Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મન્ના ડે ખાસ અમદાવાદથી માંજો મગાવીને મુંબઈમાં પતંગબાજી કરતા:ચાહકોએ જેલમાં ધકેલવાની ધમકીઓ આપી, બેશરમ બોલિવૂડ અંતિમ સંસ્કારમાં હાજરી આપવામાં ઊણું ઊતર્યું

    8 hours ago

    ચરર ચરર મારું ચકડોળ ચાલે… દિલ કા હાલ સુને દિલ વાલા... ના માંગૂ સોના ચાંદી... ઝેર તો પીધાં છે જાણી જાણી... જાગને જાદવા… હિંદી-ગુજરાતીના આવા અઢળક લોકપ્રિય ગીતો-ગરબા આજે પણ આપણે ગણગણતા હોઈએ છીએ. 70-80ના દાયકાના આ મધુર ગીતો લિજેન્ડરી સિંગર મન્ના ડેએ ગાયા હતા. મન્ના ડેએ બોલિવૂડમાં શાસ્ત્રીય સંગીતના ગીતો અલગ જ સ્ટાઇલથી ગાયા છે. આજે એટલે કે પહેલી મેએ તેમની 107મી બર્થ એનિવર્સરી છે. 'ફિલ્મી ફેમિલી'માં વાત કરીશું મન્ના ડે અંગે. મન્ના ડેએ ગુજરાતીમાં કયા ક્યા ગીતો ગાયા છે, મન્ના ડેને સંગીતમાં કેવી રીતે રસ પડવા લાગ્યો, રાજ કપૂરની જીદને કારણે મન્ના ડેને ક્યું ગીત મળ્યું, મન્ના ડેએ કિશોર કુમાર સાથે ગાવાની કેમ ના પાડી દીધી? લિજેન્ડરી મન્ના ડેને માન-સન્માન આપવામાં બોલિવૂડ ઊણું ઊતર્યું? મન્ના ડે કોની સાથે મુંબઈમાં પતંગ ચગાવતા, મન્ના ડે કોની પાસેથી કુસ્તી શીખ્યા હતા? કોલકાતાના રૂઢિચુસ્ત બંગાળી પરિવાર પૂર્ણ ચંદ્ર ડે તથા મહામાયાના ઘરે પહેલી મે, 1919માં પ્રબોધ ચંદ્ર ડેનો જન્મ થયો. પ્રબોધ ચંદ્ર ડે આગળ જતાં મન્ના ડેના નામથી લોકપ્રિય થયા. નાનપણથી જ મન્ના ડે પેરેન્ટ્સ કરતાં કાકા સંગીતાચાર્ય કૃષ્ણ ચંદ્ર ડેથી વધુ પ્રેરિત હતા. કૃષ્ણ ચંદ્ર ડે સંગીતમાં પારંગત હતા. કાકા સંગીતાચાર્ય હોવાથી તેમના ઘરે સંગીતના દિગ્ગજોની અવર-જવર રહેતી ને મોડી રાત સુધી સંગીતનો જલસો થતો. કાકાને કારણે જ મન્ના ડેનો સંગીત પ્રત્યે વધારે ઝૂકાવ રહ્યો. ઘરમાં ડૉક્ટર ને એન્જિનિયર હોવાથી પિતાનું સપનું હતું કે નાનો દીકરો પ્રબોધ વકીલ બને, પરંતુ તેઓ તો પહેલેથી જ સંગીતમાં આગળ જવા માગતા હતા. કાકા પાસેથી સંગીત શીખ્યા એકવાર કૃષ્ણ ચંદ્ર ડે તથા ઉસ્તાદ બાદલ ખાન રિયાઝ કરતા હતા અને બાજુના રૂમમાં બાળક મન્ના ડે પણ ગાતા હતા. બાદલ ખાનને બાળકનો અવાજ ઘણો જ પસંદ આવતા તેમણે મન્ના ડેને કાકા પાસેથી સંગીતની તાલીમ લેવાનું કહ્યું. ત્યારબાદ તેમણે કાકા પછી ઉસ્તાદ દબીર ખાન, ઉસ્તાદ અમન અલી ખાન તથા ઉસ્તાદ અબ્દુલ રહમાન ખાન પાસેથી સંગીતની તાલીમ લીધી. મન્ના ડેએ ભીંડી બજાર ઘરાનામાં તાલીમ લીધી હતી. નોંધનીય છે કે લતા મંગેશકર પણ આ જ ઘરાના સાથે સંકળાયેલા હતા. અખાડામાં પહેલવાન બન્યા મૂળ બંગાળીમાં લખવામાં આવેલી બાયોગ્રાફી 'જિબોનેર જલસાઘોરે'માં કહેવામાં આવ્યું છે કે મન્ના ડે અખાડામાં પહેલવાની તથા ફૂટબોલ પણ રમતા. કાકાને કારણે તેમની મુલાકાત પહેલવાન યતીન્દ્રચરણ ગુહા સાથે થઈ હતી. તેઓ ગૌરવ બાબુના નામથી લોકપ્રિય હતા. એકવાર જ્યારે ગૌરવબાબુ સંગીતાચાર્ય કૃષ્ણ ચંદ્રના ઘરે આવ્યા ત્યારે તેમણે મન્ના ડેને જોઈને સવાલ કર્યો કે તેઓ શું કરે છે? જવાબમાં તેમણે જણાવ્યું કે તેઓ અભ્યાસની સાથે ફૂટબોલ, ક્રિકેટ, કબડ્ડી, ગિલ્લી-દંડા સહિતની વિવિધ રમતો રમે છે. ગૌરવ બાબુએ અખાડામાં કસરત કરવી ગમશે તેવું પૂછતાં જ મન્ના ડે તૈયાર થઈ ગયા અને તેઓ પહેલવાન બન્યા હતા ને કુસ્તી પણ કરતા હતા. સ્કૂલમાં સ્ટેજ શો કરતા 1929માં સ્કૂલિંગ દરમિયાન જ મન્ના ડેએ સ્ટેજ શો કરવાના શરૂ કર્યા હતા. તેમણે શરૂઆતમાં ઇન્દુ બાબુરપુરમાંથી સ્કૂલિંગ કર્યું ને પછી સ્કોટિશ ચર્ચ કોલેજમાંથી હાયર સેકન્ડરીનો અભ્યાસ કર્યો. વિદ્યાાસાગર કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું. કોલેજમાં તેઓ અલગ-અલગ ત્રણ કેટેગરીની સિગિંગ કોમ્પિટિશનમાં ભાગ લેતા. કોલેજકાળમાં પણ મન્ના ડે ક્લાસમાં લાસ્ટ બેંચ પર બેસીને સૂરમાં ગાતા. એકવાર પ્રિન્સિપાલના લેક્ચરમાં આ રીતે ગીત ગાતાં પકડાઈ ગયા હતા. અલબત્ત, પ્રિન્સિપાલ નારાજ થવાને બદલે તેમણે સપોર્ટ કર્યો. મન્ના ડે માત્ર સિગિંગમાં જ નહીં, કુસ્તી ને મુક્કાબાજીની સ્પર્ધામાં પણ ભાગ લેતા હતા. જોકે, નસીબ તેમને મુંબઈ લઈ આવ્યું હતું. આસિસ્ટન્ટ મ્યૂઝિક ડિરેક્ટર તરીકે કામ કરવાની શરૂઆત કરી 1942માં કોલકાતામાં અભ્યાસ પૂરો કર્યા બાદ મન્ના ડે કાકા સાથે મુંબઈ આવી ગયા. ફિલ્મમાં કામ કરતા પહેલા કાકાએ જ મન્ના ડે આ નામ રાખવાની ભલામણ કરી હતી. સંગીતની સારી સમજ હોવાને કારણે તેમણે બોલિવૂડમાં કાકાના આસિસ્ટન્ટ મ્યૂઝિક ડિરેક્ટર તરીકે કામ કરવાની શરૂઆત કરી. શંકર રાવ વ્યાસે મન્ના ડેને ગીત ગાવાની સ્ટાઇલ શીખવી હતી. થોડા સમય બાદ મન્ના ડેએ સચિન દેવ બર્મન (એસ. ડી. બર્મન) સાથે કામ કર્યું. 1942માં રિલીઝ થયેલી ફિલ્મ 'તમન્ના'થી મન્ના ડેને બિગ બ્રેક મળ્યો. આ ફિલ્મમાં મન્ના ડેએ સુરૈયા સાથે ગીત 'જાગો આઇ ઉષા પોંચી બોલે જાગો..' ગાયું હતું. આ ગીત બ્લોકબસ્ટર સાબિત થયું હતું. 1943માં આવેલી ફિલ્મ 'રામ રાજ્ય'માં મન્ના ડેએ સોલો સિંગર તરીકે ગીત 'ગઈ તુ ગઈ સીતા સતી..' ગાયું હતું. મહાત્મા ગાંધીજીએ જોયેલી આ એકમાત્ર ફિલ્મ હતી. 1952માં મન્ના ડેએ અમર ભૂપાલીના નામથી અનેક મરાઠી ને બંગાળી ફિલ્મના ગીતો ગાયા હતા. 'કાબુલીવાલા'થી ખરી ઓળખ મળી મન્ના ડેએ ત્યારપછી બોલિવૂડમાં કેટલીક ફિલ્મના ગીતો ગાયા, પરંતુ તેમને ખરી ઓળખ તો 1961માં રિલીઝ થયેલી ફિલ્મ 'કાબુલીવાલા'ના ગીત 'એ મેરે પ્યારે વતન..'થી મળી હતી. આ ગીત બાદ મન્ના ડેએ ક્યારેય પાછળ ફરીને જોયું નથી. તેમણે હિંદી-મરાઠી ને બંગાળી ઉપરાંત ગુજરાતી, મલયાલમ, કન્નડ, પંજાબી, ભોજપુરી, આસમીઝ, છત્તીસગઢી સહિતની વિવિધ 14 ભાષાના 3500થી વધુ ગીતો ગાયા હતાં. પછી તો મન્ના ડેની ગાયિકીથી પ્રભાવિત થઈને હરિવંશ રાય બચ્ચને ‘મધુશાલા’ તેમને પાસે ગવડાવી હતી. રફી સાથે પતંગબાજી કરતા, અમદાવાદથી માંજો મગાવતા મુંબઈમાં મન્ના ડે ગાયક મોહમ્મદ રફી સાથે પતંગબાજી કરતા. તેઓ નાનપણમાં પણ કોલકાતામાં પતંગ બહુ જ ચગાવતા હતા અને ઘણીવાર તો પેરેન્ટ્સના હાથનો માર પણ ખાતા હતા. તેઓ જ્યારે પણ પતંગ ચગાવે ત્યારે જોર જોરથી ગીત પણ ગાતા. રફી ને મન્ના ડે બંને બાંદ્રામાં રહેતા અને બંનેને જ્યારે પણ સમય મળે ત્યારે ધાબે ચઢીને પતંગ ચગાવતા. મોટાભાગે મન્ના ડે જ રફીનો પંતગ કાપી નાખતા અને આ વાતથી રફી ઘણાં જ અકળાતા. તે ઘણીવાર એમ પણ કહેતા કે મન્ના ડે નક્કી કંઈક જાદુ-મંત્ર કરીને દર વખતે તેમનો પતંગ કાપી નાખે છે. આ વાત સાંભળીને મન્ના ડે હસીને જવાબ આપતા કે તેઓ બહુ મોટા પતંગબાજ છે અને લખનઉ ને અમદાવાદથી સ્પેશિયલી માંજો મગાવે છે. 102 જેટલા ડિરેક્ટર્સ સાથે કામ કર્યું છ દાયકા જેટલી લાંબી કરિયરમાં મન્ના ડેએ 102 જેટલા મ્યૂઝિક ડિરેક્ટર્સ સાથે કામ કર્યું હતું. 1942માં કાકા ક્રિષ્ન ચંદ્ર ડેથી લઈને 2006માં સમીર ટંડન સુધીના મ્યૂઝિશિયન સાથે કામ કર્યું. 2006માં આવેલી ફિલ્મ 'ઉમર'ની કવ્વાલી 'દુનિયાવાલોં કો નહીં કુછ ભી ખબર...' મન્ના ડેનું છેલ્લું ગીત હતું. જ્યારે તેમણે આ ગીત રેકોર્ડ કર્યું ત્યારે તેઓ 86 વર્ષના હતા. મન્ના ડેએ અશોક કુમાર, પ્રાણ, પ્રેમનાથ, એ. કે. હંગલ, બલરાજ સાહની રાજેશ ખન્ના, મહેમૂદ, અનુપ કુમાર, રાજ કપૂર સહિતના એક્ટર્સ માટે ગીતો ગાયા છે. ગુજરાતીમાં અવિનાશ વ્યાસ સાથે જોડી જમાવી હતી મન્ના ડેએ ગુજરાતી સોંગ્સ પણ ગાયા છે. મન્ના ડેના ગુજરાતી ગીતો સાંભળો ત્યારે એક વાર પણ એવું ના લાગે કે આ ગીત કોઈ બિન ગુજરાતી ગાઈ રહ્યા છે. તેમણે 'હુતુતુ જામી રમતની ઋતુ..' ગાયું હતું. આ ગીત ગરબામાં ઓલટાઇમ ફેવરિટ છે. ગૌરાંગ વ્યાસે આ ગીત મન્ના ડે પાસે ગવડાવ્યું હતું. તેઓ પિતા અવિનાશ વ્યાસના આસિસ્ટન્ટ મ્યૂઝિશિયન તરીકે કામ કરતા. મન્ના ડે સંગીતકાર અવિનાશ વ્યાસના ગીતો ગાતા હતા. રેકોર્ડિંગ પૂરું થયા બાદ મન્ના ડે ને ગૌરાંગ વ્યાસ હાર્મોનિયમ પર ગીતો પણ ગાતા. ગૌરાંગ વ્યાસની ધૂન સાંભળ્યા બાદ મન્ના ડેએ તેમની સાથે ગાવાની ઈચ્છા પ્રગટ કરી હતી. ત્યારબાદ ગૌરાંગ વ્યાસે મસ્તીભર્યું ગીત 'હુતુતુતુતુ...' મન્ના ડે પાસે ગવડાવ્યું હતું. આ ગીત અવિનાશ વ્યાસે લખ્યું હતું. પછી આ ગીત ફિલ્મ 'સાત કેદી'માં લેવામાં આવ્યું હતું અને તે ગીત મહેન્દ્ર કપૂરે ગાયું હતું. મન્ના ડેના સંગીતના કિસ્સા સંગીતમાં અપાર આસ્થા મન્ના ડેને સંગીત પ્રત્યે અપાર આસ્થા ને શ્રદ્ધા હતી. આ જ કારણે પ્રોડ્યુસર જ્યારે પણ શાસ્ત્રીય સંગીતની વાત આવે તો માત્ર મન્ના ડેનો સંપર્ક કરતા. તેમનો અવાજ મધુર હોવા છતાં તેમની પાસે અન્ય પ્રકારના સોંગ્સ ભાગ્યે જ ગવડાવવામાં આવતા એક સમયે મહોમ્મદ રફી, કિશોર કુમાર, મુકેશ જેવા ગાયકોને મન્ના ડેનો અવાજ ઘણો જ ગમતો. રફીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે દુનિયા તેમના ગીતો સાંભળે છે, પરંતુ તેમને તો મન્ના ડેના જ ગીતો ગમે છે. તેઓ જેટલી સહજતાથી ગાય છે તેટલું કોઈ ગાઈ શકતું નથી. શાસ્ત્રીય સંગીતને કારણે તેમને રોમ-કોમ કે કોમેડી ગીતો ગાવાની તક બહુ જ ઓછી મળી. તેમનું ગાયેલું ગીત 'એ ભાઈ જરા દેખ કે ચલો...' સુપરડુપર હિટ રહ્યું હતું. રાજ કપૂરની જીદને કારણે ગીત ગાવાની તક મળી મન્ના ડેના જીવનમાં એક સમય એવો પણ આવ્યો કે પ્રોડ્યુસરે પોતાની ફિલ્મમાં સિંગરને લેવાની જ ચોખ્ખી ના પાડી દીધી. ફિલ્મ 'ચોરી ચોરી'ના પ્રોડ્યુસર એ. વી. મય્યપન ગીત 'રાત ભીગી ભીગી'માં લતા મંગેશકરની સાથે મુકેશને લેવા માગતા હતા. આ ગીતના રેકોર્ડિંગ માટે તેઓ ખાસ ચેન્નઈથી મુંબઈ આવ્યા હતા. અલબત્ત, સંગીતકાર શંકર-જયકિશન મુકેશને બદલે મન્ના ડે પાસે આ ગીત ગવડાવવા માગતા હતા. જ્યારે મય્યપન રેકોર્ડિંગ સ્ટૂડિયોમાં આવ્યા ને મુકેશને ના જોયા તો તેમણે સીધો સવાલ જ કર્યો, આ સમયે સંગીતકારે એવો જવાબ આપ્યો કે આ ગીત માટે મન્ના ડે પર્ફેક્ટ છે તો પણ પ્રોડ્યુસરે ચોખ્ખી ના પાડી દીધી. પછી તો ફિલ્મના હીરો રાજ કપૂરે પ્રોડ્યુસરને સમજાવ્યા અને અંતે આ ગીત મન્ના ડેના સ્વરમાં રેકોર્ડિંગ થયું. ગીત સાંભળીને પ્રોડ્યુસર પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. કિશોર કુમાર સાથે ગાવાની ના પાડી ફિલ્મ 'પડોસન'ના ગીત 'એક ચતુર નાર...'માં મન્ના ડે, કિશોર કુમાર તથા મહમૂદે સ્વર આપ્યો છે. શરૂઆતમાં મન્ના ડેએ આ ગીત ગાવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. આ ગીત મહમૂદ તથા કિશોર કુમાર પર પિક્ચરાઇઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં વચ્ચે વચ્ચે મસ્તીભર્યા શબ્દો છે. આ જ કારણે મન્ના ડેએ ગીત ગાવાની ના પાડી દીધી. કિશોર કુમાર આ માટે તૈયાર હતા. મન્ના ડેએ કહ્યું હતું કે તે સંગીતની સાથે ક્યારેય મજાક કરી શકે નહીં. પ્રોડ્યુસરે તેમની વાત માની લીધી અને રેકોર્ડિંગ શરૂ કરવામાં આવ્યું. કિશોર કુમારે તે મસ્તીભર્યા શબ્દો ગાઈ લીધા. મહમૂદે પછી મન્ના ડેને સમજાવ્યા કે ગીતના સીન માટે આ રીતે ગાવું જરૂરી છે. મન્ના ડેએ એ શબ્દો ગાયા ખરા, પરંતુ જે શબ્દો સામે તેમને વાંધો હતો તે કાઢી નાખ્યા હતા. પંડિત ભીમસેન સાથે ગાવામાં ડર લાગ્યો પંડિત ભીમસેન જોશી સાથે મન્ના ડેને ગાવાની તક મળી હતી. અલબત્ત, સિંગર પંડિત ભીમસેનના નામ માત્રથી નર્વસ થઈ જતા હતા. આ જ કારણે તેમણે તેમની સાથે ગીત ગાવાની ના પાડી દીધી. ગીતમાં એવું હતું કે તેમણે પંડિત ભીમસેનને હરાવવાના હતા. પછી તો મન્ના ડેને પત્નીએ સમજાવ્યા. આ ઉપરાંત સંગીતકાર શંકર-જયકિશને પણ મન્ના ડેને ગીત ગાવાની વિનંતી કરી હતી. ફિલ્મ 'બસંત બહાર'નું ગીત 'કેતકી ગુલાબ...' ગીત મન્ના ડે ને પંડિત ભીમસેને સાથે ગાયું. રેકોર્ડિંગ દરમિયાન પંડિત ભીમસેન જોશીને મન્ના ડેનો અવાજ ઘણો જ ગમ્યો હતો. જેલમાં મોકલવાની ધમકી અપાઈ મન્ના ડે બોલિવૂડ સેલેબ્સ સાથે લખનઉના ચારબાગ સ્ટેશન આગળ મ્યૂઝિક કોન્સર્ટમાં પર્ફોર્મન્સ આપવાના હતા. તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી, પરંતુ આયોજકો પૈસા લઈને ભાગી ગયા હતા. ચાહકોને જ્યારે આ વાતની જાણ થઈ તો તેમણે મન્ના ડે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ને તેમને જેલના સળિયા પાછળ મોકલવાની વાત કરી હતી. જોકે, થોડા સમયમાં જ આયોજકો પકડાઈ ગયા હતા. બે દીકરીઓ, પત્નીનું કેન્સરથી અવસાન ડિસેમ્બર, 1953માં મન્ના ડેએ કેરળના સુલોચના કુમારન સાથે લગ્ન કર્યા. મોટી દીકરી શૌરોમાનો જન્મ 1956માં ને નાની દીકરી શુમીતા 1958માં જન્મી. મોટી દીકરી અમેરિકામાં સાયન્સિટ છે અને તેમનું 2016માં અવસાન થયું હતું. નાની દીકરી શુમીતા બેંગલુરુમાં બિઝનેસવુમન છે. સુલોચનાનું 2012માં બેંગલુરુમાં કેન્સરને કારણે અવસાન થયું. પત્નીના અવસાન બાદ મન્ના ડેએ હંમેશના માટે મુંબઈ છોડી દીધું અને તેઓ દીકરીના ઘરે રહેવા લાગ્યા. પત્નીના ગમમાં મન્ના ડે ઘણા જ ઉદાસ રહેવા લાગ્યા હતા. પત્નીના અવસાનના એક વર્ષ બાદ જ મન્ના ડેનું અવસાન થયું. અંતિમ સંસ્કારમાં કોઈ ના આવ્યું 8 જૂન, 2013માં છાતીમાં ઇન્ફેક્શન થતાં મન્ના ડેને બેંગલુરુની હૉસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. એક મહિના બાદ તેમને રજા આપવામાં આવી. ઓક્ટોબર, 2013માં ફરીથી મન્ના ડેની તબિયત લથડતાં એડમિટ કરવામાં આવ્યા અને 24 ઓક્ટોબરે મન્ના ડેનું કાર્ડિયેક અરેસ્ટને કારણે અવસાન થયું. 94 વર્ષીય મન્ના ડેના અંતિમ સંસ્કાર બેંગલુરુમાં જ કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કારમાં બોલિવૂડના એક પણ સેલેબે હાજરી આપી નહોતી. અંતિમ સંસ્કારમાં કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સેલેબ્સ ને પરિવાર્ર 70 લોકો હાજર રહ્યા હતા, પરંતુ મોટી સંખ્યામાં ચાહકો પોતાના ફેવરિટ સિંગરને અંતિમ અલવિદા કહેવા ભેગા થઈ ગયા હતા. બોલિવૂડે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને સંતોષ માની લીધો હતો. જીવનના અંતિમ દિવસોમાં મન્ના ડે સંન્યાસી જીવન જીવતા હતા.
    Click here to Read More
    Previous Article
    પ્રેમ, દેહ વેપાર ને ભૂતની મર્ડર મિસ્ટ્રી 34 વર્ષે ખૂલી:રાત્રે બાજુમાં સુઈને પત્નીને પતાવી દઈ કૂવામાં લાશ નાંખી ચણતરકામ કર્યું, અમદાવાદના બંધ ઘરમાંથી હવે હાડકાં મળ્યા
    Next Article
    Video claimed to show Dalit student cleaning school toilet. Probe reveals a different reality

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment