Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સદર બજાર અને ભીલવાસમાં લાલ પાણીથી લોકો ત્રસ્ત:વોકળા તેમજ ભૂગર્ભની સફાઈ ન થતા સ્થાનિકો ત્રાહિમામ, કરોડોનાં બંગલા વાળા ન્યુ જાગનાથ પ્લોટમાં સફાઈની સમસ્યા

    19 hours ago

    રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને દિવ્યભાસ્કરની ટીમે જુદા-જુદા વોર્ડની મુલાકાત લઈને ત્યાંની સમસ્યા જાણવા પ્રયાસ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત દિવ્યભાસ્કરની ટીમે વોર્ડ નંબર-7 ખાતેનાં ન્યુ જાગનાથ પ્લોટ, સદર બજાર, ભીલવાસ, વિજય પ્લોટ તેમજ મનહર પ્લોટ સહિતનાં વિસ્તારોની મુલાકાત લઈ લોકો સાથે વાતચીત કરી હતી. જેમાં કરોડોનાં બંગલા વાળા ન્યુ જાગનાથ પ્લોટમાં સફાઈની તો ભીલવાસ નજીક કતલખાનું હોય અહીં લોહીવાળું લાલ પાણી આવતું હોવાનો આરોપ સ્થાનિકોએ લગાવ્યો હતો. આ સિવાય જાગનાથ પ્લોટ ખાતેના વોકળામાં ગંદકીના ગંજ નજરે પડ્યા હતા. તો ભૂગર્ભની સફાઈ નહીં થતા સ્થાનિકો ત્રાહિમામ હોવાનું સામે આવ્યું છે. 'વરસાદમાં પ્લોટમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે' રાજકોટના વોર્ડ નં. 7માં આવેલા વિજય પ્લોટ અને મનહર પ્લોટ વિસ્તારના રહેવાસીઓ છેલ્લા લાંબા સમયથી પાયાની સુવિધાઓના અભાવે મુશ્કેલી ભોગવી રહ્યા છે. સ્થાનિક નાગરિક મનોજભાઈએ આ અંગે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે વિજય પ્લોટમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે, જેના કારણે લોકોનું અવરજવર કરવું પણ મુશ્કેલ બની જાય છે. 'છેલ્લા 10 વર્ષથી ગંદુ અને દુર્ગંધ મારતું પાણી આવે છે' તેને વધુમાં કહ્યું કે, ઉપરાંત મનહર પ્લોટ વિસ્તારમાં પીવાના પાણીની પણ ગંભીર સમસ્યા છે. અહીં છેલ્લા 10 વર્ષથી ગંદુ અને દુર્ગંધ મારતું પાણી આવે છે. આ બાબતે અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે કોર્પોરેટરો માત્ર ચૂંટણી સમયે જ મત માંગવા આવે છે અને ખાતરી આપે છે, પરંતુ ત્યારબાદ વિસ્તારની મુલાકાત પણ લેતા નથી. રહેવાસીઓની માંગ છે કે તેઓ નિયમિતપણે RMC ને ટેક્સ ચૂકવે છે, તો તેના બદલામાં તેમને શુદ્ધ પીવાનું પાણી અને ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાઓ યોગ્ય રીતે મળવી જોઈએ. '6 મહિનાથી ગટરની ગંભીર સમસ્યા, ચાલવામાં પણ મુશ્કેલી' ભીલવાસના મહિલા સોનીબેન કોલીએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, છેલ્લા 6 મહિનાથી ગટરની ગંભીર સમસ્યા જોવા મળી રહી છે, જેના કારણે સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. મારા ઘરની પાસે અને મેઈન ગેટ પાસે ગટર ભરાયેલી રહે છે, જેના કારણે ચાલવામાં પણ મુશ્કેલી પડે છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી. 'મત લેવા નેતાઓ આવે છે, પરંતુ ત્યારબાદ કોઈ ડોકાતું પણ નથી' સોનીબેને વધુમાં ઉમેર્યું હતું કે કોર્પોરેશનમાં રજૂઆત કરવા જવાની તૈયારી કરી ત્યારે માંડ થોડી સફાઈ કરવામાં આવી હતી. તેમણે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે ચૂંટણી સમયે મત લેવા માટે નેતાઓ આવે છે, પરંતુ ત્યારબાદ કોઈ ડોકાતું પણ નથી. આ વિસ્તારમાં ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તે જરૂરી છે. પીવાના પાણીની પાઇપલાઇન જર્જરિત હોવાને કારણે ગંદા પાણીથી રહીશો પરેશાન રાજકોટના જલારામ મંદિર રોડ નજીક રહેતા મીનાબેન દ્વારા વિસ્તારની ગંદકી અને પાણીની સમસ્યા અંગે દિવ્યભાસ્કર સમક્ષ વ્યથા ઠાલવવામાં આવી હતી. આ અંગે તેમના જણાવ્યા અનુસાર, વરસાદમાં ગટર અને વોકળાના ગંદા પાણી રહેણાંક મકાનોમાં ઘૂસી જાય છે, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત પીવાના પાણીની પાઇપલાઇન જર્જરિત હોવાને કારણે ગંદુ પાણી આવતું હોવાથી તેઓએ રૂ. 4,000ના ખર્ચે નવી લાઇન નંખાવી પડી છે. વિસ્તારમાં સફાઈ કામદારો પણ નિયમિત આવતા નથી, જેના કારણે ઠેર-ઠેર કચરાના ઢગલા જોવા મળે છે. મીનાબેને વધુમાં આક્ષેપ કર્યો હતો કે, ચૂંટણી સમયે મતો માટે હાથ જોડવા આવતા કોર્પોરેટરો કે અધિકારીઓ સમસ્યાના સમયે દેખાતા નથી. ચોમાસું શરૂ થાય તે પૂર્વે વોકળાની સફાઈ કરવામાં આવે અને આખા વિસ્તારમાં સફાઈની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ તેઓએ કરી છે. ગંદકીને કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ ભીલવાસ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ગટર ભરાઈ જવાની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. વિસ્તારના રહેવાસી માયાબેને દિવ્યભાસ્કરને જણાવે છે કે, વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આ ગંભીર સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી, જેને કારણે સ્થાનિકોમાં ભારે નારાજગી છે. જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે અનેક લોકો મતો માંગવા માટે આવે છે, પરંતુ જીત્યા પછી કોઈ ડોકાતું પણ નથી. વર્ષોથી આ જ સ્થિતિ હોવા છતાં ગટરની સફાઈ કે સમારકામ માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. સત્તાધીશો માત્ર આશ્વાસનો જ આપે છે, પરંતુ જમીની સ્તરે કામગીરી શૂન્ય છે. ગંદકીને કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ સેવાઈ હોવાથી હવે તંત્ર જાગે અને આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી માંગ તેમણે કરી છે. 'નેતાઓ આશ્વાસન આપે છે, પરંતુ કામ થતું નથી' રમેશ નારાયણભાઈ વાઘેલાએ આ વિસ્તારની પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેઓ વર્ષોથી અહીં વસવાટ કરે છે પરંતુ પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. ગલીઓમાં નાના બાળકો રમતા હોય છે, તેમની સુરક્ષા માટે સ્પીડ બ્રેકર મૂકવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. જ્યારે પણ ચૂંટણી સમયે નેતાઓ મતો માંગવા આવે છે ત્યારે તેઓ આશ્વાસન આપે છે, પરંતુ કામ થતું નથી. 'પીવાનું પાણી લાલ રંગનું (ગંદુ) હોય છે' વધુમાં તેમણે ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, વિસ્તારમાં પીવાનું પાણી ખૂબ જ ઓછું આવે છે અને જે આવે છે તે પણ લાલ રંગનું (ગંદુ) હોય છે. કતલખાનાના કારણે પાણીની લાઈનોમાં ભંગાણ પડવાથી અને લાઈનો જોઈન્ટ થવાથી આવું પ્રદૂષિત પાણી આવે છે, જેનાથી બાળકોના સ્વાસ્થ્ય ઉપર ખતરો ઊભો થયો છે. આ બાબતે સ્થાનિક કોર્પોરેટર સાહેબને પણ રજૂઆત કરવામાં આવી છે, છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. 'લાલ અને ગંદા પાણીથી બાળકો અને વડીલો બીમાર પડે છે' સદર બજાર વિસ્તારનાં રહેવાસી શૈલેષ વાગાડિયાએ જણાવ્યુ કે, તેઓ છેલ્લા 59 વર્ષથી આ વિસ્તારમાં રહે છે. ચોમાસા દરમિયાન આખા રોડ પર કમર સુધી અને શેરીઓમાં ગળા સુધી પાણી ભરાઈ જાય છે. આ સમસ્યા અંગે સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. કોર્પોરેટરો ચૂંટણી સમયે મોટા-મોટા વાયદાઓ કરીને જાય છે, પરંતુ ચૂંટણી પત્યા પછી કોઈ દેખાતું નથી. અધિકારીઓ પણ માત્ર મુલાકાત લઈને ‘થઈ જશે’ તેવા આશ્વાસનો આપે છે, પણ આજદિન સુધી કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. '11 કેવી (KV)ની વીજ લાઈન પણ જોખમી બની છે' રાજકોટના વોર્ડ નં.7માં આવેલા સર્વેશ્વર ચોક નજીક રહેતા નાગરિકો લાંબા સમયથી ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં કરોડોના ખર્ચે બનેલા વોકળા (ગંદા પાણીના નિકાલ માટેની વ્યવસ્થા) ને કારણે સ્થાનિકો પરેશાન છે. સ્થાનિક ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે, વોકળાની આસપાસ સફાઈનો અભાવ છે, જેના કારણે મચ્છરોનો ભારે ઉપદ્રવ વધ્યો છે. સ્થિતિ એટલી હદે ખરાબ છે કે લોકો શુદ્ધ હવા માટે પોતાના ઘરની બારીઓ પણ ખોલી શકતા નથી. વધુમાં, અહીંથી પસાર થતી 11 કેવી (KV)ની વીજ લાઈન પણ જોખમી બની છે. છેલ્લા બે વર્ષથી આ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા નક્કર કામગીરી કરવામાં આવતી નથી. અગાઉ પણ અહીં ગંભીર અકસ્માત સર્જાયો હોવા છતાં તંત્ર આ બાબતે ઉદાસીન જણાઈ રહ્યું છે. ગોવિંદભાઈએ આક્ષેપ કર્યો હતો કે, ચૂંટણી સમયે મતો લેવા આવતા કોર્પોરેટરો કે અધિકારીઓ અત્યારે સમસ્યા સાંભળવા માટે પણ તૈયાર નથી. વારંવારની ફરિયાદો છતાં માત્ર 'કામ થઈ જશે' તેવા પોલા આશ્વાસનો આપવામાં આવે છે, પરંતુ જમીન સ્તરે કોઈ સુધારો જોવા મળતો નથી. 'રસ્તાઓનું એકવાર રિપેરિંગ કર્યા બાદ કોઈ ફરીથી તેને જોવા આવતું નથી' રાજકોટના વોર્ડ નંબર 7માં આવેલા નવા જાગનાથ વિસ્તારમાં રહેતા મનુભાઈ પંચમિયાએ વિસ્તારની ગંભીર સમસ્યાઓ અંગે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં મચ્છરોનો ભારે ત્રાસ છે. રસ્તાઓની હાલત પણ અત્યંત ખરાબ છે, રસ્તાઓનું એકવાર રિપેરિંગ કર્યા બાદ કોઈ ફરીથી તેને જોવા આવતું નથી. ડબલ રોડ બનાવવાની જગ્યાએ સિંગલ રોડ બનાવીને કામ પૂરું કરી દેવામાં આવ્યું છે. 'કોર્પોરેટરો પણ ક્યારેય વિસ્તારની મુલાકાત લેતા નથી' તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, અહીંના કોર્પોરેટરો પણ ક્યારેય વિસ્તારની મુલાકાત લેતા નથી. ચૂંટણી સમયે જ તેઓ મિટિંગો કરતા જોવા મળે છે, બાકીના સમયે રજૂઆત કરવા છતાં કોઈ સંતોષકારક જવાબ મળતો નથી. મચ્છરો અને ખરાબ રસ્તાઓને કારણે લોકો હેરાન થઈ રહ્યા છે, ત્યારે આ સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી તેમની માંગ છે. વોકળા ભરાવાની અને ગંદકીની સમસ્યાથી પ્રજા ત્રાહિમામ રાજકોટ શહેરના મધ્યમાં આવેલા વોર્ડ નંબર 7 ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર પરેશ શીંગાળાએ જણાવ્યું હતું કે, શહેરના મધ્યમાં હોવા છતાં આ વિસ્તારમાં રોડ-રસ્તા અને સાફ-સફાઈના ગંભીર પ્રશ્નો છે. અનેક જગ્યાએ વોકળા ભરાવાની અને ગંદકીની સમસ્યાથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. ભાજપના કોર્પોરેટરો ક્યારેય જનતાની મુલાકાતે આવતા નથી, જોકે 'આપ'ના ઉમેદવાર તરીકે તેઓ રૂબરૂ જઈને લોકોના પ્રશ્નો સાંભળી રહ્યા છે. જાગનાથ અને જનકલ્યાણ જેવા કહેવાતા પોષ વિસ્તારોમાં પણ સફાઈનો અભાવ અને ગંદકીની સમસ્યા એટલી હદે છે કે જેની કલ્પના કરવી મુશ્કેલ છે. ' 5 ઇંચ વરસાદમાં જ પૂર જેવી સ્થિતિ નિર્માણ પામે છે' રાજકોટ વોર્ડ -7 માંથી 'આપ'નાં ઉમેદવાર દીપક મુલિયાણીએ જણાવ્યું હતું કે શહેરના મધ્યમાં આવેલા ભીલવાસ, ન્યુ ભીલવાસ, જૂના ભીલવાસ, વિજય પ્લોટ અને મનોહર પ્લોટ જેવા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન આ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સર્જાય છે. 'ઘણા વિસ્તારોમાં નિયમિત સાફ-સફાઈ થતી નથી' વધુમાં તેમણે સફાઈ વ્યવસ્થા અંગે રોષ વ્યક્ત કરતા કહ્યું કે ડોર-ટુ-ડોર પ્રચાર દરમિયાન તેમને અનેક ફરિયાદો મળી છે કે ઘણા વિસ્તારોમાં નિયમિત સાફ-સફાઈ થતી નથી. ભાજપના શાસન પર પ્રહાર કરતા તેમણે ઉમેર્યું કે છેલ્લા 5 વર્ષમાં કોઈ કોર્પોરેટર લોકોની મુલાકાતે આવ્યા નથી કે તેમની સમસ્યાઓ સાંભળી નથી. જો તેઓ ચૂંટાઈને આવશે તો આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન લાવવાની સાથે લોકપ્રશ્નોના ઉકેલ માટે કટિબદ્ધ રહેશે. ભાજપના પૂર્વ કોર્પોરેટર સંપર્ક કરતાં જવાબ ના મળ્યો દિવ્યભાસ્કરે સમગ્ર મામલે ભાજપના પૂર્વ કોર્પોરેટર અને હાલનાં ઉમેદવાર નેહલ શુક્લનો સંપર્ક કરવા માટેનો પ્રયાસ કર્યો હતો. જોકે તેમનો ફોન અન્ય કોઈ વ્યક્તિએ ઉપાડ્યો હતો. અને થોડીવારમાં આ મુદ્દે વાત કર્યા બાદ પરત ફોન કરશે તેવું જણાવ્યું હતું. જોકે દિવસભર રાહ જોવા છતાં નેહલ શુક્લએ ફોન કરવાની તસ્દી લીધી નહોતી. ઉલ્લેખનીય છે કે, ભાજપે આ વોર્ડ માટે પ્રથમ શૈલેષ જાનીને ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા હતા. જોકે બાદમાં તેમને સ્ટેજ પરથી ઉતારીને અચાનક નેહલ શુક્લ પાસે ફોર્મ ભરાવવામાં આવ્યું હતું. અને શૈલેષ જાની પાસે ડમી તરીકે ફોર્મ ભરાવાયું હતું.
    Click here to Read More
    Previous Article
    UP Board 2026 Result LIVE : सफलता के पीछे की मेहनत और संघर्ष, UP बोर्ड टॉपर की सच्चाई | Board Result
    Next Article
    વાઘોડિયામાં MLA અને ભાજપ નેતા વચ્ચે મોરેમોરો:MLAની ધમકી- વાતાવરણ બગાડવાનો પ્રયાસ ન કરતા, ચૂંટણી પછી તમે છો અને હું છું; પૂરાણીએ કહ્યું- ધર્મેન્દ્રસિંહ ભૂમાફિયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment