Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરનાર અરજદારને જીવનું જોખમ:આખા ગામે ​ભ્રષ્ટાચારની ફરિયાદ કરી સરપંચને સસ્પેન્ડ કરાવતા જ વૃદ્ધને જીવનું જોખમ, માથાભારે ગેંગ સામે પોલીસ રક્ષણ અને કડક કાર્યવાહી કરવા રજૂઆત.

    1 week ago

    ​જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના આખા ગામમાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર એક સીનિયર સીટીઝનને હવે પોતાની જાન ગુમાવવાનો વારો આવે તેવી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. આખા ગામના નાગરિક રાજાભાઈ રાણાભાઈ સોલંકીએ ગામના મહિલા સરપંચ હનીફાબેન સુલેમાનભાઈ દલ વિરૂદ્ધ ગ્રામપંચાયતમાં આચરેલા મોટા કૌભાંડો અને પદનો દુરુપયોગ કરવા અંગે જિલ્લા વિકાસ અધિકારીને પુરાવા સાથે લેખિત ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે તપાસ સમિતિ નીમવામાં આવી હતી અને તપાસના અંતે જિલ્લા વિકાસ અધિકારીએ કડક વલણ અપનાવીને સરપંચ હનીફાબેનને તાત્કાલિક અસરે સરપંચ પદેથી ગેરલાયક ઠેરવી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. જો કે, સત્યની આ લડાઈ બાદ ભ્રષ્ટાચારી તત્વો અને તેમની આખી ગેંગ હવે અરજદાર દલિત વૃદ્ધની પાછળ પડી ગઈ છે અને તેમને જાનથી મારી નાખવાના કાવતરાં ઘડાઈ રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ​સરપંચ પદેથી હનીફાબેન સસ્પેન્ડ થતાં જ તેમના પરિવારના સભ્યો અને ગામના અન્ય માથાભારે શખ્સો ભારે રાગ-દ્વેષ અને વેરભાવ રાખીને રાજાભાઈ પર ગમે ત્યારે ખુની હુમલો કરે તેવી ભીતિ સેવાઈ રહી છે. આ અંગે ભયના ઓથાર હેઠળ જીવતા ૭૦ વર્ષના વૃદ્ધ રાજાભાઈ સોલંકીએ જૂનાગઢના એસ.પી.ને લેખિતમાં રજૂઆત કરીને કાયદાકીય પગલાં ભરવા અને તાત્કાલિક પોલીસ રક્ષણ પૂરું પાડવા માટે ગુહાર લગાવી છે. આ ફરિયાદમાં સસ્પેન્ડેડ સરપંચના પતિ સુલેમાન હુશેન દલ, જેમના પર અગાઉથી જ મારામારી અને લૂંટના અનેક ગુનાઓ દાખલ થયેલા છે, તેમ જ તેમના પુત્ર રફીક સુલેમાન દલ, ભત્રીજા અનીશ કાસમ દલ, ગામના ઉપસરપંચ નારણ ભીખા કટારા, મેપા હાદા કોડીયાતર, દાના વીરા હુણ અને સુલેમાન ઈસા દલ સહિતના સાત માથાભારે શખ્સો સામે નામજોગ આક્ષેપો કરવામાં આવ્યા છે. રાજાભાઈનો દાવો છે કે આ લોકો અગાઉ પણ તેમને રસ્તામાં રોકીને હાથ-પગ તોડી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ચૂક્યા છે, જેની વિડીયો ક્લિપ પણ પુરાવા તરીકે તેમની પાસે મોજૂદ છે. જો પોલીસ તંત્ર દ્વારા આ માફિયા ગેંગ સામે કડક કાનૂની પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ નાગરિક સત્યની લડાઈ લડવા આગળ નહીં આવે અને સમાજમાં ભયનું સામ્રાજ્ય ફેલાઈ જશે. ​આખા ગામના નાગરિક રાજાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે આખા ગામના સરપંચે મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો હતો. આ અંગે તપાસ થતાં, લાંબા સમય પછી જિલ્લા વિકાસ અધિકારીએ તે સરપંચને સસ્પેન્ડ કર્યા છે. ભ્રષ્ટાચારની આ તપાસ બાદ અમે પોલીસમાં પણ ફરિયાદ નોંધાવવા અરજી કરી છે. આ સરપંચ અને તેમની આખી એક મોટી ગેંગ છે, જેના કારણે મને જાનનું ભારે જોખમ ઊભું થયું છે. મને ડર છે કે આ લોકો મારા પર જીવલેણ હુમલો કરી શકે છે, જેના કારણે હું ઘરની બહાર પણ નીકળી શકતો નથી. મેં પોલીસને અરજી કરીને વિનંતી કરી છે કે આ ગેંગ સામે કડક પગલાં લેવામાં આવે અને મને પૂરતું રક્ષણ પૂરું પાડવામાં આવે. ​તેમણે આગળ જણાવ્યું હતું કે તેમણે જિલ્લા વિકાસ અધિકારીને પણ લેખિતમાં રજૂઆત કરી છે કે, સરપંચને સસ્પેન્ડ તો કર્યા, પરંતુ તેમણે જે ભ્રષ્ટાચાર કર્યો છે તે બદલ તેમની સામે હજુ સુધી પોલીસ ફરિયાદ કેમ દાખલ કરવામાં નથી આવી? આ અરજી કર્યા પછી, તે લોકોએ તેમની સામે મનમાં ખાર રાખ્યો છે. ગઈકાલે જ પૂર્વ સરપંચ, કેટલાક અધિકારીઓ અને વિતરણ અધિકારીને સાથે રાખીને તેમની વાડીએ આવ્યા હતા અને જમીન બાબતે વિવાદ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બધું માત્ર વેરભાવ રાખીને તેમને ડરાવવા માટે કરવામાં આવી રહ્યું છે. ​અન્ય તાલુકાઓમાં જ્યારે આવા ભ્રષ્ટાચારના કેસ થાય છે, ત્યારે દોષિતો સામે પોલીસ ફરિયાદ થાય છે અને તેમની પાસેથી દંડની વસૂલાત પણ કરવામાં આવે છે. પરંતુ અહીં સરપંચ સામે કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી નથી, તેમને માત્ર સસ્પેન્ડ જ કરવામાં આવ્યા છે. રાજાભાઈ સોલંકીની અંતિમ માંગણી છે કે ભ્રષ્ટાચારની રકમની યોગ્ય રિકવરી થવી જોઈએ, તેમની સામે કડક પોલીસ ફરિયાદ નોંધાવી જોઈએ અને તેમને જાનથી મારી નાખવાની જે ભીતિ છે તેમાંથી મુક્તિ અપાવી યોગ્ય ન્યાય મળવો જોઈએ.
    Click here to Read More
    Previous Article
    GSRTCના અધિકારી સામે કર્મચારીઓના શારીરિક-માનસિક શોષણના આક્ષેપ:14 કર્મચારીઓની ફરિયાદ બાદ ડિવિઝનલ મિકેનિક એન્જિનિયર હરીન રાવલ સસ્પેન્ડ
    Next Article
    રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરના મુસાફરોને મોટો ઝટકો:સાબરમતી-વેરાવળ વંદે ભારત ટ્રેન હવે બોટાદ-જેતલસર-જૂનાગઢ રૂટ ઉપર દોડશે, નવા રૂટની અમલવારીની સત્તાવાર જાહેરાત બાકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment