Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડાંગની સ્ટ્રોબેરીએ ખેડૂતોની કિસ્મત બદલી:ઇટલી-ફ્રાન્સના ફળે લાખોની કમાણી કરાવી, અમદાવાદ-સુરત જેવા મોટા શહેરોમાં માંગ

    5 days ago

    રોડ પરથી પસાર થતી વખતે તમે ઘણીવાર રસ્તા પાસે લાલચટક સ્ટ્રોબેરી જોઇ જ હશે. એ જોઇને ક્યારેક મનમાં સવાલ પણ થયો હશે કે આટલી બધી સ્ટ્રોબેરી આવે છે ક્યાંથી? કારણ કે સ્ટ્રોબેરીનું નામ સાંભળતા જ એવું લાગે કે આ કોઇ વિદેશી ફળ હશે અથવા તો દૂરના ઠંડા પ્રદેશમાંથી આવતું હશે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે તમારા શહેરમાં જે મીઠી અને લાલચટક સ્ટ્રોબેરી આવી રહી છે તેનો ઘણોખરો હિસ્સો દૂર વિદેશમાંથી નહીં પણ આપણા ગુજરાતના જ ડાંગ જિલ્લામાંથી આવી રહ્યો છે. શરૂઆતમાં સાપુતારા અને આહવા જેવા સ્થાનિક પ્રવાસન સ્થળો પૂરતી મર્યાદિત રહેતી ડાંગની આ સ્ટ્રોબેરી આજે અમદાવાદ, સુરત અને ભરૂચ જેવાં મોટા શહેરોના બજારો સુધી પહોંચી રહી છે. આ ખેતીને કારણે સ્થાનિક સ્તરે અન્ય લોકોને પણ મોસમી રોજગારીની ઉત્તમ તકો મળી રહી છે. આજની સન્ડે બિગ સ્ટોરીમાં વાત કરીએ ગુજરાતના અનેક શહેરોમાં પહોંચતી ડાંગની સ્ટ્રોબેરીની. વર્ષે 7થી 8 લાખની મબલખ કમાણી કુદરતના અદભૂત સૌંદર્ય અને લીલાછમ જંગલો માટે જાણીતો ડાંગ જિલ્લો એક નવી જ ઓળખ સાથે સ્ટ્રોબેરી હબ તરીકે ઉભરી આવ્યો છે. ડાંગને દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો જાહેર કરાયા બાદ બાગાયત ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યું છે. પહેલાં અહીંના ખેડૂતો મહારાષ્ટ્રના મહાબળેશ્વર કે નાસિકના ખેતરોમાં મજૂરી કરવા જતા અથવા સ્થાનિક સ્તરે ડાંગર, નાગલી અને અડદ જેવા પરંપરાગત પાકો પર નભતા હતા. જેમાં આવક મર્યાદિત હતી. પરંતુ હવે સ્ટ્રોબેરીની ખેતી તરફ વળ્યા બાદ ખેડૂતોને હેક્ટર દીઠ દર વર્ષે અંદાજે 7 થી 8 લાખ રૂપિયા સુધીની મબલખ કમાણી થઇ રહી છે. ડાંગમાં સ્ટ્રોબેરીની ખેતી પહેલાં પણ થતી હતી પરંતુ આજે આધુનિક ટેકનોલોજી અને સરકારી પ્રોત્સાહનના કારણે તેના ઉત્પાદનમાં ધરખમ વધારો થયો છે. ડાંગ જિલ્લો દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો બન્યા બાદ આ સ્ટ્રોબેરીની ખેતીમાં કેવા બદલાવ આવ્યા? ખેડૂતો કેવી રીતે મબલખ પાક મેળવતા થયા? અને સરકારની યોજનાઓ કેટલી મદદરૂપ સાબિત થઇ? આ તમામ પાસાઓ જાણવા માટે દિવ્ય ભાસ્કરે સ્થાનિક ખેડૂત જિગ્નેશ ગોહિલ અને નાયબ બાગાયત નિયામક તુષાર ગામીત સાથે ખાસ વાતચીત કરી હતી. ડાંગમાં દિવસે ને દિવસે ખૂબ જ સારા પ્રમાણમાં સ્ટ્રોબેરીનું વાવેતર થઇ રહ્યું છે. હાલમાં સીઝન દરમિયાન આશરે 60થી 70 નોંધાયેલા ખેડૂતો 25થી 30 હેક્ટર જેટલા વિસ્તારમાં વાવેતર કરે છે. આ ખેતીની ખાસિયત એ છે કે ડાંગના નાના અને ગરીબ ખેડૂતો પણ માત્ર 8થી 10 ગૂંઠા જેવી નાની જમીનમાં આ પાક ઉગાડીને મોટો આર્થિક લાભ મેળવી રહ્યાં છે. ખેડૂતોને 55થી 75% સુધીની સહાય કેન્દ્ર અને રાજ્ય સરકાર સ્ટ્રોબેરીના રોપા તેમજ અન્ય ખેતી ખર્ચ પર 55થી 75% સુધીની સહાય આપે છે. આ ઉપરાંત પ્લાસ્ટિક કવર, મલ્ચિંગ મટિરિયલ, પ્લાસ્ટિક ક્રેટ અને પેકિંગ મટિરિયલની સાથે-સાથે મિની ટ્રેક્ટર, રોટાવેટર, કલ્ટિવેટર અને ટ્રોલી જેવા કૃષિ યાંત્રિક સાધનો ખરીદવા માટે પણ સબસિડી ઉપલબ્ધ કરાવે છે. 'હાલ 80થી 90 ખેડૂતો સ્ટ્રોબેરીની ખેતી કરે છે' આહવા-ડાંગ જિલ્લાના નાયબ બાગાયત નિયામક તુષાર ગામીત કહે છે ડાંગ જિલ્લામાં કુલ ખાતેદારોની સંખ્યા મર્યાદિત છે. જે આશરે 12 હજાર જેટલી જ છે. તેમાંથી 60થી 70 મુખ્ય ખેડૂતો સાપુતારાની તળેટીના ગામોમાં વ્યવસ્થિત રીતે સ્ટ્રોબેરીની ખેતી કરે છે. જેમની ઓનલાઇન અરજીઓ સહાય માટે અમારી કચેરીમાં આવે છે. આ સિવાય બીજા નાના ખેડૂતો પણ પોતાના સ્તરે 10, 15 કે 20 ગૂંઠામાં છૂટક ખેતી કરી રહ્યાં છે. સરેરાશ ગણતરી કરીએ તો આખા ડાંગ જિલ્લામાં હાલ 80થી 90 ખેડૂતો સ્ટ્રોબેરીના પાક સાથે સંકળાયેલા છે. ઉચ્ચ ગુણવત્તાવાળા રોપાઓનો ઉપયોગ તેઓ કહે છે કે, સરકાર તરફથી બાગાયત ખાતું ખેડૂતોને મુખ્ય ત્રણ બાબતોમાં સહાય પૂરી પાડે છે. સ્ટ્રોબેરીના રોપા, પ્લાસ્ટિક મલ્ચિંગ અને પાક તૈયાર થયા પછી માર્કેટ સુધી સુરક્ષિત લઇ જવા માટેનું પેકિંગ મટીરિયલ. અન્ય બાગાયતી પાકોની જેમ સ્ટ્રોબેરીમાં પણ અમે ટિસ્યૂ કલ્ચરથી ઉત્પાદિત થયેલા ઉચ્ચ ગુણવત્તાવાળા રોપાનો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખીએ છીએ. જે ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજીમાં રજિસ્ટર્ડ થયેલી લેબોરેટરીના હોય છે. ડાંગ જિલ્લામાં ગ્રામ્ય સ્તરે સ્ટ્રોબેરીની ખેતીના વિશિષ્ટ ક્લસ્ટરો વિકસ્યા છે. જેમાં આહવા તાલુકાના ભૂરાપાણી, બોરીગવઠા, ગલકુંડ, કોટમદાર, માલેગાંવ, ડભાસ, સોનુનિયા અને વનર જેવા ગામોમાં મોટા પાયે સ્ટ્રોબેરીનું વાવેતર થાય છે. જ્યારે વઘઇ તાલુકાના કંચનપાડા, ઘોડવહાલ, મુરંબી અને તેની આસપાસના વિસ્તારોમાં પણ નોંધપાત્ર પ્રમાણમાં સ્ટ્રોબેરીની ખેતી થઇ રહી છે. પહેલા ઓછું ઉત્પાદન થતું હવે વધુ થાય છે ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં ખેતી કરતા ખેડૂત જીજ્ઞેશ ગોહિલે જણાવ્યું હતું કે, અમે સ્ટ્રોબેરીની ખેતી 2021થી શરૂ કરી છે. પહેલાં અન્ય ખેડૂતો પણ વાવેતર કરતા હતા પરંતુ પૂરતું જ્ઞાન અને સક્ષમ વેરાઇટી ન હોવાને કારણે ઉત્પાદન ઓછું મળતું હતું. છેલ્લાં 4-5 વર્ષમાં ડાંગ જિલ્લા બાગાયત શાખા તરફથી મળેલી તાલીમ અને માર્ગદર્શનને લીધે વાવેતર તેમજ ઉત્પાદન બન્નેમાં મોટો વધારો થયો છે. હવે ખેડૂતો જાગૃત થયા છે અને અનુકૂળ વાતાવરણને કારણે માર્કેટિંગ સરળ બન્યું છે. ડાંગની આબોહવામાં વિન્ટર ડોન વેરાયટી વરદાન સાબિત થઇ છે. પહેલાં પરંપરાગત પદ્ધતિથી એક એકરમાં માંડ 3થી 4 ટન ઉત્પાદન થતું હતું. જ્યારે આ નવી વેરાયટી ઓછા ખર્ચે, ઓછી મહેનતે અને નહીંવત રોગ-જીવાત સાથે લઘુતમ 10 ટન ઉત્પાદન આપે છે. જો વાતાવરણ વધુ સાથ આપે તો ઉત્પાદન 13થી 14 ટન સુધી પહોંચી શકે છે. ઇટાલી અને ફ્રાન્સથી રોપાને મહાબળેશ્વર લવાય છે તેઓ કહે છે કે શરૂઆતમાં અમે સાપુતારા વિસ્તારમાં મહારાષ્ટ્રની લોકલ વેરાયટી વાવતા હતા. હવે આ વિન્ટર ડાઉન વેરાયટી છે તે અમે ટિસ્યૂ કલ્ચર લેબમાંથી નીકળેલા રોપા મંગાવીએ છીએ. જે મૂળ ઇટાલી અને ફ્રાન્સથી આયાત કરાય છે. ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત નર્સરીઓ આપણને આ પ્લાન્ટ પૂરા પાડે છે અને આ ઓર્ડર મહાબળેશ્વરથી સપ્લાય થાય છે.સરકાર આ છોડની કડક ચકાસણી કરે છે કે તેમાં કોઇ બીમારી તો નથી ને અથવા તે ભારતની જમીનને નુકસાન તો નહીં પહોંચાડે ને? છોડ સંપૂર્ણપણે રોગમુક્ત હોવાની ખાતરી બાદ જ ભારતમાં તેના વેચાણની પરવાનગી મળે છે. એક હેક્ટરમાં આશરે 1 લાખ છોડનું વાવેતર પહેલાં જ્યારે ડ્રીપ ઇરિગેશન અને મલ્ચિંગ પેપરની ટેકનોલોજી ન હતી ત્યારે ખેડૂતો સામાન્ય પદ્ધતિથી એક હેક્ટરમાં 50 થી 60 હજાર છોડ વાવતા અને માત્ર 14થી 15 ટન ઉત્પાદન મેળવી શકતા હતા. હવે એ જ ખેડૂતો આધુનિક વૈજ્ઞાનિક માહિતી સાથે એક હેક્ટરમાં આશરે 1 લાખ છોડ વાવે છે અને તેનાથી 45થી 50 ટન સુધીનું મબલખ ઉત્પાદન મેળવે છે. ખેડૂતોએ અપનાવી છે આધુનિક ટેક્નોલોજી તુષાર ગામીત જણાવે છે કે ડાંગમાં અપનાવાયેલી આધુનિક ટેકનોલોજીમાં મુખ્યત્વે ટપક સિંચાઇ પદ્ધતિ, ટિસ્યૂ કલ્ચર રોપા અને પ્લાસ્ટિક મલ્ચિંગનો સમાવેશ થાય છે. કેટલાક ખેડૂતો પ્લાસ્ટિક મલ્ચિંગ ઉપરાંત સ્થાનિક સ્તરે ઉપલબ્ધ સૂકા ઘાસ કે ડાંગરના પરાળનો પણ મલ્ચિંગ તરીકે ઉપયોગ કરે છે. મલ્ચિંગ કરવાથી ખેતરમાં નકામું નિંદામણ બિલકુલ થતું નથી અને ટપક પદ્ધતિ દ્વારા અપાયેલા પાણીનો ભેજ લાંબો સમય જમીનમાં જળવાઇ રહે છે. જેના લીધે બે વાર પાણી આપવા વચ્ચેનો સમયગાળો વધારી શકાય છે. આ ઉપરાંત મલ્ચિંગની અંદરના ભાગમાં જે કુદરતી ગરમાટો ઉત્પન્ન થાય છે તે છોડના મૂળના ઝડપી વિકાસમાં અને જમીનની અંદર માાઇક્રોબાયલ એક્ટિવિટી વધારવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. સ્ટ્રોબેરી અત્યંત સેન્સેટિવ પાક જ્યારથી ડાંગના ખેડૂતો ટપક પદ્ધતિ અને મલ્ચિંગ પેપરનો વ્યવસ્થિત ઉપયોગ કરતા થયા છે ત્યારથી ઉત્પાદનમાં જંગી વધારો થયો છે. ફળોની ગુણવત્તા સુધરી છે અને બજારમાં કિંમત પણ સર્વોત્તમ મળી રહી છે. આ પદ્ધતિના કારણે પાકમાં રોગ-જીવાતનું પ્રમાણ પણ ખૂબ ઘટી ગયું છે. વળી ડાંગ જિલ્લો સંપૂર્ણ પ્રાકૃતિક જાહેર કરાયો હોવાથી અહીં રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાઓનો ઉપયોગ નહીંવત થાય છે. ખેડૂતો પોતાના ઘરે જ બનાવેલું દેશી ગાયનું જીવામૃત ટપક દ્વારા જમીનમાં આપે છે અને રોગ-જીવાતના નિયંત્રણ માટે બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર કે દસ પર્ણી અર્ક જેવા જૈવિક પ્રવાહીનો જ છંટકાવ કરે છે. સ્ટ્રોબેરી અત્યંત સેન્સેટિવ પાક હોવા છતાં જીવામૃત જમીનમાં જવાથી છોડ કુદરતી રીતે મજબૂત, તંદુરસ્ત અને રોગમુક્ત બને છે. 'ખેડૂતોની આવકમાં મોટો સુધારો થયો છે' જિગ્નેશ ગોહિલ કહે છે કે મલ્ચિંગ પેપર ખેડૂતો માટે એક મોટી આધુનિક ક્રાંતિ સમાન છે. તેના ઉપયોગથી ખેતરમાં નકામું ઘાસ ઊગતું નથી અને જમીનમાંથી પાણીનું બાષ્પીભવન અટકે છે. અમે ગુજરાત સરકાર માન્ય કંપનીઓ પાસેથી જ આ મલ્ચિંગ પેપર મંગાવીએ છીએ. જેના પર સરકાર સબસિડી પણ આપે છે. ખેતરમાં પાળા બનાવી, ડ્રીપ લાઇન ગોઠવીને મલ્ચિંગ પેપરથી ઢાંકી દેવાથી પાણી અને નકામા કચરાની સમસ્યાથી કાયમી રાહત મળે છે. જેનાથી ખેડૂતોની આવકમાં મોટો સુધારો થયો છે. સ્ટ્રોબેરી એક શિયાળું પાક છે 'સ્ટ્રોબેરીનું પુષ્કળ ઉત્પાદન મુખ્યત્વે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં થાય છે. આ પાક માટે 7 સપ્ટેમ્બરથી 25 ઓક્ટોબર સુધીનો સમયગાળો વાવણી માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ એક શિયાળુ પાક છે. જેની નર્સરી ઉનાળામાં તૈયાર થાય છે પરંતુ વાવણી સપ્ટેમ્બરમાં થાય છે અને ફળ ઠંડીની સિઝનમાં આવે છે. આ સંપૂર્ણપણે નવ મહિનાનો પાક છે અને એક જમીન પર વર્ષમાં માત્ર એક જ વાર આ પાક લઇ શકાય છે.' ડાંગની જમીન અને આબોહવા ઓર્ગેનિક અને શુદ્ધ ગુજરાતના અન્ય જિલ્લાઓની સરખામણીમાં ડાંગ જિલ્લાની ભૌગોલિક સ્થિતિ અલગ છે. અહીં વર્ષોથી રાસાયણિક ખાતરોનો ઉપયોગ નહીંવત થતો હતો એટલા માટે જ સરકારે આ આખા જિલ્લાને સત્તાવાર રીતે પ્રાકૃતિક જિલ્લો જાહેર કર્યો છે. અહીંના પરંપરાગત ખેડૂતો આંબા, ચીકુ, કાજુ, સીતાફળ કે જામફળ જેવા બાગાયતી પાકોમાં ક્યારેય બહારનું કૃત્રિમ ખાતર નાખતા જ નથી. તેથી ડાંગની જમીન અને અહીંનું ઉત્પાદન કુદરતી રીતે જ બાય-ડિફોલ્ટ ઓર્ગેનિક અને શુદ્ધ છે. ખેડૂતોને સમયાંતરે ટેકનિકલ તાલીમ અપાય છે તુષાર ગામીતના કહેવા મુજબ ડાંગમાં સ્ટ્રોબેરીનું વાવેતર હજુ વધુ પ્રમાણમાં વધે તે માટે અમે આગામી સમયમાં સ્થાનિક ખેડૂતોને આજુબાજુના પ્રગતિશીલ રાજ્યોમાં સરકારી ખર્ચે કૃષિ પ્રવાસ કરાવીશું. અમારો સિદ્ધાંત છે કે સીઇંગ ઇઝ બિલીવિંગ. જ્યાં સુધી ખેડૂત પોતાની આંખે અન્ય ખેડૂતોની પ્રગતિ જોશે નહીં ત્યાં સુધી તેને નવી ખેતી પર જલ્દી વિશ્વાસ નહીં આવે. આ ઉપરાંત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને એગ્રિકલ્ચર કોલેજના વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને સમયાંતરે ટેકનિકલ તાલીમ આપવામાં આવે છે. છેલ્લા 2 વર્ષથી લેવાયેલા સ્પેશિયલ ટેકનિકલ સેશન્સના પરિણામે જ હવે મુખ્ય મથક આહવા ઉપરાંત વઘઇ તાલુકાના અંતરિયાળ ગામોમાં પણ ખેડૂતો મોટા પાયે સ્ટ્રોબેરી ઉગાડતા થઇ ગયા છે. ખેડૂતો માટે સરકારી યોજનઓ મહત્વની સાબિત થઇ 'સરકારી નિયમ મુજબ, એક હેક્ટર દીઠ સ્ટ્રોબેરીની ખેતીની યુનિટ કોસ્ટ 2 લાખ રૂપિયા નક્કી કરાઇ છે. જેમાં રોપાની ખરીદી, ખાતર, મલ્ચિંગ અને પાણીની વ્યવસ્થા વગેરેનો સમાવેશ થાય છે. સરકાર આ કુલ ખર્ચના 50% એટલે કે મહત્તમ 1 લાખ રૂપિયાની સબસિડી ખેડૂતોને સહાય પેટે આપે છે. સરકારી ઠરાવની જોગવાઇ મુજબ આ સહાય 2 વર્ષના ગાળામાં 60:40 ના રેશિયોમાં ચૂકવવામાં આવે છે. સ્ટ્રોબેરી એ બહુવર્ષાયુ પાકની શ્રેણીમાં આવતી હોવાથી જે ખેડૂતે બીજા વર્ષે પણ એ જ ખેતરમાં ખેતી જાળવી રાખી હોય તેને પ્રથમ વર્ષે 60 હજાર રૂપિયા અને બીજા વર્ષે બાકીના 40 હજાર રૂપિયા સીધા બેંક ખાતામાં ચૂકવવામાં આવે છે. એક બે દિવસમાં જ સ્ટ્રોબેરી ઊંચા ભાવે વેચાઇ જાય ડાંગમાં ઉત્પાદિત થતી પ્રીમિયમ ક્વોલિટીની સ્ટ્રોબેરી માટે સુરત, વડોદરા, અમદાવાદ અને મહારાષ્ટ્રનું નાસિક શહેર ખૂબ મોટું બજાર સાબિત થયું છે. જેથી ખેડૂતોનો બધો જ માલ કોઇપણ મુશ્કેલી વગર તુરંત વેચાઇ જાય છે. વિદેશમાં એક્સપોર્ટ કરવા માટે ખૂબ મોટો જથ્થો અને હાઇટેક કોલ્ડ સ્ટોરેજની જરૂર પડે છે. વળી સ્ટ્રોબેરી બહુ પેરેસિબલ એટલે કે જલ્દી બગડી જતો પાક છે. સમગ્ર ગુજરાતમાં માત્ર એકલો ડાંગ જિલ્લો જ એવો છે જે દર વર્ષે સાતત્યપૂર્ણ રીતે ગુણવત્તાયુક્ત સ્ટ્રોબેરીનું ઉત્પાદન કરે છે અને સ્થાનિક બજાર મજબૂત હોવાથી અહીંનો માલ એકથી બે દિવસમાં જ ઊંચા ભાવે વેચાઇ જાય છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ મોટા શહેરો મુખ્ય બજાર જિગ્નેશ ગોહિલ કહે છે કે અગાઉ ડાંગમાં માર્કેટિંગ એક બહુ મોટો પડકાર હતો. ડાંગ પ્રવાસી સ્થળ હોવાથી અમે સાપુતારા હાઇવે અને આહવા રોડ પર સ્થાનિક સ્તરે વેચાણ કરતા હતા. જ્યાં રોજનું માંડ 50થી 100 કિલો વેચાણ થતું હતું. તેની સામે એક જ ખેડૂતનું ઉત્પાદન 60થી 70 કિલો હોવાથી વેચાણ મુશ્કેલ બનતું હતું પણ હવે ખેડૂતોનું સંગઠન મજબૂત બન્યું છે. જેના કારણે અમદાવાદ, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં માર્કેટ ઊભું થયું છે. હાલમાં અમદાવાદ મુખ્ય બજાર છે. વિન્ટર ડોન ડાંગની આબોહવાને બહુ સાનુકૂળ આવી સમગ્ર ભારતમાં ટિસ્યુ કલ્ચરની આશરે 13થી 14 માન્ય લેબોરેટરીઓ કાર્યરત છે. જેમાં રાયઝન સાઇનસ કંપની અગ્રણી છે. તેમના પ્લાન્ટ મહાબળેશ્વર અને પંચગિનીના હાર્ડનિંગ સેન્ટરમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર થઇને ખેડૂતોને વેચાણ માટે આપવામાં આવે છે. વિન્ટર ડોન મૂળ વિદેશી વેરાયટી હોવા છતાં ડાંગની આબોહવાને બહુ સાનુકૂળ આવી ગઇ છે. કારણ કે તેમાં સમય કરતાં વહેલું ફ્રૂટિંગ શરૂ થાય છે. એકંદર ઉત્પાદન વધારે મળે છે અને ફળની સ્વીટનેસ પણ અન્ય વેરાયટી કરતાં ઘણી વધારે હોય છે. વિન્ટર ડૉન જાત ખેડૂતોમાં સૌથી વધુ લોકપ્રિય ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા આયોજિત તાલીમ શિબિરો અને યોગ્ય માર્ગદર્શન મળવાના કારણે ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. ડાંગને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરાયા બાદ, અહીં કુદરતી પદ્ધતિથી થતી સ્ટ્રોબેરીની ખેતીને એક નવી જ ઓળખ મળી છે. અહીંના ખેડૂતો વિન્ટર ડૉન, અર્લી વિન્ટર, કેમેરોઝા, સ્વીટ ચાર્લી, નાભીલા, નાબાડી, સેલ્વા, બેલરૂબી અને પજેરો જેવી નવ જેટલી વિવિધ જાતોની સ્ટ્રોબેરીની ખેતી કરી રહ્યા છે. આ તમામમાં વિન્ટર ડૉન જાત ખેડૂતોમાં સૌથી વધુ લોકપ્રિય છે કારણ કે ડિસેમ્બરથી લઇને ફેબ્રુઆરી-માર્ચ મહિના સુધી તેમાં વિપુલ પ્રમાણમાં ઉત્પાદન મળે છે. 'ખેતરમાંથી તોડ્યા બાદ બે દિવસમાં સ્ટ્રોબેરી વપરાઇ જવી જરૂરી' ખેડૂત કહે છે કે અમારા ખેડૂતોના સંગઠન દ્વારા આશરે 80થી 100 ટન સ્ટ્રોબેરીનું ઉત્પાદન થાય છે. સપ્ટેમ્બરમાં જ્યારે સિઝનની શરૂઆત થાય ત્યારે બજાર ભાવ 800 થી 900 રૂપિયા પ્રતિ કિલો સુધી ઊંચો જાય છે. જ્યારે એપ્રિલ આવતા સુધીમાં ઉત્પાદન વધતાં આ ભાવ ઘટીને 30થી 40 રૂપિયા પ્રતિ કિલો થઇ જાય છે. હોલસેલ માર્કેટમાં સરેરાશ 80 રૂપિયાનો ભાવ મળી રહે છે. છોડ પર ફૂલમાંથી ફ્રૂટ બનતા 25 દિવસ લાગે ભાવ મુખ્યત્વે સ્ટ્રોબેરીની ક્વોલિટી પર નક્કી થાય છે. જેમાં બિગ સાઇઝ અને સ્મોલ સાઇઝ એમ બે પ્રકાર આવે છે. મોટી સાઇઝની સ્ટ્રોબેરીને સારો ભાવ મળે છે અને તે લાંબો સમય ટકી શકે છે. છોડ પર ફૂલમાંથી ફ્રૂટ બનતા 25 દિવસ લાગે છે પરંતુ તેને તોડ્યા પછી તેની સેલ્ફ લાઇફ માત્ર 2 જ દિવસની હોય છે. એટલે કે ખેતરમાંથી તોડ્યા પછી તે બીજા દિવસની સાંજ સુધીમાં માર્કેટમાં વપરાઇ જવી જરૂરી છે. 'આગામી ત્રણ વર્ષમાં આ વિસ્તારમાં વધુ 100 ખેડૂતો જોડાશે' તેમના કહેવા મુજબ ઓછી સેલ્ફ લાઇફ હોવાના કારણે અમે ફ્રેશ સ્ટ્રોબેરી સીધી વિદેશમાં એક્સપોર્ટ કરી શકતા નથી કારણ કે કન્ટેનર અને એરપોર્ટની સરકારી પ્રક્રિયાઓમાં જ એક-બે દિવસ નીકળી જાય છે. જોકે આ પાકમાંથી બનતું જ્યૂસ, પલ્પ, ચોકલેટ કે આઇસક્રીમ સરળતાથી એક્સપોર્ટ થઇ શકે છે. સ્થાનિક સ્તરે ખેડૂતો પણ આ પ્રોડક્ટ્સ બનાવી શકે છે પરંતુ હાલ પૂરતી માહિતી અને માર્કેટિંગના અભાવે કેટલીક તકલીફો છે. ડાંગ જિલ્લામાં સ્ટ્રોબેરીના વાવેતર વિસ્તારમાં નોંધપાત્ર વધારો થયો ખેડૂત-કેન્દ્રિત નીતિઓ, સિંચાઇની આધુનિક સુવિધાઓ અને અદ્યતન ટેક્નોલોજીના સમન્વયથી રાજ્યમાં ખાસ કરીને બાગાયતી ખેતીને મોટું પ્રોત્સાહન મળ્યું છે. પરિણામે ખેડૂતો હવે પરંપરાગત પાકોને બદલે બાગાયતી પાકો તરફ વળીને મબલખ કમાણી કરી રહ્યા છે. ગુજરાતના સ્ટ્રોબેરી હબ તરીકે ઊભરી રહેલા ડાંગ જિલ્લાએ આ કૃષિ પરિવર્તનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અનુકૂળ આબોહવા, સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અને બજારમાં સતત વધતી માંગને કારણે ડાંગ જિલ્લામાં સ્ટ્રોબેરીના વાવેતર વિસ્તારમાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2022-23માં જ્યાં માત્ર 20 હેક્ટરમાં સ્ટ્રોબેરીની ખેતી થતી હતી, તે વર્ષ 2025-26માં વધીને અંદાજે 33 હેક્ટર સુધી પહોંચી ગઇ છે. તુષાર ગામીત કહે છે કે જેમ જેમ ડાંગમાં સ્ટ્રોબેરીનો વાવેતર વિસ્તાર વધશે તેમ તેમ અમે ફૂડ પ્રોસેસિંગ તરફ આગળ વધવાના છીએ. બે-ત્રણ વર્ષ પહેલાં સાપુતારા ખાતે સેપ્રો નામનું એક પ્રોસેસિંગ યુનિટ શરૂ કરાયું હતું પરંતુ તે કોઇ કારણસર અહીંથી 10 કિલોમીટર દૂર મહારાષ્ટ્રમાં શિફ્ટ થઇ ગયું છે. તેઓ સ્ટ્રોબેરી તો અહીંથી જ લઇ જાય છે. આથી અમે એવું આયોજન કરી રહ્યા છીએ કે સાપુતારાની આસપાસના વિસ્તારમાં જ એક નવું સ્થાનિક પ્રોસેસિંગ સેન્ટર સ્થાપિત થાય.
    Click here to Read More
    Previous Article
    આ સપ્તાહ કેવું રહેશે?:કર્ક, કન્યા, ધન અને મકર રાશિ પર લક્ષ્મીજીની કૃપા વરસશે; સિંહ અને તુલા રાશિનું ભાગ્ય બળવાન રહેશે
    Next Article
    ખરીફ સિઝનમાં પાકની લણણી થતાં જ વેચવાની ઉતાવળ ન કરો:તજજ્ઞની સલાહના આ 3 સ્ટેપ અપનાવો, મંદીના ગાળામાં પણ ઊપજના ઊંચા ભાવ ​મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment