Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં પ્રદૂષિત પાણીનો કહેર !:માર્ચમાં મનપા દ્વારા લેવાયેલા નમૂનાઓ પૈકી પાંચ સ્થળે બેક્ટેરિયા મળ્યા, શુદ્ધ પાણી વિતરણનાં તંત્રનાં દાવાઓ સામે પ્રશ્નાર્થ

    4 days ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ 18 વોર્ડમાં ક્લોરિનયુક્ત અને શુદ્ધ પાણી વિતરણ કરવામાં આવતું હોવાના મોટા-મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. હાલમાં જ માર્ચ મહિનામાં મનપાએ લીધેલા 8901 નમૂનાઓનો રિપોર્ટ આવ્યો છે. જે પૈકી કેટલાક વિસ્તારોમાં વિતરણ કરાતું પાણી દૂષિત હોવાનું બહાર આવ્યું છે. ખાસ કરીને વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં લેવાયેલા પાણીના નમૂનાઓ પૈકી 5 સ્થળે બેક્ટેરિયાની હાજરી મળતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. એક તરફ ઉનાળાની આકરી ગરમી પડી રહી છે, બીજીતરફ દૂષિત પાણીને લઈ શહેરમાં પાણીજન્ય રોગચાળો વકરે તેવી શક્યતા છે. જોકે તંત્ર દ્વારા આ અંગે જરૂરી પગલાં લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. મહાનપાલિકાના વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતો મુજબ તંત્ર દ્વારા ગત માર્ચ માસ દરમિયાન શહેરના ત્રણ ઝોન વેસ્ટ, સેન્ટ્રલ અને ઇસ્ટ ઝોનમાંથી કુલ 8901 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જેમાં રેસિડ્યુઅલ ક્લોરિનના કુલ 8577 નમૂના, બેક્ટેરિયોલોજીકલ તપાસ માટે 295 નમૂના અને કેમિકલ એનાલિસિસ માટે 29 નમૂનાનો સમાવેશ થાય છે. આ નમુનાની તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં વેસ્ટ ઝોનમાંથી લેવાયેલા 149 બેક્ટેરિયોલોજીકલ નમૂનાઓમાંથી 5 સ્થળે પાણીમાં બેક્ટેરિયા મળી આવ્યા છે. તેવી જ રીતે સેન્ટ્રલ ઝોનમાં લેવાયેલા 75 નમૂનાઓ પૈકી 2 સ્થળે નમૂના ફેઈલ ગયા છે. આમ, શહેરના કુલ 7 જેટલા સ્થળોએ પાઈપલાઈન મારફતે પહોંચતું પાણી પીવાલાયક નહીં હોવાનું સાબિત થયું છે. મહાપાલિકા દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલા નમૂના રેસિડ્યુઅલ ક્લોરિન નમૂના 8577 બેક્ટેરિયોલોજીકલ નમૂના 295 કેમિકલ સેમ્પલ 29 કુલ નમૂના 8901 વેસ્ટ ઝોન: 149 માંથી 5 નમૂનામાં બેક્ટેરિયા મળ્યા. સેન્ટ્રલ ઝોન: 75 માંથી 2 નમૂનામાં બેક્ટેરિયા મળ્યા. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ઉનાળા દરમિયાન પાણીની પાઈપલાઈનમાં લીકેજ અથવા ફિલ્ટર પ્લાન્ટમાં ખામી સર્જાવાથી બેક્ટેરિયાનું પ્રમાણ વધવાની શક્યતા રહે છે. જો ક્લોરિનેશન યોગ્ય માત્રામાં ન કરવામાં આવે તો આ પાણી રોગચાળાનું મુખ્ય કારણ બને છે. રાજકોટ જેવા મહાનગરમાં જ્યાં લાખો લોકો મનપાના પાણી પર નિર્ભર છે, ત્યાં આ પ્રકારની બેદરકારી ગંભીર સ્વાસ્થ્ય કટોકટી સર્જી શકે તેમ છે. હાલમાં જ્યારે 7 સ્થળે બેક્ટેરિયા મળી આવ્યા છે, ત્યારે તંત્રએ યુદ્ધના ધોરણે જે-તે વિસ્તારોની પાઈપલાઈન ચેક કરવી જોઈએ અને ક્લોરિનનું પ્રમાણ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ. સમગ્ર મામલે મહાપાલિકાના વોટર વર્ક્સ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે જે વિસ્તારોમાં નમૂના ફેલ ગયા છે ત્યાં તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે. પાઈપલાઈનમાં જો ક્યાંય ભંગાણ હોય તો તેને રિપેર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, તમામ પમ્પિંગ સ્ટેશનો પર ક્લોરિનેશન પ્રક્રિયા વધુ સઘન બનાવવા સૂચનાઓ આપી દેવામાં આવી છે. રહીશોને પણ અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વિસ્તારમાં ગંદુ પાણી આવતું હોય તો તુરંત મનપાના કંટ્રોલ રૂમમાં જાણ કરવી જેથી તરત પગલાં લઈ શકાય. આગામી અઠવાડિયામાં ફરીથી આ બધા વિસ્તારોમાંથી રિ-સેમ્પલિંગ કરી ફરી પાણીની શુદ્ધતાની ખાતરી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં હાલ ચૂંટણીનો માહોલ છે અને આચારસંહિતા અમલી છે, ત્યારે નાગરિકોનો આરોપ છે કે તંત્ર આ બાબતે ઉદાસીનતા દાખવી રહ્યું છે. અનેક વોર્ડના રહીશો લાંબા સમયથી વાસવાળું અને ગંદુ પાણી આવતું હોવાની ફરિયાદો કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે મહાનગરપાલિકા હસ્તકના ફિલ્ટર પ્લાન્ટ અને પમ્પિંગ સ્ટેશનોની નિયમિત સફાઈ કરવામાં આવતી નથી, જેના કારણે જળ વિતરણ વ્યવસ્થામાં પ્રદૂષણ ભળે છે. દૂષિત પાણીના વપરાશને કારણે ઝાડા-ઉલ્ટી અને ટાઈફોઈડ જેવા કેસોમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. જોકે ચૂંટણીની આચારસંહિતાનું બહાનું ધરીને મનપા દ્વારા સાપ્તાહિક રોગચાળાના આંકડાઓ જાહેર કરવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે, જેનાથી લોકોમાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સરસિયા તળાવની ગંદકી બતાવી તો 'જય શ્રી રામ'ના નારા લગાવ્યા:સ્થાનિકે 'રામના 10 નામ બોલી બતાવો' કહેતા જ ભાજપના ઉમેદવારો મૂઠ્ઠીઓ વાળી ભાગ્યા
    Next Article
    નાસિક ધર્માંતરણ પ્રયાસ: વલસાડમાં હિન્દૂ સંગઠનોનો આક્રોશ:બજરંગ દળ સહિતના સંગઠનોએ કલેક્ટરને આવેદન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment