Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેન્ડેટ મોડા પડ્યાનો કોંગ્રેસીઓએ ઢોંગ કર્યો, ભાજપને સત્તા મળી ગઈ:જિલ્લા મંત્રીએ છેલ્લી ઘડી સુધી ખિસ્સામાં રાખી મૂક્યા, સ્ટિંગ ઓપરેશનમાં ડર્ટી પોલિટિક્સનો પર્દાફાશ

    17 hours ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની આ વખતની ચૂંટણી એક અલગ જ કારણે ચર્ચામાં છે. કારણ કે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત અપક્ષના ઘણા ઉમેદવારોના ફોર્મ રદ થયા અથવા તો એમણે પાછા ખેંચી લીધા. પરિણામે ભાજપે 700થી વધુ બેઠકો બિનહરિફ જીતી લીધી. એમાં પણ કડી અને ગણદેવી તો એવી નગરપાલિકા છે, જ્યાં મતદાન થયા વગર જ ભાજપને સત્તા મળી ગઈ. આવા ગજબનાક ઘટનાક્રમને સમજવા માટે અમે ગણદેવીમાં ઇન્વેસ્ટિગેશન કર્યું. તો કોંગ્રેસી નેતાઓની એવી દાનત ખુલ્લી પડી, જેનાથી જનતા જ નહીં મોટા નેતાઓ પણ કદાચ અજાણ હશે. સત્તાની સજાવેલી થાળી ભાજપને ભેટમાં મળવાની ઘટના શું છે? આ પ્રકરણની શરૂઆત થઈ 11 એપ્રિલથી. ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. ગણદેવી નગરપાલિકામાં 6 વોર્ડની 24 બેઠકો છે. જ્યાં ગયા વખતે તમામ બેઠકો ભાજપ જીતી ગયું હતું. આ વખતે કોંગ્રેસને ઉમેદવાર શોધવામાં પણ ફાંફા પડી ગયા. જેમ તેમ કરીને 18 બેઠકો માટે ઉમેદવારો નક્કી કર્યા. એટલે કે ઉમેદવારી માટે કોંગ્રેસમાં આંતરિક રીતે કોઈ ખેંચતાણ ન હતી એ સ્પષ્ટ રીતે માલુમ પડે છે. એક સાથે કોંગ્રેસના તમામ ઉમેદવારોના ફોર્મ રદ થયા ચૂંટણી કેલેન્ડર પ્રમાણે 11 એપ્રિલે બપોરના 3 વાગતા સુધીમાં ઉમેદવારી નોંધાવી શકાય એમ હતું. કોંગ્રેસના નેતાઓ 18 ઉમેદવારો ફોર્મ લઈને દોઢ વાગ્યે પહોંચ્યા પરંતુ મેન્ડેટ 3 વાગતા સુધીમાં ન પહોંચી શક્યા. એટલે ચૂંટણી અધિકારી મિતેશ પટેલે કહી દીધું કે ‘હવે મેન્ડેટ સ્વીકારવામાં આવશે નહીં.’ 13 એપ્રિલે ફોર્મ ચકાસણી થઈ, મેન્ડેટ ન હોવાથી કોંગ્રેસી ઉમેદવારોના ફોર્મ રદ થયા અને ભાજપના નેતાઓ આ બેઠકો પર બિનહરિફ વિજેતા જાહેર થયા. પણ…પણ…પણ.. આ ઘટનાક્રમ દેખાય છે એટલો ચોખ્ખો નથી. એક સાથે 18 ઉમેદવારોના મેન્ડેટ ન પહોંચવા એ અસામાન્ય ઘટના હતી. આ સમાચાર આવતા જ પહેલી નજરે લાગ્યું કે દાળમાં કંઈક કાળુ છે. એટલે વિગતવાર આખો ઘટનાક્રમ સમજવા માટે દિવ્ય ભાસ્કરના રિપોર્ટર ત્રણ દિવસ ગણદેવી, ચિખલી અને નવસારીમાં રહ્યા અને ઇન્વેસ્ટિગેશન કર્યું. અમે કોંગ્રેસી નેતાઓને મળ્યા, જરૂર લાગી ત્યાં સ્ટિંગ ઓપરેશન કર્યું અને સત્તાવાર ઇન્ટરવ્યૂ પણ લીધા. જેમાં અમે જાણ્યું તે અમદાવાદના પ્રદેશ કાર્યાલયથી મેન્ડેટ કોણ લઈને નીકળ્યું? ફોર્મ ભરાઈ રહ્યા હતા ત્યારે મેન્ડેટ ક્યાં હતા? મેન્ડેટ મોડા પહોંચવા પાછળનું કારણ ખરેખરમાં શું છે? એ જાણવા માટે અમે વિવિધ નેતાઓને મળીને આખો ઘટનાક્રમ સમય પ્રમાણે ગોઠવ્યો. જેમાં ખરેખર કોની “ભૂલ” હતી એ ખબર પડી ગઈ. સૌથી પહેલાં આ કોષ્ટકમાં આપેલી માહિતી જુઓ. કોંગ્રેસના નેતાઓ સવા 1 વાગ્યાની આસપાસ ઉમેદવારો સાથે ફોર્મ ભરવા માટે ચિખલી પહોંચી ગયા હતા. ડિપોઝિટ જમા કરાવ્યાની રસિદમાં લખેલા સમય પ્રમાણે તેમણે પહેલું ફોર્મ વોર્ડ નંબર 2ના ઉમેદવાદ અમીના બેનનું 2 વાગીને 37 મિનિટે જમા કરાવ્યું હતું. જ્યારે છેલ્લું ફોર્મ પણ અમીના બેનનું વોર્ડ નંબર 3ના ઉમેદવાર તરીકે 2 વાગીને 55 મિનિટે જમા કરાવ્યું હતું. ફોર્મ જમા કરાવવાનો સમય 3 વાગ્યા સુધીનો હતો. એટલે જો 5 મિનિટ પહેલાં જ ફોર્મ જમા કરાવી દીધા હોય તો સમયસીમા પૂરી થતાં પહેલાં ઉમેદવાર કે અધિકારીઓને મેન્ડેટ યાદ આવ્યા હતા કે નહીં? કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ થયા પછી 13મી એપ્રિલે નવસારી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલની સૌથી પહેલી પ્રતિક્રિયા આવી હતી. તેમણે આ મુદ્દે આક્રોશ વ્યક્ત કરીને હાઇકોર્ટ જવા સુધીની તૈયારી દર્શાવી હતી. પણ પછી જાણે કાંઈ થયું જ ન હોય એમ ન તો શૈલેષ પટેલ આ બાબતે આગળ વધ્યા, ન તો પ્રદેશ કક્ષાએથી હલચલ જોવા મળી. એટલે અમે સૌથી પહેલાં શૈલેષ પટેલને મળવાનું નક્કી કર્યું. શૈલેષ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત થયા પછી તેમણે 16 એપ્રિલે બપોરે 1 વાગ્યે રૂબરૂ મળવા માટેની તૈયારી દર્શાવી. જો કે 1 વાગ્યાનો વાયદો કર્યા બાદ પણ શૈલેષ પટેલ 3 વાગ્યે પહોંચ્યા. તેમણે ઓનરેકોર્ડ ઇન્ટરવ્યૂ આપવાનો ઇન્કાર કરી દીધો. એટલે નાછૂટકે અમારે સ્ટિંગ ઓપરેશન કરવું પડ્યું. રૂબરુ મુલાકાત દરમિયાન અમે સૌથી પહેલાં ફોર્મ ભરાયા એ દિવસના ઘટનાક્રમ અંગે સવાલ કર્યા. જેના જવાબમાં શૈલેષ પટેલે કહ્યું, મેન્ડેટ તો અમે જ અમદાવાદથી લાવીએ છીએ. અમે સવારમાં લખીને આપી દીધા હતા. કુલ 18 લોકોના મેન્ડેટ લખ્યા હતા. પણ અધિકારી રાજરમત રમી ગયા. તેમણે આગળ કહ્યું, કુલ 18 ઉમેદવારોના ફોર્મ ભરવાના હતા. એમના ફોર્મ અને ફી ભરવાની પ્રક્રિયા 3 વાગતા સુધીમાં પતી ગઈ. તમામ લોકો સંકુલમાં જ હતા. પણ ફોર્મમાં જે તે વસ્તુ ખુટે છે એમ કહેતા સમયમર્યાદા કરતા 7 મિનિટ વધુ થઈ ગઈ. પછી અમારા લોકો મેન્ડેટ આપવા ગયા એટલે ચૂંટણી અધિકારીએ ના પાડી દીધી. “અમારા આગેવાનોએ મને ફોન કર્યો. હું હાઇવે પર જ હતો. એટલે પાંચ મિનિટમાં પહોંચી ગયો. ત્યારે ચૂંટણી અધિકારી મિતેષ પટેલે મને પણ કહ્યું કે ‘સાત મિનિટ વધારે થઈ ગઈ છે.’ મેં કહ્યું, ‘ફી ભરી દીધી છે, તેની રસિદ પણ છે. એ લોકોએ ફોર્મમાં સુધારા તમારા અધિકારીની દેખરેખમાં કરતા હતા તો પછી વાંધો શું છે?’ મને 50 લાખની ઓફર હતી- શૈલેષ પટેલ વાતવાતમાં શૈલેષ પટેલે એક ચોંકાવનારો દાવો કર્યો કે, ભાજપના કાર્યકરોએ મને પણ પ્રલોભન આપ્યા હતા. એ લોકો ચહેરા અને હોદ્દા જોઈને ઓફર કરે છે. મને નબળા ઉમેદવાર ઉભા રાખવા માટે 50 લાખ રૂપિયાની ઓફર હતી. જિલ્લા પંચાયતની જે પણ સીટ પર એ લોકો હારતા હોય ત્યાં મારે નબળા ઉમેદવાર મૂકવાના. એટલે એ લોકો જીતી જાય. મારે એવી 10 સીટ સેટ કરવાની હતી. એમાં 50 લાખ રૂપિયાની ઓફર હતી. પરંતુ અમે ઉમેદવાર મજબૂત મૂક્યા એટલે અમારા ઉમેદવાર ખરીદવા પડ્યા. એ લોકોએ ખરીદીને, ધમકાવીને ઉમેદવાર પાડી દીધા. પોલીસવાળા મને કહે છે કે ચૂંટણી વખતે સરખા રહેજો નહીં તો તમારા પર કેસ થશે. અમારી પાસે ઓફર તો ઘણા પ્રકારની આવે. પણ મારી પાસે એ લોકો નથી કરી શકતા. શૈલેષ પટેલ બોલ્યા, મારે કહેવું ન જોઈએ પણ મારા કાર્યકારી પ્રમુખને તો એ લોકોએ ખરીદી લીધો. એક રેગ્યુલર પ્રમુખ સાથે પણ સેટિંગ કરી લીધું. અમે વેરો ભર્યો, જેમ તેમ કરીને ઉમેદવારો તૈયાર કર્યા હતા- શૈલેષ પટેલ શૈલેષ પટેલે અન્ય એક સવાલના જવાબમાં જણાવ્યું, અત્યારે કોંગ્રેસના ઉમેદવારોની સ્થિતિ એવી છે કે એ લોકોનો ઘર વેરો પણ અમારે ભરવો પડ્યો. એ લોકોની ડિપોઝિટ પણ આપવાની અને જેમ તેમ કરીને ચૂંટણી લડાવવા માટે લાવવાના. એવી પરિસ્થિતિમાં 18 ઉમેદવાર તૈયાર કર્યા હતા. શૈલેષ પટેલ સાથેની મુલાકાતથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે ફોર્મ ભરાયા ત્યારે કોંગ્રેસના એક નેતા પાસે મેન્ડેટ હતા અને આ નેતા પ્રાંત અધિકારીની ઓફિસે જ હાજર હતા. પરંતુ આવી હકીકત સામે આવતા જ કેટલાક ગંભીર સવાલો પણ ઉઠ્યા. મેન્ડેટ વગર ફોર્મ ભર્યા એટલે ઉમેદવારી રદ થવી નક્કી હતી. વાજતેગાજતે ઉમેદવારી નોંધાવવા માટે ગયેલા કોંગ્રેસના નેતાઓ વીલા મોઢે એ દિવસે ઘરે પરત ફર્યા હતા. આ જ ઉમેદવારો સમગ્ર ઘટનાના પ્રત્યક્ષદર્શી હતા. એટલે સચોટ સત્ય જાણવા માટે અમે એવા નેતાને મળ્યા, જેનું ફોર્મ મેન્ડેટ ન હોવાના કારણે રદ થયું. અમારી મુલાકાત મયુર શાંતિલાલ મિસ્ત્રી સાથે થઈ. જેઓ ગણદેવી શહેર કોંગ્રેસ પ્રમુખ છે અને તેમણે વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 5માંથી ઉમેદવારી નોંધાવવાની તૈયારી કરી હતી. વાંચો… મયુર મિસ્ત્રી સાથેના સવાલ-જવાબ. જેનાથી ઘણુ ખરું ચિત્ર સ્પષ્ટ થઈ જાય છે. પહેલાં શૈલેષ પટેલ અને ત્યાર બાદ મયુર મિસ્ત્રી સાથેની વાતચીતથી ખ્યાલ આવી ગયો કે મેન્ડેટ તો સમયસર મળી જ ગયા હતા. પરંતુ એ યોગ્ય સમયે રજૂ કેમ ન કર્યા? આ વાતનો જવાબ એક જ વ્યક્તિ પાસે મળે એમ હતો. આ વ્યક્તિ એટલે નવસારી જિલ્લા કોંગ્રેસના મંત્રી મિનેશ પટેલ ઉર્ફે મુન્નાભાઈ પટેલ. તેમણે મળવા અમે શહેર કોંગ્રેસની ઓફિસે પહોંચ્યા. કોંગ્રેસી નેતાએ કહ્યું, પ્રદેશ કક્ષાએથી કોઈ મદદ ન મળી ગણદેવી શહેરમાં એક કોમ્પ્લેક્સના અંડરગ્રાઉન્ડ ફ્લોર પર કોંગ્રેસની ઓફિસ આવેલી છે. ઓફિસમાં ગાદલા પાથરીને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પણ ચૂંટણી જ ન હોવાના કારણે કાર્યાલય પર સન્નાટો હતો. અમે ત્યાં પહોંચ્યા તો ત્રણેક લોકો જ હાજર હતા. એક પીઢ કોંગ્રેસી કાર્યકરે કહ્યું, અહીંયાં કોંગ્રેસને ઉમેદવાર પણ નથી મળતા, માંડ ઉમેદવાર ઊભા રાખ્યા હતા. અમુક ઉમેદવારોનો વેરા પણ અમે અમારા ખિસ્સાના રૂપિયા કાઢીને ભર્યો હતો. અમને પ્રદેશ કોંગ્રેસે મદદ નથી કરી, કોઈ ફંડ નથી આપ્યું. ઝેરોક્ષ કરાવવાના રૂપિયા પણ અમારે ચૂકવવા પડે છે એવી હાલત છે. થોડા જ સમયમાં અમારી મુલાકાત નવસારી જિલ્લા કોંગ્રેસના મંત્રી મિનેશ પટેલ ઉર્ફે મુન્નાભાઈ પટેલ સાથે થઈ. મેન્ડેટ એમની પાસે હોવાનું અગાઉ બે લોકો કહી ચૂક્યા હતા. એટલે અમે સત્ય જાણવા માટે ટૂ ધી પોઈન્ટ અને આકરા સવાલો પૂછ્યા. દિવ્ય ભાસ્કર- તમે ફોર્મ ભરવા માટે કેટલા વાગ્યે નીકળ્યા હતા? મિનેશ પટેલ- અમે ચિખલીની કોંગ્રેસ ઓફિસથી ગણદેવી SDM કચેરીએ ફોર્મ ભરવા માટે એક-સવા એક વાગ્યાના અરસામાં નીકળ્યા હતા. અમે દોઢ વાગતા સુધીમાં કચેરીએ પહોંચી ગયા હતા. અમને એવી માહિતી આપવામાં આવી તે તમારા બધા ઉમેદવારોના ફોર્મ ઓબ્ઝર્વેશન રૂમમાં ચેક કરાવી લો. અમે ત્યાં ગયા અને ઉમેદવારોના ફોર્મ ચેક કરાવ્યા. એમણે (અધિકારીઓએ) અમને “ઓકે” લખીને આપ્યું અને કહ્યું, ‘તમે પ્રાંત અધિકારીની કચેરીમાં આ ફોર્મ જવા કરાવી દો અને ફી ભરી દો.’ એટલે અમે પ્રાંત અધિકારીની ઓફિસમાં ગયા અને બધાના ફોર્મ રજૂ કર્યા. એમણે ફોર્મ ચેક કરીને ફરીથી “ઓકે” લખ્યું. ત્યાર પછી બધાની ડિપોઝિટની રસીદ પણ ફડાવી આપી. ‘પછી ત્રણ વાગવામાં એક-બે મિનિટ બાકી હતી ત્યારે અમારા ગણદેવીના શહેર પ્રમુખ મયુર મિસ્ત્રીને પૂછ્યું કે તમારા મેન્ડેટ ક્યાં છે?’ ‘ત્યારે મયુર મિસ્ત્રી જવાબ આપ્યો, મેન્ડેટ બહાર જ છે. અમે તમને લાવીને આપીએ છીએ. આ રીતે વાત કરી તો તરત જ પ્રાંત અધિકારીએ કહ્યું, હવે સમય પૂરો થઈ ગયો છે, તમે મેન્ડેટ નહીં આપી શકો.’ દિવ્ય ભાસ્કર- તમને કોઈ લોભલાલચ આપવામાં આવી હતી? મિનેશ પટેલ- ના.. એવું કાંઈ નથી. પરંતુ ભાજપના મંત્રી દ્વારા જ પ્રાંત અધિકારીને દબાણ હોય કે કોંગ્રેસના ફોર્મ રદ કરવા, એવું થયું હોય એમ અમને લાગે છે. કારણ કે અમારી વાત જરાય સાંભળવામાં નથી આવી. ગણદેવીના અત્યાર સુધીના ઇતિહાસમાં ગણદેવી મામલતદાર ઓફિસ કે નગરપાલિકામાં જ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલતી હતી. આ વખતે પહેલીવાર એવું થયું કે ચિખલીમાં પ્રાંત કચેરીએ ફોર્મ ભરવા જવાનું થયું. આ ફેરફાર કેમ આવ્યો તેનો ખ્યાલ નથી. દિવ્ય ભાસ્કર- તમે પ્રદેશ કક્ષાએ આ મુદ્દે કોઈ વાત કરી? ચૂંટણી અધિકારીના નિર્ણય વિરુદ્ધ તમે કોર્ટમાં જવાના હતા એનું શું થયું? મિનેશ પટેલ- શૈલેષ પટેલ સાથે વાત થઈ છે અને પ્રદેશકક્ષાએ પણ વાત થઈ છે. એમણે કહ્યું છે કે હાઇકોર્ટમાં અરજી કરવી પડશે. પ્રદેશમાં કોઈક વકીલ સાથે વાત થઈ છે. પ્રદેશ કક્ષાએથી કોઈક વકીલે કહ્યું છે કે આ પ્રક્રિયા ચાલુ જ રહેશે. પરંતુ ચૂંટણી પતે એના 15 દિવસની અંદર હાઇકોર્ટમાં અરજી દાખલ કરીશું. મિનેશ પટેલે દાવો કર્યો કે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટની ગાઇડલાઇન છે કે જો આવી પરિસ્થિતિમાં એક-બે મિનિટ આમતેમ થાય તો લોકશાહીના હિતમાં મેન્ડેટ સ્વીકારવા જોઈએ. પરંતુ કોઈ જાતની વાત માનવામાં નથી આવી. પ્રાંત અધિકારીએ ભાજપના કોઈ મંત્રીના દબાણમાં આવીને કામ કર્યું હોય એવું લાગે છે. ચૂંટણી અધિકારીએ મેન્ડેટ પ્રકરણ પર કહ્યું, અમારી પાસે વીડિયો પુરાવા છે પરિસ્થિતિ વધુ સ્પષ્ટ રીતે સમજી શકાય એ હેતુથી અમે ચિખલીના પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવતા મિતેશ પટેલને મળવાનું નક્કી કર્યું. જ્યારે અમે તેમને પ્રશ્ન કર્યો કે, ઉમેદવારો પાસે મેન્ડેટ હોવા છતાં માત્ર પાંચ-દસ મિનિટના વિલંબને કારણે લોકશાહીના હિતમાં ફોર્મ કેમ સ્વીકારવામાં ન આવ્યું? ત્યારે તેઓ ઓન-કેમેરા બોલવા તૈયાર નહોતા. જોકે, ઓફ-કેમેરા તેમણે આખી ઘટનાની વિગતો સમજાવી હતી. તેમણે જણાવ્યું કે, જ્યારે ઉમેદવારો ફોર્મ ભરવા આવે છે, ત્યારે વહીવટી તંત્ર તરફથી તેમને સંપૂર્ણ સહયોગ આપવામાં આવે છે અને અમે નિષ્પક્ષ રીતે જ કામ કરીએ છીએ. કોઈપણ રાષ્ટ્રીય પક્ષ વતી ઉમેદવારી નોંધાવતી વખતે પક્ષનું મેન્ડેટ જમા કરાવવું ફરજિયાત છે. અમે પૂરતી કાળજી રાખીએ છીએ કે તમામ પ્રક્રિયા સમયમર્યાદામાં પૂર્ણ થાય અને જો કોઈ ઉમેદવારને તકલીફ પડે તો અમે મદદ પણ કરીએ છીએ. કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ થયા તે બાબતે ખુલાસો કરતા તેમણે ઉમેર્યું કે, અમારી ઓફિસના કેમેરા સતત કાર્યરત હોય છે. ફોર્મ જમા કરાવવાની અંતિમ તારીખે બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય હતો. અમારા કર્મચારીઓ દ્વારા વારંવાર બૂમો પાડીને ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા, જે તમામ બાબતો કેમેરામાં કેદ થયેલી છે. આમ છતાં, કોંગ્રેસના ઉમેદવારો સમયસર મેન્ડેટ રજૂ કરી શક્યા નહોતા. નિયમ મુજબ, સમયમર્યાદા પૂર્ણ થયા બાદ અમે કશું કરી શકતા નથી. આ મુદ્દે અમે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીને સવાલો કર્યો તેમણે કહ્યું, પક્ષ તરફથી ક્યાંય ભૂલ થઈ હશે, પક્ષના કોઈ આગેવાને કરી હશે, પક્ષના કોઈ સ્થાનિક પદાધિકારીએ કરી હશે તો તેને કોઈ પદ પર રાખવામાં નહીં આવે. કારણ કે હજારો કાર્યકરોની મહેનત લાગી હોય, હજારો મતદારો મતાધિકાર ગુમાવી દેતા હોય એવા સંજોગોમાં કોંગ્રેસની જવાબદારી બને છે કે આવું ખોટું થયું હોય તો ચલાવી લેવાય નહીં. જો કે હાઇકોર્ટ જવાનો દાવો કરતી કોંગ્રેસ અરજી ક્યારે કરશે એ મોટો સવાલ છે. કારણ કે બિનહરિફ ઉમેદવારોને ચૂંટણી અધિકારીએ સર્ટિફિકેટ આપી દીધા છે અને ભાજપ ગણદેવી પાલિકા પર સત્તા મેળવી ચૂક્યું છે. અગાઉ રાજ્યસભાની ચૂંટણીમાં એવું બની ચૂક્યું હતું કે કોંગ્રેસ ગેરરીતિના આરોપ લગાવીને ગણતરીના કલાકોમાં જ કોર્ટ તેમજ ચૂંટણીપંચ સુધી પહોંચી ગઈ હોય.
    Click here to Read More
    Previous Article
    એક રાતના મેયર કહાની:ભદ્રના કિલ્લે લાઇટ આવી તો આખું અમદાવાદ જોવા ઉમટ્યું, રણછોડલાલનાં વિઝનથી રિવરફ્રન્ટ સુધી, AMCના ઇતિહાસનો રોચક વીડિયો
    Next Article
    અમદાવાદમાં ઇન્સ્ટા પર સ્ટોરી મૂકવા બાબતે યુવકની હત્યા:આયશા મસ્જિદ પાસે 3 આરોપીએ બે મિત્રો પર છરી-પથ્થરથી હુમલો કર્યો, 24 કલાકમાં બીજું મર્ડર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment