Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જે પિતાએ હોંશે હોંશે જમાડ્યો તેના જ રામ રમાડી દીધા:મોલમાં જઇ બ્રાન્ડેડ ટી-શર્ટ, શૂઝ ખરીદ્યા, લૂંટાયેલા રૂપિયા કરતાં આરોપીને પકડવામાં પોલીસને ડબલ ખર્ચો થયો

    2 days ago

    ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા એપિસોડમાં તમે જાણ્યું કે પરમેશ્વર અને તેની પત્ની કલવા નિઃસંતાન હતા. કલવાના ભાઇ ટીપ્પનના પુત્ર સાગરને આ દંપતીએ દત્તક લીધો હતો પણ સાગરે 25 હજાર રૂપિયાની ચોરી કરતા દંપતીએ તેના મૂળ માતા-પિતાને પાછો સોંપી દીધો હતો. પરમેશ્વરને હાર્ટની બીમારી થતાં તેણે ફેરી મારવાનું બંધ કરી દીધું હતું અને આખો દિવસ ઘરે રહીને આરામ કરતો હતો. બીજીતરફ તેની પત્ની કલવાએ ઘર ચલાવવાની જવાબદારી ઉપાડી લીધી હતી. 26 નવેમ્બર, 2024ના દિવસે જ્યારે તેની પત્ની કામ પરથી સાંજે ઘરે પાછી ફરી ત્યારે પરમેશ્વર મૃત હાલતમાં મળ્યો હતો. પહેલા તો તેની પત્નીએ એવું માની લીધું કે હાર્ટ એટેકથી પતિનું મોત થયું છે પણ હકીકત કંઇક જુદી જ નીકળી. ઘરમાંથી રોકડ, સોનાનું લોકેટ અને પરમેશ્વરનો મોબાઇલ ગાયબ હતા. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં પણ ખુલાસો થયો હતો કે ગળું દબાવવાથી પરમેશ્વરનું મોત નિપજ્યું છે. જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. હવે આગળ વાંચો.... અકસ્માતે મોતનો નોંધાયેલો ગુનો જ્યારે હત્યાના ગુનામાં ફેરવાય છે ત્યારે પોલીસ માટે ચિંતાનો વિષય બની જાય છે. આ કેસમાં પણ આવું જ થયું હતું. પરમેશ્વરની હત્યા થઇ હોવાનું ખૂલતા તેની ગૂંજ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સેક્ટર-1ના ખાસ પોલીસ કમિશનર વાબાંગ જામીર, ઝોન-2ના નાયબ પોલીસ કમિશનર ભગીરથ ગઢવી અને સી ડિવીઝનના મદદનીશ પોલીસ કમિશનર ચિરાગ પટેલ સુધી પહોંચી હતી. આ તમામ ઉચ્ચ અધિકારીઓએ કોઇપણ ભોગે આરોપીને પકડવા સૂચના આપી હતી. જેથી ઉધના પોલીસ સ્ટેશનના PI એસ.એન.દેસાઇ, સેકન્ડ PI વી.બી.ગોહિલ, સર્વેલન્સ સબ ઇન્સ્પેક્ટર એચ.જે.મચ્છરે ઝીણવટપૂર્વક તપાસ શરૂ કરી હતી. કેસ ઉકેલવા માટે પોલીસ સામે પહેલો સરળ રસ્તો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ હતો એટલે પોલીસે ફરીથી એ રિપોર્ટનો ઊંડાણથી અભ્યાસ કર્યો. જેમાં પરમેશ્વરના ગળાના ભાગે ફાંસાના નિશાન, ઉજરડો અને ડાબા કાનમાંથી લોહી નીકળી ગયું હોવાનો ઉલ્લેખ હતો. PI એસ.એન.દેસાઇએ પરમેશ્વરની પત્નીની ફરીથી પૂછપરછ કરવાનું નક્કી કર્યું. આ પૂછપરછ પોલીસને કેસ સાથે જોડાયેલી એક મહત્વની કડી શોધી આપવાની હતી. કલવાની પૂછપરછ દરમિયાન પોલીસે તેનો મોબાઇલ ચેક કર્યો હતો. જે દિવસે પરમેશ્વરની હત્યા થઇ તે દિવસે તેની પત્નીના મોબાઇલ પર સવારે એક નંબર પરથી કોલ આવ્યા હતા. પોલીસે જ્યારે આ નંબર કોનો છે તેવું પૂછ્યું ત્યારે કલવાએ કહ્યું કે આ તો મારા છોકરા (ટીપ્પનના દત્તક લીધાલે પુત્ર સાગર)નો મોબાઇલ નંબર છે. સાગર બહાર ગામ રહે છે. જ્યારે તેનો ફોન આવ્યો હતો ત્યારે મારી સાથે તુ ક્યાં છે? શું કરે છે વગેરે જેવી વાતો કરી હતી. કલવાની આ વાત પરથી શંકાની સોય સાગર તરફ ગઇ હતી. હવે પોલીસને અંદાજો આવી ગયો હતો કે નક્કી આ હત્યામાં સાગરની જ ભૂમિકા હોવી જોઇએ એટલે પોલીસે સાગરના મોબાઇલના સીડીઆર મેળવ્યાં હતા. જેમાં તેનું લોકેશન સુરત બતાવતું હતું. હવે પોલીસે સાગરની કરમકુંડળી કઢાવી હતી. જેમાં ખૂલ્યું કે તે કોલકાતાના ધરમતલ્લામાં આવેલી શ્રી ક્રિષ્ના ઇન્ટરનેશનલ હોટલમાં વેઇટર તરીકે નોકરી કરતો હતો. તે ટ્રેન મારફતે સુરત આવ્યો હતો. પોલીસે તેના સીડીઆરની વધુ ઝીણવટભરી ચકાસણી કરી તો તે સુરતના વી.આર.મોલમાં ગયો હોવાનું જાણવા મળ્યું હતું. કોઇ આરોપી ટ્રેનમાં કોલકાતાથી આવીને સુરતના મોલમાં કેમ જાય? આ સવાલ પોલીસને મૂંઝવી રહ્યો હતો એટલે પોલીસે મોલમાં જઇને સીસીટીવી ફૂટેજ તપાસ્યા. જેમાં જાણવા મળ્યું કે સાગરે મોલમાં જઇને નાઇકીના શૂઝ તથા બ્રાન્ડેડ ટી-શર્ટ અને જીન્સ પેન્ટ ખરીદ્યા હતા. તેણે સુરતની એક ટ્રાવેલ્સ કંપનીમાંથી કોલકાતાની ફ્લાઇટની ટિકિટ પણ કઢાવી હતી. હત્યા બાદ સુરત એરપોર્ટથી રાત્રે સાડા નવ વાગ્યાની ફ્લાઇટમાં બેસીને બેંગાલુરૂ થઇને કોલકાતા ભાગી ગયો હતો. આટલી માહિતી પરથી પોલીસે સાગરની ટિકિટ નંબર અને એરપોર્ટના સીસીટીવી ફૂટેજ પણ મેળવી લીધા હતા. હવે પોલીસ સામે વધુ એક ચિંતા આવીને ઊભી હતી. સાગર ભલે કોલકાતામાં નોકરી કરતો હોય પણ તે મૂળ તો ઝારખંડનો રહેવાસી હતો. જો તે ઝારખંડ ભાગી જાય અને નક્સલી વિસ્તારમાં જતો રહે તો તેને પકડવો મુશ્કેલ થઇ જાય તેમ હતો. જેથી પોલીસે સમય બગાડ્યા વગર સર્વેલન્સ સ્ટાફની એક ટીમ તૈયાર કરી. જેમાં હેડ કોન્સ્ટેબલ્સ અરવિંદભાઇ ઉગાભાઇ, ચિરાગભાઇ પિતાંબરભાઇ અને કોન્સ્ટેબલ્સ ભાવેશભાઇ દુલાભાઇ, મયુરસિંહ જોરૂભા, નાગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહનો સમાવેશ કર્યો હતો. આ તમામ પોલીસ કર્મચારીઓને ફ્લાઇટમાં કોલકાતા મોકલાયા હતા. કોલકાતા પહોંચીને ગુજરાત પોલીસે ભારે જહેમત બાદ સાગરનું લોકેશન ટ્રેસ કર્યું હતું. હવે એ સમય આવવાનો હતો કે જ્યારે આરોપી પોલીસના હાથવેંતમાં જ હતો. પોલીસને ખબર પડી કે સાગર કોલકાતાના પ્રખ્યાત ક્રિકેટ સ્ટેડિયમ ઇડન ગાર્ડન નજીક ક્યાંક છે એટલે પોલીસ તે વિસ્તારમાં પહોંચી ગઇ. અહીં થોડી શોધખોળ બાદ સાગર પોલીસના હાથમાં આવી ગયો. પોલીસ તેને દબોચીને ફ્લાઇટ મારફતે જ સુરત લઇ આવી હતી. આરોપી તો હાથમાં આવી ગયો હતો પણ તેણે શા માટે હત્યા કરી હતી તેનો ખુલાસો થવાનો બાકી હતો. નવેમ્બર મહિનાનો અંત સાવ નજીક જ હતો. ગુજરાત કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યું હતું. બહાર ઠંડી હતી પણ ઉધના પોલીસ સ્ટેશનના એક રૂમમાં ભારે ગરમાવો હતો કેમ કે ત્યાં આરોપી સાગરની પૂછપરછ ચાલી રહી હતી. પહેલા તો તેણે ગલ્લાંતલ્લાં કર્યા પણ જ્યારે પોલીસે કડકાઇથી પૂછપરછ કરી ત્યારે તેણે વટાણાં વેરી દીધા અને પિતા પરમેશ્વરદાસની હત્યા કરવાનું અસલી કારણ જણાવી દીધું. સાગરે કહ્યું કે, મારા પિતા પરમેશ્વરદાસે વતનની જમીન વેચી હતી. જેના 10થી 15 લાખ રૂપિયા આવ્યા હતા. આ રૂપિયા મેળવવા માટે મેં કોલકાતાથી સુરત આવવાનો પ્લાન ઘડ્યો હતો. સાગર 24 નવેમ્બર, 2024ના રોજ રાત્રે 11 વાગ્યે હાવડા-અમદાવાદ ટ્રેનમાં હાવડાથી બેસીને 26મી તારીખે સવારે સાડા નવ વાગ્યે સુરત રેલવે સ્ટેશન પર ઉતર્યો હતો અને ત્યાંથી બસમાં બેસીને ઉધનામાં પોતાના પિતાના ઘરે પહોંચ્યો હતો. એ સમયે તેના પિતા પરમેશ્વરદાસ ઘરે એકલા હાજર હતા. ઘરના દરવાજે ઊભેલા દીકરાને જોઇને પરમેશ્વર ચોંકી તો ગયો પણ સાથોસાથ ખુશ પણ થઇ ગયો. સાગરના મનમાં રચાયેલા કાવતરાંથી અજાણ પરમેશ્વરને થયું કે મારો દીકરો મને મળવા આવ્યો છે. તેણે ઉત્સાહભેર સાગરને આવકાર્યો, તેના ખબર અંતર પૂછ્યા અને તેની સાથે સુખ-દુઃખની વાતો પણ કરી. એટલામાં બપોરનો સમય થઇ ગયો હતો એટલે પરમેશ્વરે દીકરા માટે અને પોતાના માટે ભાવપૂર્વક રસોઇ બનાવી હતી. બન્ને ખુશીથી સાથે મળીને જમ્યા પણ ખરા પરંતુ સાગરના મનમાં ધરબાયેલા પ્લાનનો અસલી ખેલ હવે શરૂ થવાનો હતો. જમ્યા બાદ પરમેશ્વર તો સૂઇ ગયો પણ સાગરે સૂવાનો ઢોંગ કર્યો. તેને ખબર હતી કે ઘરમાં લોખંડની પેટીમાં રોકડ અને કિંમતી દાગીના પડ્યા હોય છે. આ પેટીની ચાવી ક્યાં પડી હોય છે તેની પણ સાગરને ખબર હતી. સાગર ચૂપચાપ ચાવી કાઢીને અવાજ ન થાય તે રીતે લોખંડની પેટી ખોલવા ગયો ત્યારે જ પરમેશ્વર જાગી જતાં તેણે બૂમ પાડી કે યે તુ ક્યા કર રહા હૈ? અચાનક પરમેશ્વરે પૂછેલા આ સવાલથી સાગર ગભરાઇ ગયો. તેણે તો રૂપિયા લૂંટીને ઘરમાંથી રફૂચક્કર થઇ જવાનો પ્લાન બનાવ્યો હતો પણ પરમેશ્વર જાગી જતાં તેના પ્લાન પર પાણી ફરી વળ્યું હતું. હવે શું કરવું તેનો વિચાર તેના મનમાં આવ્યો પણ તેને કંઇ સૂઝ્યું નહીં. તેને લાગ્યું કે મારો ભાંડો ફૂટી જશે. હવે જે બનવાનું હતું તેની કદાચ પરમેશ્વર તો ઠીક પણ ખુદ સાગરે પણ કલ્પના નહીં કરી હોય. પરમેશ્વર વધુ હોબાળો મચાવે કે કોઇ બૂમાબૂમ કરે તે પહેલાં સાગર તેની તરફ દોડ્યો અને તેની છાતી પર ચડી ગયો. નજીકમાં પડેલો દુપટ્ટો ઉઠાવી લીધો અને જેટલું બળ હોય તેટલું વાપરીને પરમેશ્વરને ગળે ફાંસો આપી દીધો એટલું જ નહીં પરમેશ્વરના માથા પર 2 મુક્કા પણ મારી દીધા. પરમેશ્વરે છૂટવા માટે ઘણા તરફડિયાં માર્યા પણ સાગરના માથે ખૂન સવાર હતું. તેણે ફાંસાને વધુ મજબૂત કર્યો આ સાથે જ થોડી જ ક્ષણોમાં પરમેશ્વરનું પ્રાણપંખેરૂં ઊડી ગયું. તેના કાનમાંથી લોહી નીકળી ગયું. પિતાની હત્યા કર્યા બાદ સાગરે લોખંડની પેટીમાં રહેલી રોકડ અને સોનાનું લોકેટ લઇ લીધું અને જતાં-જતાં પિતાનો મોબાઇલ પણ લેતો ગયો હતો. પોલીસે સાગર પાસેથી અમુક રોકડ અને સોનાનું લોકેટ તો કબ્જે કર્યું પણ પરમેશ્વરનો મોબાઇલ ખાડીમાં નાખી દીધો હોવાથી હાથ લાગ્યો નહોતો. આમ ઉધના પોલીસની સર્વેલન્સ ટીમે ફક્ત 24 કલાકમાં જ ગુનો ઉકેલી નાખ્યો હતો પણ લૂંટમાં ગયેલી 90 હજારની રકમ કરતાં પોલીસને ફ્લાઇટમાં આવવા-જવાનો ખર્ચ વધુ થઇ ગયો હતો. જો કે પોલીસને ગુનેગારને વહેલી તકે પકડી પાડવાનો સંતોષ છે. હાલ આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. જે પિતાએ હોંશે હોંશે જમાડ્યો તેના જ રામ રમાડી દીધા, વાંચો પાર્ટ-1
    Click here to Read More
    Previous Article
    બંગાળમાં બીજા તબક્કાની 142 બેઠકો પર આજે મતદાન:2021માં TMCએ 123 બેઠકો જીતી હતી; ભવાનીપુરમાં મમતા અને સુવેન્દુ વચ્ચે મુકાબલો
    Next Article
    જટાધારીને ઘેરીને માર્યો, બે કટકે ગાળો:બા-બેન ભેટ્યાં, સ્ટાર ઉમેદવારોને ધકધક થયું; મતગણતરીનો હાઇવોલ્ટેજ ડ્રામા, જુઓ VIDEO

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment