Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૂંટણી હાર્યા પછી પણ લોકોની સેવા ચાલુ:રાજકોટમાં આમ આદમી પાર્ટીના રાહુલ ભુવાએ પ્રજાના પ્રશ્નો ઉકેલવા 'જનસંપર્ક કાર્યાલય' શરૂ કર્યું, કહ્યું-લોકોની સેવા કરવા માટે સત્તા કે હોદ્દાની જરૂર નથી

    8 hours ago

    સામાન્ય રીતે ચૂંટણીમાં પરાજય મેળવ્યા પછી રાજકીય પક્ષોના ઉમેદવારો નિરાશ થઈને પ્રજાની વચ્ચેથી ગાયબ થઈ જતા હોય છે અથવા તો શાંત બેસી જતા હોય છે. પરંતુ રાજકોટમાં આમ આદમી પાર્ટીના એક ઉમેદવાર છે જેમણે પરાજયને હાર તરીકે સ્વીકારવાને બદલે પ્રજાની સેવા માટેનું એક નવું માધ્યમ બનાવી દીધું છે. રાજકોટ મનપાની ચૂંટણીમાં હાર મેળવ્યા છતાં આમ આદમી પાર્ટીના નેતા રાહુલ ભુવાએ પ્રજાના પ્રશ્નો ઉકેલવાઅંતે 'જનસંપર્ક કાર્યાલય' શરૂ કર્યું છે. જ્યાં લોકોને સરકારી યોજનાઓની જાણકારી આપી પ્રજાના પ્રશ્નો ઉકેલવા પ્રયાસ કરવામાં આવશે. રાહુલ ભુવાએ જણાવ્યું હતું કે, પ્રજાની સેવા કરવા માટે સત્તા કે કોઈ હોદ્દાની જરૂર હોતી નથી, માત્ર મનની અંદર સેવા કરવાનો સાચો ભાવ હોવો જોઈએ. રાહુલ ભુવાએ જણાવ્યું હતું કે, ચૂંટણીમાં હાર કે જીત એ લોકશાહીની એક પ્રક્રિયાનો ભાગ છે અને હું જનતાના જનાદેશને નમ્રતાપૂર્વક સ્વીકારું છું. પરંતુ ચૂંટણી પૂરી થવાથી પ્રજા પ્રત્યેની મારી જવાબદારીઓ પૂરી થઈ જતી નથી. જનતાની સેવા કરવી અને સામાન્ય લોકોના પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવવું એ મારા જીવનનું મુખ્ય ધ્યેય છે અને તેના માટે હું કાયમ પ્રતિબદ્ધ છું. આ નવું શરૂ કરાયેલું જન સંપર્ક કાર્યાલય સામાન્ય લોકો અને સરકારી તંત્ર વચ્ચે એક મજબૂત સેતુરૂપ બનીને કાર્ય કરશે, જેથી વચેટિયાઓ દ્વારા થતી આર્થિક લૂંટ બંધ કરી શકાય. તેમણે વધુમાં જણાવ્યું કે, હું ભૂતકાળમાં પણ ચૂંટણી હાર્યો હતો, તેમ છતાં મેં ક્યારેય પ્રજાનો સાથ છોડ્યો નથી અને હું કાયમ માટે આ જ વિસ્તારના લોકોની વચ્ચે જ રહ્યો છું. હવે આ કાયમી જન સંપર્ક કાર્યાલયના માધ્યમથી હું ભવિષ્યમાં પણ કાયમ માટે લોકોની વચ્ચે રહીને તેમની સેવા કરતો રહીશ. રાજકોટની જનતાએ આ ચૂંટણીમાં મને 11918 જેટલા માત્ર મતો જ નથી આપ્યા, પરંતુ ચૂંટણી પ્રચાર દરમિયાન અને તે પછી પણ જે વિશાળ પ્રેમ, સ્નેહ, આદર અને આશીર્વાદ આપ્યા છે, તેનો હું આજીવન ઋણી રહીશ. આ કાર્યાલયના માધ્યમથી લોકોના કામ કરીને હું જનતાના આ અપાર પ્રેમનું ઋણ ચૂકવવાનો પ્રયત્ન કરીશ. રાહુલ ભુવાએ વિસ્તારના નાગરિકોને ભરોસો આપતા સ્પષ્ટ કર્યું હતું કે, આ કાર્યાલય પક્ષભેદ કે જ્ઞાતિભેદ રાખ્યા વગર તમામ સામાન્ય લોકો માટે સમાન ભાવે ખુલ્લું રહેશે. કોઈપણ સામાન્ય નાગરિક પોતાની કોઈપણ નાની-મોટી સમસ્યા, વહીવટી સૂચન અથવા મનપાને લગતો પ્રશ્ન લઈને કોઈપણ પ્રકારના ડર કે સંકોચ વગર નિર્ભયપણે આ કાર્યાલયનો સંપર્ક કરી શકશે અને અમારી ટીમ તેમની સેવામાં હાજર રહેશે. નોકરીયાત અને મધ્યમ વર્ગના લોકોને દિવસ દરમિયાન મજૂરી કે નોકરી પર જવાનું હોવાથી તેઓ સરકારી કામો કરાવી શકતા નથી, તે બાબતને ધ્યાનમાં રાખીને કાર્યાલયનો સમય ખાસ રાત્રિનો રાખવામાં આવ્યો છે. રાજકોટના ઉપલકાંઠા વિસ્તારના સામાન્ય અને ગરીબ નાગરિકોની સુવિધા માટે જન સંપર્ક કાર્યાલયનો ગઈકાલથી પ્રારંભ કર્યો છે. જેના માધ્યમથી લોકોને સરકારી યોજનાઓની જાણકારી આપવામાં આવશે. હાલ મોટાભાગની સરકારી કામગીરી ઓનલાઈન થાય છે. ત્યારે ગરીબ અને પછાત વર્ગના લોકોને મદદ કરવા માટે કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે. સમર્પણ પાર્ટીપ્લોટ નજીક આવેલા આ કાર્યાલયમાં રોજ સાંજે 6થી રાત્રે 10 વાગ્યા સુધી કાર્યકરો સેવા આપશે. અને લોકોના પ્રશ્નો ઉકેલવા તેમજ રજૂઆતો સત્તાધીશો સુધી પહોંચાડવામાં મદદરૂપ બનશે. ચૂંટણીના પરિણામો ગમે તે આવ્યા, પરંતુ પ્રજાની વચ્ચે રહીને તેમના સુખ-દુઃખમાં સહભાગી થવા માટે આ કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યાલય માત્ર રાજકીય કાર્યાલય બનીને નહીં રહે પરંતુ સામાન્ય લોકોના હક્ક અને અધિકાર માટે લડવાનું તેમજ સરકારી યોજનાઓનો લાભ ઘર-ઘર સુધી પહોંચાડવાનું એક સબળ કેન્દ્ર બનશે. જન સંપર્ક કાર્યાલય શરૂ કરવાનો મુખ્ય હેતુ સામાન્ય અને મધ્યમ વર્ગના નાગરિકોના રોજબરોજના પ્રશ્નો તેમજ વિવિધ મુશ્કેલીઓનું ખૂબ જ ઝડપી અને કાયમી નિરાકરણ લાવવાનો છે. આજના ડિજિટલ યુગમાં સરકારની મોટાભાગની યોજનાઓ ઓનલાઈન થઈ ગઈ છે, જેના કારણે અનેક અભણ કે અર્ધશિક્ષિત નાગરિકો ફોર્મ ભરવામાં કે ઓનલાઈન અરજી કરવામાં મુશ્કેલી અનુભવતા હોય છે. આવા તમામ સામાન્ય નાગરિકો સુધી સરકારી યોજનાઓ અને વિવિધ જનહિતની સેવાઓનો લાભ કોઈપણ પ્રકારની લાંચ-રૂશ્વત કે હેરાનગતિ વગર ખૂબ જ સરળતાથી પહોંચે તેવા પ્રયાસ કરવામાં આવશે. જનસંપર્ક કાર્યાલય દ્વારા અપાનાર સુવિધાઓ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની સંપૂર્ણ માહિતી: સરકાર દ્વારા મહિલાઓ, વિદ્યાર્થીઓ, શ્રમિકો અને વરિષ્ઠ નાગરિકો માટે ચલાવવામાં આવતી વિવિધ આર્થિક અને સામાજિક કલ્યાણની યોજનાઓની વિગતવાર માહિતી અને ફોર્મ ભરવાની પ્રક્રિયા સમજાવવામાં આવશે. અત્યાધુનિક ઓનલાઈન સેવાઓ અને ડિજિટલ માર્ગદર્શન: સરકારના ડિજિટલ પોર્ટલ પરથી અપાતી તમામ ઓનલાઈન સેવાઓ જેવી કે રેશનકાર્ડમાં નામ ઉમેરવું કે કમી કરવું, આવકના દાખલા, જાતિના પ્રમાણપત્રો વગેરે ઓનલાઈન અરજીઓ માટે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે. મહત્વના દસ્તાવેજો સંબંધિત કામગીરી: સામાન્ય લોકોને રોજબરોજ જેની સૌથી વધુ જરૂર પડે છે તેવા આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, મા અમૃતમ કાર્ડ કે આયુષ્માન ભારત કાર્ડ અને પાનકાર્ડ સંબંધિત તમામ કામોમાં લોકોને કાયદાકીય અને વહીવટી મદદ કરીને તેમના પ્રશ્નો ઉકેલવામાં આવશે. સરકારી તંત્ર સામે ફરિયાદ અને રજૂઆત સહાય: જો કોઈ નાગરિક સરકારી કચેરી કે મનપાની વહીવટી તંત્રની બેદરકારીનો ભોગ બન્યો હોય, તો તેના પ્રશ્નોને વાચા આપવા માટે કાયદાકીય રીતે યોગ્ય ફોરમ પર ફરિયાદ કરવા અને વહીવટી તંત્ર સમક્ષ મજબૂત રજૂઆત કરવા માટે જરૂરી વહીવટી સહાય આપવામાં આવશે. સ્થાનિક જનહિતના પ્રશ્નોમાં સહકાર: પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ, રોડ-રસ્તા અને સફાઈ જેવા સ્થાનિક મનપાના પ્રશ્નોમાં નાગરિકોની પડખે રહીને તંત્ર સામે ન્યાયિક લડત ચલાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જનસંપર્ક કાર્યાલયમાં લોકોના આ તમામ નાના-મોટા પ્રશ્નોને માત્ર સાંભળવામાં જ નહીં આવે, પરંતુ તેને યોગ્ય અને સંબંધિત સરકારી તંત્ર તેમજ ઉચ્ચ અધિકારીઓ સુધી સમયસર પહોંચાડીને, તેનો યોગ્ય અને કાયમી નિકાલ ન આવે ત્યાં સુધી અમારી ટીમ દ્વારા સતત અને સક્રિય પ્રયાસો કરવામાં આવનાર હોવાનું પણ રાહુલ ભુવાએ જણાવ્યું છે. ત્યારે હવે આ કાર્યાલયના માધ્યમથી લોકોના પ્રશ્નો કઈ રીતે હલ થાય છે તે તો આવનારો સમય જ બતાવશે.
    Click here to Read More
    Previous Article
    TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલામાં 5ની ધરપકડ:મમતાએ કહ્યું- હેલ્મેટ ન પહેર્યું હોત તો જીવ ગયો હોત; ભાજપના નેતાઓ-અધિકારીઓએ ડિસ્ચાર્જ કરવાનું દબાણ કર્યું
    Next Article
    વેરાવળ હોસ્પિટલ પરથી યુવકે કૂદીને જીવ ગુમાવ્યો:નશાની હાલતમાં વહેલી સવારે સિવિલ હોસ્પિટલના ત્રીજા માળેથી પટકાતાં 19 વર્ષીય કરણ સોલંકીનું સારવારમાં મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment