Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફન બ્લાસ્ટ ગેમઝોનમાં આગ બાદ તંત્ર જાગ્યું:રાજકોટનાં તમામ ગેમઝોનમાં ફાયર સેફટીના સાધનોની તપાસ કરાઈ, ઇલેક્ટ્રિકલ વાયરિંગ એપૃવલ સર્ટિફિકેટ મળ્યા બાદ ફન બ્લાસ્ટ શરૂ કરવા મંજૂરી અપાશે

    2 days ago

    રાજકોટના કાલાવડ રોડ પરનાં 'ફન બ્લાસ્ટ' ગેમઝોનમાં રવિવારની રજામાં આગ લાગવાની ઘટનાએ શહેરમાં ભારે ચકચાર જગાવી છે. આ ઘટનાને પગલે ફાયર વિભાગ દ્વારા કડક તપાસ શરૂ કરવામાં આવી છે અને શહેરના અન્ય ગેમઝોન પર પણ તવાઈ બોલાવવામાં આવી છે. રાજકોટ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર અમિત દવેના જણાવ્યા મુજબ શહેરમાં આવેલા તમામ 7 ગેમઝોનમાં ફાયર સેફટીનાં સાધનો અંગે તપાસ કરાઈ હતી. જે પૈકી હાલ ફન બ્લાસ્ટ સહિત 3 ગેમઝોન બંધ છે. ફન બ્લાસ્ટનાં સંચાલકો દ્વારા ઇલેક્ટ્રિકલ વાયરિંગ એપૃવલ સર્ટિફિકેટ રજૂ કરાયા બાદ તેને ફરી શરૂ કરવા મંજૂરી આપવામાં આવશે. પ્રાપ્ત વિગત મુજબ ગત રવિવારે ફન બ્લાસ્ટ ગેમઝોનમાં બાળકો - યુવાનો સહિત મોટી સંખ્યામાં લોકો મનોરંજન માટે ઉમટી પડ્યા હતા. દરમિયાન અચાનક ગેમઝોનના ઉપરના ભાગે તણખાઓ દેખાતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ઇલેક્ટ્રિકલ વાયરિંગમાં થયેલા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. સદનસીબે, ગેમઝોનનો સ્ટાફ અગાઉથી જ આપત્તિ વ્યવસ્થાપન માટે ટ્રેઈન્ડ હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. સ્ટાફે તુરંત જ ગભરાયા વગર ત્યાં હાજર ફાયર એક્સટિંગ્યુશર (અગ્નિશામક સાધનો) નો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ચીફ ફાયર ઓફિસર અમિત દવેએ જણાવ્યું કે, આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ હતી. જોકે ટીમ પહોંચે તે પૂર્વે જ ગેમઝોનના સ્ટાફે આગને કાબૂમાં લઈ લીધી હતી. સૌથી મહત્વની બાબત એ રહી કે ગેમઝોનના તમામ ઈમરજન્સી એક્ઝિટ ગેટ કાર્યરત હતા અને તેને તુરંત ખોલી દેવામાં આવ્યા હતા, જેથી ભીડને સમયસર બહાર કાઢી શકાઈ હતી. આગના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી અને કોઈ મોટી ઈજાના સમાચાર પણ મળ્યા નથી. તપાસ દરમિયાન એ વાત સામે આવી છે કે ગેમઝોનમાં સજાવટ અને ઝાકઝમાળ માટે ચાઈનાની બનાવટની લાઈટોનો મોટાપાયે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ચાઈનીઝ લાઈટોના વાયર નબળા હોવાને કારણે તે ગરમ થઈ ગયા હતા અને તેમાં સ્પાર્ક થવાથી આગ ભભૂકી ઉઠી હતી. આ પ્રકારની નબળી ગુણવત્તાની ઇલેક્ટ્રિક આઈટમ્સ લોકોના જીવ જોખમમાં મૂકી શકે છે. આ બાબતને ગંભીરતાથી લઈને હવે તમામ ઈલેક્ટ્રોનિક ઉપકરણોનું પણ પીજીવીસીએલ તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે. અમિત દવેએ વધુમાં જણાવ્યું હતું કે, મનપાનાં ફાયર વિભાગ દ્વારા દ્વારા ફન બ્લાસ્ટ ગેમઝોનના સંચાલકો પાસે ઇલેક્ટ્રિકલ વાયરિંગનું માન્ય એપૃવલ સર્ટિફિકેટ માંગવામાં આવ્યું છે. જ્યાં સુધી ઇલેક્ટ્રિકલ સેફ્ટીના ઓડિટ રિપોર્ટ અને વાયરિંગના એપ્રૂવલ સર્ટિફિકેટ રજૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ ગેમઝોનને ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તંત્રએ સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી છે કે માત્ર કાગળ પરની મંજૂરી નહીં, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર સુરક્ષાની ચકાસણી થયા બાદ જ રમતગમતના સાધનો ચાલુ કરી શકાશે. રાજકોટ શહેરમાં હાલ કુલ 7 મોટા ગેમઝોન કાર્યરત છે. ફન બ્લાસ્ટની ઘટના બાદ તકેદારીના ભાગરૂપે ફાયર વિભાગે તમામ સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન 2 ગેમઝોનમાં રીનોવેશન ચાલતું હોય બંધ હતા. અને ફન બ્લાસ્ટ હજુ બંધ રાખવામાં આવ્યું છે. આમ કુલ 3 ગેમઝોનને ટેમ્પરરી (કામચલાઉ) ધોરણે બંધ છે. બાકી 4 ગેમઝોનમાં તપાસ દરમિયાન બધું યોગ્ય હોવાનો દાવો અમિત દવેએ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે આગામી દિવસોમાં તમામ જાહેર સ્થળો અને ગેમઝોન માટે નવી ગાઈડલાઈન જાહેર કરે તેવી શક્યતા છે. ખાસ કરીને નબળી ગુણવત્તાની ઈલેક્ટ્રિકલ આઈટમ્સ અને જ્વલનશીલ ડેકોરેશન મટીરીયલ પર પ્રતિબંધ મુકવાની દિશામાં વિચારણા ચાલી રહી છે. ફન બ્લાસ્ટની ઘટના ચેતવણી સમાન છે કે જો સમયસર સાવચેતી રાખવામાં નહીં આવે, તો નાની એવી બેદરકારી મોટી હોનારતમાં પરિણમી શકે છે. હાલમાં તંત્ર દ્વારા કરવામાં આવેલી સીલિંગની કામગીરીથી અન્ય સંચાલકોને પણ કડક સંદેશ આપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    જગદિશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં:કહ્યું- 'રાજ્યમાં જ્ઞાતિવાદ ફેલાવવાનું કામ કરનાર કોંગ્રેસના બે નેતાઓને બનાસની જનતાએ પાણીચું આપવાનું કામ કર્યું'
    Next Article
    BREAKING | અમદાવાદમાં 34 વર્ષ જૂના હત્યા કેસમાં મોટો ખુલાસો | Police | Crime | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment