Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વર્ષે સેંકડોને ગળી જતી પાર્વતી વેલીનું અકબંધ રહસ્ય:નાગા સાધુની સાથે ગયેલો વિદેશી યુવાન ક્યાં ગાયબ થયો? આ ખીણ ‘ડેથ વેલી’ શા માટે બની?

    7 hours ago

    3 સપ્ટેમ્બર, 2016. સામાન્ય રીતે પ્રવાસીઓથી ભરચક રહેતી પાર્વતી વેલી અત્યારે ચોમાસાની સિઝનમાં ખાલીખમ હતી. પોપ્યુલર હિલ સ્ટેશન મનાલીથી માંડ એંસી કિલોમીટરના અંતરે આવેલી આ ખીણમાંથી ધસમસતી પાર્વતી નદી પસાર થાય છે. મનાલીની ગિર્દી અને પ્રવાસીઓની ધક્કામુક્કીથી દૂર પાર્વતી વેલીમાં આવેલાં સ્થળો ટ્રેકર્સ અને વિદેશથી આવતા પ્રવાસીઓને જબરદસ્ત આકર્ષે છે. આવો જ એક ટુરિસ્ટ ચોમાસાની સિઝનમાં ખભે બેકપેક અને હાથમાં એક લાકડી લઇને ધીમે ધીમે ચાલતો જઈ રહ્યો હતો. છેલ્લા ફોટોગ્રાફ પછી ગાયબ થયો અમેરિકન યુવાન ઇન્ટરેસ્ટિંગ વાત એ હતી કે તે ટુરિસ્ટ ભારતીય નહીં, બલકે અમેરિકન હતો. કદ-કાઠીએ ઊંચા-પાતળા અને હેન્ડસમ એવા આ ટુરિસ્ટનું નામ હતું જસ્ટિન એલેક્ઝાંડર શેટલર. ઉંમર 35 વર્ષ. પોતાના 30 હજારથી વધુ ફોલોઅર્સ ધરાવતા ઇન્સ્ટાગ્રામના ‘બાયો’માં એણે લખેલુંઃ ‘એડવેન્ચરર, સર્વાઇવલ એક્સપર્ટ, ટ્રાવેલ બ્લોગર’. અમેરિકામાં મહિને લાખો રૂપિયાની મસ્ત કારકિર્દી છોડીને જસ્ટિન ભારતમાં કંઇક અગમ-નિગમની શોધમાં આવ્યો હતો. મહિનાઓથી એ આ બર્ફીલા પહાડો અને ગગનચુંબી વૃક્ષોની વચ્ચે ભટકી રહ્યો હતો. ઇન ફેક્ટ, એણે બીજા અમુક ટ્રેકર્સ સાથે ફોટો પણ પડાવ્યો હતો, જે તેનો છેલ્લો ફોટોગ્રાફ બની રહ્યો. પરંતુ આ દિવસ પછી જસ્ટિનને કોઇએ જોયો નહીં. *** અઢી દાયકામાં સેંકડો લોકોને ગળી ગઈ પાર્વતી વેલી! ‘ડેથ વેલી’ તરીકે ઓળખાતી પાર્વતી વેલીમાં જસ્ટિન કાયમ માટે ગુમ થઈ ગયો. અહીં ભેદી રીતે ગાયબ થનારો જસ્ટિન કંઈ પહેલો વ્યક્તિ નહોતો. છેલ્લા અઢી દાયકામાં 80થી વધુ વિદેશી પ્રવાસીઓ પાર્વતી વેલીમાં ગાયબ થઈ ચૂક્યા છે. અને જો તેમાં ભારતીય પ્રવાસીનો પણ ઉમેરો કરીએ તો ગાયબ થનારા લોકોની સંખ્યા સેંકડોમાં પહોંચે છે. એટલે જ પાર્વતી વેલીને ‘ભારતનું બર્મ્યૂડા ટ્રાયેંગલ’ પણ કહે છે. આજના ‘ખાખી કવર’માં વાત કરીએ આજથી એક્ઝેક્ટ એક દાયકા પહેલાં ગાયબ થયેલા અને આ જ સુધી રહસ્યમયી રીતે ગાયબ રહેલા જસ્ટિન એલેક્ઝાંડર શેટલર અને પાર્વતી વેલીના ‘શ્રાપ’ વિશે. *** જસ્ટિન એલેક્ઝાન્ડરઃ લોહીમાં વહેતી બેચેની જસ્ટિન એલેક્ઝાન્ડર શેટલરનો જન્મ 1981માં અમેરિકાના ફ્લોરિડામાં થયો હતો. તેનાં માતાપિતાએ બાળપણમાં જ છૂટાછેડા લીધા હતા, અને જસ્ટિન પોતાની માતા સુઝી સાથે રહીને મોટો થયો હતો. જસ્ટિનના બાયોલોજિકલ પિતાએ પાછળથી જેપનીસ માર્શલ આર્ટ આઇકિડો, યોગ અને શાકાહાર અપનાવ્યો. યાને કે જસ્ટિનની નસોમાં પણ તેના પિતા જેવી જ એક વિચિત્ર બેચેની દોડતી હતી. માતાએ દીકરાને ‘જંગલ સ્કૂલ’માં મૂક્યો જ્યારે જસ્ટિન 16 વર્ષનો હતો, ત્યારે તેની માતાએ એક નિર્ણય લીધો જેણે તેનું આખું જીવન બદલી નાખ્યું. તેની માતાએ જસ્ટિનને નોર્મલ સ્કૂલમાંથી ઉઠાડીને વૉશિંગ્ટન સ્ટેટની ‘વાઇલ્ડરનેસ અવેરનેસ સ્કૂલ’માં દાખલ કરાવી દીધો. આ કોઈ સામાન્ય શાળા નહોતી. આ સ્કૂલ બાળકોને પ્રકૃતિની વચ્ચે જીવતા શીખવતી હતી. પક્ષીઓના કોલાહલથી આવનારા ભયને ઓળખવાનું, દિવાસળી વગર આગ પ્રગટાવવાથી લઇને ગમે તેવી કટોકટીની સ્થિતિમાં કઇ રીતે સર્વાઇવ થઇ શકાય તેવી તમામ કળાઓ આ સ્કૂલ શીખવતી હતી. અહીં જ જસ્ટિન પ્રકૃતિના ગાઢ પ્રેમમાં પડી ગયો. સામે ચાલીને મોતને પડકારતો યુવાન ટૂંક સમયમાં જ તેને ન્યૂ જર્સીની ટ્રેકર સ્કૂલમાં મોકલવામાં આવ્યો, જ્યાં 22 વર્ષીય ટ્રેનર ટોમ મેકએલરોયે તેને જોયો અને તે આશ્ચર્યચકિત થઈ ગયા. મેકએલરોયે પાછળથી કહ્યું, ‘જસ્ટિનમાં ડરનો કોઈ છાંટો નહોતો. તે ગમે તેવા ઊંચા ખડકો પરથી કૂદી પડતો અને ઝાડની ડાળીઓ પકડી લેતો, જાણે તે સામે ચાલીને મૃત્યુને પડકારતો હોય.’ લાખોની કમાણી છતાં એક ભેદી બેચેની GED (ગ્રેજ્યુએટ ઇક્વિવેલન્સી પરીક્ષા) પાસ કર્યા પછી, જસ્ટિને ઘણા બધા વિકલ્પો અજમાવ્યાઃ વાઇલ્ડરનેસ EMT (અડાબીડ જંગલમાં હેલ્થ ઇમર્જન્સી સાથે કઈ રીતે કામ પાર પાડવું), મસાજ થેરાપિસ્ટ, પંક રોક બેન્ડના મુખ્ય ગાયક અને પછી ટેક આંત્રપ્રેનર. તેણે સાન ફ્રાન્સિસ્કોમાં ખાસ્સી એવી પેસિવ ઇનકમ ઊભી કરી. યાને કે તેણે એવી જગ્યાઓએ પૈસા ઇન્વેસ્ટ કર્યા હતા, જેમાં કશું જ કર્યા વિના તેને મહિને આપોઆપ ધરખમ કમાણી થતી હતી. પરંતુ આ ચળકતા, લક્ઝુરિયસ, આરામદાયક જીવનની નીચે જસ્ટિન એક ભેદી બેચેની અનુભવતો હતો. પોતાના બ્લોગ પર એણે લખ્યું કે એ ‘બોરિંગ બીબાંઢાળ નકલી જિંદગીથી દૂર કોઈ નવાં સરપ્રાઇઝિસ શોધવા માગતો હતો.’ 32 વર્ષની ઉંમરે એણે આ બધું જ છોડી દીધું. પોતાનું ઘર, પોતાની ધરખમ કમાણી, કપડાં, ચીજવસ્તુઓ વગેરે બધું જ છોડી દીધું અથવા દાન કરી દીધું. નેપાળમાં આવેલા ભૂકંપના પીડિતોને મદદ કરવા માટે તેણે પોતાની તમામ બચત ખર્ચી નાખી. એણે પોતાની વન વે ટિકિટ કઢાવી અને દુનિયા ખૂંદવા નીકળી પડ્યો. પોતાના બ્લોગ ‘એડવેન્ચર્સ ઑફ જસ્ટિન’ની ટેગલાઇન એણે રાખી હતી, ‘દયાળુ બનો અને કંઇક મોટું કરી બતાવો.’ જસ્ટિનની મોટરસાઇકલ ડાયરીઝ તેણે પોતાની મોટરસાઇકલ પર સાઉથ-ઇસ્ટ એશિયામાં પ્રવાસ કર્યો, દૂર-સુદૂર આવેલાં મંદિરોમાં ધ્યાન કર્યું, આદિવાસી સમુદાયો સાથે રહ્યો. તેના મિત્રો ઘણીવાર તેની સરખામણી ‘ઇનટુ ધ વાઇલ્ડ’ના ક્રિસ મેકકેન્ડલેસ સાથે કરતા. ક્રિસ એક એવો અમેરિકન હતો, જે અલાસ્કાના જંગલમાં ભટક્યા પછી મૃત્યુ પામ્યો હતો. પરંતુ જસ્ટિન મેકકેન્ડલેસથી અલગ હતો. મેકકેન્ડલેસ એક આદર્શવાદી શીખાઉ હતો. જસ્ટિન એક પ્રશિક્ષિત નિષ્ણાત હતો. તે કોઇપણ પરિસ્થિતિમાં ટકી રહેવા માટે પૂરી રીતે તૈયાર હતો, આથી જ જ્યારે તે ગાયબ થયો ત્યારે કોઇને એ વાત પર વિશ્વાસ નહોતો આવતો. પાર્વતી વેલીઃ દિલધડક સૌંદર્ય, જીવલેણ રહસ્ય હિમાચલ પ્રદેશમાં આવેલી પાર્વતી ખીણ એવી જગ્યાઓમાંથી એક છે જે હૃદય અને મન બંનેને મોહિત કરે છે. બરફથી ઢંકાયેલા પર્વતો, કાચ જેવી બ્લુ રંગની નદીઓ, ઊંચાં પાઈનનાં વૃક્ષોનાં ગાઢ જંગલો અને ઊંચા ઊંચા ખડકો પર વસેલાં પ્રાચીન ગામો… આંખ બંધ કરીને કોઈ કુદરતી સૌંદર્ય ધરાવતી જગ્યાની કલ્પના કરીએ તો જે દેખાય તેવી જ આ પાર્વતી વેલી છે. 1960 અને 70 ના દાયકાથી તે પશ્ચિમી હિપ્પી, બેકપેકર્સ, યોગીઓ અને આધ્યાત્મિક પ્રવાસીઓને આકર્ષિત કરતી આવી છે. શિવજીનું ધ્યાનસ્થાનઃ મનતલાઈ લેક ખીણના ઉપરના ભાગમાં ખીરગંગા આવેલી છે જ્યાં ભગવાન શિવે 3 હજાર વર્ષ સુધી ધ્યાન કર્યું હોવાનું કહેવાય છે. તેની પેલે પાર 13 હજાર ફીટની ઊંચાઇએ ગ્લેશિયરથી રચાયેલું મનતલાઈ તળાવ આવેલું છે, જે પાર્વતી નદીનું ઉદગમ સ્થાન છે. કસોલના કેફેમાં હજારો પ્રવાસીઓ બેસીને પોતાનો સમય પસાર કરે છે, ટ્રાન્સ મ્યુઝિકના ઉત્સવોમાં મહાલે છે અને ધુણી ધખાવીને બેઠા રહેતા સાધુઓથી આકર્ષાય છે. એક હજારથી વધુ લોકો ક્યાં ગાયબ થઈ ગયા? પરંતુ આ સુંદરતા પાછળ એક ભેદી સત્ય છુપાયેલું છે. છેલ્લા અઢી દાયકામાં આ પાર્વતી વેલીમાં એંસીથી વધુ વિદેશી પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે અથવા ગુમ થયા છે. ભારતીયોનો આંકડો તો ક્યાંય વધુ છે. કુલ્લુ પોલીસના સત્તાવાર રેકોર્ડ દર્શાવે છે કે 2003થી 2023ની વચ્ચે આ ખીણમાં 1,000 થી વધુ લોકો ગુમ થયા હતા. તેમાંથી અડધોઅડધ લોકો તો ક્યારેય મળ્યા નથી. 1991માં ઓસ્ટ્રેલિયન ઓડેટ હોર્ટન અને સ્વિસ મેરિયાન હેયર બંને ગાયબ થઈ ગયા હતા. 1996માં બ્રિટિશ બેકપેકર ઇયાન મોગફોર્ડ ગાયબ થઇ ગયેલો, જેણે પોતાના પિતાને કહ્યું હતું કે એક સાધુ સાથે તેની મિત્રતા થઈ ગઈ છે. 1997માં કેનેડિયન અરદાવન તાહરઝાદેહ ગાયબ થઈ ગયો. 2000માં બે જર્મન હાઇકર્સને તેમના તંબુમાં કોઇકે ગોળી મારી દીધી હતી, જેમાંથી એકનું મોત નીપજ્યું હતું. તે જ વર્ષે એક બ્રિટિશ પુરુષ, તેની સ્પેનિશ મંગેતર અને તેના 14 વર્ષના પુત્ર પર હુમલો કરવામાં આવ્યો. મહિલા અને બાળકને પહાડની કોતરમાં ફેંકી દેવામાં આવ્યાં. 2007માં ઇઝરાયેલી બેકપેકર ડ્રુર શેકેડ એક રસ્તા પર લોહીથી લથપથ છરી સાથે મળી આવ્યો. 2015માં 24 વર્ષીય પોલિશ નાગરિક બ્રુનો માશ્લિક ગાયબ થઈ ગયો. તેના પિતાએ આ માટે ડ્રગ માફિયાઓને દોષી ઠેરવ્યા. પ્રવાસીઓનો બર્મ્યૂડા ટ્રાયેંગલ એટલા માટે જ આ ખીણના ઘણાં બધાં નામ પડી ગયાં છેઃ 'ડેથ વેલી', 'વેલી ઓફ શેડોઝ', 'બેકપેકર્સ બર્મુડા ટ્રાયેંગલ' વગેરે. આ બધું જાણતો હોવા છતાં જસ્ટિન એલેક્ઝાન્ડર શેટલર આ પાર્વતી વેલીની અજાણી ભેંકાર દિશાઓ ઊલેચવા ઊતરી પડ્યો હતો. આ વેલીમાં ગાયબ થયેલા લોકો કરતાં જસ્ટિનની સ્ટોરી ક્યાંય વધુ ભેદી અને રહસ્યમયી છે. ખીરગંગા ગુફા અને નાગા બાબાની જાળ 2016ના ઉનાળામાં જસ્ટિન ભારતમાં મહિનાઓ સુધી પ્રવાસ કરતો રહ્યો. પોતાની મોટરસાઇકલ પર પર્વતો ચડતો, લખતો, વીડિયો શૂટ કરતો, ધ્યાન કરતો. જુલાઈ સુધીમાં તે હિમાચલ પ્રદેશ પહોંચ્યો અને પાર્વતી વેલીમાં ખીરગંગા ઉપર એક ગુફા શોધી કાઢી. 4 ફૂટ ઊંચી, જંગલની વચ્ચે છુપાયેલી આ ગુફામાં તે અઠવાડિયા સુધી રહ્યો. આદિમાનવની જેમ અગ્નિ પ્રગટાવતો, મીણબત્તીના પ્રકાશમાં વાંચતો અને તેની વાંસની લાકડીઓને કોતરી કોતરીને વાંસળી બનાવતો. કોણ હતો એ ‘નાગા બાબા’? 28 જુલાઈના રોજ 47 વર્ષનો આન્દ્રે ગેપોન નામનો એક રશિયન માણસ આવ્યો. પોતે ત્રણ મહિનાના આધ્યાત્મિક એકાંત પર હતો. જસ્ટિન અને ગેપોન વચ્ચે મિત્રતા બંધાઈ. પરંતુ તે સમય દરમિયાન જસ્ટિન એક એવા માણસને મળ્યો જે પાછળથી આ આખી વાર્તાનું સૌથી ડાર્ક કેરેક્ટર બન્યો. તેમનું નામ સત્યનારાયણ રાવત હતું, પણ તેને સૌ ‘નાગા બાબા’ તરીકે ઓળખાતા હતા. ખીરગંગા નજીક એક ઝૂંપડીમાં રહેતો આ સ્વ-ઘોષિત સાધુ હતો. લી નામના અન્ય એક ફ્રેન્ચ પ્રવાસીએ જસ્ટિનને ચેતવણી આપી હતી કે આ બાબા સાચો નથી, બલકે એક 'બિઝનેસ બાબા' છે, જે પ્રવાસીઓ પાસેથી ચોરી કરતો હતો અને ખતરનાક આક્રમક સ્વભાવ ધરાવતો હતો. પરંતુ જસ્ટિન બાબાની યોગ મુદ્રાઓ, તેમની રહસ્યમય દુનિયા, તેમની તપસ્વી જીવનશૈલીથી મોહિત થઈ ગયો હતો. ‘નાગા બાબાની જાદુઈ શક્તિઓ શોધવા જાઉં છું’ જસ્ટિને એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું, જે હવે ખૂબ જ ભયાનક લાગે છે: ‘મેં આ બાબાઓની જાદુઈ શક્તિઓ વિશેની વાતો સાંભળી છે. તે લોકો પવિત્ર છે, પણ જંગલી છે, અને ભારતમાં કાયદાથી ઉપર છે. મને સાંભળવા મળ્યું છે કે એ લોકો હત્યા કરે તો પણ પોલીસ તેમની ધરપકડ કરતી નથી.’ આ વાત લખ્યાના થોડા દિવસો પછી, જસ્ટિન આ જ બાબા સાથે જંગલમાં જતો રહ્યો! ‘હું પાછો ન આવું તો મને શોધતા નહીં’ 20 ઓગસ્ટ, 2016ના રોજ જસ્ટિને પોતાના બ્લોગ પર પોતાનો છેલ્લો મેસેજ પોસ્ટ કર્યો. તેણે લખ્યું કે નાગા બાબા તેમને 13 હજાર ફૂટની ઊંચાઈએ આવેલા મનતલાઈ તળાવની યાત્રા પર લઈ જઈ રહ્યા છે, જ્યાં કોઈ કાળે શિવજી ધ્યાન કરતા હતા. તેઓ પોતાની સાથે એક કૂલી-રસોઈયો અનિલ સિંહ પણ હશે. તેઓ પોતાની સાથે થોડા ચોખા, લોટ, ચા અને ખાંડ જેવી જૂજ સામગ્રી સિવાય કશું જ નહીં લઈ જાય. દસ દિવસ માત્ર ધ્યાન ધરશે. અને પછી એણે જે વાક્ય લખ્યું જેનાથી આખી દુનિયા ચોંકી ઊઠીઃ ‘હું સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં પાછો આવીશ. જો હું ત્યાં સુધીમાં ન આવ્યો હોઉં, તો મને શોધશો નહીં.’ આ પછી એક આંખ મિંચકારતું ઇમોજી મૂક્યું, કદાચ મજાકમાં, કદાચ અજાણપણે આવનારાં અગમનાં એંધાણથી. ધીમે ધીમે જસ્ટિન પહાડોમાં ઓગળી ગયો 22 ઓગસ્ટની આસપાસ જસ્ટિન, નાગા બાબા અને અનિલ સિંહ ખીરગંગાથી મનતલાઈ જવા નીકળ્યા. જતાં જતાં જસ્ટિને પોતાના રશિયન મિત્ર આન્દ્રે ગેપોનને કહ્યું: ‘જો હું મરી જાઉં, તો ફેસબુક પર મારા માટે કંઈક સરસ લખજે.’ ગેપોને તેના મિત્ર તરફ જોયું અને તેને જતો જોઈ રહ્યો. ધીમે ધીમે જસ્ટિન પર્વતોમાં ઓગળી ગયો. કૂલી અનિલ સિંહના જણાવ્યા મુજબ બાબાએ તેમને આગળ વધવા કહ્યું અને તે જસ્ટિન સાથે પાછળ રહ્યો. ત્યારબાદ બનેલી ઘટનાઓનો રાવતનો અહેવાલ અલગ અલગ હતો, પહેલાં તેમણે કહ્યું કે જસ્ટિન આગળ ગયો અને અંધારામાં ખોવાઈ ગયો, અને પછી તેણે કહ્યું કે જસ્ટિન મનતલાઈ નજીક મળેલા અન્ય ટ્રેકર્સ સાથે આગળ વધ્યો. જસ્ટિનની ન લાશ મળી, ન કોઈ સગડ મળ્યા 3 સપ્ટેમ્બરના રોજ જસ્ટિનનો છેલ્લો ફોટો લેનારા ટ્રેકર્સે તેને જોયો. જસ્ટિન થાકેલો દેખાતો હતો અને બે દિવસથી તેણે કંઈ ખાધું ન હતું. બાબા લગભગ 30 મિનિટ પહેલાં તે જ ટ્રેકર્સને મળ્યા હતા. બીજા શબ્દોમાં કહીએ તો, તેઓ સાથે નહોતા, પણ તેઓ આગળ-પાછળ ચાલી રહ્યા હતા. ટ્રેકર્સે જસ્ટિનને સાથે આવવા કહ્યું, તેણે ના પાડી, કહ્યું કે તેને પોતાનો સામાન ઉપાડવાનો છે, ઇન્ટરનેટનો ઉપયોગ કરવો પડશે અને વીડિયો એડિટ કરવો પડશે. તે નીચે પાછો ફર્યો. ખીરગંગાથી તેના રહેવાના સ્થળ સુધી બે કે ત્રણ દિવસનો ટ્રેક હતો. જ્યાં તેની મોટરસાઇકલ પાર્ક કરેલી હતી ત્યાંથી બીજા ત્રણ કલાક દૂર. જસ્ટિન ક્યારેય પહોંચ્યો નહીં. તેની મોટરસાઇકલ જ્યાં હતી ત્યાંથી જ મળી આવી. તેનો કેટલોક સામાન પાર્વતી નદીના કિનારે મળી આવ્યો. પરંતુ તેનો આઇફોન, જેનાથી એ આખી દુનિયા સાથે જોડાયેલો રહેતો, તે ક્યારેય મળ્યો નહીં. જસ્ટિનની ક્યારેય કોઈ લાશ ન મળી, તેના કોઈ સગડ મળ્યા નહીં. જાણે તે હવામાં ઓગળી ગયો કે પાતળમાં ધરબાઈ ગયો. અમેરિકન માતાએ હેલિકોપ્ટરથી શોધ ચલાવી સપ્ટેમ્બર મહિનો પસાર થયો, ઓક્ટોબર શરૂ થયો અને પોર્ટલેન્ડ, ઓરેગોનમાં બેઠેલી જસ્ટિનની માતા, સુઝી રીબ પોતાના દીકરાના સમાચાર જાણવા માટે બેબાકળી થઈ રહી હતી. અઠવાડિયાંઓથી તેના પર દીકરાનો કોઈ ફોન નહોતો આવ્યો, સોશિયલ મીડિયા પર તેની કોઈ અપડેટ નહોતી, બ્લોગ શાંત હતો. એક માતાનું હૃદય કહેતું હતું કે કંઇક તો લોચો છે. તેના દીકરા સાથે જરૂર કંઇક ખોટું થયું છે. 3 ઓક્ટોબરે જસ્ટિનના ગુમ થયાથી સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી. 9 ઓક્ટોબરે સુઝી દિલ્હી જવા માટે ફ્લાઇટમાં બેઠી. લંડનથી જસ્ટિનનો મિત્ર જોનાથન સ્કાઇલ્સ પણ ભારત આવ્યો. પહેલાં યુએસ એમ્બેસી, પછી હિમાચલ. લી, સ્થાનિક માર્ગદર્શકો સાથે મળીને ખીણમાં શોધ શરૂ કરી. પોલીસ પણ આખી ટીમ સાથે તપાસમાં જોડાઈ. સુઝીએ જંગલમાં દીકરાને શોધવા માટે એક ખાનગી હેલિકોપ્ટર ભાડે રાખ્યું. હિમાચલ પ્રદેશ સરકારે પોતાનું સ્ટેટ હેલિકોપ્ટર પૂરું પાડ્યું. પાર્વતી વેલીમાં ગુમ થયેલા કોઈ વિદેશી માટે આ પ્રકારની પહેલી શોધ હતી. ભારતનાં તત્કાલીન વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પણ આ કેસ પર નજર રાખી હતી અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી પાસેથી રિપોર્ટ માગ્યો હતો. આ કેસ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે હેડલાઇન્સ બન્યો હતો. નાગા બાબાએ જેલમાં આત્મહત્યા કેમ કરી લીધી? 15 ઓક્ટોબર, 2016 ના રોજ પોલીસે નાગા બાબા સત્યનારાયણ રાવતની ધરપકડ કરી, જે છેલ્લે જસ્ટિન સાથે હોવાનું જાણવા મળ્યું હતું, અપહરણ અને હત્યાની શંકાના આધારે. રાવતને મણિકરણ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા. કુલ્લુના પોલીસ અધિક્ષક પદમ ચંદે જણાવ્યું કે રાવતે સ્વીકાર્યું કે જસ્ટિન તેની અને કૂલી અનિલ સિંહ સાથે ટ્રેક પર ગયો હતો, પરંતુ દાવો કર્યો કે જસ્ટિન આગળ ગયો હતો અને તે તેને શોધી શક્યા નહીં. અનિલ સિંહનું નિવેદન પણ કંઈક અંશે આ સાથે મેળ ખાય છે. રાવતના રિમાન્ડ નવ દિવસ પછી 24 ઓક્ટોબરે પૂરા થવાના હતા. પરંતુ તેના થોડા દિવસો પહેલાં, અચાનક એક સમાચાર આવ્યા જેણે સમગ્ર કેસને ચકરાવે ચડાવી દીધો. સત્યનારાયણ રાવત જેલના સળિયા પર પોતાની ધોતીનું દોરડું બનાવીને ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો! જસ્ટિનના ગાયબ થવાના કેસનો એકમાત્ર સંભવિત સાક્ષી અને મુખ્ય શંકાસ્પદને હંમેશ માટે ચૂપ કરી દેવામાં આવ્યો. તેણે આ પગલું કેમ ભર્યું? આ પ્રશ્ન હજુ પણ વણઊકલ્યો જ છે. ઉકેલ માગતા સવાલો જસ્ટિનના મિત્રો ટોમ મેકએલરોય અને જોનાથન સ્કાયલ્સને આ ખૂબ જ શંકાસ્પદ લાગ્યું. શું આ કોઇ ગિલ્ટ હતું? શું તે માનસિક રીતે ભાંગી પડ્યો હતો? કે પછી પોલીસની મિલીભગત હતી, જેથી કોઈ વાંધાજનક સત્ય બહાર ન આવે? ભારતમાં કસ્ટોડિયલ ડેથ કોઈ નવી વાત નથી. અને પાર્વતી વેલી જેવી જગ્યા જ્યાં વર્ષેદહાડે અનેક લોકો ગાયબ થતા રહે છે, ત્યાં આ પ્રકારનું ભેદી કસ્ટોડિયલ મોત રહસ્યને ઓર ઘેરું કરે છે. જસ્ટિનની માતા સુઝી રીબે કહ્યું: ‘અમે જસ્ટિનને શોધવાની બધી આશા ગુમાવી દીધી છે.’ પોલીસે કેસ બંધ કરી દીધો. ક્લોઝિંગ રિપોર્ટમાં જણાવાયું હતું: ‘અમે જસ્ટિનના મોતનું સંભવિત કારણ નક્કી કરી શકતા નથી, પરંતુ અમને શંકા છે કે હત્યાના ઇરાદાથી તેનું કિડનેપિંગ કરવામાં આવ્યું હતું.’ ઇન્ડિયા સિન્ડ્રોમ કે મર્ડર? પોલીસે બીજી એક થિયરી પર ભાર મૂક્યો 'ઈન્ડિયા સિન્ડ્રોમ'. આ થિયરી 1985માં ફ્રેન્ચ મનોચિકિત્સક રેગી આયરોલ્ટ દ્વારા રજૂ કરવામાં આવી હતી. તેઓ મુંબઈમાં ફ્રેન્ચ એલચી કચેરીમાં મનોચિકિત્સક હતા. 16 મહિના દરમિયાન તેમણે ભારતમાં માનસિક સમસ્યાઓથી પીડાતા લગભગ 200 ફ્રેન્ચ નાગરિકોની સારવાર કરી. આમાંથી 50 લોકોને મનોરોગ હતો, અને 15 લોકોને 'મુસાફરીથી પ્રેરિત ડિમેન્શિયા'નું ચોક્કસ સ્વરૂપ હતું, જેને તેમણે ‘ઈન્ડિયા સિન્ડ્રોમ’ નામ આપ્યું. એરોલ્ટના મતે સ્વસ્થ, શિક્ષિત, યુવાન પશ્ચિમી પ્રવાસીઓ ભારતમાં આવે છે. થોડાં અઠવાડિયાંમાં તેઓ મૂંઝવણમાં મુકાઈ જાય છે, દિશાહિન થઈ જાય છે અને કેટલાક કિસ્સાઓમાં સંપૂર્ણપણે પાગલ થઈ જાય છે. કેટલાક તેમના પાસપોર્ટ બાળી નાખે છે. અન્ય મહિનાઓ સુધી ભટકતા રહે છે. આ સિન્ડ્રોમ ત્યારે થાય છે જ્યારે ભારતની તીવ્ર આધ્યાત્મિક પ્રેરક શક્તિ તૈયારી વિનાના મન સાથે અથડાય છે. ડ્રગ્સનો દૈત્ય પ્રવાસીઓને ગળી જાય છે? હિમાચલ પ્રદેશની પાર્વતી વેલી આ સિન્ડ્રોમને ઉત્તેજિત કરે છે. સાધુઓની હાજરી, દુર્લભ હશીશ (એક માદક દ્રવ્ય), અને એકલતા અને સ્વ-શોધનું વાતાવરણ આ બળતામાં ઘી હોમે છે. 2012માં આઇરિશ પત્રકાર જોનાથન સ્પોલેન ઋષિકેશમાંથી ગાયબ થઈ ગયો. 2005માં 21 વર્ષીય ઓસ્ટ્રેલિયન રાયન ચેમ્બર્સે પોતાનો બધો સામાન ઋષિકેશમાં છોડી દીધો અને એક નોંધ લખી: 'જો હું ગયો હોઉં, તો ચિંતા કરશો નહીં. હું મરી ગયો નથી. હું ફક્ત મારું મન મુક્ત કરી રહ્યો છું.' તે આજની તારીખે પણ ગુમ છે. પોલીસે જસ્ટિનના બ્લોગની તે લાઇનઃ ‘મને શોધશો નહીં’ને ઇન્ડિયા સિન્ડ્રોમના પુરાવા તરીકે ગણી. પરંતુ આ દલીલ અત્યંત નબળી છે. જસ્ટિન એક તાલીમ પામેલો સર્વાઇવલ એક્સપર્ટ હતો. તેના 30,000થી વધુ ફોલોઅર્સ હતા, જેમની સાથે તે નિયમિતપણે ઇન્ટરએક્ટ કરતો હતો. તેની એક માતા હતી જેને તે પ્રેમ કરતો હતો. તેણે નીચે એક મોટરસાઇકલ પાર્ક કરેલી હતી, જેના પર તે પાછો ફરવાનો હતો. તેણે પોતાની નોંધની નીચે આંખ મારતું ઇમોજી મૂકેલું હતું, જે હળવી મજાક હતી, કોઈ ગંભીર મેનિફેસ્ટો નહીં. ત્રણ થિયરી, ત્રણેય શંકાસ્પદ પહેલી થિયરી: અકસ્માત. પાર્વતી નદી ખૂબ જ વિકરાળ છે. ચોમાસા દરમિયાન રસ્તાઓ ધોવાઈ જાય છે, જમીનમાં ભંગાણ પડે છે, લેન્ડ સ્લાઇડિંગ થાય છે અને કોતરો ઊંડાં થઈ જાય છે. કદાચ જસ્ટિન થાક અને ભૂખને કારણે ઠોકર ખાઈને કોતરમાં પડી ગયો હોઈ શકે. પરંતુ જો એવું હોય તો તેનો ફોન કે તેનો મૃતદેહ કેમ ક્યાંયથી મળ્યો નહીં? બીજી થિયરી: હત્યા. નાગા બાબાની ભૂમિકા દરેક દૃષ્ટિકોણથી શંકાસ્પદ છે. તેમનાં નિવેદનો બદલાતાં રહ્યાં. જસ્ટિને પોતે લખ્યું હતું કે ભારતમાં આવા બાબાઓ હત્યા કરે તો પણ તેમની ધરપકડ થતી નથી. અને પછી બાબાનું જેલમાં મૃત્યુ, જ્યારે તેમની મુક્તિ નજીક હતી, શું તે દોષિત હોવાની સાબિતી હતી કે કોઈ કાવતરું? ડ્રગ માફિયાની થિયરી પણ આમાં જોડાયેલી છે. પાર્વતી વેલી વિશ્વની સૌથી મોંઘી હશીશ ઉગાડે છે, જેમ કે ‘મલાના ક્રીમ’. શક્ય છે કે જસ્ટિને કંઈક એવું જોઈ લીધું હોય, જેની કિંમત તેને પોતાના જીવથી ચૂકવવી પડી હોય. ત્રીજી થિયરી: સ્વૈચ્છિક રીતે ગાયબ થવું. શું જસ્ટિન ખરેખર દુનિયાને અલવિદા કહી ગયો? ​​તેનાં લખાણોમાં એક પેટર્ન હતીઃ વધુ ઊંડો, વધુ ગહન, વધુ એકાંત, વધુ ત્યાગ. શું તે ક્યાંક હિમાલયના આશ્રમમાં, બદલાયેલા નામ હેઠળ આજે પણ જીવે છે? આ સૌથી ઓછી શક્યતાવાળી થિયરી છે, પણ સૌથી રહસ્યમય છે. કારણ કે જસ્ટિનને પ્રેમ કરનાર કોઇપણ વ્યક્તિ એવું માનતી નથી કે તેણે જાણી જોઈને બધાને આટલી પીડામાં છોડી દીધા હશે. કોઇપણ જવાબ વિનાનાં દસ વર્ષ 2022માં લેખક હાર્લી રુસ્ટાડનું પુસ્તક ‘લોસ્ટ ઇન ધ વેલી ઓફ ડેથ: અ સ્ટોરી ઓફ ઓબ્સેશન એન્ડ ડેન્જર ઇન ધ હિમાલય’ પ્રકાશિત થયું. આ પુસ્તકમાં જસ્ટિનની સ્ટોરી અને પાર્વતી વેલીનાં રહસ્યોની વિગતવાર તપાસ કરાઈ છે. આ પુસ્તકે આ કેસને ફરીથી વૈશ્વિક ધ્યાન પર લાવ્યો. 2024માં ‘ટેન્ડરફૂટ ટીવી’ના પોડકાસ્ટ ‘સ્ટેટસ: અનટ્રેસ્ડ’માં લિયામ લક્સને વ્યક્તિગત રીતે જસ્ટિનના કેસની તપાસ કરવા માટે પાર્વતી વેલીની મુસાફરી કરી હતી. આ પોડકાસ્ટે કેસને ફરીથી જાહેર ચર્ચામાં લાવ્યો. આજે, 2026માં જસ્ટિન જીવતો હોય તો 44 કે 45 વર્ષનો હોય. તેનો કેસ અમેરિકાના ઓરેગોનમાં લેક ઓસ્વેગો પોલીસ વિભાગમાં પણ નોંધાયેલો છે. આ કેસમાં કોઈ આરોપી નથી, કોઈ લાશ નથી, કોઈ ચાર્જશીટ નથી. જેના પર શંકા હતી તે નાગા બાબા મૃત્યુ પામ્યા છે. પોર્ટર અનિલ સિંહને મુક્ત કરવામાં આવ્યો છે. કુલ્લુની એક ઓફિસમાં જસ્ટિનની પોલીસ ફાઇલ ધૂળ ખાઈ રહી છે. જસ્ટિનની માતા સુઝી રીબ આજે પણ એક દિવસ પોતાનો દીકરો પાછો ફરશે તે આશામાં જીવે છે. પાર્વતી વેલીનો ‘શ્રાપ’ આજે પણ ચાલુ છે જસ્ટિનના ગુમ થયા પછી પણ પાર્વતી વેલી લોકોને ગળી જવાનું બંધ કરી શકી નથી. તે પછી બે ફ્રેન્ચ ટ્રેકર્સ ફ્રાન્સવા-ઝેવિયર કેમિલ અને વેલેન્ટિન ગોર્જેસ ધૌલાધર રેન્જમાં ગાયબ થઈ ગયા, અને તેમની શોધ બંધ કરવી પડી. દર વર્ષે નવા કેસ બહાર આવે છે. દર વર્ષે પરિવારો આંસુ સાથે આ પર્વતો પર પોતાનાં પ્રિયજનોને શોધવા માટે દોડી જાય છે. પોલીસ કહે છે કે લોકો ગાંજો લેવા આવે છે, નશામાં ધૂત થાય છે અને નદીમાં પડી જાય છે. પરંતુ આ જવાબ એવા ડઝનબંધ પરિવારો સ્વીકારવા તૈયાર નથી, જેમનાં સંતાનો આ વેલીમાં ગયા અને ક્યારેય પાછા ફર્યાં નહીં. આ વેલીનું નામ પ્રેમ અને સંવાદિતાની દેવી ‘પાર્વતી’ના નામ પરથી રાખવામાં આવ્યું છે. તેની નદી ઠંડીગાર છે, તેની કોતરો ઊંડી છે અને તેના રહસ્યો અભેદ્ય છે. પરંતુ ‘ડેથ વેલી’ તરીકે જે કારણોસર તે પંકાઈ તે રહસ્ય હજુ સુધી વણઊકલ્યું છે.
    Click here to Read More
    Previous Article
    2026નું NEETનું પેપર લીક થવું નક્કી જ હતું!:46માંથી 45ને જામીન, માસ્ટરમાઇન્ડ સામે કેસ જ નહીં; નામ બદલાયા પરંતુ મોડલ એ જ રહ્યું
    Next Article
    IPL Final Weather Forecast: Will Rain Disrupt RCB vs GT Clash In Ahmedabad?

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment