Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગતકડું:વાંચ્યા વગર વિદ્વાન બનો!

    1 week ago

    ડૉ. પ્રકાશ દવે વિજ્ઞાન આગળ વધી રહ્યું છે, પરિણામે એની સાથે વર્ષોથી મિત્રતા નિભાવતી ટેક્નોલોજી પણ આગળ વધી રહી છે. રોજ અવનવી શોધ થયા કરે છે અને રોજ અગાઉ થયેલી શોધ જૂની થઈ જાય છે. આ રીતે વિજ્ઞાન હરણફાળ ભરતું રહેશે તો આગામી સમય એવો આવશે કે કશુંય વાંચ્યા વિના પણ વિદ્વાન બની શકાય એવી ટેક્નોલોજી શોધાશે! શક્ય છે કે વૈજ્ઞાનિકો કોઈ એવી ટેકનિક શોધી લાવે કે એમાં પુસ્તક વાંચવું ન પડે, પણ પુસ્તકનો રસ કાઢી પી જવાથી પુસ્તકમાં હોય એ બધું આવડી જાય અને આત્મસાત પણ થઈ જાય. વાંચ્યા વગર વિદ્વાન બનાવતું મશીન શોધાય કે જેમાં શેરડીના સાંઠાની જેમ પુસ્તકને સિંચોડામાં નાખવામાં આવે એટલે તરત રસ બની જાય અને એને પી જવાથી એ પુસ્તકનું બધું જ્ઞાન પીનારામાં આવી જાય. આવું થાય તો પુસ્તકનું મહત્ત્વ સાવ ઘટી જાય? કોઈ વાંચે જ નહીં અને પુસ્તકનો રસ પીને વિદ્વાન બની જાય? કાવ્યના રસાસ્વાદને બદલે કાવ્યના ‘રસ’નું મહત્ત્વ વધી જાય? જો તમને આવો કશો ડર હોય તો તમારો એ ડર નિરાધાર છે; કારણ કે આવી સંભવિત શોધને કારણે પુસ્તકોનું મહત્ત્વ ઘટશે નહીં, ઊલટાનું વધશે. બધા લોકો પોતાને ગમતા હોય એવા અથવા પોતાના વ્યવસાયમાં નિપુણતા મેળવવા માટે જરૂરી હોય એવા પુસ્તકોનો રસ પીવા માંડશે, એટલે પુસ્તકોનો ધંધો ધમધોકાર ચાલશે. વિદ્વાનપદવાંછુ કેટલાક તો એટલા પુસ્તકોનો રસ ગટગટાવી જશે કે તેમને ‘જ્ઞાન’નો અપચો થઈ જશે! ડૉક્ટર તેમને ત્રણ વર્ષ સુધી એકપણ પુસ્તકનો રસ પીવા પર પ્રતિબંધ મૂકી દેશે. વારંવાર પુસ્તકનો રસ પીનારને ‘જ્ઞાનાબિટીસ’ જેવો નવો રોગ ઉત્પન્ન થાય એવી પણ શક્યતા રહેલી છે! ઠેર-ઠેર શેરડીના રસના સિંચોડાની જેમ પુસ્તકોના રસના સિંચોડા ઊભા થશે. ત્યાં લોકો પુસ્તકરસ પીવા માટે આવશે! એ રસમાં પણ વેરાયટી જોવા મળશે, જેની વિગત મેનૂમાં વાંચવા મળશે. લોકો મેનૂ જોઈને ઓર્ડર આપશે: - ‘ભાઈ મને, એક ‘જનરલ નોલેજ’નો ગ્લાસ આપજો.’ - ‘ચાર ‘કમ્પ્યુટર જ્ઞાન’ના ગ્લાસ આ બાજુ આપજો.’ - ‘પેલા કાકાને એક ‘રામાયણ’ આપજો.’ - ‘જો સમજીને ઓર્ડર લખી લે - એક ‘હેમ્લેટ’, એક ‘રસોઈ કલા’, એક ‘રંગબેરંગી બાળવાર્તાઓ…’ અને હેમ્લેટનો રસ ઓરિજિનલ આપજે, અનુવાદ નહીં!’ કેટલીક અણધારી તકલીફો પણ આવશે. જેમ કે, કોઈ મહિલા તેની પાડોશી સાથે વાત કરતી હશે: ‘આજે અમે મારા પિન્ટુને પુસ્તક-રસ પીવડાવવા ગયા હતા, પણ મારો બેટો અંગ્રેજી રસનો એક ઘૂંટડો ભરીને ‘થૂ થૂ’ કરીને બધું કાઢી નાખ્યું! એના પપ્પાને કહે કે હું આ નહીં પીઉં, મને ગુજરાતી રસ પીવડાવો. બોલો બહેન, એના બધા દોસ્તારો ગયા રવિવારે જ અંગ્રેજીના બબ્બે ગ્લાસ પી આવ્યા છે, મને તો ચિંતા થાય છે કે મારો પિન્ટુડો પાછળ રહી જશે!’ બીજા કોઈ ગામમાં બહેનો આવી ચર્ચા કરતી હશે: ‘હે બહેન, તમારા પતિ તો પેન્ટ-શર્ટ પહેરતા અને હંમેશાં અપ-ટુ-ડેટ રહેતા. હમણાં કેમ આ દાઢી વધારી છે અને લઘર-વઘર કપડાં પહેરવા માંડ્યા છે? કોઈ તકલીફ થઈ છે?’ ‘તકલીફ તો બીજી કોઈ નથી થઈ બહેન, પણ તમને મારે શું વાત કરવી? પંદર દિવસ પહેલાં એકલા જઈને કોઈ ગઝલની ચોપડીનો રસ પી ગયા છે!’ વિદ્યાર્થીઓ માટે તો અલગ-અલગ પેકેજ નીકળશે: ‘ધોરણ-10નાં તમામ પુસ્તકોનો કોર્સ માત્ર એક અઠવાડિયામાં! આપના બાળકને રોજ માત્ર એક ગ્લાસ પીવડાવો અને આગામી પરીક્ષાની ચિંતામાંથી મુક્તિ મેળવો! એક પુસ્તકનો રસ પીવા પર એક પુસ્તકનો રસ તદ્દન ફ્રી!’ બેસ્ટ-સેલર બુક પર લખ્યું હશે: ‘એક અદભુત બુક જેના આજ સુધીમાં એક લાખ કરતાં પણ વધારે પ્યાલા પીવાઈ ચૂક્યા છે!’ અમુક કેસ અદાલતમાં પણ જશે. જેમાં કોઈ એવી ફરિયાદ કરશે કે, ‘મેં હાર્મોનિયમ શીખવા માટેના પુસ્તકનો રસ પીધો પણ મને હાર્મોનિયમ ન આવડ્યું!’ અદાલત તપાસ કરાવશે તો ખ્યાલ આવશે કે હાર્મોનિયમ શીખવા માટેનું પુસ્તક ડુપ્લિકેટ હતું! એક બહેન તેના પતિને લઈને ડૉક્ટર પાસે ગયાં અને કહ્યું, ‘ડૉક્ટર સાહેબ, મારા પતિ નોર્મલ જીવન જીવતા હતા, પણ થોડા દિવસ પહેલાં એમના કોઈ મિત્ર સાથે ‘પરભવનું ભાથું’ નામના પુસ્તકનો રસ પી આવ્યા પછી આખો દિવસ અગમ-નિગમની વાતો જ કર્યા કરે છે અને નોકરીએ જવાનું પણ બંધ કર્યું છે.’ ડૉક્ટરે કહ્યું, ‘તમે સામે પુસ્તક-રસનો સિંચોડો છે ત્યાં જઈને તમારા પતિને કોઈ સારા ફિલ્મ-વિષયક પુસ્તકનો રસ ત્રણ ટાઈમ પીવડાવી દેજો, બધું રેડી થઈ જશે!’
    Click here to Read More
    Previous Article
    ઓફબીટ:મનની ગાંઠ હૃદયથી ઉકેલાય!
    Next Article
    મેનેજમેન્ટની ABCD:ઈનોવેશનની ABCD

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment