Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવી મનપા, નવો ઉત્સાહ, વાપી-નવસારીએ મતદાનમાં બાજી મારી!:ગરમીના પારા કરતાં મતદાનનો આંકડો ઊંચો, કોંગ્રેસને સામાન્ય ફાયદો થવાની ધારણા

    23 hours ago

    આખરે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું મતદાન સંપન્ન થયું છે. રવિવારે રાત્રે 9 વાગ્યા સુધીના આંકડા પ્રમાણે રાજ્યમાં સરેરાશ 59% થી વધુ મતદાન થયું છે. જેમાં 15 મહાનગરપાલિકામાં 52%, 84 નગરપાલિકામાં 62%, 34 જિલ્લા પંચાયતમાં 62% અને 260 તાલુકા પંચાયતમાં 63% મતદાન નોંધાયું છે. રાજ્યની અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર એમ કુલ 6 મહાનગરપાલિકામાં 2015 અને 2021 કરતાં પણ વધુ મતદાન આ વખતે નોંધાયું છે. જ્યારે નગરપાલિકાની ચૂંટણીમાં 2021 કરતાં 7% મતદાન વધ્યું છે. ઓવરઓલ જોઇએ તો આ વખતે 6 મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં જે કુલ સરેરાશ મતદાન થયું છે તે 2021ની સરખામણીએ વધુ છે. રાજ્યમાં કાળઝાળ ગરમીની અસર મતદાન પર પડશે તેમ મનાતું હતું પરંતુ મતદાનના આંકડાએ આ ધારણાને ખોટી પાડી છે. 6 મહાનગરોમાં નોંધાયેલી ગરમી કરતાં થયેલા મતદાનના આંકડા વધુ છે. SIR પછી જૂની 6 મહાનગરપાલિકામાં મતદાન વધવાની આશા હતી પણ જેટલી અપેક્ષા હતી તે પ્રમાણે મતદાન વધ્યું નથી. જો કે આ વખતે થયેલા મતદાનના આંકડા ઐતિહાસિક તો છે જ કેમ કે આ 6 મહાપાલિકામાં આ વખતે 49% થી વધુ મતદાન થયું છે. એમાં પણ સુરત મહાનગરપાલિકા માટે થયેલું 55%થી વધુ મતદાન કોને ફળશે તે જોવું રસપ્રદ રહેશે. ગુજરાતમાં જે 9 મહાનગરપાલિકા બની છે તેના મતદારોએ પણ ભારે ઉત્સાહ દર્શાવ્યો છે. આ 9 મહાપાલિકાનું સરેરાશ મતદાન જોઇએ તો 54% થાય છે. વાપી, નવસારી જેવી દક્ષિણ ગુજરાતની નવી મનપાના મતદારો મતદાન કરવામાં સૌથી અવ્વલ રહ્યાં છે. ખાસ પેટર્ન જોવા ન મળી સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે આ વખતના મતદાનમાં અગાઉની ચૂંટણીની માફક કોઇ ખાસ પેટર્ન જોવા મળી નથી. એકને એક પાર્ટીને મત આપ્યા બાદ મતદારો જાણે નિરસ થઇ ગયા છે. અન્ય કોઇ મજબૂત વિકલ્પ મળતો નહીં હોવાથી અનેક મતદારો તો જાણે મજબૂરીમાં જ ભાજપને મત આપતા હોય એવી એક પેટર્ન કેટલાક ભાગોમાં જોવા મળી હતી. કોંગ્રેસને સામાન્ય ફાયદો થવાની ધારણા રાજકીય તજજ્ઞો માને છે કે આ વખતે પણ સમગ્ર રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ઉપર ભાજપનો ભગવો લહેરાવાનું નિશ્ચિત છે. જેની સામે કોંગ્રેસની બેઠકોમાં સામાન્ય વધારો થઇ શકે છે. જ્યારે ગત ચૂંટણીમાં કાઠું કાઢનારી આમ આદમી પાર્ટીના સૂપડાં સાફ થઇ જવાની ગણતરીઓ મંડાઇ રહી છે. મંગળવારે ચૂંટણીના સત્તાવાર પરિણામો જાહેર થશે. ગુજરાતમાં વધુ મતદાન એટલે પરિવર્તનની લહેર એ જૂની માન્યતા હવે સાચી પડતી નથી કારણ કે ભાજપનું માઇક્રો-લેવલ મેનેજમેન્ટ વધુ અસરકારક સાબિત થઇ રહ્યું છે. 2015 અને 2021ની ચૂંટણીમાં મુખ્ય તફાવત શું હતો? 2015માં ભાજપ પાસે માત્ર 6-7 જિલ્લા પંચાયતો હતી. જ્યારે કોંગ્રેસ પાસે 24 હતી. 2021માં ભાજપે બધી જ 31 જિલ્લા પંચાયતો કબજે કરી હતી. આમ 2021ના આ જબરદસ્ત વિજયે 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના 156 બેઠકોના રેકોર્ડબ્રેક વિજયનો પાયો નાખ્યો હતો. 2021માં એન્ટિ ઇન્કમબન્સી ઉપરાંત ત્રીજા પક્ષની પેટર્ન જોવા મળી 2021ની ચૂંટણીમાં એન્ટી ઇન્કમબન્સી અને ત્રીજા પક્ષની પેટર્ન જોવા મળી હતી. 2015માં માત્ર પાટીદાર આંદોલનનને કારણે લોકોમાં શાસકો સામે આક્રોશ હતો. જ્યારે 2021ની ચૂંટણીમાં બે પેટર્ન જોવા મળી હતી. કોરાના મહામારીમાં લોકોને યોગ્ય સારવાર મળતી નહોતી. જેના કારણે સરકાર સામે વિરોધ હતો. ઉપરાંત પ્રથમવાર જ ત્રીજા પક્ષનો ઉદય થતો જોવા મળ્યો. લોકોએ કેજરીવાલની આમ આદમી પાર્ટીને વિકલ્પના રુપમાં સ્વીકાર્યો હોય તેવું જોવા મળ્યું. ખાસ કરીને સુરતમાં ભાજપની પરંપરાગત ગણાતી વોટબેન્કમાં મોટું ગાબડું પડ્યું હતું. રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકરે દિવ્ય ભાસ્કરને કહ્યું, 2015ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે પાટીદાર અનામત આંદોલન સામાજિક કારણ હતું. આ જ કારણે ત્યારે વોટિંગ પણ એગ્રેસિવ થયું હતું. જો કે 2021ની ચૂંટણીની સરખામણીએ 2015ની ટકાવારી ઓછી હતી. ભારતીય જનતા પાર્ટીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા સિવાય તાલુકા અને જિલ્લા પંચાયતોમાં મોટું નુકસાન થયું હતું. તેમણે આગળ કહ્યું કે, 2021માં કોરોના મહામારીના સમયે ચૂંટણી યોજાઇ હતી. ત્યારે સરકાર વિરૂદ્ધ એન્ટિ ઇન્કમ્બન્સીની ચૂંટણી હતી પણ ત્યારના મતદાનમાં સરકાર પ્રત્યેનો લોકોનો રોષ મતદાનમાં રિફ્લેક્ટ નહોતો થયો. આ જ કારણોસર 2015 કરતાં 2021માં સાવ વિપરિત પરિણામ આવ્યું હતું.2026ની વોટિંગ પેટર્ન લગભગ 2021ની ચૂંટણી જેવી જ છે. મહાનગરપાલિકામાં વોટિંગ ઓછું થયું છે. જ્યારે તાલુકા અને જિલ્લામાં સૌથી વધારે વોટિંગ નોંધાયું છે. શહેરો વિરુદ્ધ ગામડાઓના તફાવતની એક પેટર્ન હંમેશા રહી છે આ ચૂંટણીમાં ભલે અગાઉની ચૂંટણી જેવી ખાસ કોઇ પેટર્ન જોવા મળી નથી પરંતુ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક પેટર્ન હંમેશા રહી છે. આ પેટર્ન એટલે શહેરો અને ગામડાંઓ વચ્ચેના તફાવતની પેટર્ન. સરળ શબ્દોમાં કહીએ તો છેલ્લા 3 દાયકાથી ભાજપ વિધાનસભાની ચૂંટણી જીતતો આવ્યો છે. ભાજપના મતદારો મોટેભાગે શહેરી વિસ્તારોના છે. જ્યારે ગામડાંઓમાં કોંગ્રેસના મતદારો હોય તેવું દેખાય છે. કેમકે ભાજપ શહેરી વિસ્તારોમાં જબરજસ્ત પક્કડ ધરાવતો હોવા છતાં ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસનો સાવ સફાયો કરી શકતો નથી. આમ શહેરી અને ગામડાંઓની મતદાનની પેટર્ન જુદી પડે છે. એટલું જ નહી શહેરો કરતાં ગામડાંઓમાં મતદાન પણ વધુ થાય છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિતના મહાનગરના મતદારોના મિજાજ અંગે વાત કરતાં રાજેશ ઠાકરે કહ્યું, આ વખતે મહાનગરોમાં બે રીતની વોટિંગ પેટર્ન જોવા મળી છે. ભાજપનો ગઢ ગણાતા અમદાવાદ પશ્વિમમાં વોટિંગ ઓછું થયું છે. જ્યારે કોટ વિસ્તારમાં કોંગ્રેસ ભાજપને ટક્કર આપી શકે તેવી સ્થિતિમાં છે. 'સુરતમાં આમ આદમી પાર્ટીનું ફેક્ટર હોવાના કારણે ત્યાં બાકીની મહાનગરપાલિકા કરતાં વોટિંગ થોડું વધારે જોવા મળે છે. વડોદરામાં પૂરની સ્થિતિ થઇ હતી એ પછી કોંગ્રેસ થોડી એક્ટિવ મોડમાં જોવા મળી. હરણી કાંડ જેવા મુદ્દે પણ કોંગ્રેસે એગ્રેસિવ કેમ્પેન કર્યું હતું. આવા જ કારણે વડોદરામાં નેતાઓ લડતા જોવા મળ્યાં હોય કે ન હોય પણ કોંગ્રેસનો કાર્યકર ગ્રાઉન્ડ પર લડતો જોવા મળ્યો હતો.' 'રાજકોટ કોર્પોરેશનમાં ભાજપના આંતરિક ડખાઓ વચ્ચે આ ચૂંટણી થઇ છે. સૌરાષ્ટ્ર રાજકારણનું એપીસેન્ટર પણ ગણાય છે એટલે આ ચૂંટણીમાં જે વોટિંગ થયું છે તેને જોતાં બેઠકો કેટલી વધે છે કે ઘટે છે એ પ્રશ્ન છે.' છેલ્લી 2 ચૂંટણીમાં મહિલા મતદારોની મહત્વની ભૂમિકા 2015 અને 2021ની ચૂંટણીમાં મહિલા મતદારોની ભૂમિકા પણ ઘણી જ મહત્વની રહી હતી. અગાઉના વર્ષોની સરખામણીમાં વધુને વધુ મહિલાઓ મતદાન કરવા બહાર નીકળી હતી. મહિલાઓની મતદાનની ટકાવારીમાં પણ સતત વધારો નોંધાયો હતો. સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણીઓમાં 50% મહિલા અનામત હોવાના કારણે મહિલા ઉમેદવારો વધુ દેખાય છે અને તેના કારણે મતદાનની ટકાવારી પણ નોંધપાત્ર રીતે વધી રહી છે. ભાજપે યુવાઓને તક આપી, કોંગ્રેસના ઉમેદવારો રૂપિયા લઇ બેસી ગયા આ ચૂંટણીમાં આ વખતે કોઇ ખાસ મુદ્દા પર ફોકસ થયું નથી. ભાજપના નેતાઓ અને ઉમેદવારો મોદી ફેક્ટરને આગળ ધરતા હતા. ભાજપે યુવાઓને તક આપી હતી. 2021માં ચૂંટાયેલામાંથી લગભગ 75% જેટલા ઉમેદવારોને ઘરભેગા કર્યા હતા. તેમજ 3 ટર્મથી ચૂંટણી લડતા હોય અથવા 60 વર્ષની ઉંમર હોય તેમને ટિકિટ નહીં આપવાના નિયમનું ચૂસ્ત પાલન કર્યું હતું. બીજી બાજુ કોંગ્રસને લોકો વિકલ્પ તરીકે જોતા જ નથી. જેથી ઉમેદવારો પણ ચૂંટણીમાં ખર્ચ કરવા તૈયાર નથી. આથી કોંગ્રેસના ઘણા ઉમેદવારોએ ભાજપ પાસેથી નાણાં લઇને પાણીમાં બેસી જવાનું નક્કી કર્યું હતું. જેને કારણે ભાજપે સમગ્ર રાજ્યમાં ચૂંટણી પહેલા જ 700થી વધુ બેઠકો બિન હરીફ જીતી લીધી હતી. સુરતમાં સગીરાની છેડતીના કારણે કદાચ પાટીદાર ફેક્ટર કામ કરી ગયું મતદાનના આગલા દિવસે જ સુરતમાં સગીરાની છેડતીની ઘટના બની હતી. ઉશ્કેરાયેલા લોકોએ આરોપીને પોલીસની હાજરીમાં ઢોર માર માર્યો હતો અને પોલીસ સ્ટેશનને ઘેરી લેતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ત્યાર બાદ મહિલાઓએ ભાજપ હાય..હાય અને ગૃહમંત્રી હર્ષ સંઘવી હાય..હાય..ના નારાઓ લગાવ્યા હતા. આમ છેલ્લી ઘડીએ પાટીદાર ફેક્ટર ઊભું થયું હતું. આ આખા મામલાનો ફાયદો ઉઠાવવા માટે આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા મેદાને આવી ગયા હતા. તે પાટીદાર પત્તું રમ્યા હતા. જેની અસર પણ થઇ છે. સુરતના ચોક્કસ વિસ્તારોમાં થયેલું વધુ મતદાન પાટીદાર ઇફેક્ટ દર્શાવે છે. એટલું જ નહીં ઇટાલિયાની જાહેર સભામાં મુખ્યમંત્રી કે ગૃહમંત્રીની જાહેર સભા કરતાં વધુ ભીડ જોવા મળતી હતી એ બાબત પણ ભાજપ માટે ચિંતાનો વિષય બની છે. આપની એન્ટ્રીથી કોંગ્રેસને નુકસાન થયું હતું 2021માં આપના કારણે ભાજપને ફાયદો થયો હતો. આની પાછળનું કારણ જણાવતા રાજેશ ઠાકરે કહ્યું કે, આ વખતે આપના જેટલા ઉમેદવારો લડી રહ્યાં છે તેના કરતાં દોઢેક હજાર ઓછા ઉમેદવારો 2021માં લડ્યા હતા. એ સમયે આપને 21 લાખથી વધુ મત મળ્યાં હતા. જેનું સીધું નુકસાન કોંગ્રેસને અને ફાયદો ભાજપને થયો હતો. 'આપ સુરત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તાર અને દક્ષિણમાં જ્યાં સ્ટ્રોંગ છે એ સિવાય અન્ય કોઇ જગ્યાએ કાઠું કાઢ્યું હોય કે કાઢશે એવું દેખાતું નથી. એટલે જોવાનું એ છે કે ગઇ વિધાનસભાની ચૂંટણીમાં આપને લગભગ 42 લાખ જેટલા વોટ મળ્યાં હતા. આવી પરિસ્થિતિમાં માત્ર વિપક્ષના જ વોટનું ડિવિઝન થાય છે કે પછી ભાજપનો વોટ ઘટીને વિપક્ષ તરફ જાય છે તેના આધારે જનાધાર નક્કી થશે.' 'ભાજપ મનપામાં 100% સ્ટ્રાઇર રેટ જાળવી રાખશે' રાજેઠ ઠાકર કહે છે કે, મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ પોતાનો 100% સ્ટ્રાઇક રેટ જાળવી જ રાખશે. બીજી તરફ એ જોવું રહ્યું કે મનપામાં વિપક્ષનું પ્રભુત્વ કેટલું વધે છે. 4 થી 5 નગરપાલિકા એવી છે જ્યાં ભાજપને આંચકો મળી શકે છે. જિલ્લા પંચાયતની સ્થિતિ પર નજર કરીએ તો લગભગ મહાનગરપાલિકા જેવી જ સ્થિતિ જોવા મળે છે. ડાંગ, બનાસકાંઠામાં ક્યાંક વિપક્ષ કદાચ એકાદ જિલ્લા પંચાયતમાં જીતી શકે. તાલુકા પંચાયતમાં કદાચ 25 થી 30 વિપક્ષના પક્ષમાં જાય બાકીની બધી જ ભાજપના પક્ષમાં રહી શકે છે. 'ઓવરઓલ પરિણામ ભાજપના પક્ષમાં દેખાય છે પણ જો આંતરીક અસંતોષ ન નડે તો. આ વખતે ભાજપને ચિંતા એ જ હતી કે વિપક્ષ કરતાં આંતરિક અસંતોષ ક્યાંક નડે તો પરિણામો પર વિપરિત અસર પડી શકે છે.' 2015માં પાટીદાર આંદોલનની અસર, 2021માં કોરાના બાદ એન્ટિ ઇન્કમબન્સી હતી હાર્દિક પટેલે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સરકાર સમયે પાટીદાર આંદોલન કર્યું હતું. જેના કારણે રાજ્યમાં તોફાનો થયા હતા. તેમજ સરકાર સામે પાટીદારોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. જેની સીધી અસર સત્તાધારી પાર્ટી ભાજપ ઉપર પડી હતી. હાલમાં ભાજપ ભેગા થઇ ગયેલા હાર્દિક પટેલે એ વખતે જાહેર સભામાં આનંદીબેન તેમજ વડાપ્રધાન મોદી સહિતના અનેક નેતાઓ સામે બળાપો કાઢ્યો હતો. આંદોલન દરમિયાન પોલીસ ગોળીબારમાં કેટલાક પાટીદાર યુવાનોના મોત થયા હતા. જેના કારણે આ ચૂંટણીમાં ભાજપને જબરજસ્ત ફટકો પડ્યો હતો. જ્યારે કોંગ્રેસને ઘણો ફાયદો થયો હતો. આ ચૂંટણી ઘણી જ વિવાદાસ્પદ હોવા ઉપરાંત ભાજપે શહેરી વિસ્તારોમાં પોતાની બેઠકો ઘટી હોવા છતાં દબદબો જાળવી રાખ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં અને ખાસ કરીને પંચાયતોમાં ભાજપને ભારે ફટકો પડ્યો હતો અને કોંગ્રેસને મોટી સફળતા મળી હતી. પ્રચારમાં પાકિસ્તાન અને UCC આ વખતની ચૂંટણીમાં ઉઠેલા મુદ્દાઓની વાત કરતાં રાજેશ ઠાકરે જણાવ્યું કે, આ ચૂંટણીમાં પાકિસ્તાન પણ આવ્યું ને યુસીસી પણ આવ્યું. સ્લોટર હાઉસની પણ ચર્ચા થઇ અને મસ્જિદના ડિમોલિશનની પણ ચર્ચા થઇ. સામા પક્ષે વિપક્ષે લોકોને લગતા જે પ્રશ્નો છે તેના પર વધારે ફોક્સ રાખવાની જરૂર હતી. જે રીતે છેલ્લા 4-5 દિવસમાં સ્થાનિક મુદ્દાઓ ડાયવર્ટ થયા અને ગુજરાતના મતદારોનું અપમાન, નરેન્દ્ર મોદી માટે ખડગેએ જે નિવેદન આપ્યું આ જ કારણે સ્થાનિક ચૂંટણીમાં પણ રાજકીય મુદ્દાઓ હાવી થઇ ગયા. મતદાનમાં યુવાનોની સંખ્યા ઓછી રાજેશ ઠાકરે કહ્યું, આ વખતે વહેલી સવારથી જ યુવાનોની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળી હતી. જેની સામે 40 કરતાં વધુની ઉંમરવાળા લોકોની સંખ્યા વધારે જોવા મળી હતી. Gen-Z અને યુવા મતદારોની ઓછી સંખ્યા ખૂબ જ ચિંતાજનક ગણી શકાય કેમ કે તેમના હાથમાં જ લોકશાહીનું ભવિષ્ય છે પણ તેઓ મત નથી આપતા. તેમના મતે, બપોરે મતદાનમાં નિરસતા જોવા મળી છે. સવારે જે વોટિંગ થાય છે તેની પેટર્નમાં ભાજપનો કમિટેડ વોટર છે બૂથ પર જઇને પહેલાં જ મત આપી આવે છે. બપોરના 12 થી 5નો ગાળો એવો છે કે પાર્ટી સંગઠન પોત પોતાના પોકેટના લોકોને બૂથ સુધી લાવવાના પ્રયત્નો કરે. જેના પછી મતદાર મતદાન મથક સુધી જાય છે પણ આ વખતે એ જ ગાળામાં ખૂબ જ નિરસતા જોવા મળી છે. 2015ની ચૂંટણીમાં તમામ 6 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે જીત મેળવી હતી. અમદાવાદમાં 192માંથી 142 બેઠકો, સુરતમાં 116માંથી 80, વડોદરામાં 76માંથી 58, રાજકોટમાં 72માંથી 38 બેઠકો જીતી હતી. રાજકોટમાં કોંગ્રેસે 34 બેઠકો જીતીને ભાજપના શ્વાસ અદ્ધર કરી દીધા હતા. જ્યારે જામનગરમાં 64માંથી 38 અને ભાવનગરમાં 52માંથી 34 બેઠકો પર ભાજપે કબજો જમાવ્યો હતો. 2015ની ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ ફટકો પંચાયતોમાં પડ્યો હતો 2015ની ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ ફટકો ગામડાઓમાં એટલે કે પંચાયતોમાં પડ્યો હતો. કુલ 31માંથી ભાજપ માંડ 8 જિલ્લા પંચાયત જ જીતી શક્યો હતો. જ્યારે કોંગ્રેસે 23 જિલ્લા પંચાયતોમાં પોતાનો પંજો રાખી દઇને ભાજપના કમળને કચડી નાખ્યું હતું. 230 તાલુકા પંચાયતોમાં ભાજપને પછડાટ, કોંગ્રેસનો હાથ ઊંચો રહ્યો 2015ની ચૂંટણીમાં 230 તાલુકા પંચાયતોમાં પણ ભાજપને જબરજસ્ત ફટકો પડ્યો હતો અને કોંગ્રેસનો હાથ ઊંચો રહ્યો હતો. ભાજપે 1718 બેઠકો જીતી હતી. 2010ની સરખામણીમાં ભાજપને 384 બેઠકોનું નુકસાન થયું હતું. જેની સામે કોંગ્રેસે 130થી વધુ તાલુકા પંચાયતોમાં ભારે બહુમતીથી જંગી જીત મેળવી હતી. જ્યારે 56 નગરપાલિકામાંથી ભાજપે 40 પર જીત મેળવી હતી. આમ એવું કહી શકાય કે આ ચૂંટણીમાં ભાજપે શહેરોને સાચવી લીધા હતા જ્યારે ગ્રામ્ય વિસ્તારો ગુમાવવા પડ્યા હતા. 2021માં ભાજપે કોંગ્રેસ પાસેથી ગામડાંઓ આંચકી લીધા 2021માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ભાજપ માટે ઐતિહાસિક સાબિત થઇ હતી. કેમકે આ ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસ પાસેથી ગામડાંઓને ફરીથી આંચકી લીધા હતા એટલે કે જિલ્લા અને તાલુકા પંચાયતોમાં મોટો વિજય હાંસલ કરી લીધો હતો. જો કે મતદારોએ ત્રીજા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને સ્વીકારી હોય તેવો માહોલ ઊભો થયો હતો. 2021માં તમામ 6 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરીથી ભાજપનું ક્લીન સ્વીપ અગાઉની ચૂંટણીઓ મુજબ 2021ની ચૂંટણીઓમાં પણ ભાજપે શહેરી વિસ્તારોમાં ક્લીન સ્વીપ કર્યું હતું. શહેરી વિસ્તારોની કુલ 576માંથી ભાજપે 483 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસના રીતસરના સૂપડાં સાફ થઇ ગયા હતા અને માત્ર 55 બેઠકો પર જ જીત થઇ હતી. બીજી બાજુ સુરત શહેરમાં આમ આદમી પાર્ટીનો ઉદય થયો હતો. 2021માં તમામ 31 જિલ્લા પંચાયતો પર ભાજપનો ભગવો લહેરાયો 2015ની ચૂંટણીમાં ભાજપે ખાસ કરીને ગામડાંઓમાં ઘણુ નુકસાન સહન કર્યું હતું પણ 2021ની ચૂંટણીમાં તમામ 31 જિલ્લા પંચાયતો ભાજપે જીતી લઇને પોતાની તાકાત બતાવી દીધી હતી. કુલ 980 બેઠકોમાંથી ભાજપે અધધ કહી શકાય તેટલી એટલે કે 800 બેઠકો જીતીને નવો ઇતિહાસ રચ્યો હતો. જ્યારે કોંગ્રેસે માત્ર 169 બેઠકોથી જ સંતોષ માનવો પડ્યો હતો. 231 તાલુકાની ચૂંટણીમાં ભાજપે 3351, કોંગ્રેસે 1252 બેઠકો જીતી જિલ્લા પંચાયતોની જેમ ભાજપે તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસને મોટા માર્જિનથી પરાજય આપ્યો હતો. કુલ 4774 બેઠકોમાંથી ભાજપને 3351 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસને માત્ર 1252 બેઠકો મળી હતી. આમ ભાજપે કુલ 196 તાલુકા પંચાયતોમાં સત્તા મેળવી હતી જ્યારે માત્ર 33 તાલુકા પંચાયતોમાં કોંગ્રેસની સત્તા રહી હતી. નગરપાલિકાઓમાં પણ ભાજપનો ભવ્ય વિજય જિલ્લા અને તાલુકા પંચાયતોની જેમ ભાજપે નગરપાલિકાઓમાં પણ ભવ્ય વિજય મેળવીને કોંગ્રેસના સૂપડાં સાફ કરી દીધા હતા. પાલિકાઓની કુલ 2720 બેઠકોમાંથી ભાજપે 2085 બેઠકો પર વિજય મેળવ્યો હતો. જ્યારે કોંગ્રેસે 602 બેઠકો પર વિજય મેળવ્યો હતો. હવે ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થઇ ગયું છે. શું ભાજપ પોતાનો ગઢ અકબંધ રાખી શકશે? શું કોંગ્રેસ ગ્રામ્ય વિસ્તારોમાં બેઠી થઇ શકશે? આ સવાલોના જવાબ મંગળવારે મળશે પણ એક વાત નક્કી છે કે આ ચૂંટણીના પરિણામ ગુજરાતના રાજકારણની દિશા નક્કી જરૂર કરશે.
    Click here to Read More
    Previous Article
    હું રેપિસ્ટ નથી, મેં કોઈનો રેપ કર્યો નથી:ફાયરિંગના આરોપીનો પત્ર સામે આવ્યો, LIVE ઈન્ટરવ્યુમાં લેટર વાંચી રહેલી એન્કર પર ભડક્યા ટ્રમ્પ; કહ્યું- બકવાસ વાંચી રહ્યા છો
    Next Article
    બંગાળ ચૂંટણીમાં ડરનો માહોલ કેમ:મમતાના મોહલ્લામાં પોલીસની દાદાગીરી, લોકો બોલ્યા- મોં ખોલ્યું તો રોજીરોટી જતી રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment