Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકગાયિકા પદ્મશ્રી દિવાળીબેન ભીલની પ્રતિમાનું ભવ્ય અનાવરણ:લોકસંસ્કૃતિના અમર અવાજને પુષ્પાંજલિ અર્પિત કરતા અધિકારીઓ અને કલાપ્રેમીઓ, સંઘર્ષો વચ્ચે ‘પદ્મશ્રી’ સુધી પહોંચેલા કોયલકંઠી દિવાળીબેનની પ્રતિમાનું અનાવરણ

    2 weeks ago

    ​જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આજે કલા અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખતો એક અત્યંત પ્રશંસનીય અને ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાતનું અણમોલ રતન અને જેમણે પોતાના અવાજથી સમગ્ર વિશ્વમાં ગુજરાતી લોકસંગીતનો ડંકો વગાડ્યો છે તેવા પ્રખ્યાત લોકગાયિકા પૂજ્ય પદ્મશ્રી દિવાળીબેન ભીલની પ્રતિમાનું આજે શહેરના મુખ્ય બસ સ્ટેન્ડ વિસ્તાર પાસે હર્ષોલ્લાસ સાથે અનાવરણ કરવામાં આવ્યું છે. મુંબઈના હીરા માણેક ગ્રુપના ઉદાર પ્રતિનિધિ હાર્દિકભાઈ હુંડિયા દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાને આ સુંદર અને આબેહૂબ પ્રતિમા ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી, જેનું આજે વિધિવત રીતે સ્થાપન કરીને ખુલ્લી મૂકવામાં આવી છે. આજે તારીખ 02 જૂન 2026ના રોજ પદ્મશ્રી દિવાળીબેન ભીલની જન્મજયંતી હોવાથી આ દિવસને વધુ યાદગાર બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા આજના જ પવિત્ર દિવસની પસંદગી કરવામાં આવી હતી. આ ગરિમાપૂર્ણ અવસરે પદ્મશ્રી હાજીભાઇ કાસમભાઈ મીર (હાજી રમકડું) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે જૂનાગઢ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ, અગ્રણી પદાધિકારીઓ અને સ્થાનિક કલાપ્રેમી નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ તમામ મહાનુભાવોની ગરિમામય હાજરીમાં મંત્રોચ્ચાર અને તાળીઓના ગડગડાટ વચ્ચે પ્રતિમા પરથી પડદો હટાવી અનાવરણ વિધિ સંપન્ન થઈ હતી અને ત્યારબાદ ઉપસ્થિત સૌ કોઈએ પૂજ્ય દિવાળીબેનની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પિત કરી તેમની કલાસાધનાને નમન કર્યા હતા. ​આ ઐતિહાસિક અવસરે નવી પેઢી પણ તેમના ગૌરવશાળી ઈતિહાસ અને જીવનના સંઘર્ષોથી પરિચિત થાય તે હેતુથી દિવાળીબેન ભીલ વિશે વિગતવાર જાણીએ તો, તેમનો જન્મ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામમાં થયો હતો અને તેમની મૂળ અટક લઢિયા હતી. ભીલ સમુદાયમાંથી આવતા દિવાળીબેને પોતાની માતાથી પ્રેરિત થઈને નાની ઉંમરે જ પરંપરાગત ગરબા ગીતો ગાવાનું શરૂ કર્યું હતું. તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ અધૂરું છોડ્યું હતું. જ્યારે તેઓ 9 વર્ષના થયા ત્યારે તેમના પિતાને જૂનાગઢ રેલ્વેમાં નોકરી મળતા તેઓ પરિવાર સાથે જૂનાગઢ આવ્યા હતા અને આ શહેરને જ પોતાની કર્મભૂમિ બનાવ્યું હતું. ​દિવાળીબેનનું અંગત જીવન અત્યંત કપરા સંઘર્ષોથી ભરેલું રહ્યું હતું.​તેઓ કોઈ શાસ્ત્રીય સંગીતની તાલીમ પામેલા ગાયિકા નહોતા, પરંતુ કુદરતે તેમને એક એવો અદ્ભુત અને તીણો પહાડી અવાજ આપ્યો હતો કે જે સાંભળીને ઓલ ઈન્ડિયા રેડિયો અને આકાશવાણીના કલાપારખુઓ પણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. તેમણે ગાયેલા પરંપરાગત ગુજરાતી લોકગીતો અને ભજનો જેવા કે, ‘પાપ તારું પ્રકાશ પાપિયા’, ‘રામના બાણ વાગ્યા રે હોય તે જાણે’, ‘કહેવાઈ ગયું પણ સહેવાઈ નહીં’, અને ‘હાલોને કીડીબાઈની જાનમાં’ આજે પણ ગુજરાતના ઘરે-ઘરમાં ગૂંજે છે. સંગીત ક્ષેત્રે રસોડાથી લઈને રેડિયો સુધીની તેમની આ વિશિષ્ટ સફર અને અતુલ્ય પ્રદાન બદલ ભારત સરકાર દ્વારા વર્ષ 1990માં તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંના એક એવા 'પદ્મશ્રી' પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. ​આજે તેમની જન્મજયંતીના અવસરે જૂનાગઢના હાર્દ સમાન મુખ્ય બસ સ્ટેન્ડ વિસ્તારમાં તેમની પ્રતિમા મૂકાતા હવે અહીંથી પસાર થતા લાખો મુસાફરો અને ભાવિકોને આ મહાન કલાકારના ત્યાગ અને કલાની કાયમી યાદ અપાવશે. હીરા માણેક ગ્રુપના હાર્દિકભાઈ હુંડિયાની આ સદ્ભાવના અને જૂનાગઢ મહાનગરપાલિકાની ત્વરિત સક્રિયતાના કારણે કલાનગરી જૂનાગઢના શિરમોરમાં વધુ એક છોગું ઉમેરાયું છે. કલાકારોનું સન્માન એ લોકસંસ્કૃતિનું સન્માન છે તે વાત આજના આ ભવ્ય અને ગરિમાપૂર્ણ અનાવરણ કાર્યક્રમ દ્વારા સાર્થક થઈ છે અને સમગ્ર જૂનાગઢવાસીઓએ આ ક્ષણને ભારે ગર્વભેર આવકારી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ મનપાનાં ફૂડ વિભાગનો સપાટો:કાલાવડ રોડ પરનાં 'G.J-5 સેન્ડવિચ પિઝા'માંથી 28 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો, આઈસ્ક્રીમનાં કુલ 7 શંકાસ્પદ નમુના લેવાયા
    Next Article
    Dahod Mini Cyclone Update | દાહોદમાં આવેલ વાવાઝોડાએ ભારે તબાહી મચાવી | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment