Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વસ્તી ગણતરી કરવા ગયેલી શિક્ષિકા એકાએક કેવી રીતે ગુમ થઇ?:બીજા દિવસે અડધો બળેલો મૃતદેહ મળ્યો, કેનાલ પાસેની ઝાડીઓનું દૃશ્ય જોઇ બાળકોની ચીસ નીકળી ગઇ

    1 day ago

    બપોરે ઘરેથી નીકળેલી એક શિક્ષિકા સાંજ પડતા અચાનક ગુમ થઇ જાય. વારંવાર કોલ કરો તો પણ દરેક વખતે મોબાઇલ સ્વીચ ઓફ જ આવે. પતિની ચિંતા વધે. સગા-સંબંધીઓ હાંફળા ફાંફળા થઇને દોડી આવે. આખા ગામમાં ઘરે ઘરે ફરીને શોધખોળ કરે પરંતુ શિક્ષિકા અદ્રશ્ય થઇ ગઇ હોય તેમ તેનો કોઇ પત્તો ન મળે. ફોન બંધ કેમ હતો? શિક્ષિકા ક્યાં ગઇ? શું તે કોઇ અજાણી મુશ્કેલીમાં ફસાઇ હતી કે પછી તેની સાથે કંઇક અજુગતું બની ગયું હતું? ગુજરાતના ક્રાઇમ ફાઇલ્સના આજના એપિસોડમાં કોઇ ફિલ્મી પ્લોટ જેવી પણ થોડા દિવસો પહેલાં જ બનેલી આ ઘટનાની વાત. અમદાવાદના ધોળકા તાલુકામાં આવેલાં ચલોડા ગામે શિક્ષક દંપતી રહેતું. પતિનું નામ બળદેવભાઇ ઝાલા અને પત્નીનું નામ રીનાબેન. પતિ આચાર્ય હતા જ્યારે રીનાબેન શિક્ષિકા. હાલમાં ગુજરાતમાં વસ્તી ગણતરી ચાલી રહી છે. જેનું કામ શિક્ષકોને પણ સોંપાયું છે. આ શિક્ષક દંપતી પણ વસ્તી ગણતરીના કામમાં જોડાયા હતા. શિક્ષિકા રીનાબેનને ચલોડાથી અંદાજે 6 કિલોમીટર દૂર આવેલા કેલિયા વાસણા ગામમાં વસ્તી ગણતરીની કામગીરી સોંપાઇ હતી. જેથી તે જ્યારે વસ્તી ગણતરી કરવા જાય ત્યારે તેના પતિ બળદેવભાઇ તેને લેવા-મુકવા જતા હતા. બળદેવભાઇને પણ વસ્તી ગણતરીનું કામ સોંપાયું હતું એટલે પત્નીને મૂકીને તે પોતે પોતાના વિસ્તારમાં જતા હતા. જ્યારે કામ પતે ત્યારે પત્નીને પોતાની સાથે ઘરે લઇ જતા હતા. છેલ્લા થોડાક દિવસોથી આ તેમનું રૂટિન થઇ ગયું હતું. 2 જૂનની સવારે બધું સામાન્ય હતું. આ પતિ-પત્ની સવારે ઘરેથી વસ્તી ગણતરીની કામગીરી માટે નીકળ્યાં હતા. બળદેવભાઇ પત્ની રીનાબેનને તેના વિસ્તારમાં મૂકીને ગયા હતા. બપોરે બારેક વાગ્યાના અરસામાં તે પત્નીને લઇને ઘરે પાછા આવી ગયા હતા. ઘરે જમ્યા બાદ થોડો આરામ કર્યો હતો. આટલા સુધીમાં તો ત્રણેક વાગ્યાનો સમય થઇ ગયો હતો. જેથી બન્ને ઘરેથી નીકળ્યા હતા. વસ્તી ગણતરીની ફરજ બજાવવા નીકળેલી શિક્ષિકા માટે આ દિવસ જીવનનો છેલ્લો દિવસ સાબિત થવાનો હતો તેની કલ્પના કોઇએ કરી નહોતી. બળદેવભાઇને બદરખા ગામે લાયબ્રેરીનું કામ હતું. જેથી પત્નીને કેલિયા વાસણા ગામે ઉતારીને તે બદરખા જતાં રહ્યાં હતા. કામ પૂરૂં કરતાં-કરતાં સાંજ ઢળી ગઇ હતી. હવે ઘરે પાછા ફરવાનો સમય થઇ ગયો હતો એટલે તેમણે પત્નીને ફોન કર્યો હતો પણ ફોન સ્વીચ ઓફ આવતો હતો. એક વખત, બે વખત, ત્રણ વખત એમ વારંવાર ફોન કર્યાં છતાં કોઇ જવાબ ન મળ્યો એટલે બળદેવભાઇની ચિંતા વધતી ગઇ. તેમણે સગા-સંબંધીઓ અને મિત્રોને આ અંગે જાણ કરી હતી. આના પછી કેલિયા વાસણા જઇને તપાસ કરવાનું નક્કી કર્યું. કેમ કે રીનાબેન ત્યાં જ વસ્તી ગણતરીનું કામ કરી રહ્યાં હતા. બદરખાથી કેલિયા વાસણાનું અંતર અંદાજે 10 કિલોમીટર છે એટલે બળદેવભાઇને ત્યાં પહોંચતા વધુ વાર ન લાગી. થોડી જ વારમાં ચિંતાતુર ચહેરે તેઓ કેલિયા વાસણામાં હતા. રીનાબેન જે વિસ્તારમાં કામગીરી કરતાં હતા ત્યાં ઘરે ઘરે જઇને પૂછપરછ કરી પણ કોઇ સગડ ન મળ્યાં. તેમના સગા સંબંધીઓ અને મિત્રો પણ કેલિયા વાસણા આવી ગયા હતા. બધાએ સાથે મળીને ચારેતરફ રીનાબેનની શોધખોળ હાથ ધરી પણ કોઇ પત્તો ન મળ્યો. આ દરમિયાન રીનાબેનના ભાઇ કિરણ પરમાર અને બહેન જ્યોતિબેન પણ કેલિયા વાસણા પહોંચી ગયા હતા. આ બન્ને પણ રીનાબેનની શોધખોળમાં જોડાયા હતા પણ તેમના હાથે નિરાશા સિવાય કંઇ ન લાગ્યું. આમને આમ રાત પડી ગઇ હતી. છેવટે થાકી હારીને બળદેવભાઇ પોતાના સાળા કિરણ અને સાળી જ્યોતિબેન સાથે રાત્રે નવેક વાગ્યા આસપાસ ધોળકા રૂરલ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને રીનાબેન ગુમ થયા હોવાની લેખિત જાણ કરી હતી. પોલીસ માટે એ માત્ર ગુમ થયાની ઘટના હતી પણ તપાસની ખાતરી મળ્યાં બાદ ત્રણેય ત્યાંથી છૂટા પડ્યા હતા. કિરણભાઇ પોતાની બહેન સાથે અમદાવાદના સરખેજ સ્થિત ઘરે પાછા આવ્યા હતા. જ્યારે બળદેવભાઇ પોતાના ઘરે જતાં રહ્યાં હતા. કોઇને ખબર નહોતી કે બીજા દિવસની સવાર તેમની જિંદગીને હંમેશને માટે બદલી નાખશે. તારીખઃ 3 જૂન સ્થળઃ ચલોડા ગામની સીમ અહીં છાપરાંઓમાં રહેતાં બાળકો સવારે ચલોડાથી કેલિયા વાસણા જતી કેનાલની ધાર પાસેથી નીકળ્યાં હતા. આ સમયે ઝાડી ઝાંખરામાં તેમને કંઇક પડેલું હોવાનું દેખાયું. પહેલાં તો બાળકોએ વિચાર્યું કે કોઇ જાનવર હશે પરંતુ નજીક જઇને જોયું તો લાશ પડી હતી, એક મહિલાની અર્ધ બળેલી લાશ. આવી લાશ જોઇને બાળકો ડરી ગયા. તરત જ ઘરે પાછા જતાં રહ્યાં. 12 વર્ષની એક કિશોરીના કારણે આ ઘટના બહાર આવી. કિશોરીએ ઘરે પહોંચીને પપ્પાને બધી વાત કરી અને કહ્યું કે અમે એક મહિલાની લાશ જોઇ છે. દીકરીની વાત સાંભળીને તેના પિતા ચોંકી ગયા. તેમણે તરત જ લાશ જ્યાં પડી હતી તેના ખેતર માલિકને જાણ કરી. લાશની જાણ થતાં ખેતર માલિકના હોંશ ઉડી ગયા. તે વિચારમાં પડ્યો કે એ લાશ કોની હશે, ક્યાંથી આવી હશે. તેણે એક પળ પણ ગુમાવ્યા વગર પોલીસને લાશ મળ્યાંની જાણ કરી. ખેતર માલિક તરફથી જાણ થતાં જ પોલીસનો કાફલો તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગયો. આ દરમિયાન લાશની વાત વાયુવેગે ગામમાં ફેલાઇ જતાં આસપાસના ગામના લોકો તેને જોવા ઉમટી પડ્યા હતા. જોતજોતામાં તો ઘટના સ્થળે લોકોનું મોટું ટોળું એકઠું થઇ ગયું હતું. આ ટોળામાં કિરણ પરમારની કોઇ પરિચિત વ્યક્તિ પણ હતી. તેણે લાશ જોઇને કિરણને ફોન કર્યો અને કહ્યું કે, ચલોડા ગામની સીમમાં ચલોડાથી કેલિયા વાસણા જતી કેનાલની ધારમાં એક સ્ત્રીની અર્ધ બળેલી હાલતમાં લાશ મળી આવી છે. આ લાશ તારી બહેન રીનાની હોય તેવું લાગે છે. પરિચિત વ્યક્તિના આ શબ્દોએ કિરણના પગ નીચેથી ધરતી સરકાવી દીધી. તેને ધ્રાસકો પડ્યો. તેણે માંડ-માંડ સ્વસ્થતા કેળવી. હવે શું કરવું તેનો ઘડીભર વિચાર કર્યો. તેને લાગ્યું પરિવારના અન્ય સભ્યોને પણ આની વાત કરવી જોઇએ. જેથી તેણે પરિવારજનોને વાત તો કરી પણ એ વખતે એવી સાવચેતી રાખી કે પરિવારજનો ગભરાઇ ન જાય કે હેબતાઇ ન જાય. થોડી જ વારમાં કિરણભાઇ પત્ની યોગીતા, પિતા હરિભાઇ, બહેન જ્યોતિ, કાકા ભરતભાઇ, નટુભાઇ, કાળીદાસ સાથે અમદાવાદથી નીકળીને સીધા કેનાલ પર આવી પહોંચ્યા હતા. અહીં લોકોના ટોળાં જામેલા હતા. પોલીસનો કાફલો તપાસ કરી રહ્યો હતો. ડોગ સ્ક્વોડ પણ આવી ચૂકી હતી. પરિવારજનોના હૈયા ભારે હતા. તેમણે લાશની નજીક જઇને જોયું. એ સાથે જ જ્યોતિબેનના મોંઢામાંથી ચીસ નીકળી ગઇ. બીજી જ ક્ષણે આંખમાં આંસુ આવ્યા અને એટલા જ શબ્દો બોલી શક્યા કે આ મારી બહેન રીનાની જ લાશ છે. આ શબ્દોએ ઘટના સ્થળે સન્નાટો પ્રસરાવી દીધો. પરિવારના અન્ય સભ્યોએ પણ લાશ રીનાની જ હોવાની પુષ્ટિ કરી. હવે આ હત્યા ફક્ત પરિવાર માટે જ નહીં પરંતુ પોલીસ માટે પણ ચિંતાનો અને તપાસનો વિષય હતો. બધાંના મનમાં સવાલો હતા કે રીનાબેનની હત્યા કરી કોણે અને શા માટે કરી? વસ્તી ગણતરી માટે નીકળેલી કોઇ શિક્ષિકા સાથે કોને દુશ્મની હોય? બધા પોતપોતાની રીતે રીનાબેન સાથે કોઇ અણબનાવ બન્યો હોય કે કોઇ તેમને હેરાન કરતું હતું તેની ચર્ચા કરવા લાગ્યા હતા. કિરણની પત્ની યોગીતાએ રીનાબેનના દીકરા જયસિંહને પૂછ્યું કે શું રીનાબેનને કોઇ સાથે અણ બનાવ બન્યો હતો, કોઇ તેને ધમકાવતું કે ડરાવતું હોય તેવું કંઇ નજીકના ભૂતકાળમાં બન્યું છે? આ સવાલના જવાબમાં જયસિંહ જે કહેવાનો હતો તે ખરેખર ચોંકાવનારૂં હતું. તેણે સહજતાથી કહી દીધું કે મારા પપ્પા મારી મમ્મીને કહેતાં હતા કે આજે તારું કામ પતાવી દેવાનું છે. એ પછી બન્ને જણાં વસ્તી ગણતરી કરવા ઘરેથી નીકળ્યાં હતા. જયસિંહના આ ખુલાસાએ સૌને આશ્ચર્યમાં મૂકી દીધા. આ ઘટનાનો સાક્ષી જયસિંહ હતો એટલે તે જ વધુ વિગતો કહી શકે તેમ હતો. જેથી પરિવારજનોએ જયસિંહને વધુ વિગતવાર પૂછ્યું. જયસિંહે કહ્યું કે આજથી દસેક દિવસ અગાઉ મારા પપ્પા અને મારી મમ્મી વચ્ચે બોલાચાલી થઇ હતી. જેના પછી મોટો ઝઘડો થયો હતો. મારા પપ્પા બદરખાં જતાં રહ્યાં હતા. અમે તથા મારા મમ્મી અહીં રહેતાં હતા. પછી મારા પપ્પા પાછાં આવતાં રહ્યાં હતા. આમ મારી મમ્મી અને પપ્પા વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી. જયસિંહની આ વાતથી તેના જ પિતા અને રીનાબેનના પતિ બળદેવભાઇ શંકાના દાયરામાં આવી ગયા હતા. કિરણે પોલીસને આ વાતની જાણ કરી હતી. જેથી ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ.વસાવાએ બળદેવને ઝડપી લેવાનો આદેશ આપ્યો હતો. થોડી જ વારમાં પોલીસની એક ટીમ ચલોડા પહોંચી હતી અને બળદેવને ઉઠાવી લાવી હતી. બળદેવ પર હજુ શંકા જ હતી પણ પોલીસ પાસે એવા કોઇ મજબૂત પુરાવા નહોતા. હવે પોલીસે બળદેવની પૂછપરછ શરૂ કરી. આ પૂછપરછમાં શું ખુલાસા થવાના હતા? શું ખરેખર બળદેવે જ પત્ની રીનાની હત્યા કરી હતી કે પછી જયસિંહ ખોટું બોલી રહ્યો હતો? શું વસ્તી ગણતરીની ફરજ માત્ર એક બહાનું હતી? રીનાબેનની હત્યા પાછળનું સાચું રહસ્ય શું છે? આ તમામ સવાલોના જવાબ જાણવા માટે જુઓ ગુજરાત ક્રાઇમ ફાઇલ્સનો બીજો એપિસોડ. સ્ટોરી ઇનપુટઃ હરિઓમ સોલંકી, ધંધુકા
    Click here to Read More
    Previous Article
    જૂઠના કારણે રિશી કપૂરનો જીવ જોખમમાં મૂક્યો!:શ્રીદેવી સાથે ગુપ્ત લગ્ન કર્યાની ચર્ચા; બોલિવૂડના 'ડિસ્કો ડાન્સર' મિથુનની ફૂટપાથથી ફાળકે એવોર્ડ સુધીની સફર
    Next Article
    ભાજપના રાષ્ટ્રીય નેતા સામે સુરત મનપા સરેન્ડર, 2-કલાકની ગેમના CCTV:બાબુ જેબલિયાના ફ્લેટના ગેરકાયદે બાંધકામના પતરા પહેલા હટાવ્યા ને તુરંત પાછા મૂકી ગયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment