Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉબેણ નદીના બે ચેકડેમ રાતોરાત તોડી પડાતા ખેડૂતોમાં રોષ:​જૂનાગઢના વંથલીમાં ઉબેણ નદી પરના બે ચેકડેમ રાતોરાત તોડી પડાતા ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોંગ્રેસે મુખ્યમંત્રીને પત્ર લખી ઉગ્ર આંદોલનની ચીમકી આપી

    1 week ago

    ​જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં એક અત્યંત આઘાતજનક અને ખેડૂત વિરોધી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં વંથલી-માણાવદર રોડ પર ઉબેણ નદીના પુલથી પશ્ચિમ તરફ આવેલા બે મોટા ચેકડેમોને કોઈ અજાણ્યા તત્વો દ્વારા રાતોરાત તોડી પાડીને સંપૂર્ણપણે નાશ કરી દીધાના કોંગ્રેસ સમિતિએ આક્ષેપો કર્યા છે સરકારી તિજોરીમાંથી લાખો રૂપિયાના ખર્ચે ખેડૂતોના હિત માટે બનાવવામાં આવેલા આ ચેકડેમો એકદમ મજબૂત સ્થિતિમાં હતા અને તેમાં કોઈ પણ પ્રકારની જર્જરિતતા કે ખામી ન હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે..આ ગંભીર બાબતની જાણ થતાં જ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને તાત્કાલિક અસરથી એક વિસ્તૃત પત્ર લખીને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષના આગેવાનો અને હોદ્દેદારોએ આ સ્થળની રૂબરૂ મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી છે અને વહીવટી તંત્રને ચેતવણી આપી છે કે જો આગામી દસ દિવસમાં જવાબદારો સામે ફોજદારી ગુનો દાખલ કરી કડક પગલાં લેવામાં નહીં આવે, તો તેઓ ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ રીટ પીટીશન દાખલ કરશે. કોંગ્રેસ સમિતિએ પત્રના સરકાર સમક્ષ ખૂબ જ કડક શરતો મૂકી છે કે, જો આ સમગ્ર કૌભાંડ અને તોડફોડ પાછળ સિંચાઈ વિભાગના અધિકારીઓની સંડોવણી કે મિલીભગત બહાર આવે, તો તેમને તાત્કાલિક અસરથી નોકરીમાંથી બરતરફ કરવા જોઈએ, તેમની સામે કડક ફોજદારી રાહે ગુનો નોંધવો જોઈએ અને આ બંને ચેકડેમો ફરીથી બનાવવાનો તમામ નાણાકીય ખર્ચ પણ જે તે જવાબદાર અધિકારીઓના અંગત ખિસ્સામાંથી વસૂલવામાં આવે. આ ઉપરાંત, જો કોઈ ખાનગી રોડ કોન્ટ્રાક્ટર કે રેતી માફિયાઓએ આ સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું હોય, તો સિંચાઈ વિભાગે પોતે ફરિયાદી બનીને કાયદેસરના પગલાં ભરવા જોઈએ. આ ઘટના બન્યાને આશરે 15 થી 20 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં જો સ્થાનિક સિંચાઈ વિભાગ ઊંઘતો રહ્યો હોય અને તેને આ વાતની કોઈ જાણ જ ન હોય, તો તે પણ કાયદાના દાયરામાં આવે છે અને તેમની સામે પણ ફરજમાં ઘોર બેદરકારી દાખવવા બદલ ગુનો નોંધાવો જોઈએ. ​જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે જણાવ્યું હતું કે તેઓ જ્યારે આજે વંથલીની મુલાકાતે આવ્યા ત્યારે અહીંના સ્થાનિક ખેડૂતો, સામાજિક આગેવાનો અને ગ્રામજનોએ આ ગંભીર બાબત તરફ તેમનું ધ્યાન દોર્યું હતું. તેમણે સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, જે સરકાર સતત ખેડૂતોની ચિંતા કરવાની મોટી-મોટી વાતો કરે છે, તે જ સરકારના શાસનમાં ઓઝત એટલે કે ઉબેણ નદીમાં આવેલો આટલો મજબૂત અને વ્યવસ્થિત રીતે બનાવેલો ચેકડેમ તોડી પાડવાનું પાપ કરવામાં આવ્યું છે. ગામના લોકો અને ખેડૂતો સાથે મુલાકાત કર્યા બાદ એ સ્પષ્ટ થયું છે કે કોન્ટ્રાક્ટરો અને ભાજપના કહેવાતા મળતિયાઓ દ્વારા વંથલી અને માણાવદર રોડ પર ચાલી રહેલા કન્સ્ટ્રક્શનના કામને સસ્તું, સરળ અને ફાયદાવાળું બનાવવા માટે આ આખું કૃત્ય રચવામાં આવ્યું છે. રોડના કામ દરમિયાન ઉપરથી આવતા પાણીનો નિકાલ સરળતાથી થાય અને ત્યાં પાણી ભરાઈ ન રહે તેવા સ્વાર્થથી આ ચેકડેમ તોડી નંખાયો છે. ખરેખર તો પાણીનું સ્તર વધે અને ખેડૂતોને સિંચાઈમાં ઉપયોગી થાય તે જોવાનું કાર્ય સરકારનું છે, પરંતુ અહીં કોન્ટ્રાક્ટરોના આર્થિક નફા માટે ખેડૂતોના જીવ સમાન ચેકડેમનો નાશ કરાયો છે જે અત્યંત નિંદનીય છે. આ ચેકડેમ કોની મંજૂરીથી તોડવામાં આવ્યો, શું કલેક્ટર કે ગુજરાત સરકારે આનો કોઈ આદેશ આપ્યો હતો તેવા સવાલો પૂછીને તેમણે ચીમકી આપી છે કે આ ચેકડેમનું ફરીથી નિર્માણ થવું જ જોઈએ નહિતર અહીં વંથલીના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ​આ જ મુદ્દે ખેડૂત નેતા અને કોંગ્રેસ આગેવાન કરસન બાપુ ભાદરકાએ જણાવ્યું હતું કે, ખેડૂતોની દુશ્મન એવી આ ભ્રષ્ટ ભાજપ સરકારને તેઓ પૂછવા માંગુ છું કે ગઈકાલે રાતોરાત, જેમ કોઈ ચોર રાત્રિના અંધકારમાં ચોરી કરે તે જ રીતે વંથલીની ઉબેણ નદી પરના ચેકડેમને શા માટે તોડી નાખવામાં આવ્યો ? ભાજપે પોતાના પાંચ માફિયાઓ અને ખેસ પહેરીને વાહ-વાહ કરનારા મળતિયાઓને સાચવવા માટે વંથલી તાલુકાના બબ્બે હજાર ખેડૂતોને રડવાનો વારો લાવ્યો છે. ચોમાસાની વાવણીને હજી એકાદ મહિનાની વાર છે અને ખેડૂતોને અત્યારે પાણીની તાતી જરૂરિયાત છે, ત્યારે ખેડૂતોના જીવ સમાન ચેકડેમ અને પાણી પર સરકારે સીધો પ્રહાર કર્યો છે. ખનીજ ચોરોને સરળતાથી રેતી મળી રહે અને મોટી કંપનીઓ કે કોર્પોરેટરોનો સ્વાર્થ સિદ્ધ થાય તે માટે તંત્રની રહેમરાહે આ કૃત્ય આચરવામાં આવ્યું છે. જો ખરેખર વહીવટી તંત્ર દ્વારા આ ચેકડેમ તોડવાનો કોઈ સત્તાવાર હુકમ કરવામાં આવ્યો હોય, તો તેની નોટિસ અને લીગલ પ્રોસેસના કાગળો ક્યાં છે તે ખેડૂતો જોવા માંગે છે. ઇતિહાસમાં ભાજપ સરકારે ક્યારેય કોઈ મોટો ડેમ બનાવ્યો નથી અને હવે જે નાના-મોટા ચેકડેમો બચ્યા છે તેને પણ પોતાના મળતિયાઓના આર્થિક લાભ માટે તોડવા નીકળ્યા છે. આ ભ્રષ્ટાચાર જરાય ચલાવી લેવામાં નહીં આવે, કારણ કે આ સ્ટોક થયેલા પાણીથી આસપાસના કુવા-બોરના તળ ઊંચા આવતા હતા જેનાથી ખેડૂતો બારેમાસ આનંદથી ખેતી કરતા હતા. ખેડૂતો અને ગામડાઓએ જ આ સરકારને સત્તા પર બેસાડી છે અને જો આવો જ ત્રાસ ચાલુ રહેશે તો આ જ જનતા આગામી દિવસોમાં સરકારને ઘરભેગી કરી દેશે, તેથી સરકારે કંપની અને માફિયા પ્રેમ છોડીને જગતના તાત એવા નિર્દોષ ખેડૂતો વિશે વિચારવું જોઈએ. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મુખ્યમંત્રીને પાઠવવામાં આવેલા પત્રમાં વંથલી તાલુકાની ભૌગોલિક અને ઐતિહાસિક સ્થિતિનો ઉલ્લેખ કરતા જણાવાયું છે કે, વર્ષ 1983 થી સમગ્ર રાજ્ય સહિત વંથલી પંથકમાં સિંચાઈના પાણીની ભયંકર મુશ્કેલીઓ ઉભી થતી હતી. ચોમાસુ પાક લીધા પછી જ્યારે ખેડૂતો ઉનાળુ પાક તરફ વળતા ત્યારે છેલ્લી ઘડીએ પાણી ખૂટી જતાં હજારો ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈને દેવાના ડુંગરા નીચે દબાઈ જતા હતા. આ ભયંકર સમસ્યાના કાયમી ઉકેલ માટે તત્કાલીન સરકારે જનતાના ટેક્સના પૈસાથી આ વિસ્તારના આશરે એક હજારથી વધુ ખેડૂતોના હિત માટે ઉબેણ નદીમાં બબ્બે કિલોમીટરના અંતરે બે મોટા ચેકડેમોનું નિર્માણ કરાવ્યું હતું. આ ચેકડેમોના કારણે ચોમાસાથી લઈને પછીના ચોમાસા સુધી નદીમાં સતત પાણીનો સંગ્રહ રહેતો હતો, જેના લીધે વંથલી ઉપરાંત બાલોટ, સાંતલપુર સહિતના આજુબાજુના સેંકડો ગામોના ખેડૂતો બારેમાસ પુષ્કળ પાક ઉત્પાદન મેળવી શકતા હતા. આવા જીવંત અને આશીર્વાદ સમાન ચેકડેમોને તોડી પાડવામાં આવતા હવે સિંચાઈની સાથે સાથે પંથકમાં પીવાના પાણીની પણ મોટી કટોકટી સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    જી.એસ.મલિક બન્યા રાજ્યના નવા DGP:અમદાવાદમાં AMCનું બુલડોઝર ફર્યુ, સુરતમાં 'મિસ્ટર ઈન્ડિયા'એ કર્યુ ડિમોલીશન, 24 કલાક વરસાદનું યલો એલર્ટ
    Next Article
    દીકરીના અભ્યાસ મુદ્દે પતિએ પત્નીને માર માર્યો:સતલાસણાના ભાલુસણા ગામે સામાન્ય મેસેજ બાબતે ઉશ્કેરાઈને હુમલો કર્યો, પોલીસ ફરિયાદ નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment