Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોદી-શાહના પ્રચાર વગર પણ ગુજરાતમાં ભાજપ ધૂરંધર:પહેલી પરીક્ષામાં જગદીશ વિશ્વકર્મા ફૂલ પાસ; રવિવાર, મંગળવાર અને જીતનો અનોખો સંયોગ

    8 hours ago

    આખરે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ અપેક્ષા મુજબ જ આવ્યું છે અને ભાજપે ભવ્ય જીત મેળવી છે. જેના પગલે ભાજપના નેતાઓ અને લાખો કાર્યકરોમાં ખુશી દેખાઇ રહી છે. 2027માં યોજાનારા વિધાનસભા ઇલેક્શન પહેલાંની મહત્વની ગણાતી એવી આ છેલ્લી ચૂંટણી હતી. આ ચૂંટણીની સીધી અસર વિધાનસભા ઇલેક્શન પર થશે. રાજકીય તજજ્ઞો ભવિષ્ય ભાખી રહ્યા છે કે ભાજપ 2027માં ફરીથી નવો ઇતિહાસ રચવા માટે હવે બિલકુલ સજ્જ છે. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ હજુ ઘણા વર્ષો સુધી રાહ જોવી પડશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોને વિધાનસભાની ચૂંટણી પહેલાની સેમિફાઇનલ શા માટે ગણાય છે એવો પ્રશ્ન લાખો લોકોના મનમાં હોય છે. કેમકે ભૂતકાળમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જે પરિણામ આવ્યા હતા અને જે પક્ષ જીત્યો હતો તે પક્ષનો વિધાનસભામાં સારો દેખાવ થયો હતો. બીજા શબ્દોમાં કહીએ તો મતદારો પણ સ્થાનિક ચૂંટણીમાં જ નક્કી કરી નાખતા હોય છે કે તેઓ વિધાનસભાની સત્તા પર કોને બેસાડવા માગે છે. આમ મતદારોના મનને આના પરિણામના આધારે વાંચી શકાય છે. ભાજપના સંગઠનમાં ફેરફારની શક્યતા, કોંગ્રેસ-આપના ભૂક્કા બોલશે 2021ની ચૂંટણી કરતાં પણ આ ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય મળ્યો છે. પરિણામની બાબતમાં જગદીશ વિશ્વકર્માએ સી.આર.પાટીલને પાછળ રાખી દીધા છે. રાજકીય તજજ્ઞો માને છે કે ભવ્ય પરિણામના પગલે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો આત્મવિશ્વાસ વધશે. 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાં તેઓ સંગઠનમાં કેટલાક ફેરફારો કરી શકે છે. એટલું જ નહીં પણ આગામી સમયમાં કોંગ્રેસ અને આપના મૂળીયા ગુજરાતમાંથી ઉખાડી નાખે એવી શક્યતાઓ છે. વિધાનસભાની ચૂંટણી પહેલા હજુ આપ-કોંગ્રેસના કેટલાક મોટા માથાઓ ભાજપ ભેગા થઇ જશે. બીજા હજારો કાર્યકરો પણ પાર્ટી છોડીને ભાજપમાં જોડાઇ જશે. વિશ્વકર્માનું ટેન્શન હળવું થયું પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની આ પહેલી ચૂંટણી હતી. જેથી તેઓ થોડા ટેન્શનમાં હતા. ગયા વખતે સી.આર.પાટીલના સમયમાં ભાજપે જે અભુતપૂર્વ દેખાવ કર્યો હતો તેને ચાલુ રાખવાની પણ તેમને ચિંતા હતી. જો કે પેજ પ્રમુખોની પણ જાણે બાદબાકી કરતો આ ભવ્ય વિજય જગદીશ વિશ્વકર્માના કોલર ઊંચા રાખવા માટે પૂરતો છે. ભાજપ સૌથી વધુ મત મેળવનારી પાર્ટી આ ચૂંટણીમાં ભાજપ સૌથી વધુ મત મેળવનારી પાર્ટી બની છે. મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત એમ દરેક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ભાજપે સરેરાશ 50%થી વધુ મત મેળવ્યા છે. મહાનગરપાલિકાને બાદ કરતાં 2021ની સરખામણીએ ભાજપે વોટ શેર જાળવી રાખ્યો છે. જ્યારે 2021ની ચૂંટણીમાં આપને મહાનગરપાલિકામાં 14% વોટ શેર મળ્યો હતો. જે આ વખતે ઘટીને 10% થઇ ગયો છે. ભાજપના પદાધિકારીઓએ હવે લોકોની અપેક્ષા પૂરી કરવી પડશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ફરીથી ભગવો લહેરાવી દીધો છે પરંતુ નવા આવનારા મેયર અને સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન સહિતના પદાધિકારીઓની જવાબદારી આ ભવ્ય વિજયથી વધી જાય છે. કેમકે કોર્પોરેશન્સ, પાલિકા, પંચાયતમાં સામાન્ય કામો માટે લોકો ખૂબ ધક્કા ખાતા હોય છે. પૈસા આપ્યા વગર કોઇ કામ થતાં નથી તેવો આરોપ લાગતો રહે છે. શાસકોએ આ સમસ્યાને દૂર કરવી પડશે. લોકોના રોડ, પાણી, સફાઇ, ટ્રાફિકના પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. મોદી સ્ટાઇલમાં રોડ શો કદાચ આ પહેલી એવી ચૂંટણી છે કે જેમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહે ગુજરાત આવીને પ્રચાર ન કર્યો હોય. પશ્વિમ બંગાળ સહિત 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી હોવાથી મોદી-અમિત શાહ તેના પ્રચારમાં વ્યસ્ત હતા એટલે ગુજરાતમાં પ્રચારની કમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા, રૂપાલા જેવા નેતાઓએ સંભાળી હતી. પક્ષે સાંસદ, ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યોને પણ મેદાને ઉતાર્યા હતા. લોકસભા કે વિધાનસભાની ચૂંટણી સમયે નરેન્દ્ર મોદી અને અમિત શાહ જે રીતે રોડ શો કરે છે તે જ રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્માએ પ્રચારના અંતિમ દિવસોમાં અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં રોડ શો કર્યો હતો. જાહેરસભામાં ભીડ ઓછી પણ મત ભાજપને મળ્યાં આ ત્રણેય નેતાઓનું પોતપોતાના વિસ્તારમાં જબરજસ્ત પ્રદર્શન રહ્યું છે. જેથી જીતની ક્રેડિટ પણ તેમના ફાળે જાય છે. તેઓની જાહેર સભા કે પ્રચારમાં ભલે ઓછી ભીડ આવતી હતી પણ મતદારો અગાઉ નક્કી કરીને જ બેઠા હતા કે મત તો ભાજપને જ આપવાનો છે. સુરતમાં આપનો ઝટકો લાગ્યો આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન અત્યંત ખરાબ રહ્યું છે. ગત ચૂંટણીમાં સુરતમાં આપ વિરોધ પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો પણ આ વખતે 27 બેઠક પરથી સમેટાઇને 4 બેઠક પર આવી ગયો છે. ખૂબ જ મજબૂત લાગતો પક્ષ આ વખતે સાવ પાણીમાં બેસી ગયો હોય તેવો દેખાવ કર્યો. મતદારોએ ફરીએક વાર ભાજપને જ આવકાર આપ્યો છે અને કોંગ્રેસ-આપ સહિતના તમામને ઠોકર મારી છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં આપને એક બેઠક મળે તો પણ સારુ એવું અત્યારના પરિણામો પરથી દેખાઇ રહ્યું છે. આપ અને કોંગ્રેસનું આગામી ચૂંટણીમાં સાવ નામું નખાય જાય એવી સ્થિતિ અત્યારે ઊભી થઇ છે. બન્ને પાર્ટીઓનું નજીકના સમયમાં કોઇ જ ભવિષ્ય દેખાતું નથી. મતદારો આ બન્નેમાંથી કોઇને પસંદ નથી કરતા એ ફરીથી સાબિત થઇ ગયું છે. મહાનગરોની મુલાકાત લઇ મોદીએ અંદાજો મેળવી લીધો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા આઠેક મહિનામાં રાજ્યના અલગ અલગ મહાનગરોમાં દેખીતી રીતે કોઇ કારણ વગર જ પ્રવાસ કર્યા હતા. રોડ શો અને સભા કરીને મતદારોનો મિજાજ પારખી લીધો હતો. જેના પછી તેમને અંદાજો આવી ગયો હતો કે આ વખતે ચૂંટણીમાં કેવું પરિણામ આવી શકે છે. રવિવાર-મંગળવાર-બુધવારનો સંયોગ આ વખતની ચૂંટણીમાં મતદાન રવિવારે થયું હતું. જ્યારે મતગણતરી મંગળવારે હતી. 2021માં મહાપાલિકા માટે અને જિલ્લા,તાલુકા પંચાયત-નગરપાલિકા માટે અલગ અલગ મતદાન અને મતગણતરી યોજાયા હતા. જો કે બન્નેમાં સામ્યતા એ હતી કે જ્યારે મતદાન યોજાયું ત્યારે રવિવાર હતો અને મતગણતરી યોજાઇ ત્યારે મંગળવાર હતો. કંઇક આવું જ 2015ની ચૂંટણીમાં પણ જોવા મળ્યું હતું. 6 મહાનગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયત માટે નવેમ્બરમાં મતદાન યોજાયું ત્યારે રવિવાર હતો. જો કે મતગણતરી બુધવારે યોજાઇ હતી. નોંધનીય છે કે 2015 અને 2021માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે પક્ષને વધુ બેઠકો મળી હતી તેનો પડઘો ત્યાર પછી યોજાયેલી વિધાનસભાની 2017ની તેમજ 2022ની ચૂંટણીમાં પડ્યો હતો. 2017ની ચૂંટણીમાં ભાજપ હારતા હારતા જીત્યું હતું 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે છેલ્લા બે દાયકામાં સૌથી વધુ પડકારજનક રહી હતી. ભાજપ આ ચૂંટણીમાં હારતા હારતા જીત્યું હતું. આ ચૂંટણીમાં તેને પાતળી બહુમતી મળી હતી પરંતુ બેઠકોનો આંકડો 100ની નીચે ઉતરી ગયો હતો. ભાજપ 99 બેઠકો પર સમેટાઇ ગયો હતો જ્યારે કોંગ્રેસે કાઠુ કાઢતો દેખાવ કરીને 77 બેઠકો જીતી લીધી હતી એટલે એવું કહી શકાય કે કોંગ્રેસને અને જીતને આડે માત્ર 15 બેઠકો ઓછી પડી હતી. આ ચૂંટણીમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP)ને 2 બેઠક, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ને 1 બેઠક અને ત્રણ બેઠકો અપક્ષ ઉમેદવારને મળી હતી. 2017માં ભાજપની બેઠકો ઘટી પણ વોટ શેર વધ્યો આ ચૂંટણીના પરિણામની રસપ્રદ વાત એ હતી કે ભાજપની બેઠકો ઘટી હોવા છતાં તેનો વોટ શેર વધીને 49% થઇ ગયો હતો. આ ચૂંટણીમાં પણ 2015ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેવો જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. ભાજપે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા શહેરી વિસ્તારોમાં પોતાની પકડ અને દબદબો જાળવી રાખ્યો હતો. જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસને મોટો ફાયદો થયો હતો. 2017ની ચૂંટણીના આ પરિણામ પહેલાં યોજાયેલી 2015ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભાજપની ખરાબ હાલત થઇ હતી જ્યારે કોંગ્રેસને ઘણી વધુ બેઠકો મળી હતી. 2015માં પાટીદાર આંદોલનની અસર 2021માં કોરાના બાદ એન્ટિ ઇન્કમબન્સી પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ સામે હાર્દિક પટેલે પાટીદાર આંદોલન કર્યું હતું. જેને કારણે રાજ્યમાં તોફાનો થયા હતા. તેમજ સરકાર સામે પાટીદારોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. જેની સીધી અસર સત્તાધારી પાર્ટી ભાજપ ઉપર પડી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં અને ખાસ કરીને પંચાયતોમાં ભાજપને ભારે ફટકો પડયો હતો. કોંગ્રેસને મોટી સફળતા મળી હતી. ભાજપને સૌથી વધુ ફટકો ગામડાઓમાં એટલે કે પંચાયતોમાં પડ્યો હતો. કુલ 31માંથી ભાજપ માંડ 7 જિલ્લા પંચાયત જ જીતી શક્યું હતું. જ્યારે કોંગ્રેસે 24 જિલ્લા પંચાયતોમાં પોતાનો પંજો રાખી દઇને ભાજપના કમળને કચડી નાખ્યુ હતુ. ચૂંટણીમાં 230 તાલુકા પંચાયતોમાં પણ ભાજપને જબરજસ્ત ફટકો પડ્યો હતો. જેમાં કોંગ્રેસનો હાથ ઊંચો રહ્યો હતો. ભાજપે 1718 બેઠકો જીતી હતી. 2022માં ભાજપે માધવસિંહનો રેકોર્ડ તોડી નવો ઇતિહાસ રચ્યો 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે જે દેખાવ કર્યો હતો તેનાથી વધુ સારો દેખાવ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કર્યો હતો. ભાજપે 156 બેઠકો જીતીને 1985માં માધવસિંહ સોલંકીનો 149 બેઠકો જીતવાનો રેકર્ડ પણ તોડીને નવો ઇતિહાસ રચી દીધો હતો. જ્યારે કોંગ્રેસને માત્ર 17 બેઠકો જ મળી શકી હતી. આમ આદમી પાર્ટી ત્રીજો વિકલ્પ બની હતી 2021માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસ પાસેથી ગામડાંઓને ફરીથી આંચકી લીધા હતા. જિલ્લા અને તાલુકા પંચાયતોમાં મોટો વિજય હાંસલ કરી લીધો હતો. જો કે આ ચૂંટણીમાં જ મતદારોએ ત્રીજા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને સ્વીકારી હોય તેવો માહોલ ઊભો થયો હતો. અગાઉની ચૂંટણીઓ મુજબ 2021ની ચૂંટણીઓમાં પણ ભાજપે શહેરી વિસ્તારોમાં ક્લીન સ્વીપ કર્યું હતું. શહેરી વિસ્તારોની કુલ 576 પૈકીમાંથી ભાજપે 483 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસના રીતસરના સૂપડાં સાફ થઇ ગયા હતા અને માત્ર 55 બેઠકો પર જ જીત થઇ હતી. બીજી બાજુ સુરત શહેરમાં આમ આદમી પાર્ટીનો ઉદય થતો દેખાયો હતો. 2021માં ભાજપે 980માંથી 800 બેઠક જીતી હતી આ જ રીતે ચૂંટણીમાં ભાજપે ખાસ કરીને ગામડાંઓમાં ઘણું નુકસાન સહન કર્યું હતું પણ 2021ની ચૂંટણીમાં તમામ 31 જિલ્લા પંચાયતો ભાજપે જીતીને પોતાની તાકાત બતાવી દીધી હતી. કુલ 980 બેઠકોમાંથી ભાજપે અધધ કહી શકાય તેટલી એટલે કે 800 બેઠકો જીતીને નવો ઈતિહાસ રચ્યો હતો. જ્યારે કોંગ્રેસને માત્ર 169 બેઠકોથી જ સંતોષ માનવો પડ્યો હતો. જો કે, આ ચૂંટણીમાં ભાજપનો વોટશેર સૌથી વધુ એટલે કે, 52.50% રહ્યો હતો. જ્યારે કોંગ્રેસનો વોટશેર ઘટીને માત્ર 27% જેટલો જ રહ્યો હતો પરંતુ આમ આદમી પાર્ટીને પાંચ બેઠકો મળી હોવા છતાં તેનો વોટશેર 13% રહ્યો હતો. જ્યારે 2017ની ચૂંટણીમાં 77 બેઠકો જીતનારી કોંગ્રેસનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન હતું. આ ચૂંટણીથી જ કોંગ્રેસનું જાણે પતન થઇ ગયું હતુ. બીજી બાજુ પ્રથમ વખત આમ આદમી પાર્ટીના પ્રવેશને કારણે વોટ વહેંચાયા હતા.જેનો સીધો ફાયદો ભાજપને થયો હોવાનું કહેવાય છે. હવે આ પરિણામ પરથી એવું લાગે છે કે 2027માં ભાજપ પોતાનો જ રેકોર્ડ તોડીને ફરીથી એક નવો ઇતિહાસ રચશે.
    Click here to Read More
    Previous Article
    મધ્ય ગુજરાતમાં 4 મનપા, 10 જિ.પંચાયત, 26 નપામાં ભાજપની જીત:અમિત ચાવડાના ગઢમાં કોંગ્રેસની હાર, ચૈતર વસાવાએ AAPની લાજ રાખી; જુઓ સંપૂર્ણ પરિણામ
    Next Article
    "Was Even-Tempered, Calm": Former Classmate To NDTV On Trump Event Shooter

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment