Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપા તંત્રની ઘોર બેદરકારી:રાજકોટનાં જંગલેશ્વરમાં મેગા ડિમોલિશનના બે માસ બાદ પણ રોડ બન્યો નહીં, ચોમાસામાં પુરનો ભય, મ્યુ. કમિશ્નરે કહ્યું- આ કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરાશે

    2 days ago

    રાજકોટ મનપા દ્વારા વોર્ડ નં. 16માં આવેલા જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટમાં થયેલા દબાણો દૂર કરવા માટે ગત ફેબ્રુઆરી માસમાં ભારે ગાજવીજ સાથે મેગા ડિમોલિશન હાથ ધરાયુ હતું. મ્યુ. કમિશ્નર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ 23 ફેબ્રુઆરીના રોજ 1500 જેટલા ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા ત્યારે એવા દાવા કરવામાં આવ્યા હતા કે આ કામગીરીથી વિસ્તારનો નકશો બદલાઈ જશે અને 15 મીટરનો પહોળો ટીપી રોડ આકાર લેશે. જોકે, આ ઐતિહાસિક ડિમોલિશનના બે મહિના વીતી ગયા હોવા છતાં, આજે પણ જંગલેશ્વરની સ્થિતિ 'જૈસે થે' જોવા મળી રહી છે. રોડ બનાવવાની વાત તો દૂર રહી, પણ તંત્ર કાટમાળ હટાવવામાં પણ સદંતર નિષ્ફળ નીવડ્યું છે. વોર્ડ નં. 16ની પ્રજાએ તાજેતરની મહાનગરપાલિકાની ચૂંટણીમાં શાસક પક્ષ ભાજપ વિરુદ્ધ જે જનાદેશ આપ્યો છે, તેની પાછળ માત્ર ડિમોલિશનનો આક્રોશ જ નહીં, પરંતુ ડિમોલિશન બાદની તંત્રની ઘોર બેદરકારી પણ મુખ્ય કારણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. લોકોમાં એવી ચર્ચા છે કે તંત્રએ રહેણાંક મકાનો તોડી તો પાડ્યા, પરંતુ ત્યારબાદ જે પાયાની સુવિધાઓ આપવી જોઈએ તે આપવામાં નિષ્ફળ રહ્યું છે. ચૂંટણીની આચારસંહિતા લાગુ થાય તે પહેલા પૂરતો સમય હોવા છતાં મનપાએ 15 મીટર રોડનું ડિમાર્કેશન કે લેવલિંગ કરવાની તસ્દી સુદ્ધાં લીધી નથી. પરિણામે, જંગલેશ્વરની જનતા આજે ધૂળ અને પથ્થરોના સામ્રાજ્ય વચ્ચે જીવવા મજબૂર બની છે. મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા અવારનવાર એવા દાવા કરવામાં આવ્યા છે કે જંગલેશ્વર વિસ્તારમાંથી તમામ કાટમાળ હટાવીને મેદાન સાફ કરી દેવામાં આવ્યું છે. વાસ્તવિકતા તપાસતા દાવાઓ સાવ પોકળ સાબિત થયા છે. ડિમોલિશન બાદ જે બાંધકામ વેસ્ટ (સી એન્ડ ડી વેસ્ટ) ત્યાં ખડકાયો હતો, તે હજુ પણ મોટા ઢગલા સ્વરૂપે ત્યાં પડ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ડિમોલિશનની કામગીરી પૂરી થયા પછી એક પણ ઉચ્ચ અધિકારીએ આ વિસ્તારની મુલાકાત લીધી નથી. તંત્રની આ નિષ્ક્રિયતાને કારણે માત્ર પરિવહનની જ સમસ્યા નથી સર્જાઈ, પણ સમગ્ર વિસ્તારમાં પ્રદૂષણ અને ગંદકીનું પ્રમાણ પણ વધ્યું છે. સામાન્ય રીતે કોઈપણ મોટા ડિમોલિશન બાદ તાત્કાલિક ધોરણે જમીનનું લેવલિંગ કરીને ત્યાં રોડ બનાવવાની પ્રક્રિયા શરૂ થવી જોઈએ. પરંતુ અહીં તો 15 મીટરના ટીપી રોડ માટે જરૂરી પ્રાથમિક માપણી કે એન્જિનિયરિંગ પ્લાનિંગમાં પણ તંત્ર પાણીમાં બેસી ગયું છે. કમિશનર તુષાર સુમેરાએ જે માઇક્રોપ્લાનિંગના ઢોલ પીટ્યા હતા, તે પ્લાનિંગ માત્ર તોડફોડ કરવા પૂરતું જ મર્યાદિત હોય તેવું લાગી રહ્યું છે. વિકાસના નામે વિનાશ તો થઈ ગયો, પણ હવે વિકાસના નામે રોડના કોઈ ઠેકાણા નથી. ચોમાસામાં પૂરનો ભય,પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલ સૌથી વધુ ચિંતાજનક બાબત આગામી ચોમાસું છે. આજી નદીના પટમાં જે કાટમાળ અને મોટા પથ્થરો પડ્યા છે, તે નદીના કુદરતી પ્રવાહને અવરોધી શકે તેમ છે. જો ચોમાસા પહેલા આ કાટમાળ યુદ્ધના ધોરણે હટાવવામાં નહીં આવે, તો જંગલેશ્વર અને તેની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે. અગાઉ પૂરના ભયને ટાંકતા જ કમિશનરે આ દબાણો દૂર કરવાની જાહેરાત કરી હતી, પરંતુ અત્યારે જે રીતે કાટમાળ પડ્યો છે તેનાથી જોખમ ઘટવાને બદલે વધી ગયું છે. એક તરફ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી હોવાના દાવા થાય છે, બીજી તરફ શહેરના હાર્દ સમાન આ વિસ્તારમાં કાટમાળના ઢગલા તંત્રની ઊંઘ ઉડાડવા માટે પૂરતા છે. જો ભારે વરસાદ પડે અને નદીમાં પૂર આવે, તો આ કાટમાળ પાણીના વહેણમાં અડચણરૂપ બનશે અને આસપાસના ઘરોમાં પાણી ઘૂસી જવાની પૂરેપૂરી શક્યતા છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે શું મહાનગરપાલિકાનું તંત્ર જાગશે? શું ચોમાસું બેસતા પહેલા જંગલેશ્વરને કાટમાળ મુક્ત કરવામાં આવશે? સમગ્ર મામલે મ્યુ. કમિશ્નર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીમાં થયેલી ડિમોલેશનની કામગીરી બાદ હવે મલબો હટાવવાની પ્રક્રિયાને બે ભાગમાં વહેંચવામાં આવી છે. રોડના વિસ્તારમાં કોર્પોરેશનની પોતાની મશીનરીનો ઉપયોગ કરીને કામગીરી પૂર્ણ કરી ત્યાં રોડનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેથી વાહનચાલકો માટે રસ્તો ખુલ્લો થઈ શકે. નદીના પટમાં રહેલા મલબાના નિકાલ માટે પ્રાઈવેટ એજન્સીને ટેન્ડર દ્વારા કામગીરી સોંપવામાં આવી રહી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તમામ કામગીરી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના C and D વેસ્ટના નિયમો મુજબ કરવામાં આવશે, જેથી નદીનો પટ સંપૂર્ણપણે ખાલી થાય અને પાણીનો વહેણ જળવાઈ રહે. આ કામગીરી પાછળ થનારા ખર્ચ અંગે અત્યારે કોઈ એક ચોક્કસ આંકડો આપી શકાય તેમ નથી, કારણ કે તેમાં વિવિધ વિભાગોનો સમાવેશ થાય છે. જોકે, મ્યુનિસિપલ કોર્પોરેશનનું મુખ્ય લક્ષ્ય મે મહિનાથી મધ્ય જૂન સુધી સંપૂર્ણપણે મોન્સૂન પ્લાનિંગ અને ચોમાસાની તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં વોર્ડ નં. 16માં ભાજપની આખી પેનલનો પરાજય અને કોંગ્રેસનો વિજય એ તંત્ર અને શાસકો માટે લાલબત્તી સમાન છે. મતદારોનું માનવું છે કે માત્ર ઘર તોડવાથી વ્યવસ્થા સુધરતી નથી, તોડ્યા પછી નવી વ્યવસ્થા ઊભી કરવાની જવાબદારી પણ તંત્રની જ હોય છે. 15 મીટરના રોડની આશાએ બેઠેલા લોકો હવે છેતરાયા હોવાની લાગણી અનુભવી રહ્યા છે. અધિકારીઓની ઉદાસીનતાને કારણે શાસક પક્ષે રાજકીય કિંમત ચૂકવવી પડી છે. આગામી દિવસોમાં આ મામલે નક્કર કામગીરી નહીં થાય, તો પરિસ્થિતિ વધુ સ્ફોટક બની શકે છે.
    Click here to Read More
    Previous Article
    કાશ્મીરમાં એડવાન્સ હથિયારોથી સજ્જ 1500 વિલેજ ગાર્ડ્સની ફોજ:5 જિલ્લાના ગ્રામીણો જવાનો સાથે 12-12 કલાકની ડ્યુટી કરી રહ્યા છે
    Next Article
    વેરાવળના આદ્રી દરિયાકિનારે અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળ્યો:ફાયર બ્રિગેડે મૃતદેહ બહાર કાઢી પોલીસને જાણ કરી, ઓળખ થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment