Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢમાં એક મહિનામાં ફરી એકને કચડતા લોકોએ ડમ્પર સળગાવ્યું:વંથલીમાં બેફામ વાહને મહિલાનો ભોગ લીધો, સ્થાનિકોનો પોલીસે ચાલકને ભગાડવા અને નેતાઓ પર હપ્તાખોરીના આક્ષેપ

    8 hours ago

    જૂનાગઢ જિલ્લાના વંથલી પંથકમાં બેરણ સીમ વિસ્તાર તરફ જતા રસ્તા પર એક બેફામ દોડતા કાળમુખા ડમ્પરે મોટરસાયકલને અડફેટે લેતાં કણજા ગામના સવિતાબહેન કિશોરભાઈ ગોહિલ (ઉં.વ. 48) નું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ગમખ્વાર અકસ્માતને પગલે રોષે ભરાયેલા સ્થાનિક ગ્રામજનોએ અકસ્માત સર્જનાર ડમ્પરને આગ ચાંપી સળગાવી દીધું હતું. મૃતકના પરિવારે સ્થાનિક પોલીસ પ્રશાસન પર ગંભીર આક્ષેપ કર્યો છે કે, જાગૃત નાગરિકોએ પકડી પાડેલા ગુનેગાર ડ્રાઈવરને પોલીસે કાયદેસરની અટકાયત કરવાને બદલે રસ્તામાં જ મુક્ત કરીને ભગાડી મૂક્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, જગો વાડાસાડાવાળો અને અન્ય ભૂ-માફિયાઓ નેતાઓ, પોલીસ અને ખાણ ખનીજના અધિકારીઓને લાખો રૂપિયાના હપ્તા આપે છે, જેના કારણે બેફામ ગેરકાયદેસર ખનીજ ચોરીનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે. હું મને મારા બાળકો ફંગોળાયા અને માતા ડમ્પર નીચે આવી ગયા ​આ અકસ્માતનો ભોગ બનનાર મૃતકના પુત્ર ઉમેશ ગોહિલે જણાવ્યું હતું કે, હું વાડીએથી પરત આવતો હતો અને મેં કાયદેસર રીતે સાઇડમાં મારી ગાડી ઉભી રાખી હતી. સામેથી આવતા ડમ્પરવાળાને મેં સતત હોર્ન માર્યા અને ગાડી ઊભી રાખવા માટે રાડું પણ નાખી, પરંતુ તે ડમ્પર ચાલકે વાહન ઊભું જ રાખ્યું નહીં અને અમારી ગાડીને અડફેટે લીધી હતી. તે સમયે હું અને મારો છોકરો બંને ગાડી પરથી ફંગોળાઈને સીધા રસ્તા સાઇડની વાડમાં ઘા થઈ ગયા હતા અને મારા મમ્મી પાછળ હોવાથી ડમ્પરની નીચે આવી ગયા હતા. આ અકસ્માત બાદ ઘટનાસ્થળે પોલીસ આવી હતી, પરંતુ પોલીસ કોઈ જ બાબત પર ધ્યાન આપતી ન હતી, જેના પરથી સ્પષ્ટ સાબિત થાય છે કે પોલીસની મિલીભગત સાથે કામ ચાલી રહ્યું છે. પોલીસે અકસ્માત સર્જનાર ડ્રાઈવરને જવા દીધો: ઉમેશ ગોહિલ ઉમેશ ગોહિલે પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, "પોલીસે નીચેથી ગોઠવણ કરીને, જે અકસ્માત સર્જનાર ડ્રાઇવર હતો તેને ખુલ્લેઆમ મુક્ત કરીને જવા દીધો છે. અમે પોતે ડ્રાઇવરને પકડીને ગાડીમાં બેસાડીને પોલીસ સમક્ષ લઈ આવ્યા હતા, કારણ કે જ્યાં આખી ઘટના બની હતી ત્યાં ડ્રાઇવરને કાયદેસર પૂછપરછ માટે લાવવાનો હતો. પોલીસે તેને ત્યાં લાવવાના બદલે રસ્તામાં જ ડ્રાઇવરને મુક્ત કરીને મૂકી દીધો હતો. અમને આ અન્યાય સામે ન્યાય મળવો જ જોઈએ, આ વિસ્તારમાં તમામ ડમ્પરો મન પડે તેમ બેફામ સ્પીડે ચાલે છે અને ડમ્પર ચાલકો પોલીસની છત્રછાયા નીચે જ આ બધું ગેરકાયદેસર કામ કરી રહ્યા છે. ભત્રીજાનો ફોન આવતા હું મોટરસાઇકલ લઈ સ્થળ પર પહોંચ્યો હતો આ મામલે કણઝા ગામના રહીશ અને મૃતક મહિલાના નજીકના સંબંધી રવજીભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, મારા ભત્રીજા ઉમેશનો મારા પર ફોન આવ્યો કે, ભાઈ મારા મમ્મીની માથે ડમ્પરવાળાએ ડમ્પર ચડાવી દીધું છે અને આ ઘટના સાતલપરમાં બની છે. આ સાંભળીને હું તાત્કાલિક ત્યાંથી મારી મોટરસાયકલ લઈને સાતલપર જવા નીકળ્યો, જ્યાં નદીના કાંઠે ઉબેણ નદીના જેવું વોકળા જેવો વિસ્તાર છે ત્યાં જ અકસ્માત સર્જીને ભાગતો ડમ્પરનો ડ્રાઇવર મને દોડતો દોડતો સામે મળ્યો હતો. ત્યારે મેં તે ભાગતા ડ્રાઇવરને રોકીને પૂછ્યું કે તું જ ડમ્પરનો ડ્રાઇવર છો? તો તેણે ડરના માર્યા હા પાડી હતી, જે બાદ મેં મારા મોબાઈલમાં એક વીડિયો ક્લિપ બનાવી હતી જેમાં તેણે પોતે જ કબૂલાત કરી લીધી કે હા મેં જ મહિલા પર ડમ્પર ચડાવી દીધું છે, તે વીડિયો ક્લિપ પુરાવા તરીકે આજે પણ મારી પાસે સુરક્ષિત છે અને ત્યારબાદ હું તે ડ્રાઇવરને સાથે લઈને ઘટના સ્થળે પહોંચ્યો હતો. મેં જાતે પોલીસને હાથોહાથ પકડેલો ડ્રાઇવર સોંપ્યો હતો રવજીભાઈ રાઠોડે તંત્રની લાપરવાહી અંગે વધુમાં જણાવ્યું હતું કે, ઘટનાસ્થળે પહોંચ્યા બાદ ત્યાં પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો, જેથી મેં જાતે પોલીસને હાથોહાથ પકડેલો ડ્રાઇવર સોંપ્યો હતો, પરંતુ નવાઈની વાત એ છે કે પોલીસે તે ગુનેગાર ડ્રાઇવરને પોતાની અટકાયતમાં લેવાના બદલે ત્યાંથી ભગાડી દીધો હતો. પોલીસે અમને જ ઉલટો સવાલ પૂછ્યો કે ડ્રાઇવર કોણ છે? એવું નાટક કરીને અમને કીધું અને ડ્રાઇવરને ભગાડી દીધા બાદ પોલીસ ઘટના સ્થળેથી પાછી ચાલી ગઈ હતી. પોલીસ તંત્રે ગુનેગારને ભગાડીને બેદરકારી દાખવી આ વિસ્તારમાં ડમ્પરો પોતાની મનફાવે તેમ બેદરકારીથી દોડે છે અને દીપકભાઈ ભટ્ટ પણ ત્યાં આવીને એવું જ બોલ્યા કે અમને આ બાબતે કાંઈ જ ખબર નથી. પોલીસ પણ અમને એવું કહેતી હતી કે અમને ક્યાં ખબર છે કે આ જ ડ્રાઇવર છે, અમે તો એને જવા દીધો. દીપકભાઈ આવ્યા અને કોઈપણ પ્રકારની તપાસ કર્યા વગર પાછા ત્યાંથી ચાલ્યા ગયા હતા. અમારી સ્પષ્ટ માંગ છે કે અમને આ સમગ્ર મામલે ન્યાય જોઈએ અને પોલીસ તંત્રે ગુનેગારને ભગાડીને જે બેદરકારી દાખવી છે, તેના વિરૂદ્ધ અમારે કાયદાકીય એક્શન લેવી છે. કોઈના મોતની ભૂ-માફિયાઓને લેવા-દેવા કે ચિંતા હોતી નથી સાતલપુરના સ્થાનિક રહીશ બાબુભાઈ ચાવડાએ વહીવટી તંત્રને ખુલ્લું પાડતા જણાવ્યું હતું કે, ડમ્પર ચાલકો રોડ પર કોઈની પણ પરવા કર્યા વગર બેફામ રીતે ડમ્પર ચલાવે છે અને ગેરકાયદેસર લીઝ સંચાલકોને સ્થાનિક પ્રશાસન તરફથી છૂટો હાથ આપવામાં આવ્યો છે. આ રોડ પર કોઈ ગરીબ માણસ કચડાઈને મરી જાય કે ગમે તેવી મોટી દુર્ઘટના થઈ જાય, તેનાથી આ ભૂ-માફિયાઓને કોઈ જ લેવા-દેવા કે ચિંતા હોતી નથી. 'લાખો રૂપિયાના હપ્તા નિયમિત આપવામાં આવે છે' આ સમગ્ર કાળા કારોબારની સ્થાનિક પોલીસને ઈંચે-ઈંચની ખબર છે, કારણ કે પોલીસને આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ રાખવા માટે ધોમેધોમ લાખો રૂપિયાના હપ્તા નિયમિત આપવામાં આવે છે. રાજકીય ક્ષેત્રના મોટા નેતાઓથી માંડીને પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીઓ સુધી બધે જ આ કમાણીના હપ્તા પહોંચે છે. જગો વાડાસાડાવાળો રાજકારણી છે અને તેની જ ગેંગના માથાભારે માણસો અહીં ગેરકાયદેસર લીઝો હકવે છે, જેઓ જુનાગઢ અને સાતલપુર વિસ્તારના છે. 'સ્થાનિક લોકોને ધમકાવીને ભયનો માહોલ ઉભો કરે છે' બાબુભાઈ ચાવડાએ તંત્રની તાનાશાહી સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "ભૂ-માફિયાઓએ જુદા-જુદા વિસ્તારોમાંથી અસામાજિક તત્વોને અહીં ભેગા કર્યા છે અને જો કોઈ સ્થાનિક ગ્રામજન હિંમત કરીને તેમને કહે કે તમારા ડમ્પર બેફામ દોડે છે, તો આ તત્વો સ્થાનિક લોકોને લુખ્ખી દાદાગીરી કરી, ધમકાવીને ભયનો માહોલ ઉભો કરે છે, જેના કારણે કોઈ સામાન્ય નાગરિક તેમની સામે બોલી શકતો નથી. જ્યાં સુધી કોઈ ગરીબ માણસ મરી ન જાય ત્યાં સુધી સરકારી તંત્ર આ તરફ આંખ ઉઠાવીને જોતું પણ નથી. રાજકીય નેતાઓ, પોલીસ પ્રશાસન અને હોલ સોલ ઉચ્ચ અધિકારી તમામે તમામ લોકોને ખબર છે કે અહીં આખું તંત્ર આ રીતે ભ્રષ્ટાચારથી ચાલે છે. '100 વીઘાની જમીનમાં ગેરકાયદેસર લીઝ ન હોઈ શકે' નિયમ મુજબ લીઝ મંજૂર હોય તો તે બે-પાંચ વીઘા પૂરતી મર્યાદિત જમીનમાં હોય, આખેઆખી 100 વીઘાની જમીનમાં ગેરકાયદેસર લીઝ ન હોઈ શકે. આ કાળો કારોબાર છેલ્લા ઘણા વર્ષોથી અહીં અવિરત ચાલે છે અને અમારા ગામમાં આ ભારે વાહનો માટે સત્તાવાર કોઈ રસ્તો પણ મંજૂર થયો નથી, છતાં વહીવટી તંત્રના નિયમોનો ભંગ કરીને અને બેઅદબીથી ગામના રસ્તાઓ પર ડમ્પરો દોડાવવામાં આવે છે. અમારી સરકાર સામે સ્પષ્ટ માંગ છે કે, તંત્રની આ ઘોર બેદરકારી અને સરકારની તાનાશાહી તાત્કાલિક બંધ થવી જોઈએ અને આવા લુખ્ખા તેમજ અસામાજિક તત્વો દ્વારા સામાન્ય માણસોને હેરાન કરવાનું બંધ થવું જ જોઈએ. અગાઉ કણજડી ગામમાં પણ સર્જાયો હતો આવી જ ઘટના ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ વંથલીના કણજડી ગામમાં આ જ રીતે ખનીજ ચોરી કરતા ભૂ-માફિયાઓના બેફામ ડમ્પરે એક નિર્દોષ યુવાનને કચડી નાખ્યો હતો અને ત્યારે પણ જનઆક્રોશમાં લોકોએ ડમ્પર સળગાવ્યું હતું. સ્થાનિકોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે જો કોઈ જાગૃત અરજદાર ગેરકાયદેસર ખનન અંગે ખાણ-ખનીજ વિભાગને ફરિયાદ કરે, તો ભ્રષ્ટ અધિકારીઓ અરજદારનું નામ-સરનામું સીધેસીધું ભૂ-માફિયાઓને આપી દે છે. ભ્રષ્ટાચારની આ આખી શૃંખલાને કારણે જ આજે વધુ એક નિર્દોષ મહિલાએ જીવ ગુમાવવો પડ્યો હોવાથી ગ્રામજનોએ આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ અને કાયદાકીય ન્યાયની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    Behind CBSE’s Class 12 evaluation contract, a trail of unanswered questions
    Next Article
    આર્થિક ભીંસથી કંટાળી ફરસાણના ધંધાર્થીનો ઝેર પી આપઘાત:'કોઈનો વાંક નથી, મારી મરજીથી જાવ છું, પરિવારને હેરાન ન કરતા' સ્યુસાઈડ નોટ લખી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment