર વિમાન ક્રેશ:USમાં પાયલટ સહિત 8નાં મોત; રાખ અને ધુમાડા સિવાય કશું જ બચ્યું નહીં, રશિયામાં ચારેય પાયલટ સુરક્ષિત
    Next Article
    RBIએ વલસાડ મહિલા બેંક પરના અંકુશો લંબાવ્યા:મુદત ત્રણ મહિના વધારી, 18 સપ્ટેમ્બર 2026 સુધી યથાવત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment