Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભવનાથ મંદિર વહીવટ વિવાદ:ભવનાથ મંદિરમાં પરંપરા ભંગ અને સાધુઓની હકાલપટ્ટીના આક્ષેપો પાયાવિહોણા, તમામ પૂજા-વિધિ અને વહીવટ નિયમોનુસાર ચાલતો હોવાનો પ્રાંત અધિકારીનો દાવો

    7 hours ago

    ​જૂનાગઢનું ઐતિહાસિક અને લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર એવું ભવનાથ મહાદેવ મંદિર ફરી એકવાર મોટા વિવાદમાં આવ્યું છે. મંદિરમાં સાધુતાનો અભાવ, તંત્રની નિષ્ક્રિયતાના કારણે પરંપરાઓનો ભંગ થવો, તેમજ સંસારીઓના હાથમાં વહીવટ સોંપીને ભગવાનના ભોગ અને પૂજા સામગ્રીમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવતી હોવાના સણસણતા આક્ષેપો સામે આવ્યા છે. ભવનાથ મહાદેવના ઉપાસક સાધુ શિવગીરી બાપુએ પ્રશાસન સામે ગંભીર આક્ષેપો કરીને મોટો ધડાકો કર્યો છે, જેની સામે હાલ મંદિરનું સંચાલન સંભાળતા વિસાવદરના પ્રાંત અધિકારી ચિરાગ હીરવાણીયાએ આ તમામ આક્ષેપોને નકારી કાઢીને વહીવટ સંપૂર્ણ પારદર્શક અને ધાર્મિક વિધિથી ચાલતો હોવાનો દાવો કર્યો છે. ​ભવનાથ મહાદેવના ઉપાસક સાધુ શિવગીરી બાપુએ જણાવ્યું છે કે તેઓ છેલ્લા દોઢેક વર્ષથી ભવનાથ મંદિરે નિયમિત રીતે સેવા પૂજા અને તપ જપ કરતા હતા. એક સાધુ તરીકે શિવ મંદિરમાં બેસીને તપ જપ કરવું એ તેમનું પરંપરાગત કાર્ય છે. પરંતુ પાંચેક દિવસ પહેલા પ્રશાસન દ્વારા તેમને એસ.ડી.એમ.ની રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવ્યા હતા. શિવગીરી બાપુના જણાવ્યા અનુસાર, અધિકારીએ તેમને સીધું જ કહી દીધું કે બાપુ તમે કાલથી અહીંયા સવારે ન બેસતા, માત્ર સાંજે આરતીના સમયે આવી, આરતી કરી અને જતા રહેવાનું, અહીંયા વધારે સમય બેસવાનું નહીં. જ્યારે બાપુએ આ નિર્ણય પાછળનું કાયદેસરનું કારણ કે પોતાની કોઈ ભૂલચૂક વિશે ઉત્સુકતાથી પૂછ્યું, ત્યારે અધિકારીએ એવો જવાબ આપ્યો કે અહીંયા તમે બેસો છો તેનાથી વિવાદ થયો છે. શિવગીરી બાપુએ સ્પષ્ટ કર્યું કે ભવનાથના કોઈ પણ વિવાદ સાથે તેમને કોઈ લેવા-દેવા નથી, અને જો સાધુઓ જ પોતાના આરાધ્યના મંદિરોમાં નહીં બેસે તો પછી ક્યાં જશે? તંત્ર વિવાદનું મૂળ શોધવાના બદલે સાધુઓને જ બહાર કાઢે છે. ​સાધુ શિવગીરી બાપુએ પ્રશાસનની નીતિઓ પર આકરા પ્રહારો કરતા વધુમાં જણાવ્યું હતું કે, પ્રશાસને જ્યારથી આ મંદિરનો ચાર્જ અને વહીવટ સંભાળ્યો છે ત્યારથી દેશી પરંપરાઓ જોખમાઈ છે. છેલ્લા દસ મહિનામાં તેમની અગાઉ પણ કોઈ પણ કારણ આપ્યા વિના અન્ય બે સાધુઓની આ જ રીતે હકાલપટ્ટી કરવામાં આવી હતી. તંત્ર માત્ર પુજારીઓ અને મેનેજરો દ્વારા જ આખું પ્રશાસન ચલાવવા માંગે છે અને સાધુઓની કોઈ કિંમત કે વેલ્યુ રહેવા દીધી નથી. મંદિરમાં હાલ એક મેનેજર, બે પૂજારી, એક ક્લેરિકલ વર્ક કરવાવાળો છોકરો અને એક રસોઈયો મળીને માત્ર ઓફિશિયલ સ્ટાફ જ બધું સંચાલન કરે છે. અગાઉ હકાલપટ્ટી કરાયેલા સાધુ સવારે વહેલા ત્રણ વાગ્યે ઊઠીને સાડા ત્રણ વાગ્યાની મંગળા આરતી અને સાંજની આરતી નિયમસર કરતા હતા, જેનાથી શિવ પરંપરા જળવાતી હતી. આરતી કરવી અને ભોગ ધરાવવો એ સાધુનું મુખ્ય કામ છે, પરંતુ તંત્ર આવી પવિત્ર પરંપરાઓનો લિહાજ રાખવાનું જ ભૂલી ગયું છે, જેના કારણે ભવનાથ દાદા પર અપાર શ્રદ્ધા રાખતા સ્થાનિક લોકો અને ભાવિકોની લાગણીને ભારે ઠેસ પહોંચી રહી છે. ​વધુમાં ભવનાથ મંદિરની વર્તમાન પૂજા પદ્ધતિ અને વ્યવસ્થાઓ પર સવાલો ઉઠાવતા શિવગીરી બાપુએ ગંભીર બાબતો ઉજાગર કરી છે. તેમણે જણાવ્યું કે કાયદેસર રીતે મહાદેવના મંદિરમાં સ્ત્રી પ્રવેશનો નિયમ ન હોવા છતાં લાંબા સમયથી સ્ત્રી પ્રવેશ કરાવીને અભિષેક કરાવવાની નવી પરંપરાઓ શરૂ કરાઈ છે. પુરુષો માટે ધોતી પહેરીને જ અભિષેક કરવાનો નિયમ હમણાંથી જ ચાલુ કરાયો છે, જેમાં લોકો પેન્ટની ઉપર જ સીધેસીધી ધોતી લપેટીને પૂજામાં બેસી જાય છે. એટલું જ નહીં, પવિત્ર જળાભિષેક અને પૂજા જેવી વિધિઓ માત્ર બે-ત્રણ કે પાંચ મિનિટની અંદર જ ઉતાવળે પૂરી કરાવી દેવામાં આવે છે. મંદિરમાં સોળસો પૂજા કરાવવા માટે ભવનાથ મંદિર ટ્રસ્ટ ભાવિકો પાસેથી ₹૫૦0 ની પહોંચ ફાડીને ચાર્જ વસૂલે છે. અગાઉ જ્યારે પરંપરાગત મહંત દ્વારા મંદિરનું સંચાલન થતું ત્યારે આ પૂજાની તમામ સામગ્રી સંચાલકો તરફથી જ અપાતી અને ભક્તોએ માત્ર પોતાની મનપસંદ પ્રસાદી જ લાવવાની રહેતી. જ્યારે અત્યારે મેનેજર દ્વારા ભક્તોને જ બધો પૂજા સામાન સાથે લઈને આવવાનું કહેવામાં આવે છે અને તંત્ર માત્ર પૂજા કરાવી આપવાની જવાબદારી લે છે. શિવગીરી બાપુએ પ્રશ્ન કર્યો કે જો બધી સામગ્રી ભક્તોએ જ લાવવાની હોય તો તંત્ર આ ₹500 શેના માટે વસૂલે છે ? ​મંદિરમાં શિવજીના ભોગ અને થાળ ધરાવવાની પદ્ધતિમાં થતી ગંભીર બેદરકારી અંગે પ્રશાસનનું ધ્યાન દોરતા શિવગીરી બાપુએ ઉમેર્યું કે, દરેક મંદિરમાં નીતિનિયમ પ્રમાણે સવાર-બપોરનો થાળ અને ભોગ સમયસર ધરાવવાનો હોય છે. પરંતુ અત્યારે પ્રશાસનને એ પણ ખબર નહીં હોય કે ભોગનો ચોક્કસ સમય શું છે અને કેટલી જગ્યાએ ભોગ ધરાય છે. ક્યારેક પાંચ તો ક્યારેક સાત થાળ પોતાની મરજી મુજબ ધરાવાય છે, જે પરંપરા વિરુદ્ધ છે. કેટલીકવાર તો એક વાટકીની અંદર માત્ર બે થેપલાના કટકા નાખીને જ ભગવાનને ભોગ ધરી દેવામાં આવે છે, જે મહાદેવનું ઘોર અપમાન છે. શિવગીરી બાપુએ પ્રશાસનને ચેતવણી આપતા જણાવ્યું કે શિવ દોષ જેવું મોટું મહાપાપ બીજું કોઈ નથી. તેઓ પોતે સાધુ હોવાથી તપ-જપ કરીને શિવ દોષથી બચી જશે, પરંતુ પ્રશાસન જાણે-અજાણે આ પાપમાં ભાગીદાર બની રહ્યું છે, જેથી તેમણે આ ગંભીર બાબતો જાહેર કરી છે. તંત્ર પાટોત્સવ ઉજવવાનું પણ વિસરી ગયું હોવાનો ગંભીર આરોપ તેમણે લગાવ્યો છે. ​બીજી તરફ, સાધુ શિવગીરી બાપુ દ્વારા લગાવાયેલા આ તમામ આક્ષેપો સામે ભવનાથ મંદિરનો વહીવટ સંભાળતા વિસાવદરના પ્રાંત અધિકારી ચિરાગ હીરવાણીયાએ જણાવ્યું હતું કે ભવનાથ મંદિરની અંદર અત્યારે આપણી પાસે એક મેનેજર છે અને પ્રશાસન દ્વારા બે પૂજારીઓ રાખવામાં આવેલા છે, જેઓ મંદિરમાં નિયમિત પૂજા-અર્ચના અને તમામ પ્રકારની ધાર્મિક વિધિઓ ખૂબ જ સારી રીતે કરે છે. કલેક્ટરે અમોને વહીવટદાર તરીકે નીમ્યા છે અને તે અંતર્ગત જ આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મંદિરમાં દરરોજ સવાર-સાંજની પૂજા વિધિ, આરતી અને મહાદેવને થાળ ચડાવવાની જે પરંપરાઓ છે, તે તમામ કાર્યો નિયમોનુસાર અને એકદમ ધાર્મિક વિધિથી જ ચલાવવામાં આવે છે. ​સાધુઓની હકાલપટ્ટીના વિવાદ અને આક્ષેપો પ્રાંત અધિકારી ચિરાગ હીરવાણીયાએ ખુલાસો કર્યો કે, ભવનાથ મહાદેવ મંદિરનું જે ટ્રસ્ટ છે તે સોલ ટ્રસ્ટ છે. ગઈ સાલ જૂન મહિનામાં ટ્રસ્ટીની જગ્યા ખાલી પડી હોવાના કારણે, વર્તમાન સ્થિતિએ જોતાં મંદિરમાં કાયદેસર રીતે કોઈ ટ્રસ્ટી નથી. હાલ મંદિરમાં જે પૂજારીઓ અને મેનેજર સેવા આપી રહ્યા છે, તેઓ પ્રશાસનના પે-રોલ ઉપર છે અને સરકાર તરફથી તેઓને નિયમિત મહેનતાણું ચૂકવવામાં આવે છે. આ સત્તાવાર માણસો સિવાય બીજા કોઈ સાધુ-સંત અત્યારે ત્યાં અધિકૃત રીતે રહેતા નથી, જેથી કોઈની પણ હકાલપટ્ટી કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. શિવગીરી બાપુ વિશે વાત કરતા પ્રાંત અધિકારીએ સ્પષ્ટ કર્યું કે, શિવગીરી એ મંદિરમાં કોઈ મહંત તરીકે નિમણૂક પામેલા અધિકૃત વ્યક્તિ નથી. તેઓ માત્ર મંદિરમાં આવીને લાંબો સમય બેસી રહેતા હતા, જેથી કદાચ તેમને પૂજા કે આરતી સમયે હાજર રહેવાની છૂટ અપાઈ હોય, પરંતુ લાંબો સમય મંદિરમાં એક જ જગ્યાએ બેસી રહેવું યોગ્ય નથી, કારણ કે તેનાથી વ્યવસ્થાપનના અન્ય પ્રશ્નો અને વિવાદો ઊભા થઈ શકે છે. ​ ભવનાથ મંદિરમાં પાટોત્સવ નિયમ પ્રમાણે પૂરી ધાર્મિક વિધિથી જ થયેલો છે અને તેમાં કોઈ કચાસ રાખવામાં આવી નથી. થાળની બાબતે જે આક્ષેપો થાય છે તે ખોટા છે, કારણ કે ભવનાથ મંદિરના પરિસરમાં જ રસોઈ બનાવવાની ચોક્કસ જગ્યા આવેલી છે, ત્યાં જ શુદ્ધતા પૂર્વક ભોગ તૈયાર થાય છે અને રોજ પરંપરાગત રીતે જ મહાદેવને થાળ ધરાવવામાં આવે છે. મંદિરમાં કાયમી મહંતની નિમણૂક કરવાની જે માંગ ઉઠી રહી છે, તે અંગે પ્રાંત અધિકારીએ જણાવ્યું કે આ નિર્ણય કલેક્ટરના અધ્યક્ષ સ્થાનેથી જ લેવામાં આવશે, જેથી તેની કોઈ ચોક્કસ માહિતી હાલ તેમની પાસે ઉપલબ્ધ નથી. અંતમાં તેમણે મક્કમતાપૂર્વક જણાવ્યું કે ભવનાથ મંદિરનો સમગ્ર વહીવટ પ્રશાસન દ્વારા અત્યંત સુચારુ રૂપે અને પવિત્ર ધાર્મિક પ્રથાઓ અનુસાર જ ચાલી રહ્યો છે, જેથી સાધુ દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપો તદ્દન પાયાવિહોણા અને સત્યથી વેગળા છે.
    Click here to Read More
    Previous Article
    120થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને પશુપાલનનું માર્ગદર્શન મળ્યું:‘આત્મા’ પ્રોજેક્ટ હેઠળ ગાય આધારિત ઝીરો બજેટ ખેતી શીખવાડાઈ
    Next Article
    તાપમાન ઘટવા છતાં ઉકળાટ યથાવત:મહીસાગરમાં 3 અને 4 જૂન વરસાદની આગાહી; 40-50 કિમી/કલાક પવન ફૂંકાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment