Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અધિક માસની પૂનમે શક્તિપીઠોમાં ભક્તોનું ઘોડાપુર:અમદાવાદના મેયર મા અંબાના શરણે, ખેડબ્રહ્મા ‘જય અંબે’ના નાદથી ગુંજ્યું; અક્ષય પુણ્ય મેળવવા ઉમિયાધામમાં લાંબી લાઈનો

    11 hours ago

    પવિત્ર અધિક પુરુષોત્તમ માસની પૂનમનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ રહેલું છે. દર ત્રણ વર્ષે આવતા આ અધિક માસની પૂનમ નિમિત્તે ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળોએ શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું. જગતજનની મા અંબાના ધામ અંબાજી, ‘મીની અંબાજી’ તરીકે ઓળખાતા ખેડબ્રહ્માના અંબિકા મંદિર અને કડવા પાટીદારોની કુળદેવી ઊંઝા ઉમિયાધામ ખાતે વહેલી સવારથી જ લાખો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અંબાજી શક્તિપીઠમાં મંગળા આરતીમાં ભક્તોનો મહેરામણ યાત્રાધામ અંબાજીમાં અધિક માસની પૂનમે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મા અંબાનો પવિત્ર ચાચર ચોક ભક્તોથી ઉભરાઈ ગયો હતો. વહેલી સવારે યોજાયેલી મંગળા આરતીમાં મોટી સંખ્યામાં માઈભક્તો જોડાયા હતા, જેના કારણે સમગ્ર અંબાજી પંથક માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો. મંદિરના ભટજી મહારાજે આજના દિવસનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, આજના પવિત્ર દિવસે બીજનું દાન કરવાથી ભક્તોને અનેકગણું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. અમદાવાદના મેયર હિતેશ બારોટે શિખર પર ધજા ચડાવી, શહેરના વિકાસ માટે પ્રાર્થના કરી અમદાવાદના નવનિયુક્ત મેયર હિતેશ બારોટ પણ આ પાવન અવસરે મા અંબાના શરણે પહોંચ્યા હતા અને મંદિરના શિખર પર ભક્તિભાવપૂર્વક ધજા અર્પણ કરી હતી. તેમણે પોતાની અતૂટ શ્રદ્ધા પ્રગટ કરતા જણાવ્યું હતું કે, હું 1982થી દર પૂનમે અંબાજી આવું છું. જો કોઈ કારણસર હું ન આવી શકું, તો મારા પરિવારનો કોઈ એક સભ્ય પૂનમ ભરવા અચૂક આવે છે. ભૂતકાળમાં મેં પૂનમ ભરવા માટે જીપ અને બસ દ્વારા પણ યાત્રા કરી છે. હું મેયર બન્યો તે પહેલાં મા અંબાનો પરમ ભક્ત છું. તેમણે આગામી અઢી વર્ષમાં અમદાવાદના સર્વાંગી વિકાસ, નાગરિકોના કલ્યાણ અને અમદાવાદમાં યોજાનારી બે મોટી સ્પોર્ટ્સ ગેમ્સમાં વિશ્વસ્તરે શહેરનું નામ રોશન થાય તેવી મા અંબાને પ્રાર્થના કરી હતી. સામાન્ય નાગરિકની જેમ ચા-નાસ્તો કર્યો આ પ્રસંગે સવારની મંગળા આરતીમાં અમદાવાદના બે ધારાસભ્ય કૌશિક જૈન અને અમિત શાહ પણ મેયર સાથે જોડાયા હતા. દર્શન બાદ મેયર અને ધારાસભ્યોએ રાજકીય ઠાઠ બાજુ પર મૂકી, છેલ્લા 25 વર્ષથી તેઓ જ્યાં મુલાકાત લે છે તે સ્થાનિક ચાની દુકાને સામાન્ય નાગરિકની જેમ બેસીને ચા-નાસ્તો કર્યો હતો, જે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ખેડબ્રહ્માના 'મીની અંબાજી' ખાતે 'બોલ માડી અંબે'નો જયઘોષ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા સ્થિત ઐતિહાસિક અને અતિ પ્રાચીન અંબિકા માતાજીના મંદિરે પણ અધિક જેઠ પૂનમની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતભરમાંથી આવેલા હજારો ભાવિકો વહેલી સવારની મંગળા આરતીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. માતાજીના ચાચર ચોકમાં "બોલ માડી અંબે"ના ગગનભેદી નાદથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું. ખેડબ્રહ્મા મંદિરની વિશેષતા આ મંદિર સમગ્ર ગુજરાતમાં 'મીની અંબાજી' તરીકે પ્રખ્યાત છે. અહીં દરેક પૂનમે વિશેષ પૂજા, મંગળા આરતી અને ધ્વજારોહણની પરંપરા છે. ખાસ કરીને માગશર, પોષ અને ફાગણ માસની પૂનમનું અહીં સવિશેષ મહત્વ છે અને વર્ષમાં બેવાર અહીં ભવ્ય મેળો પણ ભરાય છે. કુળદેવી મા ઉમિયાના દર્શન માટે પગપાળા સંઘો ઉમટ્યા મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે આવેલા કડવા પાટીદારોના કુળદેવી શ્રી ઉમિયા માતાજીના મંદિરે પણ અધિક પૂનમનો અદભુત માહોલ જોવા મળ્યો હતો. દૂર-દૂરથી આવેલા શ્રદ્ધાળુઓ અને અનેક પગપાળા સંઘો વહેલી સવારથી જ મા ઉમિયાના ધામમાં આવી પહોંચ્યા હતા. શ્રદ્ધાળુઓના ઘોડાપૂરને કારણે નિજ મંદિર સંકુલમાં દર્શન માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી. સમગ્ર વાતાવરણ 'જય મા ઉમિયા'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર, દર ત્રણ વર્ષે આવતા અધિક માસની પૂનમે જગતજનની મા ઉમિયાજીના દર્શન કરવાથી ભક્તોને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે, જેના કારણે આ પૂનમે ભક્તોનો ઘસારો અન્ય સામાન્ય પૂનમ કરતાં ઘણો વધારે જોવા મળ્યો હતો. સમગ્ર ઉત્તર ગુજરાતના શક્તિપીઠોમાં અધિક જેઠ પૂનમનો ઉત્સવ ભક્તિ, આસ્થા અને શ્રદ્ધાના ત્રિવેણી સંગમ સમાન રહ્યો હતો, જ્યાં સામાન્ય જનતાથી લઈને રાજકીય અગ્રણીઓએ શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.
    Click here to Read More
    Previous Article
    લોર્ડ બોબીની ક્રિકેટર વૈભવ સૂર્યવંશીને સલાહ:'જ્યારે કોઈ સારું રમે છે, ત્યારે લોકોને ઈર્ષ્યા થાય છે, તું બસ તારી રમત પર ફોકસ કર'
    Next Article
    મહેસાણા જિલ્લામાં મોડી રાત્રે હવામાનમાં પલટો:વીજળીના ચમકારા સાથે માવઠું, ધરતીપુત્રો ચિંતિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment