Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એકબીજાને ગમતાં રહીએ:જમાઈ તરીકે સારા થવું કે અઘરા?

    11 hours ago

    એક પત્ર આવ્યો છે, ‘લગ્ન પછી મેં એમના જમાઈ નહીં, પણ દીકરો બનવાનું નક્કી કર્યું. હું મારા સાસુ-સસરા સાથે ખૂબ સારી રીતે વર્તું છું. એમનું ધ્યાન રાખું છું. એમના બહારના, બેંકના કામ પતાવું છું. એમની સાથે ડૉક્ટરને ત્યાં જાઉં છું... ધીરે ધીરે મને સમજાવવા લાગ્યું કે એમને મારી કિંમત નથી. મને સાવ નવરા અને નકામા માણસની જેમ ટ્રીટ કરે છે, જ્યારે અમારા સાઢુભાઈ-એમના બીજા જમાઈ દાદાગીરી કરે છે, આડાઈ કરે છે, વાતેવાતે વાંકુ પાડે છે, છતાં એને એ લોકો સાચવે છે. એની આગળ-પાછળ ફરે છે. એમના બધા નખરા સહન કરે છે ત્યારે મને એવો સવાલ થાય છે કે, મેં જમાઈ તરીકે દીકરો બનીને ભૂલ કરી છે? શું આ દુનિયા સારા માણસોની નથી?’ આ બહુ રસપ્રદ પ્રશ્ન એટલા માટે છે કારણ કે, આ માત્ર જમાઈનો સવાલ નથી, જગતનો સવાલ છે. જે સારા છે, સમજદાર છે, વાતેવાતે જતું કરવા તૈયાર છે એ સૌને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવામાં આવે છે, એમની સારાઈની, સમજદારીની કે એમના ત્યાગ-બલિદાનની સામાન્ય રીતે નોંધ લેવામાં આવતી નથી બલ્કે, એમને અવગણવામાં આવે છે. જે વ્યક્તિ દાદાગીરી કરે, આડાઈ કરે એને સાચવવા માટે સૌ પ્રયત્ન કરે, પરંતુ જે સરળ અને સહજ હોય એને સન્માન આપવાને બદલે એને નવરા અને નકામા માણસની ટ્રીટમેન્ટ મળે! આવું બને ત્યારે સવાલ એ થાય કે, શું સારા બનવું એ ગુનો છે? વિચિત્ર રહેવું, આડાઈ કરવી, તોછડા થઈને સામેના લોકોને ધાકમાં રાખવાથી જ આપણને યોગ્ય માન-સન્માન મળે? જે જમાઈ વિચિત્ર હોય એને માટે શ્વસુર પક્ષના લોકો ઓછાઓછા થઈ જાય, એને સાચવે, પરંતુ જે જમાઈ સારું વર્તે, સન્માન રાખે અને સૌની કાળજી કરે એ જાણે કે મહત્વનો નથી એવું વર્તન કરવામાં આવે ત્યારે શ્વસુર પક્ષે વિચારવું જોઈએ કે કોને મહત્ત્વ આપવું જોઈએ અને કોનું વધારે ધ્યાન રાખવું જોઈએ! આપણે ત્યાં આ એક બહુ વિચિત્ર રિવાજ હજી સુધી બદલાયો નથી. સંસ્કૃતની એક કહેવત મુજબ, ‘જામાતા દશમ્ ગ્રહ’ (જમાઈ દશમો ગ્રહ છે) જમાઈને સાચવવો જોઈએ, આનું કારણ કદાચ એ છે કે, આપણી દીકરી એમના ઘેર છે. જમાઈના મૂડ-મિજાજ સાચવીએ, એનું માન રાખીએ તો એ આપણી દીકરીને પણ સારી રીતે રાખે એવી અપેક્ષા માતા-પિતાને હોય છે. જોકે, એવું થતું નથી. ગમે એટલું દહેજ આપીને વિદાય કરેલી દીકરી સુખી જ થશે એવી કોઈ વોરન્ટી-ગેરન્ટી આપણી પાસે હોતી નથી. જમાઈને કે એમના ઘરવાળાને ગમે તેટલું સાચવીએ છતાં દીકરીને સાસરામાં દુઃખ અને અપમાન સહન કરવા પડે ત્યારે માતા-પિતા અવાજ ઉઠાવતા નથી. એની સામે જે જમાઈ સારો હોય, કોઈ અપેક્ષા વગર સાસુ-સસરાને માતા-પિતા માનીને એમની સેવાચાકરી કરે, ધ્યાન રાખે એ જમાઈનું મહત્ત્વ ઓછું કેમ હોવું જોઈએ? આપણે બધા જ જાણે-અજાણે વિચિત્ર માણસોને સાચવવામાં આપણી એનર્જી વાપરીએ છીએ. ખરેખર તો જે સારા હોય એનું વધારે ધ્યાન રાખવું જોઈએ, પરંતુ કહેવાય છે ને, કે દુનિયા ઝુકતી હૈ ઝુકાના વાલા ચાહિએ. એવી જ રીતે જે દબાવે, ધાકમાં રાખે એનાથી ડરવાનો આપણો સ્વભાવ થઈ ગયો છે. નવાઈની વાત એ છે કે, જમાઈને સાચવતાં સાસુ-સસરા પુત્રવધૂ માટે એટલી કાળજી કે ચિંતા કરતા નથી. એ પણ બહારથી આવી છે. એ પણ આ ઘરનો, પરિવારનો હિસ્સો બનવાનો પ્રયાસ કરે છે. સૌનું ધ્યાન રાખે છે, કાળજી કરે છે, પરંતુ જમાઈ આંખ-માથા પર અને પુત્રવધૂ પગલુંછણિયું... એ આપણા સમાજની વિટંબણા છે. જ્યાં સુધી ‘દીકરીના માતા-પિતા’ પોતાની જાતને ઓછા કે નીચા સમજતા રહેશે ત્યાં સુધી આ સમાજમાં ક્યારેય બદલાવ આવવાનો નથી. મોટાભાગના પરિવારોમાં દીકરીના શિક્ષણ પાછળ ખર્ચ કરવાને બદલે એના લગ્ન માટે પૈસા બચાવવામાં આવે છે. ગમે તેટલો ખર્ચ કરવા છતાં સાસરાવાળા ભૂલો કાઢે ત્યારે માતા-પિતાએ એવું સમજવું જોઈએ કે, જે દીકરીને ભણાવવામાં આવે એ દીકરી પોતાના પગ પર ઊભી રહી શકે છે. કમાઈ શકે છે અને આર્થિક રીતે સ્વતંત્ર હોય તો એણે કોઈના ઓશિયાળા જીવવું પડતું નથી. આજના સમયમાં દીકરાઓ સમજદાર છે અને આધુનિકમ માતા એના દીકરાને સાચી અને સારી રીતે ઉછેરે છે. આજથી થોડા વર્ષો પહેલાં જમાઈ જે રીતે વર્તતા હતા એના કરતાં આજનો આધુનિક યુવાન વધુ સરળ અને સ્નેહાળ જમાઈ પૂરવાર થાય છે, તેમ છતાં કેટલાંક જૂનવાણી પરિવારો અને રૂઢિચુસ્ત માનસિકતા ધરાવતા લોકો હજી એવું માને છે કે, જમાઈ એટલે સુપરમેન! ખરેખર એવું છે નહીં. જે માતા-પિતા પોતે સ્નેહથી ઉછેરેલી, સંસ્કારનું સિંચન કરીને, શિક્ષણ આપીને મોટી કરેલી દીકરી જમાઈને સોંપે છે એ માતા-પિતા કશુંક આપે છે-તો એમને નીચા દેખાડીને કે ધાકમાં રાખીને પોતે ‘જમાઈપણું’ કરવાથી શું પૂરવાર થાય? ખરેખર તો આ જગતના દરેક જમાઈએ એના સાસુ-સસરાનો આભાર માનવો જોઈએ કારણ કે એમણે પોતાના કાળજાનો ટુકડો કોઈનું કુળ આગળ વધારવા, કોઈના ઘરની પ્રતિષ્ઠા વધારવા માટે સોંપી દીધો છે. આપણને મળેલા પત્ર વિશે વાત કરીએ તો સમજાય કે, જે લોકો દાદાગીરી કરે કે સાસુ-સસરા પર ધાક જમાવવાનો પ્રયત્ન કરે એમને મહત્વ આપવાને બદલે જે જમાઈ દીકરો બનવાનો નિષ્ઠાપૂર્ણ પ્રયાસ કરે છે એને જ વધુ સાચવવો જોઈએ. આવનારા ભવિષ્યમાં જ્યારે સાસુ-સસરા વૃદ્ધ થશે ત્યારે આવો સારો અને સંસ્કારી છોકરો જ એમનું ધ્યાન રાખશે. ખાસ કરીને, જે પરિવારમાં બે દીકરીઓ જ હોય એ માતા-પિતાએ ભવિષ્યમાં જો દીકરી સાથે રહેવું પડે, તો આવો જ જમાઈ પ્રેમથી અને સન્માનથી સાચવશે. જે આપણું ધ્યાન રાખે છે એનું માન રાખવું આપણી ફરજ છે. જે દાદાગીરી કરે કે જમાઈપણું પૂરવાર કરવાની કોશિશ કરે, એને મહત્ત્વ નહીં આપીને આવી માનસિકતા બદલવાનો પ્રયત્ન જો દીકરીના માતા-પિતા નહીં કરે તો સમાજની સ્થિતિ ક્યારેય નહીં બદલાય.
    Click here to Read More
    Previous Article
    મીઠી મૂંઝવણ:લગ્ન પછી પગાર સાસરિયાંને જ આપવાનો!
    Next Article
    સજાવટ:નાના એપાર્ટમેન્ટ કે રૂમને આ રીતે મોટો બતાવી શકાય!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment