Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ જિલ્લા પંચાયતમાં ઓછું મતદાન:લોધિકામાં ઠંડુ તો બેડલામાં જોરદાર મતદાન, ભાજપના ગઢમાં ગાબડું પડશે કે જળવાશે સત્તા?

    1 day ago

    રાજકોટ જિલ્લા પંચાયત અને જિલ્લાની 11 તાલુકા પંચાયતોની ચૂંટણીનું મતદાન પૂર્ણ થતાની સાથે જ હવે પરિણામોને લઈને રાજકીય વિશ્લેષકો અને પક્ષોમાં ભારે ઉત્તેજના છે. આ વખતે જિલ્લા પંચાયતમાં નોંધાયેલું 58.98 ટકા મતદાન, જે ગત ચૂંટણી કરતા 4.49 ટકા જેટલું ઓછું છે, તે સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને માટે ચિંતાનો વિષય બન્યું છે. ખાસ તો ગ્રામીણ વિસ્તારોમાં મતદારોની નિરસતા અથવા તો બદલાયેલા મિજાજની અસર બેઠકોના પરિણામ પર સીધી જોવા મળી શકે છે. ભાજપ માટે પોતાની ગત ટર્મની 30 બેઠકો જાળવી રાખવી આ વખતે પડકારજનક મનાઈ રહ્યું છે કારણ કે, ત્રિપાંખીયા જંગને કારણે મતોનું ધ્રુવીકરણ થવાની પૂરી સંભાવના છે. એક ડઝન જેટલી બેઠકો પર હાર-જીતનું અંતર ઘણું ઓછું રહેવાની શક્યતા રાજકોટ જિલ્લા પંચાયતની ગત ટર્મમાં ભાજપ પાસે 36માંથી 30 બેઠકોનું જંગી સંખ્યાબળ હતું. આ વખતે જે પ્રકારે મતદાનમાં ઘટાડો થયો છે અને ત્રિપાંખીયો જંગ ખેલાયો છે, તે જોતા ભાજપ માટે અનેક બેઠકો 'ડેન્જર ઝોન'માં ગણાઈ રહી છે. ખાસ કરીને પડધરી, દડવી, આણંદપર, અને સરધાર મુખ્ય છે. આ ઉપરાંત લોધિકા, જસદણ અને વિંછીયા પંથકની અંદાજે એક ડઝન જેટલી બેઠકો પર હાર-જીતનું અંતર ઘણું ઓછું રહેવાની શક્યતા છે. આ પંથકમાં સ્થાનિક સમીકરણો અને જ્ઞાતિવાદના ફેક્ટર પણ ભાગ ભજવતા હોય છે. છેલ્લી 1 કલાકમાં અચાનક મતદાનમાં ઉછાળો આવ્યો રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો પર થયેલા મતદાનની વિગતો તપાસતા માલૂમ પડે છે કે, મતદારોનો ઉત્સાહ દરેક વિસ્તારમાં એકસરખો રહ્યો નથી. બેડલા બેઠક પર સૌથી વધુ 75.31 ટકા મતદાન નોંધાયું છે, જે દર્શાવે છે કે ત્યાં સ્થાનિક પ્રશ્નો અથવા ઉમેદવારોની પસંદગીમાં મતદારો ખૂબ જ સક્રિય રહ્યા છે. તેની સામે લોધિકા બેઠક પર માત્ર 41.41 ટકા જેવું નીચું મતદાન નોંધાયું છે. લોધિકામાં આટલા નીચા મતદાન પાછળ મતદારોની નિરસતા અથવા કોઈ છૂપો વિરોધ હોય એવી ચર્ચાઓ શરૂ થઈ છે તો જામકંડોરણાના દડવી બેઠક પર એક વિચિત્ર વળાંક જોવા મળ્યો હતો. સાંજે 5 વાગ્યા સુધી અહીં મતદાનની ગતિ અત્યંત ધીમી હતી, પરંતુ છેલ્લી 1 કલાકમાં અચાનક મતદાનમાં ઉછાળો આવ્યો હતો. આ પ્રકારે છેલ્લી ઘડીએ થયેલું મતદાન કઈ તરફ ઢળ્યું છે તેના પર પરિણામનો મોટો આધાર રહેશે. ગત વર્ષની સરખામણીએ 4.49 ટકાનો ઘટાડો મતદાનના દિવસે સમયની સાથે મતદારોની હાજરીમાં પણ મોટા ફેરફારો જોવા મળ્યા હતા. સવારે 7થી બપોરે 1 વાગ્યા સુધી 6 કલાકમાં સૌથી વધુ 35.81% મતદાન થયું હતું. સવારના સમયે ઠંડક હોવાથી લોકોએ લાઈનો લગાવી હતી. બપોરે 1થી સાંજે 6 વાગ્યા સુધીની આ 5 કલાકમાં માત્ર 23 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. અને બપોરના સમયે આકરા તાપને કારણે ગ્રામીણ મતદારો બહાર નીકળવાનું ટાળતા હોય તેમ જણાયું હતું. ગત વર્ષની સરખામણીએ કુલ મતદાનમાં જે 4.49 ટકાનો ઘટાડો થયો છે તે સૂચવે છે કે કાં તો મતદારોમાં પ્રવર્તમાન વ્યવસ્થા સામે સંતોષ નથી અથવા તો પરિવર્તનની કોઈ લહેર સ્પષ્ટ દેખાતી નથી. ઉમેદવારોની જીત-હારના ગણિત બગાડી શકે ચૂંટણીના ડેટામાં સૌથી આશ્ચર્યજનક બાબત સ્ત્રી-પુરૂષ મતદાન વચ્ચેનો તફાવત છે. જિલ્લા પંચાયતની તમામ 36 બેઠકોમાં સરેરાશ રીતે પુરૂષો કરતા સ્ત્રીઓનું મતદાન 10% જેટલું ઓછું નોંધાયું છે. ગ્રામીણ ક્ષેત્રોમાં મહિલા મતદારોની આ ઓછી હાજરી પાછળ ક્યાંક ઘરકામની વ્યસ્તતા અથવા તો રાજકીય જાગૃતિનો અભાવ હોઈ શકે છે, પરંતુ રાજકીય દ્રષ્ટિએ જોઈએ તો સ્ત્રી મતોમાં આવેલો આ ઘટાડો ઘણા ઉમેદવારોની જીત-હારના ગણિત બગાડી શકે છે. સામાન્ય રીતે મહિલા મતદારોને ચોક્કસ પક્ષની કેડર વોટબેંક માનવામાં આવે છે, જેની ગેરહાજરીથી પરિણામો ચોંકાવનારા આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, તાલુકા પંચાયતોની વાત કરીએ તો સરેરાશ 60.36 ટકા મતદાન થયું છે, જેમાં રાજકોટ તાલુકો 70 ટકાથી વધુ મતદાન સાથે જિલ્લામાં મોખરે રહ્યો છે. રાજકીય પક્ષો હવે બુથ લેવલના આંકડાઓ મેળવીને હાર-જીતના ગુણાકાર-ભાગાકારમાં વ્યસ્ત બન્યા છે. ઓછું મતદાન હંમેશા સત્તાધારી પક્ષ માટે ચિંતાનો વિષય હોય છે, કારણ કે તેને સત્તા વિરોધી લહેર (એન્ટી-ઈન્કમ્બન્સી) ના ભાગરૂપે પણ જોવામાં આવે છે. હવે જોવાનું એ રહેશે કે પરિણામના દિવસે મતદારોનો આ મૌન મિજાજ કોને સત્તાના સિંહાસન પર બેસાડે છે અને કોને ઘરભેગા કરે છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં ધારિયા સાથે દાદાગીરી કરનાર બે શખ્સો જેલ હવાલે:દિગ્જામ સર્કલ પાસે પોલીસ સામે બબાલ કરી હતી
    Next Article
    વઢવાણના વડોદ ગામ પાસે ગેસ લાઈનમાં આગ:ખેતરની વાડ બળીને ખાખ, ખેડૂતોને નુકસાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment