Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં પનીર અને દૂધમાં બેફામ ભેળસેળ:પનીરમાં મિલ્ક ફેટના બદલે પામતેલ ! બે મિલાવટી નમુના ફેઇલ, ફૂલ ક્રિમ મિલ્કમાં જ ક્રિમ ઓછું નીકળ્યું, અસલી અને એનાલોગ પનીરનાં બોર્ડ વેપારીઓ લગાવતા નથી

    11 hours ago

    રાજકોટમાં ઘણા સમયથી ખાણી-પીણીની વસ્તુઓમાં થતી ભેળસેળને અટકાવવા માટે મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ખાસ કરીને પનીર તેમજ દૂધ જેવી રોજીંદી વપરાશની વસ્તુઓમાં મિલાવટ કરી ગ્રાહકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા તમામ હોટલ, રેસ્ટોરન્ટ અને ડેરી સંચાલકોને આદેશ આપવામાં આવ્યો હતો કે તેમણે અસલી પનીર અને એનેલોગ પનીર (વનસ્પતિ જન્ય તેલમાંથી બનતું નકલી પનીર) ના ઉપયોગ અંગે સ્પષ્ટ બોર્ડ મારવા પડશે, જેથી ગ્રાહકો છેતરાય નહીં. તેમ છતાં રાજકોટમાં અનેક જાણીતી હોટલોમાં આ નિયમનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું છે. આ બેદરકારી અને છેતરપિંડીને ડામવા માટે હાથ ધરાયેલી ખાસ ડ્રાઈવ દરમિયાન લેવામાં આવેલા નમૂનાઓના ચોંકાવનારા રિપોર્ટ સામે આવ્યા છે. જેમાં પનીર અને દૂધમાં ભેળસેળ હોવાનું ખુલતા ફૂડ વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ ફૂડ વિભાગ દ્વારા ગત મહિને લેવામાં આવેલા નમૂનાઓ પૈકી પનીરના બે નમૂના અને દૂધનો એક નમૂનો લેબોરેટરી રિપોર્ટમાં સબસ્ટાન્ડર્ડ એટલે કે ફેઈલ જાહેર થયા છે. મનપાના ફૂડ વિભાગે 150 ફૂટ રિંગ રોડ પર ઇન્દિરા સર્કલ પાસે મીત કોમ્પ્લેક્સમાં આવેલી 'અંજલી ચાઇનીઝ એન્ડ પંજાબી' રેસ્ટોરન્ટમાંથી પનીર (લુઝ)નો નમૂનો લીધો હતો. આ નમૂનાના પૃથ્થકરણમાં જાણવા મળ્યું છે કે તેમાં મિલ્ક ફેટ અને રીચર્ટ વેલ્યુ ધારાધોરણ કરતા ઘણી ઓછી છે. વધુમાં, તેમાં ફોરેન ફેટ (બી.આર. રીડીંગ 40 ડિગ્રી)ની માત્રા મર્યાદા કરતા વધારે હોવાનું સામે આવ્યું છે. આ જ રીતે, રામાપીર ચોક પાસે 150 ફૂટ રિંગ રોડ પર આવેલી 'પ્રેમવાટિકા રેસ્ટોરન્ટ'માંથી લેવામાં આવેલા પનીરના સેમ્પલમાં પણ મિલ્ક ફેટની ઉણપ અને પામોલીન તેલ જેવી મિલાવટ હોવાનું ખુલ્યું છે. આ બંને રેસ્ટોરન્ટમાં શુદ્ધ કે એનેલોગ પનીર અંગેના કોઈ બોર્ડ પણ જોવા મળ્યા ન હતા, જે ગ્રાહકોને ભ્રમમાં રાખવાની ગંભીર બાબત છે. માત્ર પનીર જ નહીં, પરંતુ દૂધમાં પણ ભેળસેળની પ્રવૃત્તિ પ્રકાશમાં આવી છે. વાવડી વિસ્તારમાં 80 ફૂટ રોડ પર મટુકી પાસે આવેલા 'મધુવન ડેરી ફાર્મ'માંથી 'ફૂલ ક્રીમ મિલ્ક'નો નમૂનો લેવામાં આવ્યો હતો. આ નમૂનાના રિપોર્ટમાં મિલ્ક ફેટની માત્રા નિયત ધારાધોરણ કરતા ઓછી મળી આવી છે. નામ મુજબ 'ફૂલ ક્રીમ' હોવા છતાં તેમાં ક્રીમની ઉણપ હોવાથી આ નમૂનો પણ ફેઈલ જાહેર કરવામાં આવ્યો છે. આ ત્રણેય કિસ્સાઓમાં ફૂડ વિભાગ દ્વારા હવે એજ્યુડિકેશન હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રીચર્ટ વેલ્યુ એ ઘી કે પનીરમાં રહેલા કુદરતી બ્યુટીરિક એસિડનું પ્રમાણ દર્શાવે છે, જે ઓછું હોવાનો અર્થ એ છે કે તેમાં પશુ જન્ય ફેટના બદલે અન્ય હલકી ગુણવત્તાના તેલનો ઉપયોગ થયો છે. આ કડક ડ્રાઈવ દરમિયાન ફૂડ વિભાગે માત્ર દંડ સુધી મર્યાદિત ન રહેતા, શહેરમાં વિવિધ સ્થળોએ તપાસ ચાલુ રાખી છે. જેમાં શહેરની નામી બ્રાન્ડ્સ જેવી કે ડોમીનોઝ, લા’પીનોઝ અને રાજમંદિર ફાસ્ટ ફૂડ સહિત વિવિધ સ્થળોએથી 11 જેટલા નવા નમૂનાઓ લેવામાં આવ્યા છે. જેમાં કાલાવડ રોડ પર શ્યામ પાર્ક-2માં આવેલ 'જય ખોડિયાર સ્વીટ માર્ટ'માંથી પનીર, ટાગોર રોડ પર 'રાજ મંદિર ફાસ્ટ ફૂડ'માંથી જૈન ડેરી મલાઈ પનીર અને વિમલ પ્રોસેસ ચીઝના સેમ્પલ લેવાયા છે. વિરાણી સ્કૂલ પાસે આવેલા 'ડોમીનોઝ પીઝા'માંથી પનીર ક્રોઝોન કયુબ્સ અને ગો ચીઝ સ્પ્રેડ તેમજ 'લા’પીનોઝ પીઝા'માંથી ગો નેચરલ ચીઝ અને મિલ્કાના મેલ્ટેડ ચીઝના નમૂના પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. આ ઉપરાંત, મુંજકા પોલીસ સ્ટેશન પાસે આવેલા 'ગાત્રાળ જનરલ સ્ટોર'માંથી શીતલ બ્રાન્ડના શ્રીખંડ (મિક્સ ફ્રુટ અને મેંગો) તથા મહાવીર મસાલા માર્કેટમાંથી હળદર અને જીરુંના લુઝ નમૂના પણ એકત્ર કરવામાં આવ્યા છે. ફૂડ વિભાગના જણાવ્યા અનુસાર, ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે ડ્રાઈવ સતત ચાલુ રહેશે. આગામી દિવસોમાં આ 11 નમૂનાઓના રિપોર્ટ આવ્યા બાદ વધુ મોટી કાર્યવાહી થવાની શક્યતા છે. બહારનો ખોરાક શુદ્ધ હોવાની આશા રાખતા લોકો માટે આ કિસ્સાઓ લાલબત્તી સમાન છે, કારણ કે નામચીન હોટલો પણ નફાખોરી માટે પામતેલ અને હલકી ગુણવત્તાની વસ્તુઓ પીરસી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં સગીરા સાથે થિયેટરમાં છેડતી:સિનેમાર્ક વિહાર થિયેટરમાં પરિવાર સાથે ફિલ્મ જોવા ગયેલી 14 વર્ષની સગીરા સાથે બે યુવકોએ છેડતી અને અશ્લીલ હરકતો કરી, કડક કાર્યવાહીની માંગ
    Next Article
    ભરૂચના અપ્સરા એપાર્ટમેન્ટની ગેલેરી ફરી ધરાશાયી:સદનસીબે કોઈ જાનહાનિ નહીં, સુરક્ષા પર સવાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment