Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટૂંકી વાર્તા:મેરે હમદમ

    6 days ago

    વાસુદેવ સોઢા ટ્રેન પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી. સુધીર ઝડપથી એક એક ડબ્બો વટાવતો ટ્રેનના ડબ્બાની બારીમાં નજર નાખીને આગળ વધતો હતો. કયા ડબ્બામાં બેસવાની જગ્યા મળશે તે વિચારતો તે એન્જિનની વિરુદ્ધ દિશામાં ભાગી રહ્યો હતો. એક ડબ્બા આગળ આવીને અટક્યો. આ ડબ્બામાંથી ઘણા બધા પેસેન્જર ઊતરતા હતા અને ચડવાવાળા ખૂબ જ જૂજ પેસેન્જર હતા. બધા ઊતરી ગયા પછી સુધીર ડબ્બામાં આવ્યો. બે ત્રણ બેઠકનાં પાટિયા વટાવ્યાં પછી એક ખાનામાં આખું પાટિયું ખાલી જોયું. બારી પાસે જગ્યા મળી ગઈ. સામાનમાં કંઈ વધારે ન હતું. એક થેલો જ હતો. એ બાજુમાં મૂકીને તે બારી પાસે બેઠો. બારીમાંથી પ્લેટફોર્મ પર નજર દોડાવી. હવે લગભગ બધા પેસેન્જર ઊતરી ગયા હતા. સ્ટેશન છોડીને આગળ નીકળી ગયા હતા. બેસવાવાળા બેસી ગયા હતા. થોડા ગાડીના ડબ્બા આગળ ઊભા હતા. તેવો કદાચ ગાડી ઊપડે ત્યારે ગાડીમાં બેસવાના શોખીન હોય તેવા લાગતા હતા. કેટલાક બગીચામાં લટાર મારવા આવ્યા હોય તેમ આ ડબ્બેથી બીજે ડબ્બે ડોકિયાં કરીને આગળ ચાલતા હતા. ટ્રેનની લાંબી વ્હિસલ વાગી. કેટલાક પેસેન્જર જે નીચે હતા તે ગાડીમાં ગોઠવાઈ ગયા. હજી સુધીર બેઠો હતો ત્યાં સામેના પાટિયે કે તેના પાટિયે કોઈ આવ્યું ન હતું. એ સામેના પાટિયે લાંબા પગ કરીને નિરાંતે બેઠો. બાજુના ખાનામાં બે ચાર મુસાફરો બેઠા હતા. તેમાં કદાચ એક સ્ત્રી બેઠી હોય તેવો અવાજ હતો. એ બોલતી હતી: ‘એ કેટલી સરસ હતી! બિચારીને… શું થયું એ કોઈ ન જાણી શક્યું.ભાગ્યની વાત છે. ભગવાન આગળ આપણું ક્યાં કંઈ ચાલ્યું છે?’ સુધીર આ શબ્દો સાંભળી રહ્યો હતો. તેને થયું કે એમના કોઈ સંબંધીને કંઇક થયું હશે. પછી સુધીર મનોમન બોલ્યો: સારું થયું આવી મોકળાશવાળી જગ્યા મળી ગઈ. નિરાંતે બેસાશે.અને મનમાં જૂની સ્મૃતિને વાગોળવાનું એકાંત સાંપડશે. કોઈ ખલેલ કરવાવાળું અહીં નથી. મજાની જગ્યા મળી ગઈ. ટ્રેનની ટૂંકી વ્હિસલ વાગી ને તરત જ હળવા આંચકા સાથે ટ્રેન ઊપડી. પ્લેટફોર્મ છોડીને ટ્રેન બહાર નીકળી હતી. ત્યાં જ એક માણસ દોડતો આવ્યો અને ડબ્બાના બારણે રાખેલા ઊભા સળિયાને વળગી ગયો. સુધીરે બારીમાંથી જોયું. તેના જ ડબ્બાના બારણે એ માણસ લટકતો હતો. સુધીરને મનોમન થયું. આમ જ માણસો મરે છેને..! અત્યાર સુધી ગાડી ઊભી હતી ત્યાં સુધી આ માણસ ન આવ્યો. હવે દોડીને લટકી ગયો. હાથ છૂટી જાય તો શું દશા થાય? માથું જ ફાટી જાય, પણ માણસ શિક્ષિત લાગ્યો. તેના હાથમાં પોટલા જેવી કોઈ ચીજવસ્તુઓ હતી. થોડું વજનદાર પણ લાગ્યું. પોટલાને સાચવીને એ માણસ ઠેકડો મારી ડબ્બામાં દાખલ થયો. એક-બે ખાનાં વટાવીને એ સુધીર બેઠો હતો તે ખાનામાં આવ્યો. ‘અહીં તો સાવ ખાલી જ છે ..’પેલા માણસે સુધીર સામે જોયું. પછી સામેથી પગ હટાવવાનું કહેતો હોય તેવી નજરે સુધીર સામે જોયું. સુધીર સમજી ગયો. તેણે લાંબા કરેલા પગ હટાવી લીધા. પેલો માણસ સુધીર સામેના પાટીએ બારી આગળ બેઠો. પોટલું તેણે ઉપરના પાટીએ મૂકી દીધું.‘સાવ ખાલી ડબ્બો છે‘એકલો જ બોલતો હોય તેમ એ માણસ બોલ્યો.‘આગળના ડબ્બામાં તો ક્યાંય જગ્યા નથી.’ સુધીરે તેની સામે જોયું. તે તેના ચહેરાને તાકી રહ્યો. સુધીરને થયું આ માણસને ક્યાંક જોયો હોય એવું લાગે છે!! ક્યાં જોયો હશે? કશું યાદ આવતું ન હતું .કદાચ આવા ચહેરા મહોરાવાળો બીજો કોઈ માણસ જોયો હોય એવું બની શકે. ટ્રેને વેગ પકડી લીધો હતો. થોડીક ક્ષણો સુધી બારીને બહાર તાકી રહ્યો. પેલા માણસના ચહેરાને મનોમન યાદ કરવા લાગ્યો. જરૂર ક્યાંક આને જોયેલો છે. પણ ક્યાં? ‘તમારે ક્યાં જવું છે?‘સુધીરને જાણવું હતું કે આ માણસ કોણ છે. તેથી તેને સવાલ પૂછીને શરૂઆત કરી. ‘રાજગઢ..‘પેલા માણસે કહ્યું. ‘હું પણ રાજગઢ જાઉં છું .’પછી ઉમેર્યું,’ તમે ત્યાં રહો છો?’ ‘હા, રાજગઢ જ રહું છું. તમે ?’ ‘મારું વતન આ શેર જ છે. પણ થોડા વર્ષથી મુંબઈ છું. ક્યારેક વતનમાં આવું છું.‘સુધીર બોલ્યો. પેલો માણસ સુધીરને તાંકી રહ્યો. ધારી ધારીને જોઈ રહ્યો. પછી અચાનક બોલ્યો ,’તમે તમે સુધીરભાઈ તો નહીં?’ ‘હા … ’ સુધીરે કહ્યું ને આશ્ચર્યથી પેલાને જોઈ રહ્યું. ‘મને ના ઓળખ્યો? હું કીર્તન છું.’ ‘શું વાત છે ?’ સુધીર ઉભો થઈને કીર્તનની પડખે બેઠો. એનો હાથ પકડ્યો,‘મને હતું કે મેં તને ક્યાંક જોયો છે.’ ‘અરે સુધીર તું? તું તો ખાસ રાજગઢથી ગયો તે ગયો. તારા મામા મુંબઈ ગયા તે સાથે જ તે તમામ સંબંધો કાપી નાખ્યા.’ કીર્તને સુધીરના હાથનો પહોંચો દબાવ્યો. એમાં થોડી ધ્રુજારી હતી. ‘કેટલાં વર્ષે મળ્યા? ’ ‘સાચી વાત છે કીર્તન. રાજગઢ મામા હતા એટલે અવારનવાર આવતો. પણ પછી...’ ‘પછી શું? અત્યારે રાજગઢ જાય છે?‘કીર્તનને પૂછ્યું. ‘હા રાજગઢ જાઉં છું.’ સુધીર કીર્તનને જોઈ રહ્યો. ‘રાજગઢ હજી એવું એવું જ છે. બસ આ ટ્રેન સિવાય આવ જા કરવાનું કશું જ નથી.’ ‘હા… સુધીર , રાજગઢ એવું ને એવું રળિયામણું છે. તેના માણસો પણ બદલાયા નથી, પણ તારે હવે ત્યાં શું છે રાજગઢમાં?’ કીર્તન થોડી લાગણી અને ઠપકાથી બોલ્યો. ‘અમે તો યાદ ક્યાંથી આવીએ તને! મામા ગયા પછી તને થયું હશે કે બસ પતી ગયું. કોની પાસે જાવું?’ ‘કીર્તન, રાજગઢ તો મારી રગ રગમાં છે. એટલે તો હું રાજગઢ ખેંચાઈને આવ્યો છું. મુંબઈ ગયા પછી ધંધામાં એવો ગૂંચવાઈ ગયો કે અહીં આવવાની ઈચ્છા હોવા છતાં નહોતો આવી શક્યો.’ સુધીર ભીતરના ભીના અવાજે બોલ્યો. કીર્તન બોલ્યો,’તું જાણે છે, રાજગઢમાં તને કોઈ ભૂલ્યું નથી.’ સુધીર સ્થિર નજરે કીર્તનને તાકી રહ્યો. હા એ નાના એવા રાજગઢમાં જ હતો. મામાને ત્યાં રહેતો. શિવ મંદિરની પછવાડાનું મકાન તેની આંખ સામે તરી આવ્યું. ત્યાં જાનકી રહેતી હતી. એક દિવસ મંદિરમાં દર્શન કરવા એ ગયો. ત્યારે જાનકી મંદિરમાં પૂજા કરતી હતી. સુધીર ચૂપચાપ એ તેને તાકી રહ્યો હતો. જાનકીની આંખો બંધ હતી. પાંપણો ફરકતી હતી. તેના પરવાળા જેવા હોઠ ધીમું ધીમું હવામાં ફૂલની પાંખડીઓ ફરકે એમ ફરકતા હતા. બંને હાથ જોડેલા હતા. આગળ પૂજાની થાળી પડેલી હતી. સુધીર ધીમે ધીમે પગથિયાં ચડીને ઉપર આવ્યો. તે જાનકીને જોઈ જ રહ્યો હતો. કોઈ દૈવી મૂર્તિ કંડારેલી હોય એવી જાનકી સ્થિર હતી. સુધીર આંખ બંધ કરીને મનોમન જાનકીનું રૂપ અને તેનો સૌંદર્યનું પાન કરી રહ્યો હતો. એકાએક સુધીરે ચીસ સાંભળી. પાછળના પીપળાના થડમાંથી છેક સર્પ મંદિરનાં આગળના ભાગે આવી રહ્યો હતો. જાનકીની આંખો ખૂલીને એ… જાનકી દોડીને સુધીરને વળગી પડી. અને ભયથી સર્પને જોવા લાગી. સુધીરે જાનકીને તેના બાહુપાશમાં જકડી લીધી. ક્ષણેકમાં સર્પ ત્યાંથી સરકી ગયો, પણ એના લિસોટા જાનકી અને સુધીરની ભીતર છોડી ગયો. એકાએક જાનકીને ખ્યાલ આવ્યો. તે શુદ્ધિમાં આવી, તરત સુધીરથી અળગી થઈ ગઈ. તેના શરીરમાંથી ઝણઝણાટી પ્રસરી ગઈ. એ સુધીરની છાતીને લપેટાઈ ગઈ હતી. જાનકીની છાતી હાંફી રહી હતી. ‘તને મેં આજે કોઈ જુદા રૂપમાં જોઈ.’સુધીર બોલ્યો. થોડીવાર રહીને ઉમેર્યું,‘જાનકી હું તને રોજ જોઉં છું. અને મને થાય છે કે...’ ‘શું થાય છે?’ જાનકીએ આંખોનો પલકારો માર્યો. ‘સાચું કહું જાનકી? હું તને ચાહું છું.’ ‘સુધીર ...’ જાનકીના હોઠે કંપન આવી ગયું. ‘હા. આ શિવજીની સાક્ષીએ કહું છું. તું મારી રાહ જોજે. હું મામા સાથે મુંબઈ જાઉં છું, પણ હું તને ખૂબ ચાહું છું… ખૂબ ચાહું છું… હું આવીશ.’ બસ પછી તો રાજગઢમાં સુધીર અને જાનકીની ચર્ચાએ વંટોળ જગાવ્યો. મામાએ સુધીરને શહેરમાં મોકલી આપ્યો ને ત્યાંથી મુંબઈ. જેથી કરીને જાનકીને એ ભૂલી જાય. ‘શું વિચારમાં પડી ગયો સુધીર?’કીર્તને સજાગ કર્યો. હળવેકથી સુધીર બોલ્યો , ‘કીર્તન ,રાજગઢ શા માટે આવું છું ખબર છે?’ કીર્તનથી બોલ્યો, ‘સુધીર હું જાણું છું. જાનકીને જોવા માટે. તેના દિલને આગ લગાવવા માટે. જે તારી રાહમાં ઝૂરીઝૂરીને જીવી. તેને વધારે સતાવવા માટે. શા માટે તે એને જૂઠું વચન આપ્યું હતું?’ કીર્તન કઠોર બની ગયો. ‘નહીં કીર્તન, નહીં. હું જાનકીને લેવા માટે જાઉં છું. હજી મેં લગ્ન નથી કર્યાં. હવે હું પગભર થયો છું. મને કોઈ રોકી શકે એમ નથી.’ સુધીર બોલ્યો. ‘તું મોડો પડ્યો, સુધીર.’ ‘એટલે શું... એટલે શું એણે...!’ ‘ના. તું ધારે છે એમ કોઈ સાથે લગ્ન કર્યાં નથી. આટલાં વર્ષ તે તારી રાહ જોઈને ઝૂરતી રહી, પણ આજે સવારે જ.... આજે સવારે…’ કીર્તનનો કંઠ રૂંધાઇ ગયો. ‘શું?’ સુધીરે પૂછ્યું. ‘આજે સવારે જ તારા ઝુરાપાથી તેણે દેહ છોડ્યો છે. આ હું તેનું ખાપણ લઈને જ જાઉં છું. જો આમાં ...!’ કીર્તને પોટલી ઉતારી. ‘નહીં ... નહીં...!’ સુધીરે ખાપણની પોટલી બે હાથથી છાતી સાથે દબાવીને એ ભીતરના ઊંડા લિસોટાએ રડાવી દીધો. }
    Click here to Read More
    Previous Article
    સફર:પગપાળા સફારીનો અનુભવ કરાવતો દેશ
    Next Article
    થેન્ક યૂ:ખબર છે કે આ ખોટું છે છતાં મુકાય છે?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment