Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કળા:અમદાવાદી સોદાગરી બ્લોક પ્રિન્ટ: કાપડ નહીં, વારસો છપાય

    2 days ago

    હેપી ભેંસદડિયા પહેલો ભાગ ગુજરાત પ્રાચીન કાળથી તેની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર માટે દુનિયાભરમાં જાણીતું છે તથા તેની હસ્તકળા તેમાં સવિશેષ મહત્ત્વ ધરાવે છે. અહીંની કળાઓમાં રંગો, પરંપરા અને લોકજીવનનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. પાટણના પટોળા, જામનગર ને રાજકોટની બાંધણી, જામનગરનું ઘરચોળુ, કચ્છનું અજરખ કામ ને રોગન કળા, સુરતનું જરી કામ વગેરે.. આજે અહીં વાત કરવી છે અમદાવાદનાં જમાલપુરની ગલીઓમાં ધબકતો એક પ્રાચીન હુન્નર ‘અમદાવાદી સોદાગરી બ્લોક પ્રિન્ટિંગ’ હસ્તકળાની. ઈતિહાસ એક સમયે અમદાવાદને તેના કાપડ ઉધોગને કારણે પૂર્વનું માન્ચેસ્ટર કહેવામાં આવતું. અમદાવાદી સોદાગરી બ્લોક પ્રિન્ટિંગની કળા આશરે 300 વર્ષ કરતા વધુ જુની છે. સોદાગરી શબ્દ મૂળે પર્શિયન(ફારસી) ભાષાના શબ્દ ‘સોદાગર’ પરથી ઉતારી આવેલો છે જેનો અર્થ મોટી કિંમતના માલ-સામાનનો વેપારી એવો થાય છે. પ્રાચીન સમયથી ગુજરાત અરબી દેશો, પર્શિયા, દક્ષિણ-પૂર્વ એશિયા સાથે વેપાર વાણિજ્યનું મહત્ત્વનું કેન્દ્ર રહ્યું છે. ત્યાંના વેપારીઓ અહીંથી મરી-મસાલા, કાપડ અને અન્ય ચીજોની સાથે સોદાગરી બ્લોક પ્રિન્ટ કાપડ લઇ જતા. ઈ.સ. 1852થી 1858 દરમિયાન આ સોદાગરી બ્લોક પ્રિન્ટિંગના કાપડ સિયામ(થાઈલેન્ડ) મોકલવામાં આવતું હતું. આ કળા પર થાઈલેન્ડનાં મંદિર સ્થાપત્યનો પ્રભાવ જોવાં મળે છે. થાઈલેન્ડના હિન્દુ મંદિરની કોતરણી પરથી જે તે સમયે ત્યાંના રાજવીઓ આ ડિઝાઇન અહીં મોકલતા અને તેના પરથી છીપા સમુદાયના કારીગરો સોદાગરી પ્રિન્ટ રાજાએ મોકલેલી ડિઝાઇન મુજબ કાપડ પર તૈયાર કરીને આપતાં‌. ખાસ કરીને આ કાપડમાંથી બનેલ ‘ફા નુંગ’ (કમરના વસ્ત્રો) થાઈ મહિલાઓમાં ખૂબ જ લોકપ્રિય હતાં. સોદાગરીના મૂળ નમુનાઓ ગુજરાતમાંથી થાઈ બજાર માટે તૈયાર કરવામાં આવ્યાં હતાં. આ નમૂનાઓ હાલ વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ(ઇંગ્લેન્ડ) ખાતે સચવાયેલા છે. 19મી સદીના અંત ભાગ સુધી આ કાપડ સિયામનાં લોકોમાં ખૂબ લોકપ્રિય હતું અને તેઓ તેને ‘ફા ગુજરાત’ નામથી ઓળખતા હતા. સોદાગરી બ્લોક પ્રિન્ટિંગ છીપા સમુદાય દ્વારા તૈયાર કરવામાં આવે છે. છીપા સમુદાય મૂળે તો સિંધ પ્રાંતમાંથી આવીને અહીં વસ્યો હતો અને આજે પણ તેઓ દ્વારા સોદાગરી બ્લોક પ્રિન્ટિંગ તૈયાર કરવામાં આવે છે. પરંપરાગત બનાવટ સોદાગરી બ્લોક પ્રિન્ટિંગ માત્ર કોટન કે સિલ્કના કાપડ પર જ કરવામાં આવે છે. જે ટેબલ પર કાપડ પાથરીને છાપકામ કરવાનું હોય છે તેને ‘પાટીયો’ કહેવાય છે. આ પાટીયા પર 15 લેયરમાં(સ્તર) કંતાન મૂકવામાં આવે છે અને ત્યારબાદ ફરીથી 4 લેયરમાં કંતાન મૂકવામાં આવે છે તેને ‘માદરપાટ’ કહે છે. સૌથી પહેલા કાપડને હરડેનાં પાણીમાં પલાળીને રાખવામાં આવે છે. તેથી તેની અંદર રહેલ અશુદ્ધિઓ દૂર થાય. ત્યાર બાદ એક લાકડાની ટ્રે લેવામાં આવે છે જેને ‘પાલો’ કહેવાય છે. આંબલીના કચૂકામાંથી તૈયાર કરેલ પેસ્ટને ટ્રેમાં નાખવામાં આવે છે. આ ટ્રેમાં પ્લાસ્ટિકથી બનાવેલ એક ચોરસ જાળી મૂકવામાં આવે છે. જાળી પર જે પેસ્ટ નાખવામાં આવી હોય છે તેને ટ્રેમાં સમાંતર પણે પ્રસારવા માટે લાકડાનો જે ટુકડો વપરાય છે તેને ‘થાપી’ કહેવાય છે. પેસ્ટ નાખ્યા બાદ એક ચોરસ કંતાન(શણનું કપડું) રાખીને તેના પર ફરીથી પેસ્ટ નાખવામાં આવે છે અને તેના પર ફરીથી કંતાન મૂકવામાં આવે છે. આમ, બે લેયરમાં કંતાન રાખવાથી છાપ સારી રીતે ઉપસી આવે. આ પેસ્ટ કપડાને અને કલરને જોડવાનું(પકડી રાખવાનું) કામ કરે છે. આંબલીના કચૂકામાંથી બનાવેલ પેસ્ટમાં ગોળ, લોઢુ(લોઢાના તાર) નાખીને 10 દિવસ સુધી ગરમ પાણીમાં રાખી મૂકવામાં આવે છે. ત્યાર બાદ બ્લોક લઈને તેને કલર ટ્રેની પેસ્ટમાં બોળવામાં આવે છે અને કાપડ પર તેની ભાત પાડવામાં આવે છે. આમ, કપડામાં સૌપ્રથમ વિવિધ ભાતો પાડવામાં આવે છે અને ત્યારબાદ તેમાં બ્લોકથી રંગો પૂરવામાં આવે છે. સોદાગરી બ્લોક પ્રિન્ટિંગમાં ભાત પાડવાની શરૂઆત કાપડના છેડેથી કરવામાં આવે છે અને તે ડાબી બાજુથી જમણી બાજુ તરફ ડીઝાઈન કરવામાં આવે છે. આમ, સૌથી પહેલા બોર્ડરની ભાત તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ કાપડના ખૂણે ડીઝાઈન બનાવાય છે અને સૌથી છેલ્લે કાપડના વચ્ચેના ભાગમાં ભાત પાડવામાં આવે છે. સોદાગરી બ્લોક પ્રિન્ટની ડિઝાઇન લગભગ 10 વર્ષ સુધી ઝાંખી પડતી નથી તેવી ને તેવી જળવાઈ રહે છે. પર્યાવરણ મિત્ર રંગો પરંપરાગત રીતે સોદાગરી પ્રિન્ટમાં કુદરતી રંગોનો ઉપયોગ થાય છે, જે આ કળાને પર્યાવરણ મિત્ર બનાવે છે. વનસ્પતિ, ખનીજ અને ધાતુઓમાંથી લગભગ 27 જેટલા વિવિધ રંગો તૈયાર કરવામાં આવે છે. આ રંગો કાપડ પર લાંબા સમય સુધી ટકી રહે છે અને તેમની કુદરતી ચમક જાળવી રાખે છે. પેસ્ટ: આંબલીના કચુકાને(આંબીલા) ખાંડીને તેના ભૂકાના પાવડરને ગરમ પાણીમાં નાખીને તેની પેસ્ટ બનાવવામાં આવે છે.(ક્રમશ:)
    Click here to Read More
    Previous Article
    પરખ:લોકો જે લગ્નપ્રસંગને બનાવે યાદગાર!
    Next Article
    સજાવટ:જૂની બંગડીઓનો જાદુ: વેસ્ટમાંથી બનાવો બેસ્ટ હોમ ડેકોર

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment