Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2026નું NEETનું પેપર લીક થવું નક્કી જ હતું!:46માંથી 45ને જામીન, માસ્ટરમાઇન્ડ સામે કેસ જ નહીં; નામ બદલાયા પરંતુ મોડલ એ જ રહ્યું

    8 hours ago

    5 મે 2024ના રોજ NEET-UGની પરીક્ષા હતી. પેપર શરૂ થાય તે પહેલાં જ ખબર પડી કે પેપર લીક થઈ ગયું છે. મુખ્ય કેન્દ્ર પટના હોવાનું સામે આવ્યું, જ્યાં સોલ્વર ગેંગે એક રાત પહેલાં જ કેટલાક વિદ્યાર્થીઓને પરીક્ષામાં આવનારા સવાલ-જવાબો ગોખાવ્યા હતા. આ સિવાય પણ ઘણી ગેરરીતિઓ સામે આવી હતી. પરીક્ષા રદ ન થઈ પરંતુ ભવિષ્યમાં આવું ન થાય તે માટે NTAએ ફૂલ-પ્રૂફ સિસ્ટમ બનાવવાનો દાવો કર્યો હતો. એક કમિટી બનાવવામાં આવી અને તેની ભલામણો લાગુ પણ કરવામાં આવી. છતાં 2026માં ફરીથી પેપર લીક થયું અને પરીક્ષા રદ કરવી પડી. અમે 2024ના NEET પેપર લીક સાથે જોડાયેલા કેસ રેકોર્ડ્સ, CBIની ચાર્જશીટ અને પટના હાઈકોર્ટના આદેશોની બારીકાઈથી તપાસ કરી. આ તપાસ અને પકડાયેલા લોકોનું સતત જામીન પર બહાર આવવું એ સિલસિલો પહેલેથી જ સંકેત આપી રહ્યો હતો કે ટૂંક સમયમાં ફરીથી પેપર લીક થવું નક્કી જ છે. તપાસમાં 3 મોટી વાતો સામે આવી... 1. 46 ધરપકડ થઈ, લગભગ તમામ જામીન પર બહાર આ કેસમાં પહેલા બિહાર EOW અને બાદમાં CBIએ તપાસ કરી હતી. કુલ 46 લોકોની ધરપકડ કરી હતી, જેમાંથી 45 સામે ચાર્જશીટ દાખલ કરી છે. મીડિયામાં જેને માસ્ટરમાઈન્ડ દર્શાવ્યો હતો તે સંજીવ મુખિયા સામે CBIને ખાસ પુરાવા મળ્યા નથી, તેથી તેની સામે ચાર્જશીટ દાખલ થઈ શકી નથી અને તેને ડિફોલ્ટ બેલ (જામીન) મળી ગઈ. મોટાભાગના આરોપીઓ શરતી જામીન પર બહાર છે. માત્ર અમિત પ્રસાદ મહારાણાને જામીન મળ્યા નથી. આ મામલાની ટ્રાયલ હજુ શરૂ થવાની બાકી છે. 2. નામ બદલાયા, પરંતુ કોચિંગ નેટવર્કનું મોડલ એ જ રહ્યું 2024 અને 2026ના કેસોમાં આરોપીઓના નામ અલગ-અલગ છે, પરંતુ બંને કિસ્સાઓમાં કોચિંગ અને એડમિશન કન્સલ્ટન્સી સાથે જોડાયેલા નેટવર્કની ભૂમિકા સામે આવી છે. 2024ની તપાસમાં એવા લોકોના નામ બહાર આવ્યા જેઓ પહેલા પણ એન્ટ્રન્સ એક્ઝામમાં ડમી કેન્ડિડેટ અને સોલ્વર નેટવર્ક સાથે જોડાયેલા હતા. આમાંથી કેટલાક આરોપીઓ જામીન મળ્યા બાદ ફરીથી શિક્ષણ અને કાઉન્સિલિંગના વ્યવસાયમાં સક્રિય જોવા મળ્યા છે. 3. પાંચ મહિના પહેલાંથી જ ભરોસો હતો કે પેપર લીક કરાવી લઈશું પેપર લીક નેટવર્ક સાથે જોડાયેલા મુખ્ય આરોપીને 2024માં પૂરો ભરોસો હતો કે તેઓ ઝારખંડના એક પરીક્ષા કેન્દ્રના સ્ટ્રોંગ રૂમમાંથી પેપર મેળવી લેશે. આ બાબતને ધ્યાનમાં રાખીને તેમણે પરીક્ષાના લગભગ પાંચ મહિના પહેલાં જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. સોલ્વર ગેંગ તૈયાર કરવામાં આવી, ડમી કેન્ડિડેટ્સની શોધ શરૂ થઈ અને પરીક્ષા પહેલાં ફ્લાઇટ તેમજ ટ્રેનની ટિકિટો પણ બુક કરાવી દેવામાં આવી હતી. તેમણે 2023માં પણ પેપર લીક કરાવ્યા હોવાના દાવા કર્યા હતા. ભલે 2026ના કેસમાં અલગ લોકો છે, પરંતુ પેટર્ન બિલકુલ એ જ ફોલો થઈ રહી છે. 2024 પેપર લીક નેટવર્કના 5 મુખ્ય પાત્રો 2024 NEET પેપર લીક કેસમાં તપાસ એજન્સીઓએ જે નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો, તેમાં 5 મુખ્ય પાત્રો સામે આવ્યા હતા. આમાંથી ચાર આરોપીઓને 271થી 279 દિવસની અંદર જ જામીન મળી ગયા હતા. જ્યારે, કથિત માસ્ટરમાઈન્ડ ગણાતા સંજીવ મુખિયા સામે CBI ચાર્જશીટ પણ દાખલ કરી શકી નથી. 1. સંજીવ મુખિયા કથિત માસ્ટરમાઈન્ડ, પરંતુ પુરાવા નથી | 99 દિવસમાં જામીન મળ્યા સંજીવ મુખિયાની 24 એપ્રિલ 2025ના રોજ ધરપકડ કરી હતી. શરૂઆતની તપાસમાં તેનું નામ સામે આવ્યું હતું, પરંતુ CBIને પૂરતા પુરાવા મળ્યા નહોતા. 90 દિવસની અંદર ચાર્જશીટ દાખલ ન થવાને કારણે 2 ઑગસ્ટ 2025ના રોજ તેને ડિફોલ્ટ બેલ મળી ગઈ હતી. જોકે અન્ય કેસોમાં રાહત ન મળવાને કારણે તે હાલ જેલમાં જ છે. 2. અમિત કુમાર સિંહ સોલ્વર અને કોચિંગ નેટવર્કનો કો-ઓર્ડિનેટર | 279 દિવસ બાદ જામીન મળ્યા ઝારખંડનો રહેવાસી અમિત કુમાર સિંહ આ નેટવર્કનો મુખ્ય ઓપરેટર હતો. CBIના જણાવ્યા અનુસાર, તેણે રાજસ્થાન, બિહાર, ઝારખંડ અને ઓડિશામાંથી કેન્ડિડેટ્સ અને સોલ્વર્સ ભેગા કર્યા હતા. પરીક્ષાના મહિનાઓ પહેલાં જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. સોલ્વર્સના આવવા-જવાની એડવાન્સ બુકિંગ પણ કરાવી લેવાઈ હતી. તપાસમાં અનેક કોચિંગ એજન્ટ્સ અને કન્સલ્ટન્સી નેટવર્ક સાથે તેના સંબંધો હોવાનું સામે આવ્યું છે. 2 જુલાઈ 2024ના રોજ તેની ધરપકડ થઈ હતી, પરંતુ એક વર્ષની અંદર જ 7 મે 2025ના રોજ તેને જામીન મળી ગયા હતા. 3. પંકજ કુમાર ઉર્ફે આદિત્ય પેપર ચોરીથી લઈને પુરાવા મિટાવવા સુધીની કાવતરામાં સામેલ | 272 દિવસ બાદ જામીન મળ્યા CBI મુજબ, પંકજ કુમારે પરીક્ષાનું પેપર મેળવવામાં, તેને સોલ્વર્સ સુધી પહોંચાડવામાં અને બાદમાં પુરાવા નાશ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે હજારીબાગની ઓએસિસ સ્કૂલમાંથી NEETનું પેપર ચોરીને તેના ફોટા પાડ્યા હતા. ત્યારબાદ આ ફોટા રાજ ગેસ્ટ હાઉસ મોકલીને 9થી વધુ સોલ્વર્સ પાસે પેપર સોલ્વ કરાવ્યું હતું. આ પછી સોલ્વ કરેલા પેપરની PDF બનાવીને પટના, બોકારો અને ભુવનેશ્વર મોકલવામાં આવી હતી, જ્યાં પહેલાથી જ રાખવામાં આવેલા NEET કેન્ડિડેટ્સને આ પેપર ગોખાવ્યું હતું. હજારીબાગના રાજ ગેસ્ટ હાઉસ અને સિંદૂર હાઉસમાં આની જ મદદથી વિદ્યાર્થીઓને પેપર ગોખાવ્યું હતું. તપાસ એજન્સીનો દાવો છે કે પેપર લીકમાં જે પણ ફોનનો ઉપયોગ કર્યો હતો, પંકજે તે તમામ 16 ફોન તોડી નાખ્યા હતા જેથી કોઈ પુરાવા ન મળે. પંકજની 17 જુલાઈ 2024ના રોજ ધરપકડ કરી હતી. તે એક વર્ષ પણ જેલમાં ન રહ્યો અને 15 મે 2025ના રોજ શરતી જામીન પર બહાર આવી ગયો હતો. 4. રાકેશ રંજન ઉર્ફે રોકી પેપર લીક નેટવર્કનો ઓપરેટર | આશરે 271 દિવસ બાદ જામીન મળ્યા CBIએ રાકેશને પેપર લીક નેટવર્કના મુખ્ય ઓપરેટરોમાંનો એક ગણાવ્યો છે. ઓએસિસ સ્કૂલમાંથી પેપર લીક કરાવવામાં પંકજની સાથે તે પણ સામેલ હતો. તેણે પંકજ પાસેથી સોલ્વ કરેલા પેપરની PDF પોતાના સાથી શશિકાંત પાસવાનના ફોન પર ગાવી હતી, જે હજારીબાગના સિંદૂર હાઉસમાં વિદ્યાર્થીઓને ગોખાવવામાં આવી હતી. રાકેશ આખા નેટવર્ક પર નજર રાખી રહ્યો હતો. તેના કહેવા પર જ પટનાની લર્ન પ્લે સ્કૂલમાં તેના મિત્ર બલદેવ કુમાર ઉર્ફે ચિન્ટુના ફોન પર NEETનું સોલ્વ કરેલું પેપર મોકલ્યું હતું. તે ધરપકડને લઈને પહેલેથી જ સતર્ક હતો, એટલા માટે જ પેપર લીક સાથે જોડાયેલો કોઈ પણ દસ્તાવેજ તેણે પોતાના ફોન પર મંગાવ્યો નહોતો. 10 જુલાઈ 2024ના રોજ તેની ધરપકડ થઈ હતી અને 5 ઓક્ટોબર 2024 ના રોજ તેની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. પટના હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન રાકેશના વકીલે એવો દાવો કર્યો હતો કે તેની પાસેથી લીક સંબંધિત કોઈ દસ્તાવેજો મળ્યા નથી. 4 જુલાઈ 2025ના રોજ પટના હાઈકોર્ટમાંથી રાકેશને શરતી જામીન મળી ગયા હતા. 5. રંજીત કુમાર બેઉરા કાઉન્સિલિંગ સેન્ટરથી ઉમેદવારો સુધી પહોંચ | આશરે 276 દિવસ બાદ જામીન મળ્યા ભુવનેશ્વરમાં રંજીત કુમાર બેઉરાના નામે એક ટ્રસ્ટ અને ઘણી કંપનીઓ છે. તે એક કાઉન્સિલિંગ સેન્ટર, કરિયર એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ (CAET)નો ચેરમેન છે, જ્યારે અમિત પ્રસાદ મહારાણા અને ધીરેન આ જ ટ્રસ્ટના ડાયરેક્ટર છે. 2024 NEET પેપર લીક કેસમાં રંજીતની સાથે અમિત પ્રસાદ અને ધીરેનની પણ ધરપકડ કરવામાં આવી હતી. અમિત એકમાત્ર એવો આરોપી છે જેને અત્યાર સુધી જામીન મળ્યા નથી. CBI તપાસમાં બહાર આવ્યું છે કે તેમના કાઉન્સિલિંગ સેન્ટરમાં એન્જિનિયરિંગ અને મેડિકલના વિદ્યાર્થીઓ આવે છે. તેઓ પહેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને મળીને વિગતો નોંધી લે છે. પછી આમાંથી એવા વિદ્યાર્થીઓની યાદી બનાવે છે જેઓ સારો એવો ખર્ચ કરી શકે તેમ હોય. આ પછી એકેડેમીનો સ્ટાફ તેમનો અલગથી સંપર્ક કરીને સમજાવે છે કે તેમના બાળકને વધુમાં વધુ માર્ક્સ કેવી રીતે મળી શકે અને સરકારી કોલેજમાં પણ કેવી રીતે એડમિશન મળી શકે. ત્યારબાદ પરીક્ષા પહેલાં સોલ્વ કરેલા પેપરનો દાવો કરીને લાખો રૂપિયાની ડીલ નક્કી થતી હતી. રંજીતની ટીમે NEET 2024ની પરીક્ષાનું ફોર્મ ભરતી વખતે જ પોતાના 17 ઉમેદવારોના સેન્ટર ઓડિશાના બદલે ઝારખંડના હજારીબાગમાં નંખાવ્યા હતા, જ્યાંથી પેપર લીક થયું હતું. CBIએ તમામ 17 વિદ્યાર્થીઓની ઓળખ કરી લીધી હતી. આ વિદ્યાર્થીઓને હજારીબાગના રાજ ગેસ્ટ હાઉસ અને સિંદૂર હાઉસમાં પરીક્ષા પહેલાં પેપર ગોખાવ્યું હતું. CBIની તપાસમાં રંજીતના ફોનનું લોકેશન પણ 3 મેથી 5 મે 2024 સુધી હજારીબાગમાં જ મળ્યું હતું. પટના હાઈકોર્ટમાં જામીન માટે રજૂ થયેલા રંજીતના વકીલે દાવો કર્યો હતો કે 3 ઑગસ્ટ 2023ના રોજ તેણે પોતાના ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેઓ જરૂરિયાતમંદ અને ગરીબ બાળકોને કાઉન્સિલિંગમાં મદદ કરે છે. CBIને તેમની પાસેથી એવો કોઈ પુરાવો મળ્યો નથી જે પેપર લીક સાથે સંબંધ ધરાવતો હોય. 6 મે 2025ના રોજ પટના હાઈકોર્ટે રંજીતને શરતી જામીન આપી દીધા હતા. જામીન પર બહાર આવીને રંજીત ફરીથી પોતાનું કરિયર કાઉન્સિલિંગ સેન્ટર ચલાવી રહ્યો છે. ભાસ્કરે એક ઉમેદવારના વાલી બનીને ફોન પર રંજીત સાથે વાત કરી. તેણે કહ્યું કે, "અત્યારે અમે 40 લાખથી લઈને 1.5 કરોડ રૂપિયામાં પ્રાઈવેટ મેડિકલ કોલેજ અપાવી શકીએ છીએ." જ્યારે અમે સરકારી કોલેજમાં એડમિશન માટે પૂછ્યું, ત્યારે રંજીતે કહ્યું કે, "પહેલા ઑફિસે આવો, રૂબરૂમાં વાત થશે. બધું ફોન પર ન જણાવી શકાય." વકીલોએ કહ્યું- CBI તપાસ પૂર્ણ, જામીન મેળવવો આરોપીનો હક NEET પેપર લીક કેસમાં એક પછી એક આરોપીઓને કેવી રીતે જામીન મળતા ગયા, તે જાણવા માટે અમે સુપ્રીમ કોર્ટના એડવોકેટ વિનીત જિંદલ અને પટના હાઈકોર્ટના વકીલ આકાશ શંકર સાથે વાત કરી. આકાશ આ લીક કેસમાં પકડાયેલા એક આરોપીના વકીલ પણ છે. તેઓ જણાવે છે કે, '2024ના NEET પેપર લીકમાં પહેલા પટનાની શાસ્ત્રી નગર પોલીસે FIR નોંધી હતી, બાદમાં EOWએ તપાસ કરી હતી. પછી આ કેસ CBIને ટ્રાન્સફર કર્યો. હાલ આ કેસમાં ચાર્જ ફ્રેમ થઈ રહ્યા છે અને ટ્રાયલ શરૂ થવાની બાકી છે. CBIની તપાસ પૂરી થઈ ગઈ હોવાથી જામીન મેળવવો એ આરોપીનો હક છે. તમામ આરોપીઓ શરતી જામીન પર બહાર છે. ટ્રાયલ દરમિયાન તમામે દરેક તારીખે હાજર રહેવું પડશે અને કોઈ પુરાવા સાથે છેડછાડ કરી શકશે નહીં.' 'બીજી વાત એ છે કે, આરોપીઓ પાસેથી IPCની કલમ-409 હેઠળ લીક થયેલું પેપર રિકવર થયું નથી, તેથી સીધા મટિરિયલ ઑફ એવિડન્સ (મુખ્ય પુરાવા) મળ્યા નથી. આ કારણોસર પણ ઘણા આરોપીઓને ઝડપથી જામીન મળી ગયા. જો CBI કોઈ પણ આરોપી વિરુદ્ધ સીધા પુરાવા રજૂ કરી શકે, તો તેને IPCની કલમ-409 હેઠળ આજીવન કેદની સજા થઈ શકે છે. હવે 2026 NEET લીકની વાત 2024ની NEET લીકની તપાસ અને જામીનના આ સિલસિલા પરથી સ્પષ્ટ થાય છે કે 2026માં પણ સામે આવેલા નામોને વધુ દિવસ જેલમાં રાખી શકાશે નહીં. અહીં પણ IPCની કલમ-409 હેઠળ લીક થયેલું પેપર રિકવર થવાની શક્યતા ઘણી ઓછી છે. આરોપ છે કે કેમિસ્ટ્રીના લેક્ચરર પી.વી. કુલકર્ણીની પહોંચ પેપર સુધી હતી અને તેમણે આ પેપર મોઢે કરીને લીક કર્યું હતું, આવી સ્થિતિમાં પેપરની રિકવરી થવી મુશ્કેલ છે. કોર્ટમાં આ સાબિત કરવું વધુ મુશ્કેલ બનશે. અન્ય આરોપીઓ મનીષા વાઘમારે, મનોજ શિરૂરે, તેજસ હર્ષદકુમાર શાહ અને મનીષ સંજય હવલદાર પર તો માત્ર લીક નેટવર્કમાં સામેલ થવા, પેપર ખરીદવા અને બાળકોને પૂરું પાડવાના જ આરોપો છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના મોદી સ્ટેડિયમમાં GT અને RCB વચ્ચે મહા મુકાબલો:IPL ફાઈનલમાં વરસાદનું વિઘ્ન?, પ્રતિબંધિત-વૈકલ્પિક રૂટ, 3000 પોલીસકર્મી તૈનાત; જુઓ મેપ સાથે પાર્કિંગ
    Next Article
    વર્ષે સેંકડોને ગળી જતી પાર્વતી વેલીનું અકબંધ રહસ્ય:નાગા સાધુની સાથે ગયેલો વિદેશી યુવાન ક્યાં ગાયબ થયો? આ ખીણ ‘ડેથ વેલી’ શા માટે બની?

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment