Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ‎:વાંસદા કોટેજ હોસ્પિટલ વિવાદોના વંટોળમાં; ‘હાઈ રિસ્ક’ના બહાને ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિ.માં ધકેલવાનું નેટવર્ક?

    8 hours ago

    નવસારી જિલ્લાના આદિવાસી પટ્ટાની ગરીબ જનતા માટે આશીર્વાદ સમાન ગણાતી વાંસદાની 100 બેડની સબ-ડિસ્ટ્રિક્ટ કોટેજ હોસ્પિટલમાં ગરીબ આદિવાસી ગર્ભવતી મહિલાઓને યોગ્ય સારવાર આપવાને બદલે જાણી જોઈને કેસને 'હાઈ રિસ્ક' તરીકે ખપાવી દઈ ખાનગી હોસ્પિટલોમાં ધકેલી દેવાનું વ્યવસ્થિત નેટવર્ક ચાલતું હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક પરિવારને સરકારી તબીબોએ ડરાવીને રિફર કરી દીધા અને એ જ મહિલાની પ્રસૂતિ ખાનગી હોસ્પિટલમાં જતાંની સાથે જ ગણતરીની મિનિટોમાં કોઈ પણ જટિલતા વગર નોર્મલ થઈ હતી. તાજેતરમાં વાંસદા તાલુકાના એક આદિવાસી પરિવારની સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા કોટેજ હોસ્પિટલ લવાઇ હતી. અહીં ફરજ પરના તબીબોએ મહિલાના પગમાં સોજા છે અને બ્લડ પ્રેશર વધારે હોવાથી કેસ 'અત્યંત ગંભીર' છે તેમ કહી તાત્કાલિક સિવિલ અથવા ખાનગી હોસ્પિટલમાં લઈ જવા જણાવ્યું હોવાના આક્ષેપ થયા છે. ગભરાયેલો પરિવાર મહિલાને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જતા જ્યાં માત્ર 10 જ મિનિટમાં કોઈ પણ જટિલતા વગર નોર્મલ ડિલિવરી થઈ હતી. આ ઘટનાએ સરકારી તંત્રની વિશ્વસનીયતા સામે સવાલો ઉભા કર્યા છે. વાંસદા તાલુકાના 94 ગામો અને ડાંગના સરહદી વિસ્તારોના લોકો અહીં પોતાના દુઃખ-દર્દ લઈને આવે છે, પરંતુ હોસ્પિટલનું વિચિત્ર વલણ ગરીબ દર્દીઓ માટે જીવલેણ સાબિત થઈ રહ્યું છે. બીજી તરફ, સ્થાનિક નેતાઓ પણ માત્ર 'ફોટો સેશન' પૂરતા સીમિત રહી હોસ્પિટલના આ અંધેર વહીવટ સામે મૌન સેવી રહ્યા હોવાથી ગરીબ જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આંકડા સાથે કેસની વિગત છેલ્લા છ મહિનાના આંકડા જોઈએ તો કુલ સગર્ભા ઓપીડી: 4245 નોર્મલ ડિલિવરી: 580 સિઝેરિયન: 111, ખાનગીમાં રિફર કરેલા કેસ: 92 (જેમાં 52 હાઈ રિસ્ક બતાવાયા છે) બીજા બે કેસને પણ અન્યત્ર ખસેડ્યાં ઉનાઈના સ્થાનિક ગણેશભાઇએ જણાવ્યું હતું કે, કોટેજ હોસ્પિટલમાં અમે મારી પત્નીને ડિલિવરી માટે મળસ્કે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોકટર અને નર્સ દ્વારા ચેકઅપ કરી કેસ હાઇરિસ્ક છે એમ જણાવી નવસારી અથવા ખાનગી હોસ્પિટલમાં લઈ જવા જણાવ્યું હતું. જોકે અમે ખાનગી હોસ્પિટલમાં મારી પત્નીને લઈ જતા ત્યાં દસ મિનિટમાં નોર્મલ ડિલિવરી થઈ ગઈ હતી. જેથી કોટેજ હોસ્પિટલમાં ખોટી રીતે અમને ડરાવી દીધા હતા. અમારી સાથે બીજા બે કેસને પણ હાઈરિસ્ક બતાવી ખાનગીમાં જવા ફરજ પાડી હતી. તો પછી અહીં કેમ સુવિધા ઉભી કરાતી નથી. એ પણ મોટો પ્રશ્ન છે. વેરી હાઈરિસ્ક કેસમાં ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કે મેડિકલ કોલેજમાં જ સારવાર અપાય છે વાસંદાની સબ ડિસ્ટ્રીકટ કોટેજ હોસ્પિટલના આરએમઓ (ચાર્જ) ડો.ગિરિશભાઈ પટેલે કહ્યું હતું કે, ગાંધીનગર સરકાર દ્વારા 19 ક્રાઇટ એરિયા બનાવ્યા છે, જેમાં કોઈ પણ સગર્ભા મહિલા આવતી હોય તેમને તે દિવસે ડિસ્ટ્રિકટ હોસ્પિટલ અથવા મેડિકલ કોલેજમાં ડિલિવરી કરાવવાની હોય છે. જેને આપણે વેરી હાઈરિસ્ક પ્રેગનન્સી કહીએ છીએ. ગાયનેક ICU નથી ઇન્ચાર્જ આરએમઓ ડો. ગિરીશ પટેલે સરકારના 19 ક્રાઇટેરિયાનું બહાનું કાઢી બચાવ કર્યો હતો કે હાઈ રિસ્ક પ્રેગ્નન્સીમાં ગાયનેક આઇસીયુની જરૂર હોય છે, જે હાલ હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે,સ્ટાફની સ્થિતિ પણ અત્યંત દયનીય છે. જ્યાં 44 નર્સિંગ સ્ટાફની જરૂર છે ત્યાં માત્ર 28 છે.
    Click here to Read More
    Previous Article
    નવી ડિજિટલ શરૂઆત:સ્ટાર્ટઅપ ડિઝાઇનિયા, ભારતના ઘર નિર્માણ-ડિઝાઇન ક્ષેત્રમાં ડિજિટલ ક્રાંતિ
    Next Article
    સ્થાનિક સ્વરાજ ચૂંટણી:વ્યારામાં ઉમેદવારી પાછી ખેંચનાર આપના ત્રણ નેતા છ વર્ષ માટે સસ્પેન્ડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment