Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'બાળકો પૂછે છે પપ્પા ક્યારે આવશે, ક્યાંથી લાવુ':રડતા રડતા મૃતકની પત્ની બોલી-'બહાર નીકળી અને તેઓ નીચે પડ્યા, વડોદરામાં આપઘાત કરનાર ઝોમેટો બોયના ઘરે પહોંચ્યું ભાસ્કર

    11 hours ago

    28 એપ્રિલ 2026ની રાત્રે વડોદરા શહેરના અટલાદરામાં 31 વર્ષીય ઝોમેટોના ડિલિવરી બોયે માધવનગર વુડા બિલ્ડિંગ પરથી કૂદીને આપઘાત કર્યો હતો. આ કેસમાં 3 પોલીસકર્મીએ યુવકને માર મારતા ડિપ્રેશનમાં આવી અંતિમ પગલું ભર્યું હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે, ત્યારે દિવ્ય ભાસ્કર મૃતક યુવકના ઘરે પહોંચ્યું હતું. જ્યાં મૃતકની પત્ની અને બહેને ભીની આંખે સમગ્ર વાત રજૂ કરી હતી. મૃતક દિલીપભાઈના બંને સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. મૃતકના માતા-પિતા તો વર્ષો પહેલા મૃત્યુ પામ્યા હતા. હવે પાયલબેન અને તેમના બે સંતાનો એકલા પડી ગયા છે અને બંને સંતાનો તો સતત પપ્પાને યાદ કર્યા કરે છે અને કહે છે કે, પપ્પા ક્યારે આવશે? મારે પપ્પા સાથે વાત કરી છે. 'પોલીસવાળાએ ગાડીમાંથી ઉતરી મારા પતિને મારવાનું શરૂ કર્યું' મૃતક દિલીપ વસાવાની પત્ની પાયલબેને જણાવ્યું હતું કે, મારા પતિ અને એમના મિત્રો અંદરોઅંદર ઝઘડતા હતા. આ સમયે સુનીલ નામનો એક વ્યક્તિ ગાડી લઈને આવ્યો હતો. એ ગયો પછી તરત જ પછી પોલીસની ગાડી આવી હતી. ગાડીમાંથી ત્રણ પોલીસવાળા ઉતર્યા હતા અને આવતાની સાથે જ મારા પતિને મારવાનું શરૂ કરી દીધું. 'હું બહાર નીકળી એટલામાં જોરથી અવાજ આવ્યો, જાણે બોમ્બ ફૂટ્યો હોય' પોલીસે મને ધમકાવતા કહ્યું કે, તું વચ્ચેથી હટી જા, બાકી તને પણ અમે મારીશું. ત્યારબાદ તેમણે મારો હાથ છોડાવ્યો હતો અને મારા પતિ ક્યારે અને કઈ રીતે ત્યાંથી નીકળી ગયા એ મને ખબર જ ન પડી. મને એમ કે તેઓ ઘરે ગયા હશે, એટલે મેં આખા ઘરમાં તપાસ કરી પણ તેઓ ક્યાંય નહોતા. હું ઘરની બહાર નીકળતી જ હતી કે એટલામાં જોરથી 'ધબાક' અવાજ આવ્યો, જાણે બોમ્બ ફૂટ્યો હોય. 'મારા હસબન્ડ ઉપરથી નીચે પડ્યા, હું દોડતી નીચે ગઈ' મને પછી ખબર પડી કે, મારા હસબન્ડ નીચે (ધાબા પરથી) પડી ગયા છે. હું દોડતી નીચે ગઈ અને પોલીસની ગાડીઓ પણ ત્યાં જ હતી. 108 એમ્બ્યુલન્સ પણ એ લોકોએ જ બોલાવી હતી. પોલીસે એમને માર્યા છે, મેં મારી સગી આંખે જોયું છે. જો હું ખોટું બોલતી હોઉં તો મારા છોકરાઓને પૂછી લો, એ લોકો પણ ત્યાં જ હતા. એક બીજા ભાઈ પણ વચ્ચે છોડાવવા આવ્યા હતા, એમને પણ પોલીસે ધમકાવીને ભગાડી દીધા હતા. પોલીસે પ્લાસ્ટિકની પાઈપથી મારા હસબન્ડને બેરહેમીથી માર્યો હતો. 'બાળકો પૂછે છે પપ્પા ક્યારે આવશે, હું ક્યાંથી લાવી આપું?' તેઓએ ઉમેર્યું હતું કે, મારે બે બાળકો છે, શિવાંશ અને યુવરાજ. એક પાંચ વર્ષનો છે અને બીજો નવ વર્ષનો. બાળકો સતત એમના પપ્પાને યાદ કરે છે અને પૂછે છે કે 'પપ્પા ક્યારે આવશે? મારે પપ્પા સાથે વાત કરવી છે.' હવે હું એમને ક્યાંથી લાવી આપું? મારા હસબન્ડ ઝોમેટોમાં કામ કરતા હતા, અમે ગરીબ માણસ છીએ. આજે અમારા માથેથી છત છીનવાઈ ગઈ છે. મારી બસ એક જ માંગણી છે કે, જે પોલીસવાળાઓએ મારા હસબન્ડને માર્યા છે અને જેના કારણે આ બધું થયું છે, એમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને અમને ન્યાય મળે. 'હું ઘરમાં જ હતી, મેં એને જોયો એ સતત રડતો હતો' મૃતકની બહેન કાજલ વસાવાએ જણાવ્યું હતું કે, મારો ભાઈ નીચેથી ઉપર આવ્યો, ત્યારે મારા ઘરનો દરવાજો ખુલ્લો હતો. હું ઘરમાં જ હતી, મેં એને જોયો અને એણે પણ મને જોઈ હતી. એ ઉપર ગયો ત્યારે પણ સતત રડતો હતો. મને એમ કે કદાચ ઉપર બેસવા જતો હશે, પણ થોડી જ વારમાં નીચેથી જોરદાર અવાજ આવ્યો હતો. 'જે પોલીસવાળાએ મારા ભાઈને માર્યો, એ જ અત્યારે પૂછે છે શું થયું?' મેં એને ફટાફટ ખોળામાં લઈ લીધો અને બધાને બૂમો પાડી કે, 108 બોલાવો. ત્યાં હાજર પોલીસવાળાએ જ 108ને ફોન કર્યો હતો. અમે તેને ગોત્રી હોસ્પિટલ લઈ ગયા, પણ ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ આત્મહત્યા નથી, આ 'હાફ મર્ડર' છે. જે પોલીસવાળા રાત્રે મારા ભાઈને મારતા હતા, એ જ પોલીસવાળા અત્યારે પૂછે છે કે શું થયું? કેમ આવું પૂછો છો? તમે જ તો મારા ભાઈને માર્યો છે! 'પોલીસવાળાને આટલો બધો મારવાનો હક કોણે આપ્યો?' તેઓએએ ઉમેર્યું હતું કે, મારી ભાભીએ નજરે જોયું છે કે પોલીસની બે ગાડીઓ આવી હતી, એમાંથી પોલીસવાળા ઉતર્યા અને મારા ભાઈને ઢોર માર માર્યો. એ માર સહન ન થતા અને ડિપ્રેશનમાં આવીને મારો ભાઈ ઉપર ગયો અને ત્યાંથી છલાંગ લગાવી દીધી. મને એ પોલીસવાળાના નામ પણ ખબર છે. કાયદો તો બધા માટે સરખો હોવો જોઈએ ને? નાગરિક માટે પણ અને પોલીસ માટે પણ. આ પણ એક ગુનો જ છે. પોલીસવાળાને આટલો બધો મારવાનો હક કોણે આપ્યો? 'એમણે તો સીધો મારા ભાઈ પર જ હાથ ઉપાડ્યો' જો કોઈએ ફરિયાદ કરી હતી તો બંને પક્ષને પૂછવું જોઈએ, પણ એમણે તો સીધો મારા ભાઈ પર જ હાથ ઉપાડ્યો. હું પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગઈ હતી, પણ એમણે કીધું કે 'તમારું નિવેદન નહીં ચાલે, તમારી ભાભીનું જોઈશે.' તેઓ એફઆઈઆર ફાડી રહ્યા નથી અને કહે છે કે, કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધો છે. પણ પોલીસ કેમ એમનું કામ નથી કરતી? તેઓએ કહ્યું કે, મારા ભાઈએ એને હાથ પણ નહોતો લગાડ્યો તો એણે ફરિયાદ કેમ કરી? અમને ન્યાય જોઈએ છે, જો અહીં ન્યાય નહીં મળે તો અમે આગળ સુધી જઈશું. 'પપ્પા તમે પાછા આવો, હું તમારી રાહ જોવું છું' બંને બાળકો શિવાંશ અને યુવરાજે જણાવ્યું હતું કે, મારા પપ્પાની ખૂબ યાદ આવે છે. પપ્પા તમે પાછા આવો, હું તમારી રાહ જોવું છું. તમે જ્યાં હોય ત્યાંથી પાછા આવી જાઓ. પોલીસ કમિશનરે આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપી ઉલ્લેખનીય છે કે, માધવનગર વુડાના મકાનમાં રહેતા 31 વર્ષીય દિલીપ વસાવા નામના યુવકનો અન્ય મિત્રો સાથે ઝઘડો થયો હતો. જેમાં પોલીસની ગાડી બોલાવવામાં આવી હતી. સુનિલ નામના વ્યક્તિએ પોલીસને ઝઘડા વિશે જાણ કરતા અટલાદરા પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે દિલીપભાઈને દંડા વડે ઢોર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ થયા હતા. દિલીપભાઇની પત્ની પણ ત્યાં આવી પહોંચી હતી અને પોતાના પતિને ઘરમાં લઈ ગઈ હતી. જોકે દિલીપભાઈ અગાસીમાં ગયા હતા અને ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે આ કેસની તપાસ વડોદરા ક્રાઇમ બ્રાંચને સોંપી છે.
    Click here to Read More
    Previous Article
    મેયર નક્કી કરવા આજથી 3 દિવસ ભાજપના નિરીક્ષકો સેન્સ લેશે:ધારાસભ્યો-કોર્પોરેટરને મળશે, પાર્લામેન્ટ્રી બોર્ડ 6 મે બાદ ગમે ત્યારે મેયરથી લઈ સ્ટે.કમિટીના ચેરમેનના નામ પર મારશે મહોર
    Next Article
    સુરત SBI 50 લાખ લૂંટ કેસમાં પોલીસને મહત્વની લીડ મળી:લૂંટારૂઓ 1 મહિનાથી ઉધનામાં નાના રૂમમાં ભાડે રહ્યાં, 17 દિવસ રેકી કરી; હાઈટેક ટેકનોલોજીથી CCTVમાંથી સ્પષ્ટ ફોટા કાઢ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment