Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કવિ કાગનો માર્મિક ચિતાર:દીનદયાળુનો વાસ ક્યાં ક્યાં નથી?

    22 hours ago

    તીર્થો, દેવમંદિરો અને શ્રીમંતાઈ તેમજ પંડિતાઈ ઉપર ચાબખા ફટકારનારા કાગબાપુએ આ ગીતમાં કોઈ કોઈ ઠેકાણે તો કટાક્ષનું ભારી કાતિલ પાનું કાઢ્યું છે. અધ્યાત્મવાદની અટપટી દલીલબાજી કરનારનો આ કેવો ફક્કડ માર્મિક ચિતાર; પ્રભુ કહે છે કે: મરવાનું બધા મનથી વીસર્યા, એને ઉર અતિ અહંકાર ભર્યા, મારા ખોફથી લેશ દિલે ન ડર્યા; રંકજનોના રુધિર પીતાં, એ શ્રીમંતોને કોઈનો ત્રાસ નથી, સહુ એવા રાવણ રાજોના મ્હેલવીશે, મારો દીનદયાળુનો વાસ નથી. મૃગ છાલ નહીં એને ગાદી ગમે, એના હૈયામાં વાસ કર્યો હુકમે, એને રોમેય રોમેય સ્વાર્થ રમે; ભોળાં મેલુંડા માનવીને જરીયે, એના સ્થાનકમાં અવકાશ નથી, એવાં પાપ વિલાસીના મંદિરમાં, મારો દીનદયાળુનો વાસ નથી. ભાષા જ્ઞાન તણાં અભિમાન ભર્યાં, મેલાં માનવીના અપમાન કર્યાં, મીઠા મોઠકથી નિત્ય પેટ ભર્યાં; ભૂખ્યાં કોણ હશે આજ ભારતમાં એના હૈયાની હાય કદી ન કથી, એ પુરાણીના શબ્દોની જાળ મહીં, મારો દીનદયાળુનો વાસ નથી. ત્યાં તો રાંધેલ ધાન વેચાઈ રહ્યાં, ત્યાં તો શાસ્ત્ર પુરાણોના હાટ થયાં, મારા નામથી ઢોંગ પૂજાઈ રહ્યા; પર પીડ સુણી જેનાં દિલ ન રડ્યાં, એવો કોઈ જિયાં મારો દાસ નથી; એવા ફોગટ તીરથના જળમાં, મારો દીનદયાળુનો વાસ નથી. જીવને નથી પુણ્ય કે પાપ જરે, મને હોય દીઠો નજરો નજરે, એવી બાંયુ ચડાવી વાતો કરે; ભરમાશો નહીં ભોળાં માનવીઓ, એની લૂખી દલીલોમાં સાન નથી, કાળા પથ્થરશા એનાં કાળજામાં, મારો દીનદયાળુનો વાસ નથી. એને શ્રીમંતના અભિમાન નથી, એને કોઈ હરામમાં ધ્યાન નથી, એને માન અને અપમાન નથી; એને કોઈની આશા નહિ ઉરમાં, મન મોજ નથી કરવી ઘડીએ; મને ગોતણહારા તિયાં મળજો, મારા રંકજનોની ઝૂંપડીએ, એવા દીન સુદામાની ઝૂપડીએ. કાગબાપુ કહે છે કે, જે મનુષ્ય જીવનને ભૂલીને માત્ર ધનની મસ્તીમાં જીવે છે, જેને ગરીબોનાં આંસુઓનો ખ્યાલ નથી, જે અહંકારથી ભરેલો છે- એવા લોકોના મહેલોમાં ભગવાનનો વાસ નથી. જેના હૃદયમાં માત્ર સ્વાર્થની આગ સળગે છે, જે ભોળા અને નિર્દોષ લોકોનું અપમાન કરે છે, જે ભાષા અને જ્ઞાનનો દેખાડો કરે છે, પણ ગરીબને ભોજન પૂરું પાડતો નથી એવા ઢોંગી લોકોનાં ઘરમાં પણ ભગવાન નથી વસતા. જ્યાં ધાન વેચાઈ રહ્યું છે, જ્યાં ધર્મ અને શાસ્ત્રો બજારમાં હાટની જેમ વેચાઈ રહ્યા છે, જ્યાં મારા નામે ઢોંગી પૂજાઓ થઈ રહી છે, પણ દયાભાવ નથી, પીડિતનો આક્રંદ સાંભળીને હૃદય નથી રડતું ત્યાં પણ હું નથી. ભગવાન કહે છે કે, મને પથ્થરની મૂર્તિઓમાં શોધશો નહીં, ઢોંગી પૂજામાં શોધશો નહીં. જે માણસે પુણ્ય કે પાપના હિસાબમાં અટવાયા વગર નિઃસ્વાર્થ સેવા કરી છે, જે દયા ધરાવે છે એના હૃદયમાં હું વસું છું. ભગવાન કહે છે કે હું ધનિકોના મહેલોમાં નથી મળતો, હું તો ગરીબ સુદામાની ઝૂંપડીમાં વસું છું. જ્યાં નિષ્ઠા છે, પ્રેમ છે, દયા છે ત્યાં હું હાજર છું. મંદિરમાં રહીને ઈશ્વર થાકી ગયો છે. ભાવના ભૂખ્યા ઈશ્વર માટે ભક્તો ફૂલ-ફળ લાવે છે, અન્નકૂટ ધરાય છે, પણ એમને તો કશું પહોંચતું જ નથી. ભક્તોની શ્રદ્ધા પણ ભગવાન કરતાં જાણે કે પૂજારીમાં વિશેષ છે. એ બધું પૂજારીને ધરવામાં આવે છે અને આ બધું ઈશ્વરને નામે, ધર્મને નામે થાય છે. ઈશ્વરને એમ થાય છે કે આ મંદિર નથી, પણ કેદખાનું છે. ઈશ્વરના દરવાજા તો સૌને માટે હંમેશાં ખુલ્લા રહેવા જોઈએ. અમુક સમયે જ દર્શન થાય અને પછી દર્શન બંધ થઈ જાય, એમાં તો ધક્કામુક્કીને કારણે ઈશ્વરની અલપઝલપ ઝાંખી થાય તો થાય. જેને પોતાને કાલની ખબર નથી અને સો વરસોનો સામાન ભેગો કરવા જાત જાતના ધમપછાડા કરે છે, ગરીબોનાં લોહી ચૂસી-ચૂસીને પાપના પૈસાના ડુંગરા ખડકે જાય છે; એટલે જ કદાચ મરીઝ સાહેબે કહ્યું છે કે: ‘ગરીબોના જીવનમાં ઝેર એવું રેડજે યા રબ! મરણનો ઘૂંટ પી લે, એનું જીવન ચૂસનારાઓ.’ જ્યાં ગરીબોને જીવન જીવવું આકરું છે, એવા આ સમાજમાં થોડાક અપવાદોને બાદ કરતા મંદિરોની સંપત્તિ-આવક ‘બહુજન હિતાય બહુજન સુખાય'નાં કાર્યો માટે નથી વપરાતી. એ પણ આજના આપણા વિકાસલક્ષી અને વિજ્ઞાનલક્ષી ધર્મની કરુણતા છે. ભય અને પ્રલોભનો દર્શાવતાં પુરાણો-ગ્રંથોની હાટડીઓ દ્વારા નર્યાં જૂઠાણાં-અસત્યો અને કર્મકાંડો વહેંચાઈ નહીં પણ વેચાઈ રહ્યાં છે. ભગવાનના નામે ઢોંગ અને દંભો પૂજાઈ રહ્યા છે. બીજાનાં દુઃખો જોઈને જેનું હૈયું અનુકંપાથી દ્રવી નથી ઊઠતું એવા ફોગટિયા ધંધાદારી તીર્થોમાં ખુદ ઈશ્વર પણ દુઃખી હૈયે કહે છે કે, આવી જગ્યાઓમાં મારો વાસ નથી. આવાં પાપવિલાસી અને વૈભવશાળી મંદિરોમાં જ્યાં મારા મેલાં-ઘેલાં અને ભોળુંડા ભક્તજનોને સ્થાન નથી, એવાં મંદિરોમાં પણ મારો નિવાસ નથી. અને જ્યાં દીન-દુઃખીઓનાં લોહી પીવાતાં હોય, શોષાતાં હોય એવા રાવણી રાજમહેલોમાં પણ મારો નિવાસ નથી. કાગબાપુ આપણને સમજાવે છે કે પ્રભુને શોધવા માટે શિખરો પર ચઢવાની જરૂર નથી, ગરીબની ઝૂંપડીમાં ઝૂકી જાઓ, કારણ કે પરમાત્મા સુદામાના ભોજનમાં છે, અન્નદાનની થાળીમાં છે, સત્ય-સેવામાં છે. આજનો સમાજ જો આ સંદેશ ભૂલી જાય, તો પછી ભવ્ય મંદિરો હોવા છતાં આપણું અંતર-આંગણું ખાલી જ રહેશે. કાગ કણિકા માનવ જીવનમાં નાના મોટા અનંતદીપ પ્રગટાવનારી જે મહાશક્તિ છે, તેનો કંઈક અંશ દરેકનાં જીવનમાં હોય છે. જરૂર તો છે માત્ર એને ઢંઢોળીને જગાડવાની. - રાજવીર રામભાઈ કાગ
    Click here to Read More
    Previous Article
    Manipur Deputy CM interview: ‘People fed up with violence… shutdowns and unrest won’t give us positive outcome’
    Next Article
    બુધવારની બપોરે:માઉન્ટ આબુના પ્રવાસે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment