Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અદાણીના વીજ થાંભલા સામે ખેડૂતો મેદાને પડ્યા:કહ્યું-કોઇ અભણ પણ ન બોલે એવા શબ્દો મુખ્યમંત્રી બોલ્યા, અમારા જ ખેતરમાં જવું હોય તો કાગળિયા માગે

    4 दिन पहले

    અમારી જમીન અમારા માટે મા સમાન છે. શું માની કોઇ કિંમત આંકી શકાય? ગજેન્દ્રસિંહ, ખેડૂત ઉજ્જડ વનમાં એરંડા પ્રધાન જેવી સ્થિતિ થઇ ગઇ છે. જે ધારાસભ્યને અમે ખોબલે ને ખોબલે મત આપ્યાં એ અમારી રજૂઆત નથી સાંભળતાને જેતપુર જતા રહ્યાં હતા. અમે ફોન કરીએ તો ફોન સ્વીચ ઓફ કરી નાંખે છે. હરિશચંદ્રસિંહ ઝાલા, ખેડૂત અમે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે રજૂઆત કરવા માટે ગયા હતા. જ્યાં તેમનાથી ન વપરાય એવા શબ્દોમાં તેમણે અમને કહ્યું હતું કે તમારું જંત્રુ બંત્રુ વધારી દઇશું. કોઇ અભણ વ્યક્તિ આવું બોલ્યું હોત ને તો અમે માની લઇએ કે તેને નથી ખબર પડતી પણ મુખ્યમંત્રીથી આવા શબ્દ ન બોલાય. દેવેન્દ્રસિંહ ઝાલા, ખેડૂત અમારે અમારા જ ખેતરમાં આવવું હોય તો અમારી પાસે કાગળિયા માંગે છે. જો ન બતાવીએ તો અમને ડિટેન કરે છે. સંદીપસિંહ પઢિયાર, ખેડૂત આ શબ્દો સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના ખેડૂતોના છે. છેલ્લા કેટલાક સમયથી કોંઢ ગામના ખેડૂતોનો વિરોધ ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. અહીં પાવરગ્રીડ નામની કંપની વીજલાઇન અને વીજ પોલ નાખવાની કામગીરી કરી રહી છે. જેની સામે યોગ્ય વળતર ન મળતું હોવાનો આરોપ લગાવીને ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. 25મી મેએ અહીં પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા હતા. જેના પછી ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ખેતરમાં વીજ થાંભલા નાખવાના વિરોધમાં આજે વિવિધ ખેડૂત સંગઠનોએ ટ્રેક્ટર રેલી યોજી છે. ખેડૂતોની ટ્રેક્ટર રેલીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સમર્થન જાહેર કર્યું છે. જેથી રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. તેવામાં દિવ્ય ભાસ્કરની ટીમ અમદાવાદથી અંદાજે 150 કિલોમીટર દૂર આવેલા કોંઢ ગામે પહોંચી હતી અને ખેડૂતોની વ્યથા જાણી હતી. સૌથી પહેલાં તો આ મુદ્દો અને ખેડૂતોના વિરોધનું કારણ સમજો. કોંઢ ગામના સીમ વિસ્તારમાંથી હાઇ ટેન્શન લાઇન પસાર થઇ રહી છે. જેના માટે ખેડૂતોની જમીનમાં મોટા વીજ પોલ નાખવા પડે તેમ છે. જેના વળતરરૂપે ખેડૂતોને દર ચોરસ મીટર દીઠ 382 રૂપિયા આપવાનું નક્કી થયું છે. ખેડૂતોનો દાવો છે કે વળતરની આ રકમ ખૂબ ઓછી છે. 22મી મેએ કોંઢ ગ્રામ પંચાયતની ખાસ ગ્રામ સભા બોલાવાઇ હતી. જેમાં ખેડૂતોને આ વળતર મંજૂર ન હોવાનો ઠરાવ કરીને તાલુકા વિકાસ અધિકારીને પત્ર દ્વારા જાણ કરાઇ હતી. 25મી મેએ કંપનીએ ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે વીજ પોલ નાખવાની કામગીરી શરૂ કરી હતી. જે દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે 200થી વધુ ખેડૂતોની અટકાયત કરી હતી. ખેતરમાં મોટા-મોટા ખાડા ખોદી નખાયા દિવ્ય ભાસ્કરની ટીમ જ્યારે ગ્રાઉન્ડ રિપોર્ટ માટે ખેડૂતોના ખેતરમાં પહોંચી ત્યારે ત્યાં મોટા-મોટા ખાડા ખોદીને વીજપોલ નાખવાની કામગીરી ચાલી રહી હતી. અહીં અમને કેટલાક ખેડૂતો મળ્યાં. જેમાના હરિશચંદ્રસિંહ ઝાલા નામના ખેડૂતે વાણિજ્ય હેતુ હેઠળનું વળતર આપવામાં આવે તેવી માંગ કરી સાથે જ પોલીસ પર દાદાગીરી કરવાનો આરોપ પણ લગાવ્યો. અમારી જાણ બહાર સર્વે કરી નાખ્યોઃ ખેડૂત હરિશચંદ્રસિંહ ઝાલાએ દિવ્ય ભાસ્કરને કહ્યું, મને મારા બાપ દાદાની જમીન વારસાઇમાં મળી છે. મારી પાસે 17 વીઘા જેટલી જમીન છે. વીજ લાઇનની કામગીરી માટે મારા ખેતરમાં મોટો પોલ નાંખવાના છે.જમીનના એક વીઘાનો બજાર ભાવ 20 લાખ રૂપિયા ચાલી રહ્યો છે પણ આ પોલ અને વીજલાઈન પસાર થશે એ પછી તેના લાખ રૂપિયા પણ નહીં આવે. 'આ વખતે હજુ સુધી વાવેતર થયું નથી. અમને અત્યાર સુધી કોઇ નોટિસ પણ નહોતી અપાઇ કે કોઇ જાણ પણ નહોતી કરાઇ. અઢવાડિયા પહેલાં નોટિસ આવી હતી એ પછી અમારી જાણ બહાર સર્વેની કામગીરી કરી નાંખવામાં આવી હતી.' 'કંપની, સરકાર અને પોલીસની દાદાગીરી' તેમણે પોલીસ પર મિલીભગતનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, હાલમાં સરકારની પાવરગ્રીડ નામની કંપની અહીં પોલ નાંખવાની કામગીરી કરી રહી છે અહીં તેમની પોલીસ ખાતા સાથે બધી મિલીભગત ચાલી રહી છે. અમને અમારી જ જમીનમાં આવવા નથી દેતાં. 8 વર્ષના છોકરાઓને પણ ડિટેન કરીને પકડી જાય પછી છોડી મૂકે. આ કંપની, સરકાર અને પોલીસની ભયંકર દાદાગીરી છે. અમારી વાડીમાં પ્રવેશ કરવા માટે 7/12ની નકલ જોવા માંગે છે એ ક્યાં લઇ લઇને ફરવાનું? જેને ખોબલે ખોબલે મત આપ્યા તે ધારાસભ્ય ફોન બંધ કરી દે છે હરિશચંદ્રસિંહની 17 વીઘા જમીનમાંથી ત્રણેક વીઘા જમીનમાં આ કામગીરી થવાની છે. તેઓ કહે છે કે, આ કામગીરીના લીધે જમીન પણ બિનઉપજાઉ થઈ જશે. વાત આટલે અટકતી નથી બાકીની જમીનમાં પણ કામગીરી ચાલશે એ દરમિયાન નુકસાન થશે એ અલગ. આ નુકસાનીનું પણ તેઓએ કોઇ વળતર નથી ચૂકવવું અને કોઇ જવાબ પણ આપતાં નથી. 'કંપની કામ બંધ રાખે તો અમે સામા રૂપિયા આપીશું' મહાઆંદોલનની ચીમકી ઉચ્ચારતાં તેમણે કહ્યું કે, આ જમીનનું તો કોઇ મૂલ્ય જ થઇ શકે તેમ નથી કેમ કે તેના માટે તો કેટલાય માથા વાઢ્યાં છે અને પરસેવો રેડ્યો છે. અમારું અહિત કરીને આ સરકારને વિકાસ કરવો છે. જો અમને ન્યાય નહીં મળે તો વિકલ્પ વિચારી જ લીધો છે. અમે મહા આંદોલન કરીશું, અમે ઝુકવાના નથી. આ કંપની અમને 2-4 લાખ રૂપિયા વળતર આપવાની વાત કરે છે એ નથી જોઇતું. જો એ અહીં કામ બંધ રાખે તો અમે તેમને લાખ રૂપિયા આપવા તૈયાર છીએ. અન્ય ખેડૂત ગજેન્દ્રસિંહની જમીનને પણ આ કામગીરીથી અસર થવાની છે. ગજેન્દ્રસિંહની ઉંમર 70 વર્ષ છે. તેઓ 10 વર્ષના હતા ત્યારથી ખેતી કરે છે. તેમણે કહ્યું કે, અમારા ભાઇઓ વચ્ચે જમીન વેચાઇ એટલે હવે અમારા ભાગે 15-15 વીઘા જમીન આવી છે. ગજેન્દ્રસિંહની વ્યથા- જમીનમાં ખોદેલા ખાડા અમે જોઇ નથી શકતા તેમણે પોતાની વ્યથા વ્યક્ત કરતાં આગળ કહ્યું કે, અમારી જમીનમાં જે ખાડા ખોદ્યા છે એ નથી જોઇ શકાતા. અમને અમારી જમીનની બહાર પણ ઊભા રહેવા નથી દેતાં. આ સરકાર ખેડૂતની અને નાના માણસની નથી. અમે રજૂઆત કરીએ તો કહે છે કે કલેક્ટરે જે કહ્યું છે તે પ્રમાણે જ માન્ય રહેશે. જે કલેક્ટરે (રાજેન્દ્ર પટેલે) આ નિર્ણય કર્યો હતો તે તો હાલમાં જેલમાં છે. સૌથી પહેલાં તો એના જ કાંડા કાપી નાંખો. એ કલેક્ટરે અમારી જમીનને બિનપિયત કરી નાંખી. પોલીસ ડીઝલના જથ્થા સાથે આવી હોવાનો આરોપ ગજેન્દ્રસિંહે પોલીસ પર આક્ષેપ કરતાં કહ્યું, પોલીસ જ્યારે પહેલીવાર આવી ત્યારે હું હાજર નહોતો પણ બધાને બાહેંધરી આપી હતી કે તમે મંજૂરી આપી દો હું કંપનીને પોલીસ પ્રોટેક્શન નહીં આપું. આ કર્યાના ત્રીજા દિવસે તો પોલીસ તેમનો કાફલો લઇને ખેડૂતોના ખેતરમાં પહોંચી ગઇ હતી. અહીં જે પણ ખેડૂતો હતા તેમને પકડી પકડીને બસોમાં બેસાડી દેવામાં આવ્યાં. 'એ દિવસે પોલીસે અમારી સાથે કોઈ વાતચીત કર્યા વગર જ બેસાડી દીધા. એક બે નહીં નાની મોટી થઇને અઢારેક ગાડીઓ ભરીને પોલીસ આવી હતી. એક ટાંકો ડીઝલ પણ લઇને આવ્યાં હતા. અત્યારે ખેડૂતોને ડીઝલ નથી મળતું તો એમની પાસે ક્યાંથી આવ્યું?' નામ સરકારી કંપનીનું, કામ અદાણીનું દેવેન્દ્રસિંહ ઝાલા નામના ખેડૂત પાસે 30 વીઘા જમીન છે. જેના પર તેઓ વર્ષોથી ખેતી કરે છે. તેમણે કહ્યું કે, અદાણી કંપની વિશે તો બધા જ જાણે છે કે એક મિનિટના તે કરોડો રૂપિયા કમાય છે. આટલું કમાતા હોવા છતાં ખેડૂતો સાથે આવો અન્યાય કરે છે. ખેડૂતોને વળતર નથી આપવું ને પોલીસને સાથે રાખીને ખેડૂતોને દબાવવા માંગે છે. જેમ ભૂંડ પકડવાવાળા ભૂંડને પકડીને લઇ જાય છે તેમ આ પોલીસવાળા અમને પકડીને પોલીસ સ્ટેશને લઇ જાય છે. વીજ લાઇનથી થતા નુકસાનની વાત કરતાં તેઓ કહે છે કે, આ લાઇન નીકળવાથી અમને નુકસાન જ નુકસાન છે. કેમ કે લાઇન શરૂ થશે ત્યારે અહીં અમે માલઢોર નહીં લાવી શકીએ. જમીન પણ ધીરે ધીરે નાશ પામશે જેથી ઉત્પાદનનું યોગ્ય વળતર નહીં મળે. અહીં તાર લાગશે એટલે મજૂરો પણ ડરના માર્યા કામ કરવા નહીં આવે. DySPએ કહ્યું ઉપરથી ઓર્ડર છે પોલીસ પર આક્ષેપ કરતાં દેવેન્દ્રસિંહ કહે છે કે, અમે પોલીસને એમ પણ વાત કરી હતી કે પહેલાં અમને યોગ્ય વળતર તો મળવા દો. જ્યાં સુધી વળતરનું નિરાકરણ નથી આવ્યું ત્યાં સુધી કેવી રીતે થાંભલો ખોદવા દેવો. ત્યારે અહીંના DySP પુરોહિતે અમને કહ્યું હતું કે મારી જવાબદારી ઉપર અને હું તમને બાહેંધરી આપું છું. તમે આ નોટિસ પર એવી સહી કરો કે પોલીસ તંત્ર સાથે હોવાથી અમે આ સહમતી આપી રહ્યાં છીએ, બાકી ખેડૂતો સહમત નથી. 'આ સાથે જ DySP પુરોહિતે એવું પણ કહ્યું હતું કે જ્યાં સુધી તમારા વળતરનું સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી પોલીસ લઇને નહીં આવું. આવું કહ્યાના છઠ્ઠા કે સાતમા દિવસે જ DySP પુરોહિત પોલીસ પ્રોટેક્શન લઇને આવ્યાં. અમે તેમને પ્રશ્ન કર્યો તો તેમણે કહ્યું કે અમારા ઉપરી સાહેબનો ઓર્ડર છે.' મુખ્યમંત્રી બોલ્યા- જંત્રુ બંત્રુ વધારી દઇશું મુખ્યમંત્રીને રજૂઆત કરવા દરમિયાન શું થયું તેની વાત પણ દેવેન્દ્રસિંહે કરી. તેઓ કહે છે કે, અમે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે રજૂઆત કરવા માટે ગયા હતા. જ્યાં તેમનાથી ન વપરાય એવા શબ્દોમાં તેમણે અમને કહ્યું હતું કે, તમારું જંત્રુ બંત્રુ વધારી દઇશું. કોઇ અભણ વ્યક્તિ આવું બોલ્યું હોત ને તો અમે માની લઇએ કે તેને નથી ખબર પડતી પણ મુખ્યમંત્રીથી આવા શબ્દ ન બોલાય. બધાએ રૂપિયા ખાધાઃ દેવેન્દ્રસિંહ દેવેન્દ્રસિંહ પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ પર આરોપ લગાવતા કહ્યું કે, અમે આજથી 2-3 મહિના પહેલાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ પાસે ગયા હતા તો તેમણે અમને કહ્યું હતું કે, મેં ઓર્ડર કરી દીધો છે, તમારાથી રોકાય તો રોકી લેજો. એનો મતલબ શું છે? આ બધા લોકો પાવરગ્રીડ સાથે મળી ગયા છે. બધાએ પૂરતા પ્રમાણમાં રૂપિયા ખાઇ લીધા છે. અમારા આખા કોંઢ ગામને બિનપિયત જાહેર કર્યું. કોને પૂછીને આ પગલું ભર્યું? કોંઢમાં એક ખેતર તો બતાવો જે બિન પિયત હોય. અમારી જમીનમાં જવા અમારી પાસે કાગળિયા માગે છે સંદીપસિંહ પઢિયાર નામના અન્ય એક ખેડૂતની સ્થિતિ એવી છે કે તેમની પાસે 8 વીઘાનું ખેતર છે. જેમાંથી 6 વીઘામાં વીજ પોલ નાખવાના છે. સંદીપસિંહનું કહેવું છે કે, બાકીની 2 વીઘા જે જગ્યા છે એમાં કંપનીએ ધૂળ અને અંદરથી જે કચરો નીકળે તે નાંખ્યો છે. આવામાં હવે બાકીની જગ્યામાં પણ કેવી રીતે ખેતી કરવી? આ બધું જોઇને મારા પિતા તો ખેતરમાં જ નથી આવી શકતાં. અમારે અત્યારે અમારા જ ખેતરમાં આવવું હોય તો અમારી પાસે કાગળિયા માંગે છે. જો ન બતાવીએ તો અમને ડિટેન કરે છે. શક્તિસિંહ ઝાલા અહીંના ખેડૂત આગેવાન છે. તેમણે કેટલા વીજ પોલ નાખવાના છે, કેટલી જમીનને અસર થઇ રહી છે, આ લડાઇ ક્યારથી ચાલી રહી છે તેની વિગતે વાત કહી. હજુ 7 લાઇનનો સર્વે ચાલી રહ્યો છે તેઓ જણાવે છે કે, કોંઢ ગામમાં હળવદથી વટામણ સુધીમાં 765 કેવી વીજલાઇન નાખવાની કામગીરી સામે છેલ્લા 6 મહિનાથી લડાઇ ચાલી રહી છે. પોલીસ અને કંપનીના અધિકારીઓ સાથે ઘર્ષણ ચાલી રહ્યું છે. અહીં પાવરગ્રીડ કંપની વીજળીની લાઇન નાખી રહી છે. આ કોન્ટ્રાક્ટ પાવરગ્રીડ કંપનીનો છે પણ હકીકત એ છે કે આ લાઇન અદાણીની છે. ખેડૂતોની જમીન પર 29 વીજ પોલ નાંખવાના છે. 179 ખેડૂતોને સીધી અસર થવાની છે. 29 વીજપોલમાંથી અત્યારે 21માં પોલ નાંખવાની કામગીરી ચાલી રહી છે. ખેડૂતોની અંદાજે 90 વીઘા જેટલી જમીન બગાડવામાં આવી છે. આ ઉપરાંત અન્ય 7 લાઇનનો સર્વે ગામમાં ચાલી રહ્યો છે એટલે આવનારા 2 વર્ષમાં અન્ય 7 લાઇનો અહીંથી જ પસાર થવાની છે. શક્તિસિંહ ઝાલાએ વધુમાં કહ્યું, 12 મહિના પહેલાં કંપનીએ આ લાઇનનો સર્વે કર્યો હતો. એ સમયે ખેડૂતો એટલા જાગૃત નહોતા. કલેક્ટરે 29 ખેડૂતોમાંથી 20 ખેડૂતોને નોટિસ આપી હતી. જે બાદ બધાને બોલાવીને કહ્યું હતું કે જેને વાંધો હોય તે અરજી કરે. પ્રાથમિક સર્વે કર્યા પછી કેન્દ્ર સરકારમાં સીઆરસીનું લાયસન્સ લેવાનું હોય છે. જે બાદ ગુજરાતી અખબારમાં રાજપત્ર જાહેર કરવો પડે પણ તેમણે રાજપત્ર જાહેર નહોતો કર્યો. આ દરમિયાન ખેડૂતો જાગૃત થયા એટલે હવે જે બીજી લાઇન નીકળવાની છે તેનો રાજપત્ર જાહેર કર્યો છે. ખેડૂતોને આ બાબતે પણ અજાણ રખાયા છે. 8 દિવસમાં જ DySPનું વલણ ફરી ગયું અહીંના DySP કાયદાને ઘોળીને પી ગયા હોવાનો આરોપ લગાવતા શક્તિસિંહે કહ્યું કે, 20 દિવસ પહેલાં 450 પોલીસકર્મીઓનો કાફલો આવ્યો હતો. ત્યારે ખેડૂતોની મક્કમતાના કારણે DySP વાંધા સાથે તમામ ખેડૂતોની સહમતી લીધી હતી. અમે કહ્યું હતું કે આ કામ માટે ખેડૂતોની મંજૂરી નથી. સર્વે કરે છે પણ અમને યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી અમે કામ કરવા નહીં દઇએ. આ સમયે ધ્રાંગધ્રાના એસડીએમ પણ હાજર હતા. ઉપરથી આદેશ હશે એટલે 8 દિવસમાં જ DySPનું વલણ ફરી ગયું. તેઓ કાયદાને પણ ઘોળીને પી ગયા. રાજસ્થાનની SOP પ્રમાણે જંત્રી આપવાની માગ તેમણે જંત્રી મામલે નવસારી અને રાજસ્થાનની વાત કરતાં કહ્યું, અમારી એટલી જ રજૂઆત છે કે જેમ નવસારીમાં વાણિજ્ય હેતુ ફેર માટે વળતર ચૂકવાયું છે નહીં કે જંત્રી પ્રમાણે તે રીતે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાને વાણિજ્ય હેતુ પ્રમાણે વળતર ચૂકવાય. 'અમને જંત્રી પ્રમાણે વળતર આપવાનું કહે છે પણ એ જંત્રી 2011 પ્રમાણેની છે. હાલમાં 2026નું વર્ષ ચાલી રહ્યું છે. અમને નુકસાન થાય છે. અત્યારે એક વીઘો 15 થી 16 લાખ રૂપિયાનો થાય છે. જ્યારે સરકાર અમને 2 લાખ આપવાની વાત કરે છે. જો એવું જ હોય તો રાજસ્થાનની SOP પ્રમાણે જંત્રી આપે, માર્કેટની 4 ગણી કિંમત. ખેડૂતોને મહિને 30 હજાર રૂપિયાનું ભાડું ચૂકવવામાં આવે.' 'આ કંપનીઓ કંઇ ભારત સરકારને મફતમાં વીજળી નથી આપવાની. જો વીજળી મફતમાં આપવાની જાહેરાત કંપની કરી દે તો ખેડૂતો 382 રૂપિયા પણ નહીં માંગે. અમે બલિદાન આપવા તૈયાર છીએ. આ લોકો ખેડૂતોની છાતી પર થાંભલો નાંખીને વેપાર કરી રહ્યાં છે.' રાજકીય પક્ષોને સવાલ શક્તિસિંહે ભાજપના સ્થાનિક ધારાસભ્ય, આપ અને કોંગ્રેસને પણ સવાલો કર્યો. તેમણે કહ્યું, હું સોશિયલ મીડિયા પર જોઇ રહ્યો છું કે કોંગ્રેસ અને આપના કાર્યકરો એમ કહે છે કે અમે ગયા પછી કોંઢનો માહોલ ઊભો થયો છે. ખરેખર અહીંના ખેડૂતો જાગૃત થયા એટલે આ માહોલ ઊભો થયો છે ને એ લોકોએ અહીં આવવું પડ્યું છે. 'હું પાલ આંબલિયા અને ગોપાલ ઇટાલિયા બન્નેને પૂછવા માંગુ છું કે આ લડાઇ 6 મહિનાથી ચાલે છે તો ત્યારે તમને કોંઢ ગામ કેમ યાદ ન આવ્યું? જો બંને પક્ષના કાર્યકરો અને નેતાને લાગણી હોય તો 500-500 કાર્યકરોને લઇને અમારી વ્હારે આવે. હું અમારા ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરાને પણ કહું છું કે વોટિંગમાં અમારું ગામ મોટું છે. અમે તમને 6 હજાર મતની લીડ આપીને ગાંધીનગર બેસાડ્યાં છે. આખું કોંઢ સળગી રહ્યું છે, ખેડૂતો પર લાઢીચાર્જ થઇ રહ્યો છે ત્યારે તમે જેતપુરમાં ગયા પણ કોંઢ ગામ નથી દેખાતું?' 'અમે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે તેમનો હસતાં હસતાં જવાબ હતો કે નવસારીમાં જે થયું એ તો નવસારી કલેક્ટરની ભૂલ હતી અને હવે એ ભાવ વધે નહીં. જંત્રીમાં થોડો ઘણો વધારો કરીને આપીશું. આ ગુજરાતના મુખ્યમંત્રીનો જવાબ હતો. જો એમના તરફથી આવો જવાબ મળે તો હવે અમારે કોની પાસે અપેક્ષા રાખવાની?' જો માગ નહીં સ્વીકારાય તો ભગતસિંહની જેમ આંદોલન કરીશું તેવી ચીમકી આપતા શક્તિસિંહ કહે છે કે, જો અમારી આ માંગણી નહીં સ્વીકારાય તો નવી રણનીતિ નક્કી કરીને ભગતસિંહે જેવું આંદોલન કર્યું હતું તે રીતે અમે પણ આગળ વધીશું. હવે ખેડૂતોની જમીનનો નાનકડો ટૂકડો જ બચશે જ્યાં તે ખેતી કરશે. આવી પરિસ્થિતિમાં નિયમ મુજબ ખેડૂત સંગ્રહ માટે અહીં ઝૂંપડી પણ નહીં બનાવી શકે. આમ આ હતી કોંઢ ગામના ખેડૂતોની વ્યથા. ખેડૂતોએ DySP જે.ડી.પુરોહિત અને કલેક્ટર પર આરોપ લગાવ્યા છે. જેથી દિવ્ય ભાસ્કરે આ બાબતે DySPનો પક્ષ જાણવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ રજા પર હતા. જેથી જ્યારે ડ્યૂટી પર હાજર થશે તે પછી જવાબ આપશે તેમ કહ્યું હતું. જ્યારે સુરેન્દ્રનગરના કલેક્ટર જી.એચ.સોલંકીએ પણ મામલો સેન્સિટીવ હોવાથી કંઇપણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસની ટ્રેક્ટર રેલી નીકળી, નેતાઓએ સ્ટિયરિંગ સંભાળ્યું:અમિત ચાવડા ટ્રેક્ટર લઈ નીકળ્યા, પ્રગતિ આહિરે ગેનીબેન-કરસન ભાદરકાને બેસાડ્યા; ધારાસભ્યોની સૂચક ગેરહાજરી
    Next Article
    કલર કામ સમયે દુર્ઘટનામાં યુવકે જીવ ગુમાવ્યો:અણખોલમાં ખાનગી બિલ્ડિંગના ત્રીજા માળેથી પટકાતા શ્રમિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત, સારવાર મળે તે પહેલાં જ મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment