Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ્લેક એન્ડ વ્હાઈટ:ખેપાની દુશ્મન સાથે ખોટનો વેપાર!

    4 days ago

    15 એપ્રિલ, 2026ના દિવસે એક સમાચાર આવ્યા કે અમેરિકાને પાછળ રાખીને ચીન આપણા દેશના સૌથી મોટા ટ્રેડિંગ પાર્ટનર તરીકે પ્રથમ નંબરે આવી ગયું છે (આનું સૌથી મોટું કારણ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વૉર શરૂ કરી એ છે. બાકી છેલ્લાં ચાર નાણાકીય વર્ષ દરમિયાન આપણા દેશનો સૌથી વધુ વેપાર અમેરિકા સાથે થતો હતો). 2025-26ના નાણાકીય વર્ષમાં આપણા દેશનો વેપાર ચીન સાથે વધીને 151.1 બિલિયન ડોલર સુધી પહોંચ્યો છે. આપણા દેશે 2025-26નાં નાણાકીય વર્ષમાં ચીનમાં નિકાસ અગાઉના વર્ષ કરતાં 36.66 ટકા વધુ કરી છે. જેનું મૂલ્ય 19.47 બિલિયન ડોલરનું છે, પરંતુ સામે આયાતમાં 16 ટકા વધારો થયો છે (131.63 ડોલર બિલિયન) એને કારણે આપણી ચીન સાથેની ટ્રેડ ડેફિસિટ ઓલ ટાઈમ હાઈ - 112.6 બિલિયન ડોલર સુધી પહોંચી છે. આ સમાચાર મોટાભાગના ભારતીય વાચકોએ ધ્યાનથી વાંચ્યા નહીં હોય, પરંતુ આ ખતરનાક વાસ્તવિકતા દરેક ભારતીય નાગરિકે સમજવી જોઈએ. આ સમાચાર ચીન માટે આનંદદાયક છે અને આપણા માટે આઘાતજનક છે. આ સમાચાર વાંચીને અમેરિકાવિરોધી એવા ઘણા ભારતીય નમૂનાઓને મજા પડી ગઈ હશે કે આપણે અમેરિકાને બદલે ચીન સાથે વધુ વેપાર કર્યો, પરંતુ આ વાત આપણા દેશ માટે ચિંતાજનક છે. આ વિષય મોટા ભાગના વાચકોને ભારે અને ગંભીર લાગશે, પણ દરેક ભારતીય નાગરિકે આ વાત ઊંડાણથી સમજવા જેવી છે. ચીન સાથે જેટલો વેપાર વધુ થાય એટલું નુકસાન આપણા દેશને થાય. એટલા માટે કે આપણે ચીનમાં નિકાસ ઓછી કરીએ છીએ અને ત્યાંથી આયાત વધુ કરીએ છીએ. ચીન સાથે આપણી ટ્રેડ ડેફિસિટ દર વર્ષે વધતી જ જાય છે. જે આપણા માટે ખતરાની ઘંટડી સમાન છે (કોઈ દેશ બીજા દેશમાં જેટલી કિંમતના સામાનની નિકાસ ક રે એના કરતાં વધુ કિંમતનો સામાન આયાત કરે એને ટ્રેડ ડેફિસિટ એટલે કે વેપાર ખાધ કહેવાય). ચીન સાથે વેપારમાં આપણે હંમેશાંની જેમ ખોટનો જ ધંધો કર્યો છે. 2025-26ના નાણાકીય વર્ષમાં અમેરિકા સાથે આપણે 140 બિલિયન ડોલરનો વેપાર કર્યો છે. 2025-26ના વર્ષમાં આપણે અમેરિકામાં 87.3 બિલિયન ડોલરના સામાનની નિકાસ કરી છે. નાણાકીય વર્ષમાં આપણા માલની અમેરિકામાં નિકાસમાં 0.92 ટકાનો નજીવો વધારો થયો છે એની સામે અમેરિકાથી સામાનની આયાતમાં 15.95 ટકાનો વધારો થયો છે અને આપણે અમેરિકાથી 52.9 બિલિયન ડોલરની આયાત કરી છે. અમેરિકા સાથેના વેપારમાં આપણો હાથ ઉપર રહે છે. કારણ કે આપણે આયાત કરીએ છીએ એના કરતાં વધુ નિકાસ કરીએ છીએ. એને ‘ટ્રેડ સરપ્લસ’ કહેવાય. 2024-25માં અમેરિકા સાથે ટ્રેડ સરપ્લસનો આંકડો 40.89 બિલિયન ડોલર હતો, જે 2025-26ના નાણાકીય વર્ષમાં ઘટીને 34.4 બિલિયન ડોલર થયો છે. એટલે કે અમેરિકાની ટ્રેડ ડેફિસિટ આપણી સાથેના વેપારમાં ઓછી થઈ છે. આપણા માટે ચીન સાથેની ટ્રેડ ડેફિસિટ માત્ર આર્થિક રીતે જ ચિંતાજનક નથી, પણ આપણા દેશની સલામતીની રીતે પણ અત્યંત જોખમી છે. આપણી સાથેના વેપાર થકી ચીનને જંગી ટ્રેડ ડેફિસિટનો ફાયદો મળે છે. આપણે ચીન પાસેથી લાખો-કરોડો રૂપિયાના સામાનની આયાત કરીએ એ બધા રૂપિયા સીધા ચીનની સરકારની તિજોરીમાં નથી જતા, પણ આપણી સાથેના વેપારમાંથી લાખો-કરોડો રૂપિયા ચીનમાં ઠલવાય છે એને કારણે ચીનના અર્થતંત્રને તગડો ફાયદો થાય છે. અને એનો ઉપયોગ ચીન પોતાની લશ્કરી તાકાત વધારીને આપણા દેશ પર દબાણ વધારવા માટે કરે છે, આપણા પાડોશી દેશોને આપણી વિરુદ્ધ ઉશ્કેરવા માટે કરે છે. આ ટ્રેડ ડેફિસિટ ઘટાડવા માટે સરકાર કશું વિચારતી જ હશે, પરંતુ એમાંના મોટા ભાગના વિચારો માત્ર પેપર પર રહી જતા હશે. જોકે, આ ટ્રેડ ડેફિસિટ ઘટાડવા માટે માત્ર સરકાર જ બધું ન કરી શકે. આપણે એક સામાન્ય નાગરિક તરીકે પણ ચાઈનીઝ વસ્તુઓ વાપરવાનું બંધ ન કરી શકીએ અને ઓછું કરીએ તોય ચીનને મોટો ફટકો પડી શકે. ચીન સાથેની ટ્રેડ ડેફિસિટની ગંભીરતા સમજીને આપણા વિવેકભાન પ્રમાણે ચીનની વસ્તુઓ વાપરવાનો આગ્રહ (કે દુરાગ્રહ) ઓછો રાખીએ તો એમાં આપણા દેશનો ફાયદો છે. ચીન સાથે આપણી વેપાર ખાધ દર વર્ષે ચિંતાજનક રીતે વધી રહી છે, પણ આપણા માટે ચીન સાથેનો વેપાર એ અનિવાર્ય અનિષ્ટ સમાન છે. કેમ એ ઘણા ભારતીય ઉદ્યોગો ઘણા કાચા માલ માટે ચીન પર નિર્ભર છે. વળી, આપણે ચીન પાસેથી ઇલેક્ટ્રોનિક્સ, મશીનરી, કેમિકલ્સ, સોલાર પેનલ્સ જેવી મોટી માત્રામાં વસ્તુઓ ખરીદીએ છીએ. ઘણા જાડી બુદ્ધિના સોશિયલ મીડિયાવીરો હાકલા-પડકારા કરતા હોય છે કે આપણામાં (એટલે કે નરેન્દ્ર મોદી સરકારમાં) ચીન સાથે લડી લેવાની હિંમત કેમ નથી? પણ આજના સમયમાં અગાઉની જેમ ધિંગાણાં નથી થતાં એમ માત્ર સીધા યુદ્ધ પણ કોઈ ઉકેલ લાવી શકતા નથી. વેપારની વાત આવે ત્યાં ભલભલા દેશો સમાધાનની વાત કરવા તૈયાર થઈ જતા હોય છે. જેમ મહાસત્તા અમેરિકા અને માથાફરેલ ઈઝરાયેલ ઈરાન પર ત્રાટક્યા અને ડોનાલ્ડ ટ્રમ્પને એમ હતું કે ઈરાન સરકાર એક સપ્તાહમાં તો ઘૂંટણિયા ટેકવી દેશે એને બદલે ઈરાને માત્ર હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોને પસાર થવા પર પ્રતિબંધ મૂકીને આખી દુનિયાને તણાવ હેઠળ મૂકી દીધી. એમ કોઈ મુદ્દે ચીન અને ભારત વચ્ચે તણાવ થાય તો ચીન ભારતના મોટા વેપારી ભાગીદાર તરીકે ભારત પર કૂટનીતિક દબાણ પણ લાવી શકે છે. ચીન કાચા માલની ભારતમાં નિકાસ બંધ કરીને ભારતનું નાક દબાવી શકે. આગળ કહ્યું એમ ભારતીય ઉદ્યોગો ઘણા કાચા માલ માટે ચીન પર નિર્ભર છે. અને ચીનથી કાચો માલ આવતો બંધ થઈ જાય તો મોટો ફટકો પડે. એટલે અગાઉ તલવાર તાણીને લડવા નીકળી પડતા એમ મિસાઇલ તાણીને યુદ્ધના મેદાનમાં કૂદી ન પડાય (આ જ વિચાર ચીનના શાસકોએ પણ કરવો પડે છે. બાકી ચીન કોઈ પણ મુદ્દો ઊઠાવીને ભારત સાથે યુદ્ધ છેડી શકે. ચીન આપણા કરતાં ઘણું શક્તિશાળી રાષ્ટ્ર છે, પણ ચીનના શાસકો ગામના ઉતાર જેવા હોવા છતાં એવું કરતાં નથી કેમ કે તેમને પણ ભારત જેવા મસમોટા માર્કેટની ગરજ છે). ચીન સાથે આપણી વેપાર ખાધની સ્થિતિ ટાળવા માટે સામાન્ય નાગરિકથી માંડીને વેપારીઓ, ઉત્પાદકો અને સરકાર – બધાએ કમર કસવી પડે તો થોડાં વર્ષો પછી એનાં નક્કર પરિણામો જોવા મળી શકે.
    Click here to Read More
    Previous Article
    બુધવારની બપોરે:ચોર ચોરી સે જાય, હેરાફેરી સે ન જાય!
    Next Article
    આંતરમનના આટાપાટા:ઘડપણ : મનગમતી પ્રવૃત્તિની નવી વસંત

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment