Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આઠ હત્યા કરનારો કેરળનો ‘રિપર જયાનંદન’:બે વાર જેલ તોડી, શ્રીલંકા પહોંચી ગયો, જેલમાંથી નવલકથા લખી, છતાં તે નિર્દોષ હોવાના પુરાવા

    1 day ago

    2 ઓક્ટોબર 2006 એર્નાકુલમ, કેરળ દેશભરતમાં અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીનો જન્મ દિવસ ઉજવાઈ રહ્યો હતો. પરંતુ એર્નાકુલમ જિલ્લાના ઉત્તરીય કિનારે આવેલા પુથેનવેલિક્કરા ગામમાં આ દિવસે એક ભયાનક ખૂની ખેલ ખેલાવા જઈ રહ્યો હતો. રાત્રિના લગભગ એક વાગ્યા હશે. કેરળના આ અંતરિયાળ ગામડામાં નીરવ શાંતિ હતી. સ્ટ્રીટ લાઇટોના અભાવે કાળોડિબાંગ અંધકાર અને કોઈ જાતની હલચલ નહીં. બસ, પેરિયાર નદીની ટ્રિબ્યુટરી (શાખાઓ)ના હળવા પ્રવાહનો આછો આછો અવાજ આવી રહ્યો હતો. ક્યાંક કોઈ ઘરમાં હજુયે ટેલિવિઝન ચાલુ હતા. સ્થાનિક લોકોએ ઝીંગા ઊછેરવા માટે બનાવેલાં તળાવો પર ઊડી રહેલા આગિયાનો છૂટક પ્રકાશ હવામાં તરતો હતો. ત્યાં એક ઘરમાં દેવકી નામની 51 વર્ષીય સ્ત્રી સૂતી હતી. ગામ લોકો વચ્ચે પાંચ દાયકાથી તે સ્ત્રી ‘બેબી’ના હુલામણા નામથી જ જાણીતી હતી. તેનો પતિ રામકૃષ્ણન 60 વર્ષીય એક નિવૃત્ત સૈનિક હતો, જે બીજા રૂમમાં ગાઢ નિદ્રામાં હતો. થોડા ઊકળાટને કારણે ઘરનો દરવાજો ખુલ્લો રાખીને આ આધેડ દંપતી સૂતું હતું. અહીં ક્રાઇમ રેટ લગભગ ઝીરો હતો, એટલે કોઈ ડર નહોતો. સ્લેબ ભરવાનો સળિયો ફટકારીને માથું ફાડી નાખ્યું અચાનક એ ખુલ્લા દરવાજાને હળવેકથી ધક્કો મારીને પાંચેક ફીટ ઊંચાઈ ધરાવતા એક દૂબળા-પાતળા માણસનો પડછાયો તે ઘરમાં ધસી આવ્યો. રૂમના નાઇટ લેમ્પના આછા અંધકારમાં જોઈ શકાતું હતું કે તેને માથે પાતળા વાળ હતા, થોડી દાઢી અને ઘટાદાર મૂછો હતી. પરંતુ તેના હાથમાં મકાનોના સ્લેબ ભરવા માટે વપરાતો એક લોખંડનો ભારેખમ સળિયો હતો, જે આ માણસ નજીકની એક અન્ડર કન્સ્ટ્રક્શન સાઇટ પરથી ચોરી લાવ્યો હતો. તે દબાતે પગલે ઘરની અંદર આવ્યો અને રૂમમાં સૂઈ રહેલા રામકૃષ્ણનના માથા પર પૂરી તાકાતથી લાગલગાટ બે વખત વાર કર્યો. સળિયાના પ્રહારથી તેની ખોપરીમાં ગંભીર ઇજા થઈ અને માથામાંથી ધડાધડ લોહી વહેવા લાગ્યું. રામકૃષ્ણનના મોંમાંથી ચીસ પણ ન નીકળી શકી. ઘા જીવલેણ હતો, પણ આ નિવૃત્ત સૈનિક બચી ગયો. પરંતુ તે રાત પછી તેમનું જીવન ધરમૂળથી બદલાઈ ગયું. મગજની કાયમી ક્ષતિ સાથે તેમણે જીવન પસાર કરવું પડ્યું. બંગડી-વીંટી ન નીકળી તો હાથ કાપી નાખ્યો! રૂમમાં ધસી આવેલો તે દૈત્ય એ પછી બાજુના રૂમમાં સૂતેલી દેવકીના રૂમમાં ગયો. એ પછી શું થયું તે વાત આજે પણ કેરળનાં તે વિસ્તારનાં ગામોમાં લોકો એકબીજાને કહેતાં થથરી ઊઠે છે. તેણે શક્ય તેટલા જોરથી દેવકીના માથા પર લોઢાના સળિયાનો પ્રહાર કર્યો અને એકઝાટકે જ દેવકીનો જીવ નીકળી ગયો. એ પછી તેણે એક છરો કાઢ્યો અને દેવકીના ડાબા હાથનો પંજો કાંડા આગળથી કાપી નાખ્યો. કારણ માત્ર એટલું જ કે દેવકીના ભારેખમ હાથમાંથી સોનાની બંગડી અને આંગળીમાંથી સોનાની વીંટીઓ નીકળતી નહોતી! એ પછી તેણે ઘરમાં કેરોસીન છાંટ્યું અને દિવાસળી ચાંપી દીધી, જેથી પુરાવા બળી જાય. સવારે જ્યારે ગામ જાગ્યું ત્યારે તે ઘરમાં કેરોસીનની ગંધ, દેવકીની અર્ધ બળેલી લાશ તથા બેહોશીની હાલતમાં દાઝેલા રામકૃષ્ણન મળી આવ્યાં. આ હત્યા એટલી ક્રૂર હતી કે તેની નોંધ આખા દેશનાં મીડિયાએ લીધી. પરંતુ આ સિલસિલો અટકવાનો નહોતો. *** સિરિયલ કિલરની કહાનીમાં વેબ સિરીઝ જેવા ટ્વિસ્ટ કેરળમાં થયેલી એ હત્યાઓ પછી મીડિયાએ તે અજાણ્યા હત્યારાને એક નામ આપ્યું ‘રિપર’. 19મી સદીના લંડનમાં સ્ત્રીઓની હત્યાઓ કરતા એક અજાણ્યા સિરિયલ કિલરને ત્યાંનાં મીડિયાએ ‘જેક ધ રિપર’ નામ આપ્યું હતું. તેની જ તર્જ પર અહીં પણ એક કાળમુખો ‘રિપર’ પાક્યો હતો. જેની પાછળથી ઓળખ મળી ‘રિપર જયાનંદન’ તરીકે. આજના ‘ખાખી કવર’માં વાત કરીએ આ જ રિપર જયાનંદન વિશે, જે પકડાયો અને વર્ષો સુધી જેનો કેસ ચાલ્યો, પરંતુ એ પછી તેમાં એવા ટ્વિસ્ટ આવ્યા કે સીધેસીધો કોઈ થ્રિલર વેબ સિરીઝ બની જાય. *** માછીમારનો દીકરો, માણસ મારવા માંડ્યો કેપી જયાનંદન, એટલે કે કોટ્ટાથ પરમ્બિલ જયાનંદનનો જન્મ 1968માં કેરળના થ્રિસૂર જિલ્લાના પોય્યા ગામમાં થયો હતો. પોય્યા એક શાંત ગામ હતું જે, સુંદર બેકવોટર્સ માટે જાણીતું હતું. લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી અને ઝીંગા ઉછેર હતો. જયાનંદનનો જન્મ કુદુમ્બી જાતિના માછીમારોના ઘરમાં થયેલો. આ એક અત્યંત હાંસિયામાં ધકેલાઈ ગયેલો કોંકણી ભાષી સમુદાય હતો, જે પોર્ટુગીઝ આક્રમણ દરમિયાન ગોવાથી ભાગીને કેરળની ભીની જમીનો પર આવીને વસ્યો હતો. જયાનંદન તે જ સમુદાયનો એક પુત્ર હતો. આઠમા ધોરણ સુધી ભણ્યો, પછી શાળા છૂટી ગઈ. પરિવારને સાચવવા દીકરો હત્યારો બન્યો એના જીવનની સાચી શાળા માછીમારી જ હતી. ચાઈનીઝ નેટથી માછલી પકડવી. 2006માં જ્યારે પોલીસે તેને પકડ્યો, ત્યારે તે 38 વર્ષનો હતો. તેની સાથે હતાં એક પત્ની ઇન્દિરા, બે શાળાએ જતી દીકરીઓ (11 અને 7 વર્ષ), વૃદ્ધ માતા-પિતા, અને ઘણું બધું દેવું. એક વાન ખરીદવા માટે તેણે ઇન્દિરાની લગ્નની ચેઇન પણ ગીરવે મૂકી દીધી હતી. એણે વિચાર્યું હતું કે શાકભાજી વેચીને થોડી કમાણી થશે. પરંતુ તેના પડોશીઓ, તેના સંબંધીઓ, તેને ઓળખતા લોકો ક્યારેય જાણી શક્યા નહીં કે રાત્રે જ્યારે આ માણસ ઘરેથી નીકળતો હતો, ત્યારે ક્યાં જતો હતો. એટલિસ્ટ, પોલીસનું તો આ જ વર્ઝન હતું. હત્યાઓનો લોહિયાળ સિલસિલો પોલીસ રેકોર્ડ્સ અનુસાર જયાનંદનની ગુનાહિત સફર 2003માં ઘરફોડ ચોરીથી શરૂ થઈ હતી, જે શ્રેણીબદ્ધ હત્યાઓમાં પરિણમી. સપ્ટેમ્બર 2003માં મલા પોલીસ સ્ટેશનની હદમાં તેણે 45 વર્ષીય જોસના ઘરમાં ચોરી કરી. આ તેનો પહેલો મોટો ગુનો હતો. 2004ની શરૂઆતમાં કોડુંગલ્લૂરમાં અરવિંદાક્ષ પણિક્કર અને તેમની પત્ની ઓમના પણિક્કર પર હુમલો કર્યો. બંને ગંભીર રીતે ઘાયલ થયાં. તેમના ઘરમાંથી જયાનંદને 18 તોલા સોનાના દાગીના લૂંટ્યા. 30 મે 2004, પોનેક્કરા, કોચીની 74 વર્ષીય મહિલા અને તેમના 60 વર્ષીય ભત્રીજાની નિર્દયતાથી હત્યા કરી નાખી. ત્યાંથી 44 તોલા સોનું અને 15 ગ્રામ ચાંદી લૂંટાઈ. આ હત્યામાં જાતીય હિંસાના પણ સંકેતો મળ્યા હતા. ઓગસ્ટ 2005માં ઉત્તર પરાવૂર સ્થિત કેરળ સ્ટેટ બેવરેજીસ કોર્પોરેશનના એક આઉટલેટ પર સિક્યોરિટી ગાર્ડ સુભાષકનની હત્યા થઈ. આ જ રીતે, માથા પર લોઢાનો સળિયો મારીને. ઓક્ટોબર 2004, પેરિન્જનમ ગામે એક વૃદ્ધ દંપતીની નિર્મમ હત્યા થઈ. આ તે કેસ હતો જેમાં 2008માં જયાનંદનને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી. પેરુમ્બાવૂરમાં 85 વર્ષીય વૃદ્ધની હત્યા. અને અંતે 2 ઓક્ટોબર 2006, પુથેનવેલિક્કરામાં દેવકીની હત્યા અને હાથ કાપવાની તે ઘટના, જે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગઈ. પોલીસનો દાવો હતો કે જયાનંદને કુલ 35 ચોરીઓ દરમિયાન 7 થી 8 હત્યાઓ કરી. બધા શિકાર વૃદ્ધ, એકલા રહેતા લોકો હતા. હુમલા રાત્રે થતા હતા, ઘરમાં ઘૂસીને તે વાર કરતો, જ્યારે બધા સૂતા હોય ત્યારે. ધરપકડ થઈ તો પાંચ ફૂટિયો માણસ નીકળ્યો! 23 નવેમ્બર 2006 દેવકી હત્યાકાંડ પછી પોલીસ પર ભારે દબાણ હતું. એર્નાકુલમ અને થ્રિસુરના સરહદી વિસ્તારોમાં એક પછી એક વૃદ્ધોની હત્યા થઈ રહી હતી અને પોલીસ હત્યારાને પકડવામાં નિષ્ફળ રહી હતી. તપાસ થઈ. એક સાક્ષીએ શંકાસ્પદનું વર્ણન કર્યુંઃ 5 ફૂટ ઊંચો, પાતળા વાળ, ઘટ્ટ મૂછો. કેટલાક પુરાવા મળ્યા, કેટલાક ક્લૂ જોગાનુજોગે પણ મળ્યા. ‘પોલીસે ટોર્ચર કરીને હત્યાઓ કબૂલ કરાવડાવી’ 23 નવેમ્બર 2006 ના રોજ પોલીસે કેપી જયાનાંદનની ધરપકડ કરી. ધરપકડ પછી પોલીસે દાવો કર્યો કે જયાનાંદને 5 હત્યાઓની 'કબૂલાત' આપી છે, જેમાં બે ડબલ મર્ડર અને દેવકીની હત્યાનો સમાવેશ થતો હતો. પરંતુ જયાનાંદન પકડાયો ત્યારથી સતત એક જ વાત કહેતો રહ્યોઃ ‘પોલીસે મને સખત ટોર્ચર કરીને આ સ્ટેટમેન્ટ આપવા માટે મજબૂર કર્યો હતો. પોલીસ મને અંધારિયા રૂમમાં પૂરી રાખતા, ઢોર માર મારતા, કલાકોના કલાકો સુધી ટ્રેડમિલ પર દોડાવતા રહેતા, હું પડી જાઉં તો મારી મારીને ફરી દોડાવતા. બીજા અપરાધીઓને ઢોર માર મારતા હોય ત્યારે તેની કારમી ચીસો સંભળાવી સંભળાવીને મને માનસિક રીતે તોડી નાખ્યો. જ્યારે હું ભાંગી પડ્યો, ત્યારે એક કાગળ પર મારો અંગૂઠો લગાવડાવી દીધો.’ એક પત્રકારને આપેલા રેકોર્ડેડ ઇન્ટરવ્યૂમાં જયાનંદને આ બધી વાતો કરી હતી. અદાલતનો નિર્ણય: મૃત્યુદંડથી ઓછું કંઈ ન ખપે જૂન 2008 માં થ્રિસુરની પ્રિન્સિપાલ સેશન કોર્ટે એક ઐતિહાસિક અને વિવાદાસ્પદ ચુકાદો આપ્યોઃ કેપી જયાનાંદનને પેરિન્જનમ ડબલ મર્ડર કેસમાં મૃત્યુદંડ. સજા સંભળાવતી વખતે ન્યાયાધીશે કહ્યું કે આ 'રેરેસ્ટ ઑફ ધ રેર' કેસ હતો. જયાનાંદનને તિરુવનંતપુરમની પૂજાપુરા સેન્ટ્રલ જેલ મોકલી દેવામાં આવ્યો. 2007 માં દેવકી હત્યાકાંડમાં પણ તેને દોષિત ઠેરવવામાં આવ્યો. એલિકુટ્ટી હત્યાકાંડ સહિત પાંચ મર્ડર કેસમાં તેને દોષિત જાહેર કરાયો. જ્યારે અન્ય ત્રણ કેસમાં તે પુરાવાના અભાવે નિર્દોષ સાબિત થયો. જોકે આ કોર્ટ કાર્યવાહી દરમિયાન તે સતત ફાંસી અને મોતના ઓથાર હેઠળ જીવતો રહ્યો. આખરે આપણા દેશમાં મોટાભાગના હત્યાકેસોમાં થાય છે તેમ 2016માં કેરળ હાઈકોર્ટે જયાનંદનની ફાંસીને આજીવન કેદમાં બદલી નાખી. પરંતુ 'પેરોલ વિના આજીવન કારાવાસ'. એટલે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલમાંથી બહાર નીકળ્યા વિનાની કેદ. હત્યારો બબ્બે વાર જેલ તોડીને ભાગી ગયો! ધરપકડના થોડા જ સમય પછી જયાનંદન કન્નુર સેન્ટ્રલ જેલમાંથી ભાગી છૂટ્યો. કેવી રીતે? એણે લોખંડનો સળિયો તોડ્યો, દીવાલ કૂદી. જોકે તેના કમનસીબે તે બહુ ઝડપથી પકડાઈ ગયો. પરંતુ પોલીસે તેની આ ‘પ્રતિભા’ બરાબર નોંધી લીધી અને તેના પર જાપ્તો વધારી દીધો. જોકે તે પૂરતો નહોતો. જૂન 2013માં તિરુવનંતપુરમની પૂજાપુરા સેન્ટ્રલ જેલમાં કેદ જયાનંદન અને તેની જ કોટડીમાં ચોરીના આરોપમાં પુરાયેલા ઉપ્પા પ્રકાશ એક હેકસૉ બ્લેડ (લોઢું કાપવાની આરી)થી જેલની સેલનું તાળું કાપી નાખ્યું. સાબુની પેસ્ટથી કાપેલા સ્થાનને એવી રીતે ઢાંકી દીધું કે સવાર સુધી ગાર્ડ્સને કંઈ ખબર ન પડી. કપડાંની દોરી બનાવી અને પ્રમાણમાં ઓછી ઊંચી દીવાલ પરથી બંને કૂદી ગયા. ફાંસીની સજા પામેલા કેદીઓને રાખવામાં આવે છે તેવી હાઈ-સિક્યોરિટી જેલમાંથી ભાગી છૂટ્યો હતો. કેરળથી ભાગીને છેક શ્રીલંકા પહોંચી ગયો! આ જેલબ્રેક પ્રકરણમાં કેરળ પોલીસની ભારે બદનામી થઈ. અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. જયાનંદન ત્રણ મહિના સુધી ફરાર રહ્યો. જંગલોમાં, નદી કિનારે રખડતો રહ્યો. ફળો, જંગલી કાજુ ખાઈને જીવતો રહ્યો. 9 સપ્ટેમ્બર 2013 ના રોજ તેને થ્રિસુર પાસે તેના ગામ નજીક પકડવામાં આવ્યો. એકવાર તો તે શ્રીલંકા પણ પહોંચી ગયો હતો! ત્યાં એક પોલીસ કોન્સ્ટેબલને તેણે જણાવ્યું હતું, 'હું ક્યારેય પાછો નહીં જાઉં, ભલે ગમે તે થાય.' કોન્સ્ટેબલે તેને સુરક્ષિત દેશ પાર કરવામાં મદદ કરવાને બદલે ભારતીય અધિકારીઓને જાણ કરી દીધી. 2013 ની આ જેલબ્રેક અને એ પછીની તેની રઝળપાટ એટલી જાણીતી બની કે 2025 માં કન્નુર જેલમાંથી એક અન્ય કેદીએ પણ તે જ રીતે ભાગવાનો પ્રયાસ કર્યો. તેવી જ હેકસૉ બ્લેડ, તે જ સાબુની પેસ્ટ, તે જ કપડાંની દોરડી. મીડિયાએ તેને 'જયાનંદનને ટ્રિબ્યુટ' એવાં હેડિંગ સાથે ચમકાવ્યું. શું આ સિરિયલ કિલર ‘નિર્દોષ’ છે? 2006 થી અત્યાર સુધી જયાનંદન એક જ વાત કહી રહ્યો છે: 'મેં કંઈ કર્યું નથી. હું નિર્દોષ છું. પોલીસે મને ખોટી રીતે ફસાવ્યો છે.' પરંતુ શું આ સાચું છે? કે પછી આ એક શાતિર અપરાધીની ચાલાકી છે? ‘ધ ન્યૂઝ મિનિટ’ નામની દક્ષિણ ભારતીય ન્યૂઝ વેબસાઇટના પત્રકાર નાદિયા નૈશેરે આ કેસ પર ઊંડી તપાસ કરી. તેમણે શોધી કાઢ્યું: જયાનંદન વિરુદ્ધ જે પુરાવા રજૂ કરવામાં આવ્યા, તેમાંથી મોટાભાગના કાં તો ગાયબ થઈ ગયા હતા, અથવા પાછા ખેંચી લેવામાં આવ્યા, અથવા કોઈ અધિકારીએ પોતે સ્વીકાર્યું કે તે 'ઊપજાવી કાઢવવામાં આવ્યા' હતા. દેવકી હત્યાકાંડમાં 'લોહીના ડાઘા' જે જયાનંદન સાથે જોડવામાં આવ્યા તે લેબમાં ‘મેચ થયા જ નહોતા’. જયાનંદનની વિરુદ્ધમાં જુબાની આપનારા તમામ સાક્ષીઓ કાં તો અદાલતમાં ફરી ગયા, અથવા તેમની વાતો એકબીજા સાથે મેળ ખાતી ન હતી. ભારતીય કાયદામાં, પોલીસ સમક્ષ આપવામાં આવેલું સ્ટેટમેન્ટ પુરાવા તરીકે માન્ય રાખવામાં આવતું નથી. તેમ છતાં આ જ સ્ટેટમેન્ટને મુખ્ય આધાર બનાવવામાં આવ્યો. 2000-2015 ની વચ્ચે ભારતીય ટ્રાયલ કોર્ટ્સ દ્વારા આપવામાં આવેલી મૃત્યુદંડની સજાઓમાંથી લગભગ 29% સુપ્રીમ કોર્ટે પાછળથી રદ કરી નાખી. 2021 માં પોલીસે કહ્યું કે જેલમાં એક સાથી કેદીને તેણે 2004 ના પોનેક્કરા ડબલ મર્ડરની 'કબૂલાત' કરી હતી. પરંતુ જયાનંદનનો દાવો છે કે જે અધિકારીએ આ 'માહિતી' આપી, તે જ તે અધિકારી હતો જેને 2013 ના જેલબ્રેકની બેદરકારીને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને જે તેની પાસેથી બદલો લેવા માગતો હતો. બંને વાતો એક સાથે સાચી હોઈ શકે છે. પિતાને છોડાવવા દીકરી વકીલ બની જ્યારે જયાનંદનની ધરપકડ થઈ, ત્યારે તેની પત્ની ઇન્દિરા 36 વર્ષની હતી. મોટી દીકરી 11 વર્ષની, નાની 7 વર્ષની. ઇન્દિરાને કાયદાની ભાષા સમજાતી ન હતી. વકીલની વાતો અજાણી લાગતી હતી. એકવાર એક વકીલે તેમને કોર્ટમાંથી ઘરે છોડવાનો ઢોંગ કર્યો અને રસ્તામાં તેમના પર હુમલો કર્યો. તે દિવસ પછી ઇન્દિરાએ કોર્ટ જવાનું છોડી દીધું. પરંતુ બંને દીકરીઓ ચૂપ ન રહી. મોટી દીકરી કીર્તિ જયાનંદને લો સ્કૂલમાં પ્રવેશ લીધો. તેણે ખુલ્લેઆમ કહ્યું, 'મેં વકીલાત એટલા માટે ભણી કારણ કે મને લાગ્યું કે મારા પિતાનો બચાવ ખૂબ જ ખરાબ રીતે થયો હતો.' આજે કીર્તિ કેરળ હાઈકોર્ટમાં વકીલ છે. નાની દીકરી ડોક્ટર બનવા માટે અભ્યાસ કરી રહી છે. જયાનંદનની ઈચ્છા હતી કે તેની દીકરી ડોક્ટર બને. માર્ચ 2023માં 17 વર્ષ જેલમાં રહ્યા પછી કીર્તિએ કેરળ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી કે તેમના પિતાને તેમની દીકરીનાં લગ્નમાં હાજરી આપવા માટે પેરોલ આપવામાં આવે. જસ્ટિસ બેચુ કુરિયન થોમસે ચુકાદો આપ્યો: 'દીકરીના લગ્ન એક પવિત્ર પ્રસંગ છે અને પિતાની હાજરી યોગ્ય છે. સજા માનવતાને નષ્ટ કરતી નથી.' જયાનંદન 15 દિવસની પેરોલ પર બહાર આવ્યો. પોલીસ એસ્કોર્ટ સાથે તેણે થ્રિસુરના વડક્કુન્નાથન મંદિરમાં દીકરીનાં લગ્નમાં હાજરી આપી. આઠમું પાસ સિરિયલ કિલરે જેલમાંથી નવલકથા લખી જેલના સળિયા પાછળ 17 વર્ષ, હાઈ-સિક્યોરિટી સેલ, ફાંસીની સજા. અને આ બધાની વચ્ચે આઠમા ધોરણ સુધી ભણેલા એક માછીમારે મલયાલમમાં એક નવલકથા લખીઃ 'પુલરિ વિયુમ મુન્પે', જેનો અર્થ છે 'પરોઢ પહેલાંનો પ્રકાશ'. આ નવલકથાનો નાયક 'ચિદમ્બરમ' નામનો એક ફાંસીનો કેદી છે, જે સવારની રાહ જોઈ રહ્યો છે, પરંતુ જાણતો નથી કે તે સવાર તેના મૃત્યુની હશે કે મુક્તિની. આ નવલકથા 17 વર્ષમાં લખાઈ. કોટડીની દીવાલોની અંદર, હાથમાં બેડીઓ પહેરીને. પુસ્તકનાં પ્રકાશન અને વેચાણમાંથી જે કમાણી થાય તે તમામ દિવ્યાંગ બાળકોનાં કલ્યાણ માટે દાનમાં આપવાનું તેણે વચન આપ્યું. ડિસેમ્બર 2023માં કીર્તિએ ફરીથી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો. પિતાને પુસ્તકના લોન્ચિંગમાં હાજરી આપવાની પરવાનગી માટે. જેલ પ્રશાસને નિયમોનો હવાલો આપીને ના પાડી. પરંતુ જસ્ટિસ પીવી કુન્હીકૃષ્ણને પેરોલ આપી અને કહ્યુંઃ 'એક કેદી જેણે શાળાકીય શિક્ષણ વિના, જેલની કોટડીમાં બેસીને નવલકથા લખી હોય, તે પ્રશંસાને પાત્ર છે.' 23 ડિસેમ્બર 2023ના રોજ, હાથકડીઓમાં જકડાયેલો એક 56 વર્ષીય માણસ એર્નાકુલમ પ્રેસ ક્લબમાં આવ્યો. કેમેરા ફ્લેશ થયા. પુસ્તક લોન્ચ થયું. પત્ની અને દીકરી તેની પાસે બેઠાં હતાં. નવલકથાની પ્રથમ આવૃત્તિ ચપોચપ વેચાઈ ગઈ. બીજા દિવસે પેરોલ સમાપ્ત થયા અને જયાનંદન પાછો વિયુર જેલની હાઈ-સિક્યોરિટી કોટડીમાં પુરાઈ ગયો. વર્તમાન સ્થિતિ: 2026 માં બધું ક્યાં છે? કેપી જયાનાનંદન આજે લગભગ 58 વર્ષનો છે. તે થ્રિસુરની વિયુર સેન્ટ્રલ જેલની હાઈ-સિક્યોરિટી કોટડીમાં બંધ છે. તેને કોઇપણ પેરોલ વિના ત્રણ આજીવન કેદની સજાઓ થયેલી છે. 2023 માં પુત્રીનાં લગ્ન અને પુસ્તક લોન્ચ માટે આપવામાં આવેલી એસ્કોર્ટ પેરોલ સિવાય તેણે બહારની દુનિયાનું મોં નથી જોયું. નવેમ્બર 2025 સુધી કોઈ વધુ પેરોલ આપવામાં આવી ન હતી. તેમણે રાજ્યપાલને ક્ષમાયાચનાની અરજી દાખલ કરી છે અને આ અરજી હજુ પેન્ડિંગ છે. તેની દીકરી પિતાને જેલમાંથી મુક્ત કરાવવા માટે લડી રહી છે. 2021 માં નવેસરથી જયાનાનંદન પર આરોપો લગાવવામાં આવ્યા, જે હજુ કોર્ટમાં પેન્ડિંગ છે. ઉકેલ માગતા સવાલોઃ જયાનંદન સિરિયલ કિલર છે કે નિર્દોષ? ‘રિપર જયાનંદન’ તરીકે પંકાઈ ગયેલો આ માણસ ખરેખર માણસના રૂપમાં રાક્ષસ કે પછી સિસ્ટમનો શિકાર? આ પ્રશ્નનો હજુ સુધી કોઈ નક્કર જવાબ મળ્યો નથી. કદાચ આ બંને વાતો એક સાથે સાચી હોઈ શકે છે. એક: કેપી જયાનાનંદન એક નિર્મમ, રીઢો અપરાધી હતો, જે વૃદ્ધોને મારીને સોનું લૂંટતો હતો. જે પકડાયા પછી પણ ત્રણ વાર જેલમાંથી ભાગ્યો. જે એક પોલીસ અધિકારીને કહે છેઃ 'હું ફક્ત મારી પત્ની અને બાળકો માટે જીવું છું, બાકી કોણ જીવે કે મરે, મને ફરક નથી પડતો.' આ વાક્ય એક શાતિર હત્યારાના મોંમાંથી નીકળેલું બિલકુલ સચોટ સ્ટેટમેન્ટ લાગે છે. બે: એક આઠમું પાસ માછીમાર, જે ગરીબ હતો, સામાજિક અને આર્થિક રીતે હાંસિયામાં ધકેલાયેલો હતો, જેની પાસે ન પૈસા હતા ન રાજકીય પ્રભાવ, પોલીસના 'સ્ક્રીમિંગ રૂમ'માં તૂટી ગયો અને એક કબૂલાતનામા પર અંગૂઠો લગાવી દીધો, જે તેની આખી જિંદગી ખાઈ જવાનું હતું. પુરાવા કાં તો ગાયબ હતા અથવા ફેબ્રિકેટેડ હતા. અને એક સિસ્ટમ જે તેને એકઝાટકે 'રિપર' જાહેર કરીને વણઉકેલ્યા કેસો બંધ કરવા માગતી હતી. પોતે લખેલી નવલકથાના નાયકની જેમ જયાનાનંદન પોતાના પરિવાર સાથે એક સોનેરી સવારની રાહ જુએ છે, પરંતુ ભવિષ્યમાં શું છે તે જાણતો નથી.
    Click here to Read More
    Previous Article
    રાજસ્થાનના સગીર અને તેના મિત્રે ચોર્યાની કબૂલાત‎:શામળાજીના સોનાસણ ગામેથી ચોરેલ બાઇક સાથે સગીર ઝબ્બે
    Next Article
    22 મિનિટ કરા પડ્યા, કાશ્મીરના 30% સફરજન બરબાદ:ખેડૂતોના 400 કરોડ ડૂબ્યા, કહ્યું- એટલા લાચાર છીએ કે દીકરીના લગ્ન ટાળવા પડશે

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment