Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સાહેબ ભૂલ થઈ ગઈ, હવે બીજીવાર સુરત નહીં આવું':પોલીસ ફાયરિંગ બાદ લૂંટનો આરોપી શુભમ ફફડી ઉઠ્યો, કિમ પોલીસે બીજો ગુનો નોંધ્યો

    11 hours ago

    સુરતના વરાછા વિસ્તારમાં આવેલી SBI બેંકમાં ગત 27 એપ્રિલ, 2026ના રોજ લાખોની લૂંટ ચલાવી સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર આરોપી શુભમ ઠાકુર સામે હવે કિમ પોલીસ મથકમાં વધુ એક ગંભીર ગુનો નોંધાયો છે. પોલીસ કસ્ટડી રિમાન્ડ હેઠળ રહેલા આરોપી શુભમને જ્યારે લૂંટમાં વપરાયેલા હથિયારો રિકવર કરવા માટે કિમના કન્યાસી ગામના સીમ વિસ્તારમાં લઈ જવામાં આવ્યો હતો, ત્યારે તેણે પોલીસ પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને વરાછા પોલીસની ટીમે આત્મરક્ષણમાં ગોળીબાર કરવો પડ્યો હતો. ACP કિરણ મોદી ફરિયાદી બન્યા આ સમગ્ર મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચના મદદનીશ પોલીસ કમિશનર (ACP) કિરણ ઇશ્વરલાલ મોદીએ પોતે ફરિયાદી બનીને કિમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આરોપી શુભમકુમાર અજીત ઠાકુર (રહે. રાયબરેલી, મૂળ બિહાર) ગત 7 મે થી 14 મે સુધી પોલીસ રિમાન્ડ પર હતો. પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે લૂંટમાં વપરાયેલી લોડેડ પિસ્તોલ અને મોબાઈલ ફોન તેણે ઓલપાડના કન્યાસી ગામ પાસેના ખેતરમાં ઝાડી-ઝાંખરામાં છુપાવ્યા છે. આ જગ્યા બતાવવા માટે પોલીસની ટીમ તેને સાંજે 5:15 વાગ્યાના અરસામાં ઘટનાસ્થળે લઈ ગઈ હતી. ઝાડીમાંથી પિસ્તોલ કાઢી PI એ.આર. વાળા પર કર્યું ફાયરિંગ જ્યારે પોલીસની ટીમ અને બે પંચો કન્યાસી ગામના કાચા રસ્તા પરના ખેતરમાં પહોંચ્યા, ત્યારે શુભમ ઠાકુરે એક જગ્યા બતાવી હતી. ત્યાં પંચનામાની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે અચાનક આરોપીએ છુપાવેલી લોડેડ પિસ્તોલ કાઢી લીધી હતી. પોલીસને થાપ આપી ભાગી છૂટવાના ઈરાદે તેણે વરાછા પોલીસ ઇન્સપેક્ટર (PI) એ.આર. વાળા તરફ તાકીને એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સદનસીબે PI વાળા તુરંત ખસી જતાં તેમનો જીવ બચી ગયો હતો. આરોપી ફરીથી ફાયરિંગ કરવાની પેરવીમાં હતો, ત્યારે જ સ્થિતિ વણસી હતી. ACP કિરણ મોદીએ સ્વબચાવમાં ગોળી ચલાવી આરોપી શુભમ ઠાકુર હિંસક બનીને પોલીસ સ્ટાફ પર ફરીથી ગોળીબાર કરે તે પહેલાં જ ACP કિરણ મોદીએ ત્વરિત નિર્ણય લીધો હતો. તેમણે પોતાના સર્વિસ વેપનથી આરોપીના પગના ભાગે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળી વાગતાની સાથે જ શુભમ નીચે પટકાઈ ગયો હતો. તુરંત જ સાથે રહેલા ASI હરીસિંહ અને હેડ કોન્સ્ટેબલ સાગરભાઈએ તેને દબોચી લીધો હતો અને તેના હાથમાંથી પિસ્તોલ ઝુંટવી લીધી હતી. પોલીસના આ કડક વલણને જોઈને લૂંટારો સ્તબ્ધ થઈ ગયો હતો. "સાહેબ, ભૂલ થઈ ગઈ... હવે ક્યારેય સુરત નહીં આવું" એન્કાઉન્ટરમાં ઘાયલ થયા બાદ લૂંટારા શુભમ ઠાકુરનો બધો જ અહંકાર ઓગળી ગયો હતો. તેને જ્યારે સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે તેણે પોતાની ભૂલ સ્વીકારતા કાકલૂદી કરી હતી. તેણે ACP કિરણ મોદી અને પોલીસ સ્ટાફ સમક્ષ હાથ જોડીને કહ્યું હતું કે, "સાહેબ, ભૂલ થઈ ગઈ, બીજી વાર સુરત નહીં આવીએ. ક્યારેય નહીં સાહેબ, ભૂલથી અહીં આવી ગયો." જે ગુનેગાર થોડી મિનિટો પહેલા પોલીસ પર ગોળીબાર કરી રહ્યો હતો, તે પોલીસના વળતા પ્રહાર બાદ ગદગદિત થઈને સુરત છોડવાની કસમ ખાતો જોવા મળ્યો હતો. ક્રિષ્ના હોસ્પિટલથી સુરત સિવિલ સુધીની સફર પગમાં ગોળી વાગવાને કારણે શુભમના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું, જેથી પોલીસે માનવતા દાખવી તુરંત જ કપડું બાંધી પ્રાથમિક સારવાર માટે નજીકની ક્રિષ્ના હોસ્પિટલ ખસેડ્યો હતો. ત્યાંથી પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પીટલમાં કડક પોલીસ બંદોબસ્ત હેઠળ ખસેડવામાં આવ્યો છે. હાલ તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. કિમ પોલીસ મથકમાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ આરોપી શુભમ વિરુદ્ધ વરાછામાં તો લૂંટનો ગુનો દાખલ જ છે, પરંતુ હવે કિમ પોલીસ મથકમાં પણ ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. ACP કિરણ મોદીની ફરિયાદને આધારે શુભમ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 109(1) (હત્યાનો પ્રયાસ), 132 (સરકારી કર્મચારીની ફરજમાં રુકાવટ) તેમજ આર્મ્સ એક્ટની કલમ 25(1-બી)એ અને 27 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટનામાં પંચ તરીકે ઇલ્યાસભાઈ શેખ અને નરેન્દ્રભાઈ કુશવાહ સાક્ષી બન્યા છે.
    Click here to Read More
    Previous Article
    આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાની સુરત સિવિલમાં સરપ્રાઈઝ વિઝિટ:પાનસેરીયાએ કહ્યું-ગુજરાતમાં એક પણ બર્ડ ફ્લૂનો કેસ અત્યારે હાલમાં નથી
    Next Article
    ફાર્મસીમાં ડિપ્લોમા ટુ ડિગ્રી પ્રવેશ માટે પરીક્ષા:1200 બેઠક પર પ્રવેશ માટે સુરત સહિત રાજ્યભરમાં પરીક્ષા યોજાઈ, આવતીકાલે પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment