Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરઉનાળે મહાનગરપાલિકાએ પાણીના કનેકશન કાપી નાખતા હોબાળો:જૂનાગઢ હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાન ખાલી કરવા નોટિસ આપ્યા બાદ પણ ખાલી ન કરાતા કાર્યવાહી

    1 week ago

    ​જૂનાગઢ શહેરના વોર્ડ નંબર 14 માં આવેલા ગાંધીગ્રામ વિસ્તારની જૂની ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં મહાનગરપાલિકા દ્વારા જર્જરિત મકાનો ખાલી કરાવવા અને ડિમોલિશન કરવા માટે નોટિસ આપવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરૂપે તંત્ર દ્વારા કોઈ પણ જાતની પૂર્વ લેખિત જાણ કે કારણદર્શક આદેશ વગર સ્થાનિક રહીશોના પાણીના કનેક્શનો અચાનક કાપી નાખવામાં આવ્યા છે. ધોમધખતા ઉનાળામાં અને વેકેશનના ગાળા દરમિયાન પાણી જેવી જીવન જરૂરી પ્રાથમિક સુવિધા બંધ કરી દેવાતા સ્થાનિક ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ મનસ્વી અને આપખૂદી નિર્ણયના વિરોધમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના રહીશોએ મહાનગરપાલિકા ખાતે પહોંચીને આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું હતું અને કમિશનરને આવેદન પત્ર સુપરત કરીને તાત્કાલિક પાણી પુરવઠો બહાલ કરવા ઉગ્ર રજૂઆત કરી હતી. નોટિસ અંગે અંતિમ નિર્ણય ન થાય ત્યાં સુધી પાણી આપવા માગ ​સ્થાનિક જાગૃત નાગરિક ટાંક ભાર્ગવ પરેશભાઈએ કમિશનર, સીનીયર ટાઉન પ્લાનર અને વોટર વર્કસ શાખાને ઈમેઈલ દ્વારા કાયદાકીય અને માનવતાવાદી અભિગમ અપનાવવા લેખિત રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું છે કે નોટિસ મળ્યા બાદ આર્થિક સંકટ હોવા છતાં ગરીબ પરિવારોએ પોતાના ઘરનું મરામત અને રીનોવેશનનું કામ શરૂ કરી દીધું છે. આ સોસાયટીમાં રહેતા મોટાભાગના પરિવારો ગરીબી રેખા નીચે જીવે છે અને રેશનકાર્ડ પર નિર્ભર છે, તેથી તેમની પાસે રહેવા માટે અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી. મિલકતોમાં કોઈ નવું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું નથી.માત્ર જૂના અને જર્જરિત ભાગોની મરામત થઈ રહી છે. તંત્ર દ્વારા નોટિસ અંગે કોઈ આખરી નિર્ણય ન લેવાય ત્યાં સુધી બંધ કરાયેલું પાણી કનેક્શન માનવતાના ધોરણે તાત્કાલિક પુનઃ શરૂ કરવું જોઈએ.ભારતીય બંધારણની કલમ 21 હેઠળ દરેક નાગરિકને ગૌરવભેર જીવવાનો અધિકાર છે અને અદાલતોએ પણ પાણીને જીવનના મૂળભૂત અધિકાર સમાન ગણાવ્યું છે. અગાઉ કમિશનરે મૌખિક રીતે સરકારની રીડેવલોપમેન્ટ યોજનાનો લાભ લેવા સૂચવ્યું હતું, જે અંતર્ગત રહીશો આ સ્કીમમાં જોડાવાની કાયદેસર પ્રક્રિયા હાથ ધરી રહ્યા છે, જેથી તંત્રએ દસ્તાવેજી કામગીરી પૂર્ણ કરવા માટે પૂરતો સમય આપવો જોઈએ. અમે જર્જરિત મકાનનું રિનોવેશન કરી રહ્યા છીએ- રહેવાસી ​સ્થાનિક મહિલા અગ્રણી સીમા વિનોદ મકવાણાએ જણાવ્યું હતું કે જર્જરિત બિલ્ડિંગો અંગે મહાનગરપાલિકાએ જે નોટિસો આપી હતી, તેના જવાબમાં સોસાયટીના અનેક મકાનોનું રીનોવેશન થઈ ગયું છે અને બાકીના મકાનોમાં પણ કામગીરી ચાલી રહી છે. રહીશોએ પોતપોતાના મકાનો સુધારી લેવાની પૂરેપૂરી જવાબદારી લીધી હોવા છતાં કોર્પોરેશન દ્વારા પાણી કટ કરી દેવામાં આવ્યું છે. હાલ વેકેશનનો ગાળો અને કાળઝાળ ઉનાળો હોવાથી પાણી વગર નાગરિકોનું જીવન અશક્ય બની ગયું છે, તેથી કમિશનર વહેલી તકે આવેદન પત્ર સ્વીકારીને આ ગંભીર પ્રશ્નનો હલ લાવે તેવી પ્રાર્થના છે. ​અન્ય સ્થાનિક રહીશ અમીદાબેન ખલીફાએ જણાવ્યું હતું કે ગઈકાલથી તંત્રએ પાણી કાપી નાખતા તેઓ કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા. હાઉસિંગ બોર્ડ ગરીબ એરિયો હોવાથી લોકો પાસે જેમ જેમ પૈસાની સગવડ થશે તેમ તેમ તેઓ આગામી દિવાળી સુધીમાં બાકી રહેતું 50 ટકા રીનોવેશનનું કામ પૂર્ણ કરી દેશે તેવી રહીશોએ લેખિત બાંહેધરી આપી છે. જે લોકો પોતાના જર્જરિત મકાનોની મરામત નહિ કરાવે, તેમને અન્ય રહીશો સાથે મળીને સમજાવશે અને જો તેઓ નહિ માને તો મકાન નંબર અને નામ સહિતની વિગતો કમિશનરને સોંપવામાં આવશે. કમિશનર સાહેબે તેમની આ નમ્ર રજૂઆત સાંભળીને સારો રિસ્પોન્સ આપ્યો છે અને આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં સોસાયટીનું પાણી ફરીથી ચાલુ કરી દેવાની ખાતરી આપી છે. ​તંત્રએ મકાનના રિનોવેશનની મંજૂરી આપવી જોઈએ- શહેર કોંગ્રેસ પ્રમુખ ​જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ જણાવ્યું હતું કે ગાંધીગ્રામ વિસ્તારની હાઉસિંગ સોસાયટીમાં લોકો બે-બે અને ત્રણ-ત્રણ પેઢીથી વસવાટ કરી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા મકાનો તોડી પાડવાની નોટિસ આપીને પાણીના કનેક્શન કાપી નાખવાનો લીધેલો આ નિર્ણય તદ્દન તુઘલકી અને અન્યાયી છે. સોસાયટીની બિલ્ડિંગો એટલી બધી જર્જરિત હાલતમાં નથી કે તે અચાનક ધસી પડે અને કોઈ જાનહાનિ થાય. આ મધ્યમ વર્ગીય પરિવારો પાસે મકાન ખાલી કર્યા બાદ રહેવા માટે અન્ય કોઈ આશરો નથી. તંત્રએ મનસ્વી રીતે સેવાઓ બંધ કરવાને બદલે રહીશોને થોડા ખર્ચે મકાનોનું રીનોવેશન કરવાની કાયદેસર મંજૂરી આપવી જોઈએ અને તાત્કાલિક અસરથી નળ જોડાણ ચાલુ કરીને માનવીય અભિગમ દાખવવો જોઈએ.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં મેગા રોજગાર મેળાનું આયોજન:મંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે યુવાનોને નિમણૂક પત્રો અપાયાં
    Next Article
    ભરૂચ રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે આધેડનું મોત:અમદાવાદ-મુંબઈ ટ્રેન નીચે આવતા ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો; મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment