Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયલા હાઇવે પર ભયાનક 'ડસ્ટ ડેવિલે' મચાવી તબાહી:તોતિંગ ટ્રકને રમકડાંની જેમ પલટી નાખી, નજરે જોનારા બોલ્યા-આવું દ્રશ્ય ક્યારેય નથી જોયું, માટીનો મેક અપ કર્યો હોય તેવું લાગ્યું

    1 week ago

    3 જૂન, બુધવારને સાંજે અંદાજે 7 વાગ્યાનો સમય થયો હશે. અમદાવાદ-રાજકોટ હાઇવે પર વાહનો પૂરપાટ ઝડપે દોડી રહ્યાં હતા. આ સમયે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં એક અચરજભરી ઘટના જોવા મળી. અહીં તીવ્ર ગતિએ વંટોળ ફૂંકાયો. તેના રસ્તામાં જે કંઇ આવ્યું તેને જડમૂળથી ઉખેડી ફેંક્યું. આ ઘટના બાદ દિવ્ય ભાસ્કરની ટીમ ગ્રાઉન્ડ રિપોર્ટ માટે સાયલા પંથકમાં પહોંચી હતી. ઘટનાને નજરે જોનારા લોકોએ શું અનુભવ્યું, એ સમયે કેવી સ્થિતિ હતી, કેટલું નુકસાન થયું જેવી માહિતી મેળવી હતી. સામાન્ય રીતે વિદેશમાં આવા દૃશ્ય જોવા મળતા હોય છે. તેને ટોર્નેડો કહે છે. સાયલા પંથકમાં પણ જે જોવા મળ્યું તેને કોઇ ટોર્નેડો કહેતું હતું તો કોઇ વંટોળ કહેતું હતું. હવામાન નિષ્ણાત આને ડસ્ટ ડેવિલ કહે છે. ઘડીભર તો લાગ્યું બધું હતું-નહોતું થઇ જશે આ ડસ્ટ ડેવિલની તીવ્રતા એટલી હતી કે પેટ્રોલપંપ-હોટલને ભારે નુકસાન થયું હતું. ગેસ સિલીન્ડરના ગોડાઉનની દીવાલને ઉખાડી નાખી હતી. 5 હજાર લીટર પાણીની ક્ષમતાવાળી ટાંકીને ઉડાડીને ફેંકી દીધી હતી. 10-20 મીટરથી વધુ આગળનું જોઇ શકાતું નહોતું. ઘડીભર તો એવું લાગતું હતું કે કુદરત કોપાયમાન થઇ છે અને બધું હતું-નહોતું કરી નાખશે. તોતિંગ ટ્રકને રમકડાંની જેમ પલટી નાખી આ વંટોળ એટલો ભયાવહ હતો કે તેણે સાયલા પાસે ઊભેલી એક ટ્રકને ફંગોળી નાંખી હતી તો કેટલીક કારના કાચને પણ તોડી નાંખ્યાં હતા એટલું જ નહી સાયલા અને તેની આસપાસના 10થી વધુ કિલોમીટરના દાયરામાં ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ આફત અહીંથી અટકી નહોતી. વીજળીના કડાકા ભડાકા અને મોટા-મોટા કરાં સાથે વરસેલા ભારે વરસાદથી લોકોના જીવ પડીકે બંધાયા હતા. આસપાસના ગામડાંઓમાં આ વંટોળની ભારે ચર્ચા છે. આ ઘટનાના અલગ અલગ વીડિયો સમાચારોમાં અને સોશિયલ મીડિયામાં તમે જોયા જ હશે. સાયલા ગામથી અંદાજે ત્રણેક કિલોમીટર દૂર રામદેવ હોટલ પાસેથી આ ભયાનક વંટોળ પસાર થયો હતો એટલે અમે તેના માલિક મેરુભાઈ રબારી સાથે વાતચીત કરી હતી. કારના કાચ તૂટ્યા, દીવાલ ધરાશાયી થઇ મેરુભાઇએ દિવ્ય ભાસ્કરને કહ્યું, અહીં કાયદેસરનું વંટોળિયું આવ્યું હતું. આ સમયે હું મારી કાર લઇને મારી હોટલની બહાર પહોંચ્યો હતો ત્યારે મારી આંખની સામેથી જ આ વંટોળિયું પસાર થયું હતું. આ ખૂબ જ ભયાનક દૃશ્યો હતા કેમ કે અમારી બાજુમાં જે પેટ્રોલ પંપ હતો તેના પતરાં પણ ઉડાડી દીધા હતા. કાર સાથે ઉડાડી દે તેવી તીવ્રતા હતી વંટોળની ભયાનકતા વર્ણવતા તેમણે આગળ કહ્યું કે, હું કારમાંથી બહાર આવવાના પ્રયત્ન કરી રહ્યો હતો પણ વંટોળનું જોર એટલું હતું કે કાર સાથે ઉડાડી દે. કંઇ જ દેખાતું જ નહોતું. અમારી હોટલની 10 ફૂટ નજીકથી જ આ પસાર થયું હતું. આ દરમિયાન એક ટ્રકને પણ પલટી નાંખી હતી. અહી જે કાર પાર્ક કરેલી હતી એ પણ 20-20 ફૂટ દૂર ફંગોળાઇ ગઇ હતી. હજી આસપાસના લોકોમાં આ ઘટનાની ચર્ચા છે. જે લોકોએ આ જોયું છે તે તો ભગવાન જ ભાળી ગયા છે સમજો. 'મેં નજર સામે ટ્રકને પલટતા જોઇ' થોરિયાળી ગામના રહેવાસી કાનાભાઇ મોરી હાઇવે પર હોટલ ધરાવે છે. તેમણે પોતાની નજર સામે ટ્રકને પલટી ખાતા જોઇ હતી. તેઓ કહે છે કે, આ વંટોળ 15-20 સેકન્ડ સુધી મારી હોટલ પાસેથી પસાર થયું હતું. જેનાથી હોટલને નુકસાન થયું છે. આવા દૃશ્યો જોઇને એ સમયે હોટલમાં જે લોકો હતા તેમણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. અમે તેમને અંદર હોટલમાં મોકલી દીધા હતા. પથ્થર ઊડીને આવ્યા તેમણે વધુમાં કહ્યું કે,પથ્થર ઉડીને આવતા હતા. અમૂક લોકોને પથ્થર વાગ્યા છે. પેટ્રોલ પંપ પાસે ઊભેલી ટ્રક અમારી નજર સામે પલટી મારી ગઇ હતી. વંટોળ પસાર થયા બાદ અમે ટ્રક પાસે પહોંચ્યા હતા અને ડ્રાઇવરને બચાવીને હોસ્પિટલ લઇ ગયા હતા. મોટા કરા પડ્યાંઃ પ્રત્યક્ષદર્શી વંટોળના કારણે એક ગેસ એજન્સીની દીવાલ ધરાશાયી થઇ ગઇ હતી અને ભારે નુકસાન પહોંચ્યું હતું. ગેસ એજન્સીમાં કામ કરતાં મનીષ પરમારે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, પહેલાં વાવાઝોડું આવ્યું હતું. જેના પછી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ થયો હતો. અમે અંદર ઓફિસમાં કામ કરતાં હતા. બહાર આવીને જોયું તો વંટોળ હતો. અમને એવું હતું કે થોડીવારમાં બધું શાંત થઇ જશે પણ તેવું ન થયું. એકદમ જોરદાર વરસાદ ચાલુ થઇ ગયો અને મોટા મોટા કરાં પડવા લાગ્યા. 'જાણે માટીનો મેકઅપ કર્યો હોય તેવું લાગ્યું' વંટોળના કારણે ધ્રૂજારી અનુભવાઇ હતી અને બધું ધૂળ-ધૂળ થઇ ગયું હતું. આ વાતનો ઉલ્લેખ કરતાં તેઓ કહે છે કે, અમે ઓફિસનો દરવાજો બંધ કરવા જતા હતા પણ વંટોળની તીવ્રતાના કારણે અમે તે બંધ ન કરી શક્યા. ઓફિસમાં અંદર જે કાચ હતા તે ફૂટી ગયા. લોખંડની જાળીઓ તૂટી ગઇ હતી. જાણે માટીનો મેકઅપ કર્યો હોય તેવી અમારી સ્થિતિ થઇ ગઇ હતી. અમે થોડીવાર બેઠા. વરસાદ શાંત પડ્યો પછી ઓફિસનો દરવાજો ખોલીને જોયું તો અમારા ગોડાઉનની દીવાલ પડી ગયેલી હતી. જેને જોઇને અમને આંચકો લાગ્યો હતો. અમારી કારના કાચ તૂટી ગયા હતા. તોતિંગ વૃક્ષ, વીજળીના થાંભલા પડી ગયા હતા. ગિરીરાજ મકવાણા મોટા મડાદ ગામે રહે છે. વંટોળ સમયે તેમણે દૂરથી મોબાઇલમાં વીડિયો ઉતાર્યો હતો. એ સમયનો ચિતાર આપતા તેઓ કહે છે કે, અચાનક વાતાવરણ બદલાયું હતું અને અંધારૂં છવાઇ ગયું હતું. અમે ધાબા પર ચડીને જોતાં હતા એ સમયે સુદામડા તરફથી એક વાવાઝોડું આ તરફ આવી રહ્યું હતું. પહેલાં તો અમે તેને સામાન્ય માની લીધું પણ આ તો કંઇક અલગ જ નીકળ્યું હતું. સાયલાથી ત્રણેક કિલોમીટર દૂર પેટ્રોલ પંપ અને હોટલની વચ્ચે એ વંટોળ રોકાયો હતો. 'પહેલાં લાગ્યું કે મિસાઇલ આવી રહી છે' ગિરીરાજ મકવાણાએ આ પહેલાં ક્યારેય આવા ભયાવહ દૃશ્યો નથી જોયા. તેમણે વધુમાં કહ્યું કે, શરૂઆતમાં અમને લાગ્યું કે કંઇક મિસાઇલ જેવું આવી રહ્યું છે પણ થોડા જ સમયમાં ખબર પડી ગઇ કે વંટોળ હતો. અમને તેની ભયાનકતાનો ખ્યાલ આવી ગયો. એ સમયે મોટાભાગના લોકો ઘરની બહાર જોવા આવી ગયા હતા પણ તેની ભયાનકતા જોઇને પાછા ઘરમાં જતાં રહ્યાં હતા. વંટોળ હજુ પણ ચર્ચાનો વિષય આ વંટોળ હજુપણ આસપાસના ગામડાંઓમાં ચર્ચાનો વિષય બનેલો છે. તેમણે જણાવ્યું કે, આના વીડિયો જોઇને અન્ય શહેરોમાં રહેતા મારા મિત્રો-સ્વજનોના ફોન આવ્યા હતા. મારા ઘરમાં જે નાના બાળકો છે તે ડરી ગયા હતા. વંટોળ ચડીને વાદળ સાથે અંદર જતો રહ્યો તે અકલ્પનીય હતું. વંટોળ આવ્યો ત્યારે રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે અંદાજે અડધા કલાક સુધી થંભી ગયો હતો. આ વંટોળ 30થી 40 કિલોમીટર દૂરથી દેખાતો હતો. ઉદઘાટન પહેલાં જ ફિટનેસ સેન્ટરમાં તબાહી સાયલાના મહેન્દ્ર સોનાગરા અહીં વ્હીકલ ફિટનેસ સેન્ટર શરૂ કરવાના હતા. 8મી તારીખ આસપાસ સેન્ટરનું ઉદઘાટન કરવાનું વિચારતા હતા પણ કુદરતને કંઇક અલગ જ મંજૂર હશે. વંટોળ ત્રાટકતા સેન્ટરને ભારે નુકસાન પહોંચ્યું છે. હવે તે નજીકના સમયમાં સેન્ટર ચાલુ નહીં કરી શકે. તેમણે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, હું સુરેન્દ્રનગર હતો. સાઇટ પરથી સિક્યોરિટીએ મને ફોન કરીને આ ઘટના અંગે જાણ કરી હતી. મેં તેમને સુરક્ષિત જગ્યાએ જવાનું કહ્યું હતું. હું સુરેન્દ્રનગરથી મારી સાઇટ પર આવ્યો હતો અને કેટલું નુકસાન થયું છે તે જોયું હતું. પાણીની ટાંકી ઊડાડી દીધી આ સેન્ટર પર 5 હજાર લીટર પાણીની ક્ષમતાવાળી ટાંકી અડધી ભરેલી હતી. જે વંટોળમાં ઊડી ગઇ હતી. આ અંગે તેમણે કહ્યું કે, અમે ટાંકી શોધવામાં લાગ્યા હતા પણ ટાંકી અહીંથી 500 મીટર દૂર એક થાંભલા પર ઊંધી પડેલી હતી. એવું લાગ્યું કે અમારા સેન્ટરની બાજુમાંથી જ વંટોળ ચાલુ થયો હતો. ઘણા લોકોને નુકસાન થયું છે. ગેસના ગોડાઉનને નુકસાન થયું છે. પેટ્રોલ પંપને જોતાં એવું લાગે છે કે આખો નકશો બદલાઇ ગયો. આ તો પ્રત્યક્ષદર્શીઓની વાત હતી પણ હવામાન નિષ્ણાત આ ઘટના અંગે શું માને છે તે પણ જાણવું જરૂરી છે. દિવ્ય ભાસ્કરે હવામાન નિષ્ણાત ડૉ. મેહુલ વાસાણી પાસેથી આ અંગે માહિતી મેળવી હતી. ડૉ. વાસાણીએ કહ્યું કે, ચોટીલાથી સાયલા હાઇવે પર હવામાનને લગતી એક ઘટના જોવા મળી હતી. જેને લોકો પોતપોતાની રીતે નામ આપી રહ્યાં છે. કોઇ તેને ટોર્નેડો કહે છે તો કોઇ તેને ધૂળનો વંટોળ કહે છે. ઘણીવાર આવી ડસ્ટ ડેવિલ (વંટોળ અથવા ધૂળની ડમરી) જેવી પરિસ્થિતિ બનતી હોય છે. સુકા વિસ્તારમાં આવી ઘટના વધુ બને છેઃ હવામાન નિષ્ણાત આ ઘટના પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું કે, સૂકા વિસ્તારમાં આવું ખાસ જોવા મળે છે. જમીન ગરમ થવાથી ગરમ હવા વધારે ઊંચે જાય છે અને ઠંડી હવા નીચે આવીને પોતાની જગ્યા બદલે છે. જેના કારણે જમીનથી ઉપર સુધી એક વલય બનતું હોય છે. ગરમ અને ઠંડી હવાનું પરિભ્રમણ થાય ત્યારે કેન્દ્રમાં નીચલું દબાણ હોય છે. વચ્ચે જે પણ વસ્તુ કે રજકણો આવે તે વધુ ફોર્સના કારણે નીચેથી ઉપર તરફ ફંટાતા હોય છે. આના લીધે જમીનથી ઉપર સુધી એક વંટોળ ઊભો થાય છે. આવી ઘટના સમયે વિઝિબિલિટી એકદમ ઘટી જાય છે. હવામાનના બદલાતા મિજાજ વચ્ચે સાયલા પંથકમાં આવેલી આ અણધારી આફત માત્ર ભારે આર્થિક નુકસાન જ નથી આપી ગઇ પરંતુ પ્રત્યક્ષદર્શીઓના મનમાં ક્યારેય ન ભૂલાય તેવો ડર પણ છોડી ગઇ છે.
    Click here to Read More
    Previous Article
    PM મોદી આજે સુરતમાં, રૂ.18,778 પ્રકલ્પોની ભેટ આપશે:LT પ્લાન્ટમાં ‘જોરાવર’ ટેન્ક અને ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ નિહાળશે, 'કે9 વજ્ર' તોપ અને 'તીર' ડ્રોનની સમીક્ષા કરશે
    Next Article
    વાંદરા છોડવા બાબતે યુવકને માર માર્યો:એરપોર્ટ નજીક પકડેલા વાંદરા કેટલા કિમી દૂર છોડવાને લઇને ઝઘડો, સુપરવાઇઝરનો રેસ્ક્યુ ટીમના યુવક પર હુમલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment