Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડૉક્ટરની ડાયરી:રાધા કૃષ્ણ કા મિલન તો બસ એક બહાના થા,દુનિયા કો પ્રેમ કા સહી મતલબ જો સમજાના થા

    6 days ago

    બ ધું બહુ ઝડપથી બની ગયું. નૈષીને લાગ્યું કે જિંદગી એની ગાઢ સહેલી છે. નૈષી જીવનમાં જે ઇચ્છે છે તે બધું જ જિંદગી એને આપી રહી છે અને તે પણ ફટાફટ. હજી એક મહિના પહેલાં તો નૈષીએ શ્યામને પહેલીવાર જોયો હતો. ડેશિંગ પર્સનાલિટી. મોટા આશ્ચર્યની વાત એ હતી કે આટલો હેન્ડસમ અને સ્માર્ટ હોવા છતાં શ્યામ વિનમ્ર હતો. બાકી મોટા ભાગના દેખાવડા યુવાનો એરોગન્ટ હોય છે એવો નૈષીનો અનુભવ હતો. પરિચયના પ્રથમ પગલે શ્યામે સહેજ ઝૂકીને પોતાનો જમણો હાથ લંબાવીને મૃદુતાપૂર્વક કહ્યું હતું, ‘હાય, શ્યામ હીઅર.' નૈષીની નજર શ્યામના જમણા હાથ પર પડી. હથેળીની અને કોણીની વચ્ચેના ભાગમાં હાથની ચામડી ઉપર શ્રીકૃષ્ણનું ટેટૂ શોભતું હતું. ક્ષણાર્ધનો પણ વિચાર કર્યા વગર નૈષીએ શ્યામાનો હાથ ઝાલી લીધો. જાણે કૃષ્ણનો હાથ રાધા ઝાલતી હોય તેમ! પછી રાધા ભાવપૂર્વક બોલી, ‘નૈષી હીઅર.' હથેળીએ હથેળી સાથે વાત કરી લીધી, જીભે મહેનત કરવાની જરૂર ન પડી. બંનેને ખબર પડે તે પહેલાં તો બંનેનાં હૈયાં પ્રેમમાં પડી ચૂક્યાં હતાં. બંને સંસ્કારી હતાં. શરીરની સપાટી ઉપર જીવનારાં આછકલાં યુવાન-યુવતી ન હતાં. શ્યામે એના ઘરમાં જાણ કરી, નૈષીએ પોતાના ઘરમાં. ચાર વડીલોની આઠ આંખો માનસરોવરનાં હંસ અને હંસલીની જોડીને જોઈને સંતુષ્ટ થઇ ઊઠી. શુભ દિવસ જોઇને સગાઇ કરી દેવામાં આવી. બધું બહુ ઝડપથી બની ગયું. નૈષીને લાગ્યું કે જિંદગી એની બેસ્ટ ફ્રેન્ડ છે. બંને જણાં સગાઇ અને લગ્ન વચ્ચેનો શ્રેષ્ઠ સમય ઉત્તમ રીતે માણી રહ્યાં હતાં. ઓફિસમાંથી છૂટીને શ્યામ બાઇક પર સવાર થઇને નૈષીને એના ઘરેથી લઇ જતો અને સાંજના એક-બે કલાકના સમયને અમૃતમય બનાવી દેતો. ક્યારેક કોફી કેફેમાં ગરમાગરમ ઘૂંટમાં આવનારી સહિયારી સફરનાં સ્વપ્નો પાકતાં રહેતાં, ક્યારેક ડુમસના દરિયાકાંઠે બેસીને ખારાં પાણીનાં ઊછળતાં મોજાં સાથે દાંપત્યની ભરતી ચડતી રહેતી. નૈષી ભાવાવેશમાં આવીને બોલી જતી, ‘શ્યામ, મને તારા હાથ પરનું કૃષ્ણ ભગવાનનું ટેટૂ બહુ ગમે છે.' બનાવટી ગુસ્સો કરીને શ્યામ કહેતો, ‘એનો અર્થ એવો કે હું તને નથી ગમતો. જો આ ટેટૂ ન હોત તો તું મને પ્રેમ ન કરતી હોત!' ભોળી બિચારી નૈષી જવાબ આપવાના બદલે પોતાની હથેળી શ્યામના હોઠ ઉપર મૂકી દેતી. મનમાં બબડી લેતી, ‘કૃષ્ણ તો હાથ ઉપર સદાયના માટે રહેવાના જ છેને! એ ન હોવાનો પ્રશ્ન જ ક્યાં ઊભો થાય છે?' બે મહિના પછી એ પ્રશ્ન, એ શક્યતા હકીકત બનીને સામે આવી ગઇ. સાંજનો સમય હતો. શ્યામ ઓફિસેથી છૂટીને નૈષીના ઘર તરફ જઇ રહ્યો હતો. સામેથી આવતા ભારેભરખમ ડમ્પરે એની બાઇકને ચગદી નાખી. શ્યામનો જમણો હાથ વ્હીલની નીચે આવી ગયો. ખભાથી આંગળીઓનાં ટેરવાં સહિતનો પૂરો હાથ લાલ માટીના લોંદા જેવો બની ગયો. બેભાન શ્યામને ભેગા થયેલા લોકોએ સુરતની કિરણ હોસ્પિટલમાં પહોંચાડ્યો. ફરજ પરના સર્જને દોડી આવેલાં સ્વજનોને કહ્યું, ‘અત્યારે અમારી સમક્ષ પેશન્ટની જિંદગી બચાવવાનો એક જ ઉપાય છે. એના શરીરમાંથી વહેતું લોહી બંધ કરવું અને ખભા પાસેથી હાથ કાપી નાખવો.' બંને પરિવારો મધ્યમ વર્ગીય હતા, પણ શિક્ષિત હતા. હાથ કરતાં વ્યક્તિની જિંદગી વધારે મહત્ત્વની છે એવું સ્વીકારવામાં એમણે વાર ન લગાડી. ઓપરેશન થઇ ગયું. એક હાથ ગુમાવી ચૂકેલો હોસ્પિટલની પથારીમાં પડ્યો હતો અને હોશમાં આવ્યા પછી એણે આંખો ખોલી તો જોયું કે નૈષી ખાટલાની બાજુમાં હાજર હતી. નર્સે કહ્યું ત્યારે શ્યામને ખબર પડી કે 36 કલાકથી નૈષી ઊંઘી ન હતી. એક હાથ ગયો હતો, પણ એક સાથ બરકરાર હતો. શ્યામે નૈષીની આંખોમાં જોયું ત્યાં પ્રેમ દેખાયો. નજરથી નજર સાથે વાત થઇ ગઈ, હાથ વગરની હથેળીએ વાત કરવાની જરૂર ન રહી. લગ્નની ઘટના સ્વાભાવિક રીતે જ દૂર હડસેલાઇ ગઇ. શ્યામનાં માતા-પિતા દીકરાની જિંદગીને નવેસરથી ગોઠવવાની મથામણમાં લાગી ગયાં. નૈષીનાં મમ્મી-પપ્પા હાથ વગરના યુવાનના ‘હાથ'માં દીકરીનો હાથ સોંપવો કે નહીં એની અવઢવમાં પડી ગયાં. શ્યામ સ્વયં મોટી મૂંઝવણમાં મુકાઈ રહ્યો હતો. એની બુદ્ધિ કહેતી હતી કે સપનાંનો સૂરમો અંજાયેલી આંખોવાળી નૈષી એને છોડીને બીજા લાયક યુવાન સાથે એનું જીવન જોડી દે અને શ્યામનું દિલ એવું ઇચ્છતું હતું કે નૈષી એની સાથે જ જોડાયેલી રહે. નૈષીના મનમાં કોઇ અવઢવ ન હતી. એના કાનમાં એના પ્રેમીએ ઉચ્ચારેલો ટોણો હજી જીવંત હતો, ‘જો મારા હાથ ઉપર કૃષ્ણું ટેટૂ ના હોત તો તું મને ચાહતી ન હોત!' નૈષીએ હવે પોતાની જાતને સાબિત કરવાની હતી. હાથ ન હતો, ટેટૂ ન હતું, કૃષ્ણ ન હતા પણ એટલે શું થઇ ગયું? શ્યામ તો હતો ને! કૃષ્ણ એટલે જ શ્યામ. પંદર દિવસ પછી કિરણ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જન ડો. અરવિંદ પટેલે શ્યામની પથારી પાસે આવીને કહ્યું, ‘તમે હવે પૂરેપૂરા સાજા થઇ ગયા છો. આજે તમને રજા આપવામાં આવે છે.' સાંભળીને શ્યામની આંખોમાં વ્યથા ઊપસી આવી, ‘પૂરેપૂરો? એક હાથ વગરનો માણસ તો અધૂરો ગણાય. હું સાજો થયો છું, પણ સારો નથી થયો.' ડો. પટેલે શ્યામના માથા પર હાથ ફેરવ્યો, ‘જો નસીબ સાથ આપશે તો તમે સારા પણ થઇ જશો અને અખંડ પણ બની જશો. મને અપર લિમ્બના પ્રત્યારોપણની જાણકારી છે. ગુજરાતમાં અત્યાર સુધી આવું ઓપરેશન સફળ રહ્યાનું કોઇ ઉદાહરણ નથી, પણ મને વિશ્વાસ છે કે હું એ કરી શકીશ. ભવિષ્યમાં જો કોઇ બ્રેન-ડેડ દાતાનો હાથ મળી જશે તો હું એને તમારા શરીર પર લગાવી આપીશ. હું તમને ખાતરી નથી આપતો, પણ આશા આપું છું.' આશાની આશામાં બે-ચાર મહિના નહીં, પૂરાં બે વર્ષ પસાર થઇ ગયાં. શ્યામ નિયમિત સમયાંતરે ડો. પટેલને ફોન કરીને પૂછતો રહ્યો, ‘કોઇનો હાથ મળ્યો?' આ પણ વિધાતાની કેવી ક્રૂર વ્યવસ્થા ગણાય કે કોઇ વ્યક્તિ મરે તો એનો હાથ મળે! સ્વયં શ્યામ એવું ન ઇચ્છે કે એને હાથ અપાવવા માટે ઇશ્વર કોઇને મૃત્યુ આપે. બે વર્ષ પછી ડો. પટેલે સામે ચાલીને શ્યામને ફોન કર્યો, ‘એક ગંભીર અકસ્માતમાં તમારા જેવા જ એક યુવાનનું મૃત્યુ નીપજ્યું છે. હાલમાં એ યુવાન અમારી હોસ્પિટલમાં બ્રેન-ડેડ હાલતમાં સપોર્ટ સિસ્ટમ પર જીવી રહ્યો છે. એનો હાથ તમારા માટે આશીર્વાદનો હાથ બની શકે છે. આપણી પાસે સમય ખૂબ ઓછો છે. તમે ઝડપથી આવી શકશો?' શ્યામે જવાબ આપ્યો, ‘તમે ફોન પૂરો કરો અને હું તમારી હોસ્પિટલના દરવાજા પર ઊભો હોઇશ.' શ્યામ, નૈષી અને એ બંનેનાં પરિવારજનો પહોંચી ગયાં. તાબડતોબ શ્યામનાં જરૂરી પરીક્ષણો કરી લેવામાં આવ્યાં. બધા રિપોર્ટ્સ નોર્મલ જણાયા એટલે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. કિરણ હોસ્પિટલમાં લાંબી અને જટિલ શસ્ત્રક્રિયા સંપન્ન થઈ. ગુજરાતનું આ પ્રથમ હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન થયું. એ પછી કેટલાંક મેડિકલ કોમ્પ્લિકેશન્સ ઊભાં થયાં, પરંતુ કાબેલ ડૉક્ટરોની ટીમ દ્વારા એને સફળ રીતે હેન્ડલ કરવામાં આવ્યાં. શ્યામ હવે પૂર્ણ અને અખંડ બની ગયો છે. કોઇ માની ન શકે એવી આશ્ચર્યજનક ઘટના એ છે કે જેનો હાથ શ્યામને મળ્યો એ મૃતક યુવાને પોતાના જમણા હાથ ઉપર મોરપીંછનું ટેટૂ છુંદાવેલું હતું. નૈષી શ્યામનું પાણિગ્રહણ કરવા માટે થનગની રહી છે. એના જીવનસાથીના હાથ પર કૃષ્ણ નથી તો શું થયું, કૃષ્ણના ટ્રેડમાર્ક જેવું ઓળખચિહ્ન તો છેને! કૃષ્ણ સદા સહાયતે!
    Click here to Read More
    Previous Article
    ઈમિગ્રેશન:ગ્રીનકાર્ડ હોલ્ડર ભારતમાં કેટલો સમય રહી શકે?
    Next Article
    આઠમી અજાયબી:વોયનિચ મેન્યુસ્ક્રિપ્ટ : 600 વર્ષથી કોઈ આ લખાણને કેમ ઉકેલી શક્યું નથી?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment